June 28, 2026

જૈસા ફિલ્મો મેં હોતા હૈ !

જૈસા ફિલ્મો મેં હોતા હૈ !

ફિલ્મો એ માત્ર મનોરંજનનું સાધન નથી, પણ શીખવા માટેનું એક અદ્ભુત  માધ્યમ છે. ઘણીવાર આપણે ફિલ્મોને માત્ર ટાઇમપાસ ગણીને બાજુ પર મૂકી દેતા હોઈએ છીએ, પણ વાસ્તવમાં આખા સમાજનું અજાણતા થતું શિક્ષણ મોટેભાગે ફિલ્મો દ્વારા જ થઈ રહ્યું હોય છે.

જરા વિચારી જુઓ, '૩ ઇડિયટ્સ' જોયા પછી કેટલાય એવા વાલીઓ હશે જેમણે પોતાના બાળકને પ્રેમથી પૂછ્યું હશે કે, "બેટા, તારે મોટો થઈને ખરેખર શું કરવું છે?" એવા કેટલાય સંવેદનશીલ માતા-પિતા હશે જેમણે 'તારે ઝમીન પર' જોયા પછી, પોતાનું બાળક બરાબર વાંચી-લખી નથી શકતું તો તેની પાછળ આળસ નહીં પણ 'ડિસ્લેક્સિયા' જેવી કોઈ તકલીફ જવાબદાર છે કે નહીં, તેની ચકાસણી કરાવી હશે!

ફિલ્મો એક ઉત્તમ પુસ્તકની જેમ આપણને વિચારવાની જુદી જુદી દિશાઓ આપે છે. જે અનુભવો આપણે ક્યારેય જીવનમાં કર્યા નથી, અથવા કદાચ ભવિષ્યમાં પણ ક્યારેય કરવાના નથી, તેવી અજાણી પરિસ્થિતિઓમાં મુકાયેલા પાત્રો આપણને આપણા પોતાના મર્યાદિત અનુભવ કરતાં ઘણો જુદો અને વ્યાપક દૃષ્ટિકોણ પૂરા પાડે છે. જ્યારે આપણે અન્યના દૃષ્ટિકોણથી જોતા અને વિચારતા થઈએ છીએ, ત્યારે આપણી વિચારસરણી વિશાળ બને છે. આપણી સામે કોઈ એક પરિસ્થિતિમાં શું શું થઈ શકે, તેના કેવા અવનવા વિકલ્પો સર્જાઈ શકે, તેની સમજણ વિસ્તરે છે. "જો એ પરિસ્થિતિમાં હું હોત, તો શું કરત?" તેવી કલ્પનાઓ પણ માણસ કરતો જાય છે. સૌથી અગત્યની વાત એ છે કે, એક સારી ફિલ્મ આપણને એક તદ્દન જુદા જ ભાવવિશ્વનો જીવંત અહેસાસ કરાવી જાય છે.

આ વર્ષે શાળામાં સામાજિક વિજ્ઞાનનું નવું પુસ્તક આવવાનું હતું, તેથી બ્રિજ કોર્સના ભાગરૂપે બાળકોને એક સરસ ફિલ્મ બતાવવાનો વિચાર આવ્યો. 'હોપર્સ' (Hoppers) નામની એક એનિમેશન ફિલ્મ જે આપણને 'જિયો હોટસ્ટાર' (JioHotstar) પર હિન્દી ભાષામાં પણ મળી જાય છે, તે પસંદ કરી. ફિલ્મ અગાઉ જોયેલી જ હતી, પણ વર્ગખંડમાં બતાવતા પહેલાં ફરીથી એકવાર ઝડપથી જોઈ લીધી, જેથી તેના આધારે બાળકો સાથે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ અને ચર્ચાઓ કરી શકાય તેનો ચોક્કસ ખ્યાલ આવી જાય.

આ એક બહુ સાદી, સરળ અને એનિમેશન આધારિત ફિલ્મ છે. પણ તે એટલી બધી રસપ્રદ અને હૃદયસ્પર્શી છે કે જો કોઈ મોટી ઉંમરની વ્યક્તિ પણ તેને જોવાનું શરૂ કરે, તો અધવચ્ચેથી અટકાવી ન શકે! વાર્તા બહુ નાનકડી છે. એક શહેરમાં રહેતી નાની છોકરીની આ વાત છે, જે હવે તેની કિશોરાવસ્થામાં પ્રવેશવાની તૈયારીમાં છે. તેને પશુઓ, પક્ષીઓ અને નાનકડા જીવજંતુઓ પ્રત્યે અપાર પ્રેમ અને સહાનુભૂતિ છે. તે આ મૂંગા જીવોને બચાવવા માટે અને તેમની સાથે મૈત્રી કરવા માટે આખી દુનિયા સામે લડવા પણ તૈયાર થઈ જાય છે. તેના નાની તેને શાંતિથી એક તળાવના કિનારે બેસાડીને, મનુષ્ય સિવાયની પ્રકૃતિની જે સૃષ્ટિ છે, તેના સુંદર અવાજો સાંભળતા અને અંદરથી શાંત થતા શીખવે છે.

ત્યારબાદ વાર્તામાં કેટલાક સંઘર્ષો ઊભા થાય છે અને છેલ્લે એ સંઘર્ષોના અંતે જે સત્ય બહાર આવે છે તે એ છે કે—"આ સુંદર પૃથ્વી માત્ર મનુષ્યો માટે જ નથી બની. બરાબર આપણા કવિ  કવિ ઉમાશંકર જોશીની અમર કાવ્યપંક્તિઓને ચરિતાર્થ થતા જોતા હોય એમ લાગે -

"વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી,

પશુ છે, પંખી છે, પુષ્પો છે, વનોની છે વનસ્પતિ."

વાર્તામાં સતત રમૂજ , સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને પર્યાવરણની વાતો વણાયેલી છે. તેની સાથે સાથે આપણા સહઅસ્તિત્વ પાછળનું જે સામાજિક અને માનવીય વિજ્ઞાન છે, તે જાણે કે આપણે જોઈ શકીએ છીએ.

ફિલ્મનો પહેલો ભાગ પૂરો થયા પછી, બાળકો સાથે Reflection માટે કેટલાક પ્રશ્નોત્તરી કરી. આ સંવાદ દ્વારા પ્રશ્નો ઊભા કર્યા કે: આવી પરિસ્થિતિમાં શું કરાય? શું ન કરાય? કેવી રીતે કરાય? હવે આગળ શું થશે? બાળકો રસપૂર્વક પોતાના વિચારો રજૂ કરીને છૂટા પડ્યા. બીજા દિવસે પણ આ જ ચર્ચાને આગળ વધારીને આખી મૂવી પૂરી કરી.

ફિલ્મ પૂર્ણ થયા પછી અમે ફરી એકવાર ચિંતન કરવા બેઠા. આ વખતે અમે એક પ્રયોગ કર્યો, જેને અમે નામ આપ્યું: 'અમારી ખીચડી'.

પૂછ્યું: "જ્યારે આપણે એક કોળિયો ખીચડી ખાઈએ છીએ, ત્યારે આપણે તેના માટે ખરેખર કોનો કોનો આભાર માનવો જોઈએ?"

અમારી સામે 70 થી 75 વિદ્યાર્થીઓનો મોટો સમૂહ એકસાથે બેઠો હતો. અમે આ આભારની સાંકળ શરૂ કરાવી:

      સૌથી પહેલાં બાળકે કહ્યું: "મમ્મીનો, કારણ કે મમ્મીએ ખીચડી બનાવી."

      શિક્ષકે  પ્રશ્ન કર્યો: "પણ મમ્મી ચોખા ક્યાંથી લાવી?"

      બાળકે કહ્યું: "પપ્પા બજારમાંથી ખરીદી લાવ્યા." એટલે પપ્પાનો આભાર!

      પપ્પા ક્યાંથી લાવ્યા? દુકાનદાર પાસેથી. તો દુકાનદારનો આભાર!

      દુકાનદાર કોની પાસેથી લાવ્યો હશે? હોલસેલ વેપારી પાસેથી. તો તેનો આભાર!

      જથ્થાબંધ વેપારી સુધી અનાજ કેવી રીતે પહોંચ્યું? કોઈ ટેમ્પો કે ટ્રક ચાલક તેને લાવ્યો હશે, તો તેનો આભાર!

      એ ટેમ્પો કે ટ્રક જે કંપનીએ બનાવ્યો, તેની ડિઝાઇન તૈયાર કરનાર એન્જિનિયર અને ફેક્ટરીના મજૂરોનો આભાર!

      સૌથી અગત્યનું, એ વાહનમાં વપરાયેલું પેટ્રોલ કે ડીઝલ ક્યાંથી આવ્યું? તો વાત પહોંચી ઈરાન, અમેરિકા કે ઈઝરાયેલ જેવા દેશોની વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ક્રૂડ ઓઈલ સુધી!

      ખેતરમાંથી અનાજ લાવવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ થયો, તો ટ્રેક્ટર ચાલકનો આભાર!

      ટ્રેક્ટરના ટાયર કોઈકે તો બનાવ્યા હશે ને? ટાયર માટે જંગલમાંથી રબર ભેગું કરનાર અજાણ્યા શ્રમિકનો આભાર!

આમ કરતાં કરતાં અમે એક-એક વ્યક્તિનું કામ ગણાવતા ગયા અને એ ભૂમિકા ભજવનાર બાળક વર્ગમાં ઊભો થતો ગયો. અંતે, 70-75 બાળકોની સંખ્યા પણ ઓછી પડી! આ પ્રયોગથી તમામ બાળકોને એક અહેસાસ થયો કે: "આપણે જ્યારે માત્ર એક કોળિયો ખીચડી મોઢામાં મૂકીએ છીએ, ત્યારે તેની પાછળ આખી દુનિયાના લાખો લોકોનું પ્રત્યક્ષ કે પરોક્ષ યોગદાન રહેલું હોય છે!"

આ સ્થિતિમાં જો કોઈ મનુષ્ય એવું વિચારે કે, "આ માત્ર મારી જ દુનિયા છે અને બીજા કોઈ મારા કામના નથી", તો તે કેટલી મોટી મૂર્ખતા છે! 'હોપર્સ' મૂવીમાં જે પર્યાવરણીય અને સહઅસ્તિત્વની વાત કરવામાં આવી હતી, તેનો વાસ્તવિક અહેસાસ અમે આ 'ખીચડી પ્રયોગ' દ્વારા પ્રસ્થાપિત કર્યો.

સૌએ સાથે મળી કન્કલ્યુઝન કર્યું કે  જો આપણે બધા પૃથ્વી પર સાથે જીવીશું, તો મતભેદો પણ થશે અને સંઘર્ષો પણ થશે. પરંતુ જો આપણે એકબીજા સાથે સંવાદ કરીશું અને તાર્કિક દૃષ્ટિકોણથી વિચારતા થઈશું, તો આજે જે રીતે જીવીએ છીએ તેના કરતાં ઘણું બહેતર જીવન જીવી શકીશું.

'હોપર્સ' ફિલ્મે અમને એક એવી 'હોપ' આપી કે જેનાથી અમારી શાળાનો જે મુખ્ય મંત્ર છે : "સર્વે ભવન્તુ સુખિનઃ" (સૌ સુખી થાઓ) તેને અમે બાળકોના હૃદયમાં ઉગતો જોઈ શક્યા.

તમે પણ તમારા સ્તરે આ પ્રયોગ ચોક્કસ કરી જોજો. . જો બાળકોને આ 'હોપર્સ' મૂવી બતાવી શકો તો ઘણું જ સારું. અને જો કોઈ કારણસર ફિલ્મ બતાવવી શક્ય ન હોય, તો એટલીસ્ટ આપણે પોતે આ ફિલ્મ જોઈને તેની વાર્તા બાળકોને કહીએ અને તેના આધારે આવી ચર્ચા ચગાવીએ.. અહીં મહત્વ ફિલ્મનું નથી, મહત્વ ફિલ્મ જોયા પછી થતી વૈચારિક મંથનની પ્રક્રિયાનું છે. જ્યારે આપણે આવી ચર્ચાઓ ચગાવીશું, ત્યારે બાળકો આજે જેવા છે તેના કરતાં અંદરથી થોડાક વધુ સંવેદનશીલ અને બદલાયેલા જરૂર બનશે. આવી અમને પૂરી શ્રદ્ધા છે!



June 27, 2026

હથોડી લઈને ફરશો તો સામે ખીલીઓ જ દેખાશે !

હથોડી લઈને ફરશો તો સામે ખીલીઓ જ દેખાશે !


વેકેશન પૂરું થયું છે અને આપણા બાળકો ફરી આપણી સાથે જીવવા  આવી ગયાં છે ! વેકેશન પડે અને બાળકો શાળામાં ન આવે તે દિવસો ખાલી ખાલી  જેવા લાગે છે. જાણે ઘરનાં બાળકો મામા-માસીના ઘરે જાય અને ઘરમાં સન્નાટો અનુભવાય ! બાળકો વિનાનું ઘર એટલે વરસાદ વગરનો શ્રાવણ. બસ, શૈક્ષણિક સંસ્થાઓની પણ સ્થિતિ એવી જ હોય છે. શિક્ષક તરીકે તમારા અનુભવો પણ એવા જ હશે. વેકેશનમાં શાળાએ જાઓ ત્યારે ત્યાં એકલા આપણે બહુ બહુ તો એકાદ-બે કલાક રોકાઈએ. તેનું કારણ શાળામાં કોઈ કામકાજ નથી હોતું એવું નથી, પરંતુ બાળકો વિનાની શાળા આપણને ભેંકાર લાગે છે. વેકેશનમાં શાળાએ ગયા હોઈએ અને એવા સમયે કેમ્પસની બહારથી કોઈ બાળક જઈ રહ્યું હોય, તો પણ આપણે બૂમ પાડીને બોલાવીએ. “શું કરે છે રજાઓમાં…” વગેરે પ્રશ્નોત્તરી કરતા હોઈએ છીએ ! આ વર્તન બતાવે છે કે શાળા અને બાળકને આપણે સૌએ ક્યારેય અલગ રીતે કલ્પી નથી.

બીજી તરફ બાળકોના ઘરના માહોલ તરફ નજર નાખીએ તો વાલીઓના મોં પર મોટેભાગે એવો ડાયલોગ સાંભળવા મળે કે, આ વેકેશન જલદી પૂરું થાય તો સારું, અમે તો કંટાળ્યા આ વાંદરાઓથી ! ઘણીવાર તો આપણને શાબાશી પણ આપે કે, સાહેબ, કેવી રીતે આખો દિવસ સંભાળો છો આ તોફાનીઓને ? પરંતુ બીજી બાજુ, જે વાલી બાળક ઘરમાં ન હોય ત્યારે સૂનમૂન એટલે કે એકલતાનો અનુભવ કરે છે. આવા અનુભવો કહી આપે છે કે બાળકોને તમે પ્રેમ કરી શકો અથવા તેના પર ગુસ્સે થઈ શકો, પરંતુ તેને અવગણી ન શકો !

બાળકો જ્યારે શાળામાં આવે છે ત્યારે આપણી આખી શાળા સંભાળી લેતા હોય છે. આપણી શાળામાં ચાલતી નાગરિક ઊઘડતર પ્રવૃત્તિને જો તમે બારીકાઈથી જોશો તો તમને ખ્યાલ આવશે કે બાળકો ફક્ત શાળા સંભાળી લેવા પૂરતા મર્યાદિત નથી. તેઓ આખી શાળાનું સંચાલન કરે છે. શાળામાં શિક્ષકો સહિત બધાં જ બાળકો સમયસર આવે, શાળા વ્યવસ્થામાં સોંપાયેલ કામગીરીમાં જોડાય, શિક્ષકોનું દૈનિક આયોજન ચેક થાય, રેડિયો પર આજના દરેક શિક્ષકનું પ્લાનિંગ શું છે તેની જાહેરાત થાય, પ્રાર્થનામાં પ્રવૃત્તિ, પ્રોગ્રામના પરિપત્રોનું વાંચન થાય અને તે કરવા માટેનું આયોજન કરાય. આ બધું તેઓ કરી રહ્યાં છે. बोले तो पूरी पाठशाला वोही दौड़ा रहे हैं !

હવે જ્યારે કામગીરી, વ્યવસ્થાપન, સંચાલન વગેરેમાં કોઈ કામ કરે ત્યારે ૧૦૦% ચાન્સ છે ભૂલો થવાના ! ત્યારે સૌથી મહત્વનું પાસું છે, તેનો ઉત્સાહ વધારવો ! કારણ કે આપણી જ વાત કરો ને ! તમે કે હું શાળામાં ખૂબ ખંતપૂર્વક આપણી ફરજ નિભાવી રહ્યાં હોઈએ અને એકાદ નાની ભૂલમાં કોઈક વાલી કે શાળા પરિવારનો સભ્ય તમને ઠપકો આપે તો ? તરત આપણામાં થતા માનસિક ફેરફારમાં પહેલો ફેરફાર છે, હતોત્સાહિત થઈ જવું ! તરત જે તે કામ પ્રત્યેનો અણગમો પેદા થાય. કોઈક કારણસર દબાણવશ થઈને કામ કરવું પડે તોય પહેલાં જેવું પરિણામ મેળવવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ભૂલ થવાની સંભાવનાઓ અનેકગણી વધી જતી હોય છે. આ દ્રષ્ટિએ આપણે આપણાં બાળકોને જોવાની શરૂઆત કરીએ તો ખ્યાલ આવશે કે શાળા સંચાલન નાના બાળકોના ખેલ નથી. તેમાં ટ્રાય એન્ડ એરર, ફરી ટ્રાય, ફરી પાછું ટ્રાય અને એરર, આવું ક્રમશઃ ચાલતું રહેતું હોય છે. આવી સ્થિતિમાં આપણો રોલ શું હોય તે મહત્વનું છે. આ વાત પર એક કહેવત યાદ આવે છે : જો તમે હથોડી લઈને ફરશો તો તમને બધે ખીલીઓ દેખાશે !

સીધું અને સરળ છે કે આપણા સૌનું કામ બાળકોના કામમાં ઉત્સાહ પૂરવાનું છે. તેમની ભૂલોને સતત જોવાની ટેવ આપણા હાથમાં હથોડી પકડવા જેવી સ્થિતિ સર્જશે અને પછી તો સતત આપણને બાળકોની ભૂલો અને બાળકો આપણને ખીલીઓ જેવા જ નજરે આવશે ! આવામાં જાણીજોઈને પણ બાળકોની ભૂલોને અવગણવી એ આપણા, આપણી શાળા માટે અને ખાસ તો બાળક માટે ખૂબ આશીર્વાદરૂપ બનશે. કારણ ફરી યાદ કરાવી લઉં કે બાળક ટ્રાય અને એરર વડે જ  શીખે છે ! અને એ શીખેલું ફરી નવા માટે ટ્રાય કરવા ઉત્સાહિત બને છે. ચાલો, નવા વર્ષમાં શાળા સંચાલન માટેની તૈયારીઓના પ્રથમ પગથિયું એવું ગ્રુપ વિભાજનને આ વીડિયો વડે માણીએ !

નાગરિક ઉઘડતર – ગ્રુપ વિભાજન



June 23, 2026

દીકરી ભારતીની સ્પીચ: અમને શીખવા દો

દીકરી ભારતીની સ્પીચ: અમને શીખવા દો

શાળા: પીએમશ્રી નવા નદીસર પ્રાથમિક શાળા , વક્તા: ભારતી (ધોરણ-૮)  વિષય: અમને શીખવા દો 



અમારી શાળાની ધોરણ આઠની વિદ્યાર્થીની ભારતી પણ કંઈક રજૂ કરવા માંગે છે. ભારતી રજૂ કરશે એક સ્પીચ જેનો વિષય છે: અમને શીખવા દો.

અહીંયા આવેલ સૌને મારા ભારતી નવા નદીસરના નમસ્કાર. હું એક વિદ્યાર્થીની છું અને મને ખબર છે કે મારે વિદ્યાર્થીની તરીકે શું કામ કરવું જોઈએ, નવું નવું શીખવું જોઈએ. અહીંયા આવેલા વાલીઓ કોઈકને કોઈકના વાલી તો હશે જ—કોઈકના મમ્મી, કોઈકના પપ્પા, કોઈકના ભાઈ, કોઈકની બહેન અને એમાં પણ આ બહારથી આવેલા મહેમાનો પણ કોઈકને કોઈક બાળકના વાલી તો હશે જ.

મારે આજે તમને એક વાત કહેવી છે. મારે તમને કહેવું છે કે તમે અમને જે રીતે શીખવાડવા માંગો છો એ રીતે અમે શીખી શકતા નથી. મારે તમને કહેવું છે કે અમને શીખવાડશો નહીં, પરંતુ શીખવા દો! આ 'શીખવા દો' એવું મારે એટલા માટે કહેવું પડે છે કે હજુ તમે પહેલાના જમાનાની જેમ જીવો છો. જેમ તમને તમારા શિક્ષકો ભણાવતા હતા એ રીતે તમે ભણાવા માંગો છો, જેમ તમને તમારા શિક્ષકો વર્ત્યા હતા એ રીતે તમે વર્તો છો. તો સોરી, જમાનો બદલાઈ ગયો છે, ૨૧મી સદી આવી ગઈ છે અને ૨૧મી સદીના ઘણા અગત્યના કૌશલ્યો છે. જેમાંનું એક અગત્યનું કૌશલ્ય છે 'ક્રિટિકલ થિંકિંગ', એટલે કે જાતે વિવેચના કરવી કે શું સારું છે, શું નરસું છે, શું યોગ્ય છે અને શું અયોગ્ય છે.

તમે અત્યારે ફક્ત બાળકને ઓર્ડર જ આપ્યા કરો છો કે—આ કર, પેલું કર, આ ના કર, આની સાથે જા, આની સાથે ના જા, આ રમ, પેલું રમ, આ ખા, પેલું ખા. બસ તમે બાળકને સૂચનો જ આપ્યા કરો છો. તમે બાળકને સૂચન આપશો તો બાળક પોતાનું જીવન એક ચાવી ભરાવેલા રમકડાની જેમ જીવતો થઈ જશે. તે પોતાની જાતે એક પણ પ્રકારનો નિર્ણય લઈ શકશે નહીં. પછી તે આ દુનિયામાં એક ઈર્ષાળુ, ક્રોધિત અને ગુસ્સેલ માણસ બનીને ફરતો રહી જશે. શું તમને લાગે છે કે તે નવું જગત રચી શકશે? નવું જગત રચવાનો રસ્તો ફક્ત ને ફક્ત અમારાથી શરૂ થાય છે.

અમારે નાચવું છે પણ તમે એમ કહો છો કે નાચીશ તો શીખીશ ક્યારે? અમારે કૂદવું છે પણ તમે એમ કહો છો કે કૂદીશ તો શીખીશ ક્યારે? અમારે રમવું છે પણ તમે એમ કહો છો કે રમીશ તો શીખીશ ક્યારે? અમારે સંગીત કરવું છે પણ તમે એમ કહો છો કે સંગીત કરીને કરીશ શું, આ ભણવાનું કોણ કરશે? તમારા મનમાં એવું દ્રશ્ય છે કે ભણવું એટલે નોટ, ચોપડી કે પેન સાથે રહેવું. પણ ના, તમારા એ જીવનને યાદ કરો કે તમારા જીવનમાં જે અત્યારે સૌથી અગત્યનું કામ છે તે તમે કોઈ ચોપડીથી શીખ્યા નથી, તે તો બસ તમે જીવન જીવતા જ શીખી ગયા છો.

મારે તમને કહેવું છે કે તમે બાળકને અત્યારે કોઈપણ પ્રકારની પસંદગી કરવા દેતા નથી, જેથી તમે મોટા થઈને બાળક પર દોષ મૂકો છો કે કશું પસંદગી કરી શકતો નથી, કશું નિર્ણય લઈ શકતો નથી, જેમ ફાવે તેવું જીવન જીવે છે. તો એ જીવન જીવવા માટે બાળકને મજબૂર તમે જ કર્યા છે. અત્યારે અમારું ભણતર તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) માં પણ આવી ગયું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આર્ટ ઇન્ટીગ્રેટેડ શિક્ષણ હોય, રમત આધારિત શિક્ષણ હોય, પ્રવૃત્તિ સાથે શિક્ષણ હોય, જૂથમાં થતું શિક્ષણ હોય, વર્ગખંડની બહાર વ્યવસાયકારોને મળીને, પહાડ, પર્વત, નદી પર થતું શિક્ષણ હોય. તમારે જાણવું હોય તો શિક્ષકોને આવીને પૂછો કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શું છે.

તમને એવી ચિંતા છે કે બાળકના માર્કશીટનું શું થશે? પણ જો બાળકના વિકાસમાં ગુણ આવી ગયા તો માર્કશીટના ગુણ તો એની મેળે  જોવા મળશે. 

અમારી શાળાના વિદ્યાર્થીઓને 'ભૂતપૂર્વ' કહેવા કરતાં 'અભૂતપૂર્વ' કહેવા સારા રહેશે, કે જેઓ રમત રમતમાં સંચાલન કરતા શીખતા ગયા અને આખરે તેમને સમાજમાં એમનો ડંકો વગાડ્યો છે. કોઈ સરકારી નોકરી કરે છે, કોઈ લાખો રૂપિયાના કોન્ટ્રેક્ટ પર કામ કરે છે. એવો કોઈ વિદ્યાર્થી નથી કે જે અમારી શાળામાંથી પસાર થયો હોય અને તે ભૂખ્યો રહેતો હોય, તેને સારું ખાવાનું ન મળતું હોય કે તેનું સારું જીવન ના હોય.

મારે તમને કહેવું છે કે અમારી શાળામાં ચાહે NMMS ના પરિણામો હોય, જ્ઞાન સાધનાના પરિણામો હોય, જ્ઞાન સેતુના પરિણામો હોય કે પછી ISRO જેવી સંસ્થાની અંદર જ્યારે કોઈ વિદ્યાર્થીને બોલાવવાની વાત થાય ત્યારે પણ અમે જ પહોંચી વળીએ છીએ, જેથી અમે આગલી હરોળમાં ઊભા હોઈએ છીએ. મારે તમને કહેવું છે કે અમારા પર વિશ્વાસ રાખો. અમને શીખવાડશો નહીં, પરંતુ શીખવા દો! જો તમારે તમારા બાળકને સારી પ્રગતિ કરતું જોવું હોય તો એને શીખવાડશો નહીં.

અમારી શાળાનો મંત્ર છે કે: સર્વે ભવંતુ સુખિનઃ બધા સુખી તો ત્યારે જ થશે જ્યારે તમે એને જીવન જીવતા શીખવા દેશો. અમારી શાળામાં ફક્ત બાળકને પાટલી પર બેસી રહેતા શીખવાડતા નથી, અમારી શાળામાં બાળકને જીવન જીવતા શીખવાડે છે. હું ફરી કહીશ કે બાળકને શીખવાડશો નહીં, પરંતુ શીખવા દો!

હું બોલીશ: "શીખવાડશો નહીં..." તમારે બોલવાનું છે: "શીખવા દો!"

બાળકને શીખવાડશો નહીં — શીખવા દો, શીખવા દો!

બાળકને શીખવાડશો નહીં — શીખવા દો, શીખવા દો!

બાળકને શીખવાડશો નહીં — શીખવા દો, શીખવા દો!

અસ્તુ.



શાળા પ્રવેશોત્સવનો પૂરો વિડીયો