પુસ્તકોથી પરે જીવનના પાઠ..
શાળામાં જ્યારે પણ નવી ચીજવસ્તુઓ આવે, ત્યારે બાળકોના ચહેરા પર એક અજાયબ ચમક અને ઉત્સાહ
જોવા મળતો હોય છે. તાજેતરમાં જ્યારે
શાળામાં નવા આઈકાર્ડ બનીને આવ્યા, ત્યારે
આ ઉત્સાહ કંઈક વિશેષ રંગ લઈને આવ્યો. આ વખતે આઈકાર્ડ માત્ર ઓળખપત્ર નહોતા, પણ એક આગવું આયોજન હતાં. ગ્રુપ મુજબના સુંદર કલર ટોન! જેમ કે, 'અગ્નિ' ગ્રુપ માટે લાલ કલર, અને એવી જ રીતે દરેક ગ્રુપના અલગ-અલગ રંગો. આ કલર કોડિંગે બાળકોમાં પહેલેથી જ એક અલગ રોમાંચ
ઊભો કરી દીધો હતો.
પરંતુ, સાચો રોમાંચ તો ત્યારે શરૂ થયો જ્યારે આ કાર્ડ્સના વિતરણની વાત આવી. આટલી
મોટી સંખ્યામાં આવેલા કાર્ડ્સ બાળકો સુધી
કેવી રીતે પહોંચાડવા? આ
પ્રશ્નનો ઉકેલ શાળાના કેબિનેટે જાતે જ શોધી કાઢ્યો. તેમણે નક્કી કર્યું કે વિતરણની ધૂરા જે તે ગ્રુપના લીડર
અને ઉપલીડર સંભાળશે. બસ, અહીંથી
જ શરૂ થઈ વાસ્તવિક વ્યવસ્થાપન
અને નેતૃત્વની અસલી સફર!
જ્યારે લીડર્સના હાથમાં વિતરણની જવાબદારી આવી, ત્યારે તેમણે પરિસ્થિતિને સંભાળવા માટે પોતાની
સૂઝબૂઝનો ઉપયોગ શરૂ કર્યો. આ
દ્રશ્ય શિક્ષક તરીકે જોવા જેવું અને હૃદયને સ્પર્શી જાય તેવું હતું. કોઈ ગ્રુપના લીડરે સરળ રસ્તો કાઢ્યો કે, "હું નામ બોલીશ અને તમે
પડાપડી કર્યા વગર શાંતિથી લઈ
જજો." તો
વળી કેટલાક બાળકોએ વધુ વ્યવસ્થિત રસ્તો અપનાવતા પોતાના ગ્રુપની અંદર ધોરણ મુજબ વર્ગીકરણ કરીને કાર્ડ્સ વહેંચવાનું શરૂ
કર્યું.
આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી મજેદાર બાબત એ હતી કે બાળકોએ ભારે કેલ્ક્યુલેશન કરવું
પડ્યું. કોના કાર્ડ મળી ગયા છે? કોના હજુ બાકી છે? કયા ધોરણના વિદ્યાર્થીઓ સુધી કાર્ડ પહોંચાડવાના
બાકી છે? આ
તમામ બાબતોની યાદી
તૈયાર કરવી, એકબીજા
સાથે સંકલન સાધવું અને કોઈ રહી ન જાય તેની તકેદારી રાખવી, આ બધું બાળકો માટે કોઈ મોટી મેનેજમેન્ટ સ્કૂલથી
કમ નહોતું.
શિક્ષક તરીકે જ્યારે અમે આ સમગ્ર પ્રક્રિયાને દૂરથી નિહાળી રહ્યા હતા, ત્યારે અમારા મનમાં જે આનંદ અને સંતોષ હતો, તે શબ્દોમાં
વર્ણવવો મુશ્કેલ છે. વિતરણ સમયે મુશ્કેલીઓ તો દેખાતી હતી. શિક્ષક તરીકે દૂર ઊભા ઊભા મનમાં થતું પણ ખરું કે આના કરતાં અમે સૌ
શિક્ષકોએ વહેંચણી કરી હોત તો ઝડપથી થઈ
ગઈ હોત. પરંતુ બીજી જે ક્ષણે અમારામાંનો માસ્તર કહેતો કે લ્યા, તું જ બધું કરીશ તો બાળકો ક્યારે અનુભવશે કે શીખશે - અને
હા કામ
થોડું મોડું કે કામ મોડું થશે તો શું ફર્ક પડી જશે ? - આઈકાર્ડ હાથમાં આવ્યાનો આનંદ
તો બાળકોના ચહેરા પર સ્પષ્ટ દેખાતો જ હતો, પરંતુ અમારો અસલી આનંદ એ વાતનો હતો કે બાળકો આ
નાની પ્રક્રિયામાં જે મથામણ કરી રહ્યા હતા, તેનાથી તેમની અનેક છૂપી શક્તિઓ ખીલી રહી હતી.
આ નાની ઘટનાએ સાબિત કરી દીધું કે:
● નેતૃત્વ
અને જવાબદારી: બાળકોને
જ્યારે જવાબદારી સોંપવામાં આવે
છે, ત્યારે
તેઓ તેને પૂરી નિષ્ઠાથી નિભાવતા શીખે છે.
● વ્યવસ્થાપન
અને આયોજન: ગૂંચવણભરી
સ્થિતિમાં સરળ રસ્તાઓ શોધવાની
તેમની કોઠાસૂઝ અદ્ભુત હોય છે.
● ટીમવર્ક
(સહકાર): એકબીજાને
મદદ કરવી, યાદી
બનાવવી અને સાથે મળીને લક્ષ્ય પૂરું કરવું એ સામુહિક ભાવના તેમને ભવિષ્યના સક્ષમ નાગરિક
બનાવે છે.
સાચી કેળવણી એ છે જે ચાર દીવાલોની બહાર નીકળીને જીવનના વ્યવહારુ અનુભવોમાંથી મળે.
આઈકાર્ડ વિતરણની આ નાનકડી ઘટનાએ બાળકોને લીડરશિપ, સંચાલન અને પરસ્પર સહકારનો જે પાઠ ભણાવ્યો, તે કોઈ પણ વર્ગખંડમાંના પાઠ કરતા ઘણો મોટો અને અમૂલ્ય હતો. આખરે, શિક્ષણનો સાચો આનંદ તો બાળકોના આત્મવિશ્વાસભર્યા
ચહેરા જોવામાં
જ છે!
એટલે જે કહેવાય છે કે કેટલાક પાઠ પુસ્તકોમાં આવે તે પહેલાં જીવનના અભ્યાસક્રમમાં
આવે છે. જરૂર છે તેને શિક્ષક તરીકે ઓળખવાની
!
|
રીડિંગ
રીલ્સ : વાસ્તવિક
જીવનના પડકારો અને જવાબદારીઓમાંથી મળતું શિક્ષણ પુસ્તકીય જ્ઞાન કરતાં
અનેકગણું પ્રભાવશાળી અને કાયમી હોય છે. (એક્સપિરિએન્શિયલ લર્નિંગ) |


































































































































