July 31, 2013

પીઅર લર્નિંગ.....



બાળક શીખે છે બાળક પાસેથી...... = પીઅર લર્નિંગ


                  આપણે આ અગાઉ પણ પીઅર લર્નિંગ વિષે ચર્ચા કરી છે.  આપણે કરેલી ઘણી મહેનત પછી પણ આપણે જે બાળકને નથી શીખવી શકતાં તેવા કેટલાક મુદ્દાઓ/એકમો માટે બાળકોને જો જોડી કે જૂથ કાર્ય સાથે યોગ્ય દેખરેખ અને માર્ગદર્શન આપવામાં આવે તો, જે તે બાળકો જે તે વિષય-વસ્તુને સરળતાથી શીખે છે. અત્યાર સુધી આપણે જયારે પીઅર લર્નિગની વાત કરતાં હતા ત્યારે આપણી વાત અને નજર પણ એક તરફી દોડતી હતી કે બાળક બાળક પાસેથી ઝડપથી શીખે છે.  હા, આજે ચર્ચાનો મુદ્દો અહિંથી રાબેતામુજબ ન જતાં થોડો પલટાય છે. એટલે કે બાળક બાળક પાસેથી ઝડપથી શીખે છે આ થઇ તેની એક બાજુ. જો હવે તેની બીજી બાજુની તરફ ધ્યાન દોરું તો બીજી બાજુ એ પણ છે કે- “બાળક બાળકને ઝડપથી શીખવે છે.  પીઅર લર્નિંગરૂપી સિક્કાની આ બાજુની ચર્ચા બહુ જ ઓછી થતી હોય છે.
એવા કયાં-કયાં કારણો હોય છે અથવા તો એવાં કયાં પરિબળો કામ કરતાં હોય છે કે, જે વિષયવસ્તુ આપણી સાથે શીખવામાં અઘરું/મુશ્કેલ લાગે છે, તે જ વિષયવસ્તુ /મુદ્દો પીઅર લર્નિંગ ધ્વારા એક બાળક બીજા બાળકને સહજતાથી શીખવી શકે છે ?
                  પીઅર લર્નિંગ આ બાજુનો આપણે આજ સુધી વિચાર કર્યો છે ખરો??? અને જો કર્યો હોય તો તે બાળકના પ્રયત્નો કરતાં આપણા પ્રયત્નોમાં શું અધૂરપ જણાઈ આવે છે, તે પણ એક જાણવાનો વિષય છે !

1.પીઅર લર્નિગ દરમ્યાન બાળકો વચ્ચેનું વાતાવરણ હળવાશ વાળું જણાય છે.

      2. બાળકો વચ્ચે એક તરફી નહિ પણ બંને તરફી સંવાદ જણાય છે,ક્યારેક તો એવા સંવાદો કે કોણ કોને શીખવે છે, તે જાણવા તમારે ત્યાં થોડીવાર વધારે ઉભું રહેવું પડે.

      3. પૂછનાર તરીકે સામે પોતાના જ મિત્રને જોઈ બાળક જવાબમાં પોતે ચોક્કસ ના હોવા છતાં એકવાર તો નિર્ભયતાથી જવાબ આપે ફેંકે છે  [બહુ જ નજીકથી પીઅર લર્નિગને  જોશો ત્યારે સમજાશે કે જવાબ આપે છેને બદલે જવાબ ફેંકે છેએમ શબ્દપ્રયોગ શા માટે વાપર્યો છે !] જયારે શિક્ષક અને બાળક બંને વચ્ચેની વાત આવે ત્યારે આવી મોકળાશ કોઇપણ કારણસર કેટલીક જગ્યાઓને બાદ કરતાં અદ્રશ્ય હોય છે. 

      4. બાળક બાળક વચ્ચે પરાનુંભુતીવધુ હોય ! એટલે કે શીખવનાર બાળક શીખનારની કક્ષાએ જઈ સમજાવવાનો અને શીખનાર બાળક શીખવનારની કક્ષાએ જઈ સમજવાનો પ્રયત્ન કરતો હોય છે.

     5.“બોલી”માં જયારે પ્રાદેશિકતા વધારે પડતી અસરદાર દેખાતી હોય અને શિક્ષક તરીકેનો આપણો અનુભવ ઓછો હોય ત્યાં કોઈ શબ્દના અર્થની સમજ માટે આપણે અજાણતાં જ કોઈ ચબરાક બાળકને કહીએ છીએ કે  “તું જ આ બધાને આનો અર્થ સમજાવને!!!”- ત્યારે આપણે સહેજ પણ જાણતા નથી હોતા કે આ જ તો છે પીઅર લર્નિગ...!!!  

                       મિત્રો, પીઅર લર્નિગ ની આપણી સમજની પણ કેટલીક મર્યાદાઓ રહેલી છે.જેમ કે, બધું જોડીમાં-જુથમાં આપી દો...બાળકો અંદરો અંદર સમજી લેશે ! કેટલાક તબક્કે અને કેટલાક સ્થળો એ ‘એવું’ પણ બને છતાં સામાન્ય રીતે જોઈએ તો – બાળક બાળક વચ્ચેની શૈક્ષણિક પ્રક્રિયાનો એક તબક્કો હોય છે !
Ü  આપણે શીખવાના ત્રણ તબક્કાઓ વિષે સમજયા છીએ.- 
૧. સંકલ્પના સ્પષ્ટીકરણ ૨. દ્રઢીકરણ ૩. સુદ્રઢીકરણ
Ü  આ પૈકી ઘણીવાર જાણે-અજાણે આપણે સંકલ્પના સમજાવવાનું કામ જોડીમાં સોપી દઈએ છીએ ! અને તે પણ મુદ્દો કયો છે - તેઓ જોડીમાં શું કાર્ય કરશે - તેનો વિચાર કર્યા વિના ! તેથી જેને સૌ વખાણે છે, તે પીઅર લર્નીંગ ફક્ત ઘોંઘાટ કરે છે,પરિણામ આપી શકતું નથી !
Ü  બીજું, જોડીમાં કાર્ય સોંપી દઈ આપણે આપણો હાથ પાછો ખેચી લઈએ છીએ...‘ચાલો, હાથ ખેચી લઈએ પણ નજર અને કાન નહિ !’ –દરેક જોડી-જૂથકાર્ય પછી..તેમની સાથે ચર્ચા કરી તેઓ શું શીખ્યા તેનું સમાપન કરાવવું અગત્યનું છે ! બાકી બાળકો માટે તો આ ‘ટેકનીક’ મજેદાર છે! જેટલી મર્યાદાઓ રહેશે તે આપણા આયોજનની જ હશે !
                      આ ‘ટેકનીક’ નો વધુ સારો એવો ઉપયોગ કરવા માટે શું-શું કરી શકાય ??? ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ ? આપના અનુભવો શું કહે છે ? તે અમને લખશો તો ગમશે. આખરે અત્યારે આપણે પણ જોડી[group] કાર્ય જ કરી રહ્યા છીએ ! તો – ફેકો આપનો પ્રત્યુતર આ કોમેન્ટ બોક્સમાં !

July 20, 2013

“કાવ્યાનંદ” & “અર્થાનંદ”


કાવ્યાનંદ અને તેમાંનો અર્થાનંદ પણ ખરો !!!

                            હંમેશાની જેમ કાવ્યથી જ શરૂઆત કરવી એ તો નક્કી જ હતું ! ધોરણ-૮ માં હરિહર ભટ્ટનું એક જ દે ચિનગારી..” ગાયા.. ગયા વર્ષે સમુહમાં પણ ગવાયું હતું એટલે સરળતાથી સૂર બેસી ગયો. ગાન પછી ચિનગારીની ચર્ચા શરૂ કરી...તેમાં અચાનક રશ્મી બોલી કે હરિ (હરિહર ભટ્ટ) માંગે હરી (દીવાસળી ને દીવાહરી હરી એમ અમે બોલીએ છીએ !) બસ પછી તો કુલદીપ દીલેન્દ્ર દિલીપ કોમલ પણ જોડાયા !
 હરિ એટલે હરિહર ભટ્ટ 
હરી એટલે દીવાહરી  
હરી જવું એટલે છીનવી જવું  
હરી જવું એટલે કોહવાઈ જવું  
હરિ એટલે ઈશ્વર 

 પછી તડાફડી મચી ! હરિ કહે, “ હરિ મારી તો તે શાંતિ હરી, જીંદગી મારી હરી; હવે તો આપ એક હરી !
આવી જ ભાષાકીય મસ્તી છઠ્ઠામાં એક જગત એક લોક..” માં પણ જામી !
પહેલા કમ્પ્યુટર પર શ્રીશૈલેશભાઈ બાવા ગાયા અને અમે સાંભળ્યા કર્યું,પછી ક્રમશઃ નીચેના પગથિયામાં ગાન કર્યું
. કમ્પ્યુટર પર ધીમા અવાજે વાગે આપણે સૌએ તેની સાથે સૂર મેળવી ગાવું.
. શૈલેશભાઈ ગાય પછી તેને ઝીલવું.
. શૈલેશભાઈ ગાઈ રહે પછી હું કમ્પ્યુટરનો અવાજ ધીમો કરી દઉં...જેથી ગાયક ડીજીટલ અને કોરસ અમારું !
. શૈલેશભાઈ ગાય ત્યારે અવાજ ધીમો કરીએ...એટલે અમે મુખ્ય ગાયક અને કોરસ ડીજીટલ !
. વિદ્યાર્થીઓને બે જુથમાં વહેચી એક જૂથ ગવડાવે બીજું જૂથ ઝીલે !
             બે દિવસ આ મુજબ ગાયા પછી સાચે જ તેમના ગાનમાં હાર્મનીઅનુભવાય છે.અને હવે તો પ્રાર્થના સભામાં બધા હિલ્લોળે ચડે છેઅજબ વાતાવરણ રચાય છે જયારે ૨૦૦ વ્યક્તિઓ એક સુરે ગાય છે...


राष्ट्रों में ऐक्य यही कर्म हमारा, प्रगति-न्याय मानवता धर्म हमारा”