November 24, 2024

અંગ્રેજીનો પેરાડોક્સ !

અંગ્રેજીનો પેરાડોક્સ ! 

વાંચવાનું શરૂ કરો તે પહેલાં ગૂગલ પર “paradox” સર્ચ કરી વાંચી પછી આગળ વાંચો !

ભાષાના સ્વભાવથી પરિચિત થવા તે ભાષા વધુ ને વધુ સાંભળવા મળે તે ઉત્તમ સ્થિતિ છે. જેટલી વધુ સાંભળવા મળે એટલી તે જીભે વહેલી ચડે ! તમારી આસપાસ હમણાં જ બોલતા શીખેલું બે ત્રણ વર્ષનું ટાબરિયું તમને આવીને “કૈસે હૈ ? ખાના ખાના હૈ ! કે અચ્છા હમ ચલતે હૈ !” બોલી જાય ત્યારે હવે નવાઈ લાગતી નથી. હવે આપણને સમજાઈ ગયું છે કે પોતાની આસપાસ રહેતા માણસો કરતાંય હવે તે મોબાઇલમાં આવતા જુદા જુદા કાર્ટૂન સાથે સંવાદ વધુ કરે છે ! 

(હા, સંવાદ જ - એ ક્યારે તેના એક પાત્રને બોલતાં સાંભળે છે અને તેમાં રહેલું બીજું પાત્ર કંઈ પણ બોલે તે પહેલાં એના મગજમાં શું બોલાય તેનું ચિત્ર ઉપસતું જ જાય છે ! અને આવું જોયા પછી એ એકલું એકલું તેના જુદા જુદા સંવાદો બડબડાટ કર્યા જ કરે છે !) 

એટલે ગુજરાતમાં જન્મે એ બાળક માટે ગુજરાતી અને હિન્દી ભાષા બોલવામાં અને સાંભળવામાં મુશ્કેલી પડતી નથી -  એનાથી વિપરીત અંગ્રેજી - આપણા કાન જ્યાં જ્યાં અંગ્રેજી શરૂ થાય એટલે બંધ જ થવા માંડે ! યાદ કરો ક્રિકેટ જોતી વખતે તમે કઈ ભાષામાં કોમેન્ટરી પસંદ કરો છો ? અંગ્રેજી મૂવી અંગ્રેજીમાં જુઓ છો કો હિન્દીમાં ડબ થયેલા ! અને આ કારણે શરૂ થાય છે એક અજબ પેરાડોક્સ !

“અંગ્રેજી આવડે તો સાંભળીએ” - એવું આપણે માનીએ છીએ.

“અંગ્રેજી સાંભળીએ તો આવડે.”  - એ અંગ્રેજી શીખવાની ચાવી છે.

હવે આ સ્થિતિમાં આપણને ક્યારેય અંગ્રેજી સાથે દોસ્તી થશે જ નહીં.

 

આવું, જ વાંચવાની બાબતમાં પણ થાય છે. જેવું આપણી નજરે અંગ્રેજી પડે એટલે આપણે એ લખાણ  બીજા તરફ ધરી દઈએ છીએ કે શું લખેલું છે ? આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણને કોઇકવાર ગુજરાતી લિપિ પણ ઉકેલતાં નહોતી જ આવડતી. અને એ લિપિ આપણે ભૂલો કરતાં કરતાં જ શીખી છે.  જેમાં શરૂઆતમાં એકાદ અક્ષરને આધારે એ કયો શબ્દ છે તે ધારીને બોલતા/વાંચતા  હતા - ઘણી વાર એક શબ્દ વાંચી જઈએ તેના આધારે તેની પાછળનો શબ્દ કયો હોઈ શકે એ વાંચતા હતા ! અને અત્યારે પણ - જ્યારે આપણને ભાષાના બધા અક્ષરો ઉકેલતાં આવડી ગયા છે ત્યારે પણ આપણે શબ્દશ: વાંચતા નથી આપણે ‘અર્થ બનાવતા જઈએ અને વાંચતા જઈએ’ એમ કરી છીએ. 

આ જ બાબત અંગ્રેજી વાંચવામાં પણ લાગુ થાય પણ આપની આડોડાઈ ગણીએ કે પેરાડોક્સમાં ફસાઈ જવાની આપણી વૃત્તિ ! આપણે પ્રયત્ન કરતા નથી અને આપણાં બાળકો તો આપણને જોઈને જ શીખે છે !એટલે એ પણ અંગેજી વાંચવાનું ટાળે જ - અને એ ટાળે એટલે વાંચતાં આવડે નહીં !

આ પેરાડોક્સે આપણા ધોરણ - સાતને પરેશાન કર્યું. પરંતુ તે જ ધોરણના સાગરને મળેલા એક નાનકડા આત્મવિશ્વાસથી આ આખી મિથ ક્રેક કરી નાખી. જે વિદ્યાર્થી એકાદ વાક્ય વાંચવામાં મુશ્કેલી અનુભવતો હતો એ કડકડાટ અને અર્થપૂર્ણ રીતે વાર્તા વાંચતો થઈ ગયો ! 

આ ઘટના પર રિફલેક્શન કરતાં સમજાયું કે જો તેઓ થોડુંક વાંચતાં થાય અને તેઓને અનુભૂતિ થાય કે “યેસ, આઈ કેન રીડ ઇંગ્લિશ !” તો બાત બન શકતી હૈ. 

આ વિચારને વર્ગમાં લઈ જવા તેઓને જૂથમાં બેસી એવા શબ્દો શોધવા કહ્યું કે જે બધા યુનિટમાં આવતા જ હોય - એ વાંચતાં આવડે ના આવડે મહત્ત્વનું નથી પણ એવા શબ્દો તારવો કે જે અંગ્રેજી ભાષા જ્યાં જ્યાં છપાયેલી હોય ત્યાં ત્યાં હોય જ !

એમણે ભેગા થઈ 50 શબ્દો શોધ્યા ! (અમને 7043718875 પર અંગ્રેજી શબ્દો એમ લખીને વોટ્સેપ કરજો આપને પણ મોકલી આપીશું.) 

એ શબ્દો એવા શબ્દો હતા જે વારંવાર આવે જેમ કે - you, my, are, is, the, a, an વગેરે !

હવે કોઈ પાનું ખોલીએ અને આટલા શબ્દો વાંચતાં આવડે એવું લાગે તો આગળ વધુ પ્રયાસ કરવાનું મન થાય !

તેઓ મથી રહ્યા છે - પોતાના ગ્રુપના બધા સભ્યોને આવા શબ્દોમાં સહજ બનાવવા ! પરિણામ શું આવશે એ તો પછી જ કહી શકાય - પણ એક બાબત તો થઈ જ રહી છે કે તેઓ સૌ આત્મવિશ્વાસથી ભરેલા છે કે “ યેસ, વી કેન !” 

શું લાગે છે ? તોડી શકીશું આ અંગ્રેજીનો  પેરાડોક્સ?




November 20, 2024

વાલી – શાળા – બાળક !

વાલી – શાળા – બાળક !

પ્રાથમિક  શિક્ષણ એ ત્રિકોણીય પ્રક્રિયા છે. શિક્ષણ કાર્યમાં અસરકર્તા અથવા તો મહત્વનાં જોડાયેલ ત્રણ પાસાં છે. એક બાળક પોતે જે મુખ્ય કેન્દ્ર છે, બીજાં છે  તેના વાલી અને ત્રીજા આપણે સૌ એટલે કે શિક્ષક ! ત્રણેયનું સંગમસ્થાન એટલે શાળા કે જ્યાં બાળકના વિકાસ માટેની પ્રક્રિયાઓ થયા કરે છે. 

આપણે ત્યાં શિક્ષણવ્યવસ્થામાં વાલીને ફક્ત ઉપભોક્તા તરીકે જોવામાં આવ્યો છે. તે  માને છે કે મારું બાળક અહીંયાં શાળામાં ભણે છે. અથવા તો હું મારા બાળકને અહીંયાં - શાળામાં ભણવા મોકલું છું.  ખરેખર તો તે બાળકના શીખવાની પ્રક્રિયાનો એ પોતે જ મોટો હિસ્સો છે. અને ખૂબ અસરકર્તા પણ છે. પરંતુ આ બાબત વ્યવસ્થાઓમાં એટલી બધી પ્રકાશિત થઈ શકી નથી જેટલી થવી જોઈએ. શાળા વ્યવસ્થાપન સમિતિ આમ તો શાળાની દરેક પ્રક્રિયાની દેખરેખ રાખતી સંસ્થા ભલે હોય, પરંતુ બાળકના પોતાનાં વાલીઓ બાળકના શિક્ષણમાં ભાગીદારી [ અહીં જાણી જોઈને “જાગૃતિ “ શબ્દ ઉલ્લેખાયો નથી. ] વધારે તે ખૂબ મહત્વનું છે. જન્મથી જ બાળક માતા-પિતાની આસપાસ  મોટું થાય છે, તેની આસપાસના સમાજના હાથમાં ઉછરે છે. અને ત્યારબાદ તે શાળા એટલે કે શિક્ષક સાથે જોડાય છે.  આવી બધી જ વ્યવસ્થાઓ કહીએ કે પછી પ્રક્રિયાઓ - બાળક માટે વધુ સમય શિક્ષક કરતાં પણ સમાજ આપે છે. એવામાં સમાજ જો શાળાની વર્ગખંડ - શૈક્ષણિક કાર્યપ્રણાલીથી  વાકેફ હોય તો પોતાનાં બાળકો સાથેના પસાર થતા સમયમાં તે શાળાને સપોર્ટિંગ રોલમાં ખૂબ સારું કરી શકે.   

આપણી શૈક્ષણિક વ્યવસ્થાઓને રિક્ષા સ્વરૂપે ચાલતી જોઈએ તો બાળક તેનું પ્રથમ પૈડું છે, જ્યારે પાછળનાં બે પૈડાં તે શિક્ષક અને વાલી ! જો ઉપરોક્ત બાબતો તમને સમજાઈ હોય તો પાછળનાં બે પૈડાંમાં પણ શિક્ષક કરતાં વધુ મહત્ત્વનું પૈડું તે તેનાં માતાપિતા અને વાલી છે. આવાં મહત્ત્વનાં આપણાં સાથીને વધુ મજબૂત કરવાનો ઉત્સવ એટલે જ વાલીસંમેલન ! 

આપણે જોયું હશે કે બાળકોના જવાબપેપર જોવા આવતા વાલીઓ ક્યારેક દુખી તો ક્યારેક બાળકોને લડવાના મૂડવાળા થઈ જય છે ! તેવામાં વાલી સાથે સંવાદ થવો અનિવાર્ય છે. શૈક્ષણિક સંસ્થાઓએ વાલીઓ સાથે બાળકની જવાબવહીને જોવાની દૃષ્ટિ અંગે ક્યારેય ચર્ચા કરી નથી ! માર્કને ટ્રેડમાર્ક બનાવી દઈને ચિંતિત થવાને બદલે  માર્કનું માર્કિંગ કરી બાળકને આગળ વધવામાં સહાય કરવા અંગે ક્યારેય સંવાદ કરાયો નથી. બાળક પોતાનો વધુ સમય જ્યાં ગાળે છે તે પર્યાવરણને, વધુ સમય જેની સાથે રહે છે તે વ્યક્તિઓ એટલે કે વાલીઓ સાથેનું શિક્ષકનું ટ્યુનિંગ આ કામ ખૂબ સારી રીતે કરી શકતું હોય છે. અને તે કામ વારંવાર સમાજની વચ્ચે જતો પ્રવૃત્તિશીલ શિક્ષક અથવા તો વારંવાર વાલીઓ સાથે સંવાદ કરતી શાળા જ કરી શકે છે. 

જો શીખવા - શિખવવાની યુક્તિ-પ્રયુક્તિમાં સામાન્ય ફેરફાર કરી કેટલીક શૈક્ષણિક પ્રક્રિયાઓમાં બાળકને જરૂર પડે તે રીતે બાળકના વાલીને પણ જોડવામાં આવે તો આ કામ ખૂબ સરળ બની શકે. વ્યવહારુ ગણિતની વાત હોય કે પછી પર્યાવરણ અંગેની  ચર્ચા હોય - આ કામ શિક્ષક કરતાં પણ વધુ સારું દુકાનદાર - ખેડૂત - પશુપાલક વગેરે કરી શકતા હોય છે. બાળકોને અપાતા ગૃહકાર્યમાં પણ જો બાળકે વાલી સાથે સંવાદ કરવો પડે અથવા તો વાલીએ જોડાવું પડે તેવા પ્લાનિંગ સાથે હોય તો ધીમે ધીમે વાલી અનુભવતો જાય કે બાળક કેવી રીતે શીખે છે? કેવા સંવાદથી સમજે છે? આવી સમજણવાળો વાલી બાળકનો મોટો સાથીદાર બની શકે છે. 

અને હા, આ રીતે જો આપણા પ્રયત્નો વડે આપણે વાલીને વર્ગખંડ સાથે જોડીશું તો પોતાનાં બાળકોની જવાબવહી જોતા સમયે ચિંતા કરતા અને ચિંતા કરાવતા વાલીઓ ચિંતા છોડી આપણી સાથે બાળકના અભ્યાસ માટેના “ચિંતન” માં જોડાશે. ચાલો, ત્યાં સુધી ગણિત અંતર્ગત સમાજમાં ચાલતી વ્યવહારિકતા અંતર્ગત કરાતી લેવડદેવડને જાણવા એટલે કે  વ્યવહારિક  દાખલા શીખવા ગામમાં જ ક્લાસ લગાવેલ બાળકોને મળીએ !  [ ફોટો પર ક્લિક કરો ]

October 31, 2024

ટેસ્ટ ઓફ ટંગ, ટેસ્ટ ઓફ માઈન્ડ!

ટેસ્ટ ઓફ ટંગ, ટેસ્ટ ઓફ માઈન્ડ!

પ્રશ્ન પૂછું ?  -  વાંચવું  ગમે ? લખવું  ગમે ? - મોટાભાગના વ્યક્તિઓનો જવાબ શું હશે ? મારા અનુભવો કહે છે કે મોટેભાગે જવાબ નકારમાં હશે ! જેઓનો જવાબ હા હશે તેમાં પણ મોટેભાગે ગમે તો ખરું પણ ન વાંચી શકવાનાં કારણો સાથે  ! આમાં અમારા મત ઓગણીસ વીસ હોઈ શકે છે. પરંતુ વાત બાળકોની કરીએ તો તેઓને તેમાં વીસે વીસ છીએ કે બાળકોને વાંચવું લખવું એટલું તો  ન જ ગમે - જેટલું તેઓને પ્રવૃત્ત થવું ગમે. 

આપણું કામ બાળકોને વર્ગખંડમાં નિષ્પત્તિ આધારિત અધ્યયન કાર્ય કરાવવાનું હોય છે. તેવામાં બાળકોનો સ્વભાવ વર્ગકાર્ય પ્રક્રિયામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. ઉદાહરણ તરીકે બાળકો માટે દવા બનાવતી ફાર્મા કંપની બાળક માટે જ્યારે કોઈ દવા ગોળીઓનું નિર્માણ કરતી હોય છે,  ત્યારે તે બાળકના મૂળ સ્વભાવને  ધ્યાને રાખી પ્રોજેક્ટ હાથ ધરતી હોય છે. અને તેના કારણે જ તે દવા ગમે તેટલી કડવી હોય પરંતુ કંપની તેને બાળકના સ્વાદે ચોકલેટી બનાવવાનો સંપૂર્ણ યત્ન કરી લેતી હોય છે. વિચારો કે બાળકનો “ટેસ્ટ ઓફ ટંગ” ને ધ્યાને રાખ્યા  વિના જ પોતાની અનુકૂળતા મુજબ ટેબ્લેટ કે દવા બનાવે તો ? - ગમે તેટલી અસરકારક દવા પણ માતાપિતા એમ કહીને ન ખરીદે કે આ તો અમારો બાળક પીતો જ નથી - અથવા તો આ દવા પીવાની/ગળવાની આવે એટલે બહુ મહેનત પડે !  આપણે સૌએ આ બાબતમાં ખૂબ શીખવા અને સમજવા જેવું છે. બાળકોના મૂળ સ્વભાવને જાણ્યા કે સમજ્યા વિના ગમે તેટલું વર્ગકાર્ય કરીએ તે બાળકના મન સુધી નથી પહોંચતું. 

બાળકો ચંચળ હોય છે એવું આપણે શા પરથી કહેતા થયા ? - તો જણાશે કે બાળકોને સતત પ્રવૃત્તિમય રહેવું હોય છે. આપણે કામ સોંપીએ કે ન સોંપીએ તેઓ કઇંક ને કઇંક કામ શોધી લેતાં હોય છે - જેને વાલીઓ અને આપણે પણ ક્યારેક કંટાળા સ્વરૂપે - આ તો એક મિનિટ જપતા જ નથી ! એવા ડાયલોગ વડે નવાજતા હોઈએ છીએ ! આ ‘જપતા નથી’નો બારીકાઈથી અભ્યાસ કરો તો સમજાશે કે તેનું મન જપતું નથી. મન સતત વિચારશીલ અને તેને અનુસરતું શરીર સતત પ્રવૃત્તિશીલ રહેવા મથતું હોય છે. તેથી જ તો શાળા હોય કે ઘર - તે કઈં જ પ્રવૃત્તિ ન મળે તો આમથી તેમ દોડવું - કૂદવું - મસ્તી તોફાન કરવું વગેરે વગેરે.. 

આવા સ્વભાવ સતત પ્રવૃત્ત રહેવાના સ્વભાવ સાથે વર્ગખંડમાં બેઠેલાં બાળકોને જ્યારે પ્રવૃત્તિ વિનાનું એટલે કે તેને તેના મનને મથામણ ન કરવી પડે તેવું ચીલાચાલુ લખવા -વાંચવાનું કાર્ય સોંપી દો તે તેના ટેસ્ટ ઓફ માઇન્ડ - ની વિરુદ્ધ દિશા છે ! આવા શૈક્ષણિક કાર્યથી કદાચ આપણી હાજરીને કારણે બાળક પ્રવૃત્ત દેખાય ખરો પણ હોતો નથી. 

 બાળકોની પ્રવૃત્તિઓમાં આપણા શૈક્ષણિક ઉદેશ્યને જોડી દેવા એ જ શાણપણ છે, આવું શાણપણ પણ જ આપણા બાળકોનું બાળપણ બચાવતું રહેશે અને આપણા બાલવાટીકામાં આપણે સૌએ કરેલા પ્રયત્નોનું સોનેરી ફળ આપતાં રહેશે.. 

બાલવાટિકામાં શાળાના શિક્ષકે બાળકો સાથે વાર્તા સ્વરૂપે કરેલ સંવાદ કે પછી કોડિયાંનું રંગરોગાન .. ભીંડા વડે છાપ.. રંગ વડે રંગોળી કે પછી કાગળમાંથી બનાવવાનો હોય કૂતરો.. આ બધું જ પેલી દવા કંપનીની જેમ ઉદ્દેશ્ય શૈક્ષણિક હતો પણ ફ્લેવર બાળકના ટેસ્ટ ઓફ માઇન્ડ મુજબની કરી.. ચાલો માણીએ તેમાંથી એક એવી વાર્તારૂપી સંવાદને કે રેતી બનતી કેવી રીતે હશે ?  વિડીયો >>>  વાર્તા અને વાતચીત



“એન્જિન કયાં છે?”

“એન્જિન કયાં છે?” 🙋


    શિક્ષકનું કામ શું ? એવું કોઈ પૂછે ત્યારે સૌનો જવાબ હોય છે - બાળકને ભણાવવું - શિક્ષિત કરવું - કેળવવું વગેરે વગરે. 

પરંતુ કેટલીકવાર એવું પણ સાંભળીએ છીએ કે બાળક પોતાની આસપાસના પર્યાવરણ પાસેથી શીખતો રહે છે. તો પછી સમાજવ્યવસ્થામાં શાળા શા માટે ? અને સમાજને શિક્ષક પાસેથી શી અપેક્ષા હોય છે? આવા કેટલાય પ્રશ્નો શિક્ષણમાં રસ ધરાવતા હોય એવા સૌને થતા હોય છે. ત્યારે જવાબ અનેક પ્રકારે મળતો હોય છે. જેમ કે  સમાજમાંથી શીખેલ બાબતોને વ્યવસ્થિત ગોઠવી અને બાળકમાં સામાજિકતા વિકસાવવી વગેરે વગેરે.. 

પરંતુ મોટાભાગે આપણે સૌ એ હતાશા અનુભવતા હોઈએ છીએ કે આપણે વર્ગખંડમાં જેટલી મહેનત કરીએ છીએ તેટલું પરિણામ આપણને મળતું નથી હોતું. અગાઉના અંકના લેખમાં વાત થઈ હતી તેમ - હું તો સમજાવી સમજાવીને થાક્યો પણ બાળકો સમજતા જ નથી - જેવી ફરિયાદ / પીડા સતત મનમાં ગૂંજતી રહેતી હોય છે. તો અગાઉની વાતોમાં પણ આપણે ‘હાર્ડ વર્કની સામેસ્માર્ટ વર્ક’ અંગે ચર્ચા થઈ છે. જેમાં બાળકો શીખતાં નથી - સમજતાં નથી - વગેરે પ્રશ્નોના ઉકેલ મેળવવાની મથામણ કરી છે. તેમાં વધુ એક માથામણ કરવી જરૂરી છે.. 

વર્ગકાર્ય પ્રક્રિયા શું છે? વર્ગખંડ પ્રક્રિયા એટલે બાળક અને શિક્ષક વચ્ચે થતી શીખવવું / શીખવું - સમજાવવું/સમજવું  - ઓળખાવવું/ઓળખવું ! તેના માટે આપણે સીધાં જ “બાળક સાથે કાર્ય કરતાં હોઈએ છીએ.” - આ વાક્યને જરા સુધારીને લખીએ તો - “બાળકના મગજ સાથે કાર્ય કરતાં હોઈએ છીએ.”  શાળામાં બાળક પ્રવેશે ત્યારે તેને વિદ્યાર્થી તરીકે મળવાને બદલે એક માણસ તરીકે આપણે મળીએ ત્યારે જેમ આપણી તેને મળવાની રીતભાત - ઉદ્દેશ્ય અને ભાવ બધું જ બદલાઈ જાય છે, તે જ રીતે વર્ગખંડમાં બાળક આપણી સામે હોય ત્યારે તેને આપણે કઈ રીતે શીખવી શકીશું ? તે વિચાર કરવા એક ધારણા કરી જોઈએ……

બાળકને એક  મશીન તરીકે ધારો…. તમે શિક્ષક મટી મિકેનિક બની જાઓ. હવે મિકેનિક તરીકે બાળકરૂપી મશીનમાં શિક્ષણના સ્પેશિફિકેશન ઇન્સ્ટોલ કરતાં પહેલાં  શું શું કરશે તે વિચારો! જાણશો કે મશીન કેવી રીતે કાર્ય કરે છે.

ü તેનાં દરેક ફંક્શનને સમજશે. 

ü તેના મધર બોર્ડ એટલે કે મગજના સ્પેશિફિકેશનનો અભ્યાસ કરશે. 

ü ત્યારબાદ તેના મધરબોર્ડમાં જ ખૂટતાં સ્પેશિફિક્શન એક્સટેન્ડ માટેની પ્રક્રિયા કરશે. 

ü છેલ્લે મશીનમાં શિક્ષણના સ્પેશિફિકેશન ઇન્સ્ટોલ કરશે.   

આ જ બાબતોને આપણી શિક્ષણ જગતની ભાષામાં વર્ણવીએ તો સમજાશે કે વર્ગખંડમાં આપણા સૌની સામે શીખવા સમજવા - બેઠેલ મશીનનું  મધરબોર્ડ એટલે કે બાળકનું  મગજ કેવી રીતે શીખે છે? - તે જાણવા - સમજવા માટેની આપણે સૌ મથામણ નહીં કરીએ ત્યાં સુધી આપણે એવા કારીગર છીએ જે મશીનને જાણતા નથી - પરંતુ તેને શિક્ષણ વડે શિક્ષિત કરતા હોવાના વહેમમાં છીએ. 

તેના માટે અહીં એક જોક લાગુ પડે છે.
એક ભાઈ પોતાની કારને રિપેર કારવવા લઈ ગયા. ત્યાં જઈને મિકેનિકલ એન્જિનિયરને પોતાનો પ્રોબ્લેમ કહ્યો. એન્જિનિયરે કહ્યું કે ચિંતા ન કરો. રિપેર થઈ જશે. ફક્ત મને આ કારનું એન્જિન ક્યાં છે તે બતાવો. હવે તમે જ કહો કે તમે જો કાર માલિક હો તો શું કરો? કાર તેને સોંપો કે રિવર્સમાં ગિયર લગાવી પાછા ફરો? 

માટે જ જ્યાં સુધી આપણે આપણા વર્ગખંડના એ બાળકો જેઓની સાથે કામ કરીએ છીએ - તેઓનું મગજ શીખે કેવી રીતે છે? -  તે નથી જાણતા ત્યાં સુધી આ મિકેનિકલ એન્જિનિયર જેવા જ છીએ. અને જ્યાં સુધી બાળકોના મગજની શીખવા અંગેની પ્રક્રિયાને નહીં જાણીએ - ઉપર વાત કરી તેમ ગમે તેટલું ભણાવીએ - હાર્ડ વર્ક કરીએ - પરિણામ હતાશ કરનારું જ રહેશે. અને આપણે ઠીકરું મશીનની ક્ષમતા, મશીનના ફંક્શન , સ્પેશિફિકેશન વગેરે પર ફોડતાં રહીશું ! 

ચાલો, દિવાળીની પૂર્વસંધ્યાએ શુભેચ્છા કે આ વેકેશનમાં  આપણા સૌનું ચિંતન આ દિશા તરફ વળે અને આપણા સૌની બાળકોને શિખવવાની પ્રક્રિયાઓ એ મુજબની બને - જે રીતે બાળકનું મગજ શીખે છે ! 

💥💫💫💫💫💣

October 27, 2024

સત્રનું સરવૈયું !

સત્રનું સરવૈયું !

તીવ્ર ઝડપવાળા કોઈ રોલર કોસ્ટરની મજા માણી હોય એવી સ્થિતિ શાળાની છે. જ્યારે  દિવાળીનું આ વેકેશન શરૂ થવાનું હતું ત્યારે જાણે હમણાં જ ચગડોળમાંથી ઉતાર્યા હોય એમ ફેર ચઢેલા હતા - આનંદના જ !

પ્રવેશોત્સવથી શરૂ થતી આપણી આ મજેદાર સફર ઘણા ઉતાર-ચઢાવની વચ્ચે મોટાભાગે આનંદમયી બની જ છે પરંતુ કેટલીયવાર તણાવ પણ અનુભવાયો ! એક એક વિદ્યાર્થી સુધી પહોંચવાની મથામણમાં હોય કે પોતાના વર્ગકાર્યને વધુ ને વધુ બહેતર બનાવવાની મથામણમાં હોય - સાથે અર્જુનની જેમ વહીવટી બાબતોને પહોંચી વળવાના ત્રાજવામાં પગ તો રાખવાના જ છે ! આ બધા જ જુદા જુદા પ્રકારના Orchestraની જેમ કંઈક ને કંઈક ચાલતું જ રહેતું હોય!  ક્યારેક કોઈ વધુ અવાજ કરતા વાદ્યનો સૂર તીવ્ર બનીને બધાંને સંભળાય અને ઝડપથી નાચવા મજબૂર કરે તો ક્યારેક કોઈક મધુરી મોરલીનો સૂર ચારેય બાજુ ફેલાઈ જાય ! પણ અંતે તો આ બધું જ સંગીત છે અને આ સંગીતની સંગતિમાં આપણે સૌ આ શૈક્ષણિક કાર્યનું નૃત્ય માણી રહ્યાં છીએ. 

આપણી નવા નદીસર પ્રાથમિક શાળા માટે પણ આ સત્ર આવું જ સંગીતમય બની રહ્યું ! સત્રની શરૂઆતમાં જ પ્રવેશોત્સવમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા હતા તેમણે પોતાના આંગળાનો  જાદુ એવો તો ફેલાવ્યો કે એના પછીથી તેઓ હંમેશા આ જાદુ કરતા જ રહ્યા ! એ સિવાય આ વખતની પ્રાર્થનામાં ધ્રુવભાઈને એન્ટ્રી મળી અને તેમનું “ઓચિંતુ કોઈ મને રસ્તે મળે.. “  ગીત તો જાણે કે આપણું શાળાગીત બની ગયું !

    પ્રવેશોત્સવ પૂરો થયો ને એટલામાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસ અને તે પણ ગામડામાં વધારે પ્રમાણમાં છે તેઓ ભય ફેલાયો. વિદ્યાર્થીઓ સાથે તેની ચર્ચા કરી તો એમણે એવું આયોજન કર્યું કે આના વિશેની જાગૃતતા અમે ફેલાવીશું.  બાળકો વડે યોજાયેલા આ જાગૃતિ અભિયાનને રાજ્યનાં વિવિધ ટીવી માધ્યમોમાં અને છાપાંઓમાં સ્થાન મળ્યું. એનાથી જ વિદ્યાર્થીઓ પણ વધુ પ્રોત્સાહિત થયા અને એમને “અમે જાણીએ સૌને જણાવીએ” એવી થીમ પર બીજા ચાર પ્રોજેક્ટ કર્યા. એમાં પણ વિવિધ માહિતી એકત્ર કરી અને માહિતીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો હતો. અમારું રિફ્લેક્શન અમને એ સૂચિત કરે છે કે જે પ્રમાણમાં ટીમ તરીકે જે વ્યાપ અમે વિચારેલો એ વ્યાપ સુધી અમે ગામના લોકોને મદદ ન કરી શકયા. તેમાં વિદ્યાર્થીઓ કરતાં અમારા પક્ષે જવાબદારી વિશેષ છે. અમને અભ્યાસક્રમ વિશેની જે ચિંતા ઉત્પન્ન થઈ હતી તેના કારણે અમે સતત તેમને વર્ગના ફોર્મલ ક્લાસિસમાં વધુ રાખવાનો પ્રયત્ન કર્યો. આજે સમજાય છે અમારી એ અપેક્ષાઓને કારણે વિદ્યાર્થીઓને શીખવાનું જે આકાશ છે એ અમે થોડુંક તો કાપી જ લીધું. 

શાળાનું એ સૌભાગ્ય છે કે દર વર્ષે નવા ફ્રેન્ડ્સ મળી આવે છે ! ભાર્ગવ આપણી સાથે આપણી શાળા સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે એમના દ્વારા જ બીજા બે નવા ફ્રેન્ડસ ઓફ નવા નદીસર મળ્યા ! - કાર્તિકભાઈ અને વિનશભાઈ ! શિવરંજની ફાઉન્ડેશન એ હવે આપણી શાળા સાથે શાળાની જ ટીમ બની કાર્ય કરી રહ્યું છે. એમની મદદથી જ આપણે પોલિનેટર વીક અને રાત્રિરોકાણ કરીને જુદાં જુદાં જીવડાંઓને  જોવા માટેનું અને તેમને ઓળખવા માટે ‘નેશનલ મોથ વીક’ બંનેનું આયોજન કરી શક્યા ! એ અનુભવોના કારણે હવે માણસો સાથે શાળાનાં પક્ષીઓ જ નહીં ઈયળો અને કોશેટાથી લઈ ભમરા અને પતંગિયાં પણ અમારી ચર્ચાનો હિસ્સો બની ગયાં છે ! આ જ રીતે મૌલિકભાઈ પાટણ, ચેતનભાઈ ,હની બી નેટવર્ક, સિદ્ધાર્થભાઈ., સમગ્ર શિક્ષા અભિયાનમાંથી ધર્મેશભાઈ, મહેસાણાથી રમેશભાઈ દેસાઈ અને આઇ. આઇ. એમ અમદાવાદના કેટલાક વિદ્યાર્થીઓએ ડેમોક્રેટિક સ્કૂલ બનાવવા માટેના ફ્રેમવર્ક માટે લીધેલી શાળાની મુલાકાત અને તેમાં પણ નવા નવા આઈડિયાઝની જે ચર્ચાઓ થઈ તેમાં આપણા બાળકોએ કરેલું આયોજન સત્રને વધુ યાદગાર બનવનારું છે. 

આ વર્ષે નાગરિક ઉઘડતરની પ્રવૃત્તિમાં જૂથના લીડર અને ઉપલીડરની ચૂંટણી કરવાની જવાબદારી એક સાવ ઓછા જાણીતા એવા તુષારે લીધી ! એના સુચારુ આયોજનથી વિદ્યાર્થીઓને લાગ્યું કે શાળાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે ચૂંટણી અધિકારીની ખોજ હતી એ પૂરી થાય છે  પરંતુ શિક્ષક પક્ષે અમને લાગ્યું કે તુષારની અંદર આત્મવિશ્વાસ ભરવા માટે - તે જે રીતે આ બધાં આયોજનો કરે છે અને બધાને પોતાની સાથે જોડીને એ આયોજનોને પાર પાડે છે ! એ બાબતથી એનામાં આત્મવિશ્વાસ આવશે ! અને તુષારે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પણ પાર પાડી ! શાળામાં બે વર્ષ ચૂપચાપ રહેલો તુષાર અત્યારે શાળાનો મુખ્ય સચિવ છે ! અને તેની લીડરશિપમાં વ્યક્તિત્વ વિકાસનું મૂલ્યાંકન માટે ટીમ બનાવાઇ ! અને સૌને પોતાના વિષે સ્પષ્ટતા મળે તેમ ગુણાંકન તેમની ટીમ વડે કર્યું. 

આ વર્ષે  મળેલી પહેલી કેબિનેટમાં નિર્ણય લેવાયો કે નાગરિક ઘડતર નહીં પરંતુ હવે આ પ્રવૃત્તિને આપણે નાગરિક ઊઘડતર તરીકે જોઈશું!  એ જ મીટિંગમાં નિર્ણય લેવાયો કે હવે દરેક શિક્ષકનો સેલફોન ઑફિસરૂમમાં જ હશે.  ! અને જેમ શાળાના બિલ્ડીંગની અંદર કોઈ ટેબલ-ખુરશી અથવા તો ચંપલ નથી હોતાં તે રીતે હવે સેલફોન પણ નહીં હોય! નવી કેબિનેટે આ સિવાય એક નવો નિર્ણય લીધો કે હવે દરેક વર્ગખંડની અંદર એક શિક્ષણસચિવ હશે કે જેનું કાર્ય હશે કે જે પ્રકારે શિક્ષક વર્ગકાર્ય આયોજન કરે છે - તે અધ્યયન નિષ્પત્તિ આધારિત છે કે નહીં ? તે આયોજન મુજબ વર્ગમાં કાર્ય થાય છે કે નહીં ?  તેમાં વિદ્યાર્થીઓ શીખી રહ્યાં છે કે નહીં ? જૂથકાર્ય બરાબર રીતે થઈ રહ્યું છે કે નહીં ? આમ, જે નાગરિક ઊઘડતર પ્રવૃત્તિ અત્યાર સુધી જૂથકાર્ય તેમજ શાળાસંચાલન માટેના કાર્યમાં જોડાયેલી હતી એ હવે શૈક્ષણિક કાર્યમાં ગુણવત્તા જળવાયેલી રહે તે માટે પણ પ્રયત્ન કરતી થઈ. 

આ જ સત્રમાં શાળાના પ્રમુખ અને ઉપપ્રમુખે પંચમહાલ જિલ્લાના શિક્ષકોને શાળાસંચાલન માટે ટ્રેનિંગ આપવાનું કામ પણ કર્યું. અત્યાર સુધી શાળાની મુલાકાતે આવનાર સાથે થતી ચર્ચાઓમાં તેઓ બંને શિક્ષકો સામે જઈ ફોર્મલ રીતે તાલીમ આપી શક્યા ! 

    વિદ્યાર્થીઓ જાતે જ વિડીયો જોઈને પોતાની રીતે તેમજ એકબીજાને શીખવીને સ્કેટિંગ કરે છે ! આ સત્રમાં સૌપ્રથમ વખત કુમાર અને કન્યા બંનેની ભાગીદારી જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં થઈ. કબડ્ડીમાં પણ તાલુકા કક્ષાની ટીમમાં આપણી શાળાના પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો. તાલુકા કક્ષાની સંગીત વાદન સ્પર્ધામાં આપણી શાળાનો પ્રમુખ ધનુષ પ્રથમ નંબરે આવ્યો તો આવી જ રીતે જે વિદ્યાર્થીઓ પ્રમાણમાં ઓછું બોલતા અને ઓછી ભાગીદારી કરતા હતા તે પૈકીમાંથી ઘણા પ્રોએક્ટિવલી હવે વધુ સક્રિય બન્યા છે! એક ઉદાહરણ તો આપણે તુષારનું અને બીજું ઉદાહરણ છે સાગર ! જેનું ફાંકડું અંગ્રેજી તેના આત્મવિશ્વાસ સાથે જ બહાર ફૂટી નીકળ્યું. આવી જ એક માથાભારે ચકલી આરાધ્યા તો તમને યાદ જ હશે ! જેનો  પ્રવેશોત્સવ પછી પણ તેના વર્ગખંડમાં પ્રવેશ થયો જ નહીં - ઑફિસમાં  અને શિક્ષકની પાછળ પાછળ જ ફર્યા કરવાનું તેમની પાછળ ખુરશીમાં ભરાઈ રહેવાનું ! એ આરાધ્યા સત્રના અંતે તેના વર્ગકાર્યમાં સૌથી વધુ સક્રિય બની ગઈ છે. 

આવા વિવિધરંગી અનુભવોથી જ આપણી શાળાના ૩  NMMS, ૧૪ મુખ્યમંત્રી જ્ઞાનશક્તિ સ્કોલરશીપ માટે અને 10 જ્ઞાનસાધના માટે પસંદ થયા છે.

આ સિવાય પણ શાળાના અન્ય અનુભવો આ બ્લોગ પર વાંચી શકશો. આપણે સૌ સાથે મળીને બાળકો માટેનું આ સ્થળ વધુ સુંદર અને આનંદમય બનાવી શકીએ તેવી નવાવર્ષની શુભેચ્છાઓ.