Showing posts with label રમતગમત. Show all posts
Showing posts with label રમતગમત. Show all posts

August 30, 2026

વે બચ્ચે હૈ, વે કુછ ભી કર શકતે હૈ !

વે બચ્ચે હૈ, વે કુછ ભી કર શકતે હૈ !

સફળતા મેળવવા માટે પ્રશિક્ષક અથવા વિષય નિષ્ણાત શિક્ષક હોવા ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. પરંતુ, કોઈ શિક્ષક કે કોચને સ્કેટિંગ જેવી રમત ન આવડતી હોય, અને છતાં તે શાળાના બાળકો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવીને ઇતિહાસ રચે, તો તે આશ્ચર્ય સાથે ઉપરની માન્યતાઓને તોડી નાખે છે અને ગર્વની વાત બની જાય છે. સ્કેટિંગની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પહેલો,બીજો અને ત્રીજો નંબર આપણી શાળાનાં બાળકોએ મેળવ્યો ત્યારે વિચાર આવ્યો કે - बच्चें कुछ भी कर शकते है !

બાળકોની આ સફળતા પાછળ શાળામાં ચાલતી અતિ મહત્વપૂર્ણ 'નાગરિક ઉઘડતર' જેવી પ્રવૃત્તિઓનું ખૂબ મોટું યોગદાન છે. શાળામાં ચાલતી આવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકો જૂથમાં રહીને એકબીજા સાથે મળીને શાળાનું સમગ્ર સંચાલન કુશળતાપૂર્વક સંભાળે છે, જેના કારણે બાળકોમાં પરસ્પર સહકાર, જવાબદારી અને નેતૃત્વના ગુણો સહજ રીતે વિકસે છે. આ જ મજબૂત આંતરિક આવડત, જવાબદારીની ભાવના અને શિસ્તના કારણે બાળકો સ્કેટિંગ જેવી રમતમાં પણ ઉત્તમ 'પીઅર લર્નિંગ' કરી શક્યા અને કોઈ પણ ઔપચારિક કોચ વગર જાતે જ શીખીને આખી ટીમ તૈયાર કરી શક્યાં.

શાળા દ્વારા બાળકોમાં શાળા સંચાલન અને સ્વ-વ્યવસ્થા માટે કરાતા આવા પ્રયત્નોને લીધે તેમનામાં જે અદભુત કૌશલ્યો વિકસ્યા છે, તેનું જીવંત ઉદાહરણ આપણી વિદ્યાર્થીની ભારતી છે. આત્મવિશ્વાસ અને સખત મહેનતના બળે ભારતીએ ચક્ર ફેંક સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે અને હવે તે ગર્વભેર રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જઈ રહી છે! બાળકોના આ કૌશલ્યો અને આત્મવિશ્વાસ પાછળ શાળાનું યોગદાન માત્ર માર્ગદર્શકનું નહીં, પણ બાળકોને આગળ આવવા માટે એક યોગ્ય પ્લેટફોર્મ અને નૈતિક સમર્થન પૂરું પાડનાર સાધનનું રહ્યું છે.

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમતો માત્ર મનોરંજન નથી, પણ જીવનશૈલીનો અભિન્ન ભાગ છે. રમતોથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મજબૂત બને છે, શિસ્ત અને ટીમ વર્ક દ્વારા ખેલદિલીની ભાવના કેળવાય છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે જેથી બાળકો જીવનના કોઈપણ પડકારનો સામનો કરવા સક્ષમ બने છે. આવા કિસ્સાઓમાંથી પ્રેરણા લઈને દરેક શૈક્ષણિક સંસ્થાએ વિદ્યાર્થીઓની છૂપી પ્રતિભાને ઓળખીને તેમને પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ. બાળકો જાતે કંઈક નવું શીખી રહ્યા હોય ત્યારે તેમાં અડચણરૂપ બનવાને બદલે તેમને પ્રોત્સાહિત કરવા, શક્ય હોય તેટલા સંસાધનો પૂરા પાડવા અને વિજેતા બાળકોનું સન્માન કરી અન્ય બાળકોમાં પણ રમત પ્રત્યે ઉત્સાહ જગાવવો એ એક સંસ્થા તરીકે આપણી મુખ્ય જવાબદારી છે.

              બાળકો આ માટે તો અભિનંદન પાત્ર છે જ - પરંતુ “ તું આમ નહીં, આમ શીખ, આવી ભૂલ ન કર , ફલાણું ઢીંકણું … વગેરે ડાયલોગ બોલી બોલી બાળકોને ન નડયાનો અનહદ આનંદ અમને પણ છે ! 

રીડિંગ રીલ્સ :

બાળકો પરસ્પર સહકારથી અને પોતાના જૂથમાં રહીને વયસ્કોના માર્ગદર્શન વગર પણ શ્રેષ્ઠ કૌશલ્યો કુદરતી રીતે શીખી શકે છે. -લેવ વાયગોત્સ્કી

બાળકોની રમત માણવા ક્લિક કરો.








October 29, 2023

😍શાળા પહેલાંની શાળા; 😎શાળા પછીની શાળા

😍શાળા પહેલાંની શાળા; 😎શાળા પછીની શાળા

શાળાની સંસ્કૃતિ જુદી જુદી પ્રક્રિયાઓ વડે રચાય છે કે, જેના વડે બાળકો જ્ઞાન મેળવે તેમજ તેમનાં કૌશલ્ય, વલણો અને મૂલ્યોનો વિકાસ થાય.

આપણે જ્ઞાનના ક્ષેત્રમાં લગભગ આખા દિવસમાં વધારે કામ કરતા હોઈએ છીએ. જુદા જુદા પ્રકારની સંકલ્પનાઓ તેઓ આત્મસાત કરે તે માટેના આપણા પ્રયત્નો રહેતા હોય છે. આમ તો એ સંકલ્પનાઓ વખતે  શિક્ષક તરીકેનો આપણો વ્યવહાર તેમનામાં સહકારનું વલણ પેદા કરતો હોય છે. જે રીતનું વર્તન આપણે તેમની સાથે કરીએ છીએ તે જ રીતે તેઓ એકબીજા સાથે વર્તન કરવાનું શીખે છે. તે દરમિયાન કેટલાક કૌશલ્ય ઉપર પણ કામ થતું હોય છે. ભાષામાં વાર્તા-કવિતા પછી થતી વાતચીત વડે તેમનામાં ભાવાત્મક વલણો વિકસે તેવું કામ થાય છે. ભાષાની જ કેટલીક પ્રવૃત્તિઓમાં તેમનામાં વિવેચનાત્મક ચિંતન તેમજ સર્જનાત્મક ચિંતન માટેના સ્કોપ પડેલા હોય છે, પરંતુ આપણી નવા નદીસર શાળાને આ બધામાં સમૂહભાવના, સહકારનું વલણ અને તનમનની દુરસ્તી માટે થોડોક વધુ સમય પણ મળી રહે છે.

એકાદ દસકાથી શાળાનો દરવાજો ખોલવાનો સમય સવારે 09:00થી 09:30ની વચ્ચે હોય છે. શિક્ષક તરીકે કોઈ આવ્યું હોય કે ન આવ્યું હોય શાળાના પ્રમુખ, ઉપપ્રમુખ અને બધાં જૂથના લીડર વડે શાળાનું સમગ્ર સંચાલન શરૂ થઈ જ ગયું હોય. તે દરમિયાન તેઓ શાળાની ગોઠવણી તેમજ ગઈકાલના ગૃહકાર્યની ચકાસણી કરવાનું શરૂ કરી દે. ટીનએજમાં જે સામાન્ય બાબત છે તેવી જુદી જુદી ગેંગ બનાવીને કરાતા ગામગપાટા, આજે આપણે શું કરવાનું છે તે વિષયનાં આયોજનો – આવું બધું ચાલતું રહે છે.

સાંજે શાળાનો દરવાજો બંધ કરવાનો સમય 06:30થી 07:00ની વચ્ચેનો હોય છે. શાળા અધિકૃત રીતે પાંચ વાગ્યે પૂરી થાય પછી સૌ ગ્રીનહૉલમાં સામૂહિક રીતે ભેગા થાય. આજનો દિવસ કેવો ગયો તેનું અનૌપચારિક રીતે એક રિફ્લેક્શન થાય – દરેક ધોરણનો એક-એક વિદ્યાર્થી વારાફરતી આજે સવારના પ્રથમ તાસથી લઈને છેલ્લા તાસ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિ કરી તે વિશે બધાની સામે વાત કરે. આ અમારા માટે એક ચેકપૉઇન્ટ પણ હોય છે કે; જો એ કોઈ એક શિક્ષકના તાસ વિશે સાંજે ન બોલી શકે તો શિક્ષક તરીકે અમારે સમજવાનું હોય છે કે આજે આપણે કરેલી પ્રક્રિયા અસરકારક નહોતી. આ સમગ્ર રિફ્લેક્શનનું સંચાલન પ્રાર્થના સંમેલન કરતા વિદ્યાર્થીઓ, પ્રમુખ અથવા કોઈ કોઈ વાર અમારામાંના શિક્ષકો પણ કરે છે. આ પૂરું થાય પછી બૅન્ડ સાથેનું રાષ્ટ્રગીત વાગે અને એ રાષ્ટ્રગીત વગાડ્યા પછી બૅન્ડ પોતે જ એક પરેડમાં ફેરવાઈ જાય. હા, અમને ભેંટમાં મળેલાં સંગીતનાં સાધનો વડે શાળાનું પોતાનું એક બૅન્ડ છે અને અમે ટૅક્નૉલૉજીના ઉપયોગ વડે તેમને એ સાધનો વગાડતાં શીખવ્યાં છે. તેઓને પરસ્પર એકબીજાને શીખવવાની ચિનગારી ચાંપી, ને આજે બૅન્ડ વગાડનારી આવી કુલ ચારેક ટીમો તૈયાર થઈ ગઈ છે. એક બાજુ આ પરેડ ચાલતી હોય તો બીજી બાજુ ખોખો અને કબડ્ડીનું મેદાન ગૂંજી રહ્યું હોય! વળી, બીજી તરફના નાના મેદાનમાં કેટલાંક ટાબરિયાંઓ પોતાની જાતે જુદા જુદા પ્રકારની ધીંગામસ્તી કરતાં હોય. ત્યાં કેટલાક પોતાનું હોમવર્ક કરતા હોય તો કેટલાક વળી શિક્ષકની મદદથી યોગાસન શીખી રહ્યા હોય. બાળ રંગમંચ ઉપર ચેસની ચાલ ચલાતી હોય તો કૉમ્પ્યૂટર રૂમમાં ટાઇપિંગ માટેની પ્રેક્ટિસ ચાલી રહી હોય! ઘણી વાર તેઓ શાળાનાં વહીવટી કાર્યો જે કૉમ્પ્યૂટર પર કરવાનાં હોય છે તે જાતે જ ઉપાડી લેતા હોય છે. શાળામાંથી  ભણીને કોઈક જગ્યાએ ગયેલા અત્યારે કૉલેજ વગેરે કરતા વિદ્યાર્થીઓ સાથે તેમના તે વિષયોની ચર્ચા ચાલતી હોય તો ક્યાંક ક્યાંક નાનાં નાનાં જૂથમાંથી આજે શું શીખ્યા, તેમાં શું નથી આવડ્યું, તે શીખવા શું કરીશું – તેની પણ ચર્ચા ચાલતી હોય! ક્યાંક વળી ઇન્ટર ઍક્ટિવ ફ્લૅટ પૅનલ પરથી જોઈને ક્લાસિકલ ડાન્સ કરવાની પ્રેક્ટિસ પણ ચાલતી હોય, તો વળી ક્યાંક કેટલાંક છોકરા-છોકરીઓ શાળાની લૉબીમાં તેમજ બાળ વિકાસપથ પર પોતાના મિત્રોની મદદથી સ્કેટિંગ પર અવનવાં કરતબ શીખી રહ્યાં હોય! ક્યાંક લાંબીકૂદ હોય, ક્યાંક બ્રૉડજંપ હોય તો ક્યાંક ગોળાફેંક અને ચક્રફેંકની પ્રેક્ટિસ ચાલતી હોય!

આમ, શાળા તરીકે નિયમિત 10:30 થી 05:00ના સમયમાં જે જે કાર્યોમાં તેઓ ઓછો સમય આપે તેનું સાટું તેઓ આ શાળા સમય પહેલાં અને શાળા પછીની શાળામાં વાળી દે છે.

અમને લાગે છે કે તેઓ દિવસ દરમિયાન જે પણ શીખે છે, જુએ છે, જાણે છે, તેમનામાં જે કેળવે છે; તે કૌશલ્ય, વલણો અને મૂલ્યોનો આ શાળા પછીની શાળામાં ઉપયોગ કરતાં શીખે છે.

આ શાળા પછીની શાળામાં બીજું શું ઉમેરી શકાય તે કહેજો. અમે એનો પ્રસ્તાવ એમની સામે મૂકીશું કે શું તેઓ આ કામ ઉમેરી શકશે! હા, આખરી મરજી તો તેમની પોતાની જ રહેશે!

ચાલો, ક્લિક કરો અને પહોંચો  >  અમારી શાળા પછીની શાળામાં