Showing posts with label online class. Show all posts
Showing posts with label online class. Show all posts

April 12, 2021

કોઈ તો રોક લો..


કોઈ તો રોક લો..


'રાંઝણા' (ધનુષવાળું) ફિલ્મ જેવું આપણું આખું વર્ષ રહ્યું. માંડમાંડ કોઈક રસ્તો શોધી લઈએ ત્યાં તો મૂવીમાં જેમ ઝોયાને બીજું કશુંક પસંદ આવી જાય એમ આપણા શૈક્ષણિક માર્ગોના વળાંકો આપણે જોઈ રહ્યા હોઈએ ને તે આડા ફંટાઈ જાય. 

વાલીઓ, બાળકો અને ફળિયામાં ટ્યુનિંગ કરાવીને ઓનલાઈન શીખવા માટેનું વાતાવરણ બરાબર સેટ કર્યું. હવે, છૂટી જતાં એ બાળકો સુધી બીજા બાળકો ય સંદેશ પહોંચાડી દેતા. જેમ રૂબરૂ આવતા ત્યારે એકબીજાને 'લેસન કર્યું?' એમ પૂછતા તેમ હવે ફોનથી-મેસેજથી એકબીજાને શીખવા તરફ ધક્કો મારતા થઈ ગયેલાં. ત્યાં જ ધોરણ 6 થી 8 ખોલવાનો નિર્ણય આવ્યો ને શરૂઆતમાં કેટલાંક બાળકોએ તો રીતસર દોટ જ મૂકી. શિક્ષકો, બાળકો, વાલીઓ – એમ બધાં જાણે જીવનમાં પહેલીવાર શાળાઓ ખૂલી હોય એમ અનુભવતાં હતાં. વર્ગો પ્રમાણમાં શાંત લાગે. અરે! આપણે કહ્યું હોય કે છૂટાછૂટા બેસી ખાજો, તો એ વાત માને! (અમારા માટે તો એ નવાઈ હતી કે બાળકો આટલાં બધાં કહ્યાગરાં થઈ ગયાં.)

કેટલાંક છેલ્લી પાટલી પર એકલા એકલા બેઠા હસતાં રહેતા... મંદમંદ... ('થ્રીઇડિયટ્સ'માં આમિર ખાન હસે એમ...  'મજા આ રહા હૈ... કઈ મહિનોં સે સપના થા કિ મૈં સ્કૂલ મે લાસ્ટબેન્ચ પર બૈઠા હૂ ઔર ટીચર પઢા રહે હો... ઔર આજ વો સપના સચ હો ગયા હૈ. )  ટૂંકમાં ભણવું - ન ભણવું એ બધાં કરતાં એકબીજાને મળવું (દૂરથી તો દૂરથી) જાણે અમૃત જેવું હતું. નિદાન કસોટી આવી, એમાં પણ તેઓએ સંપૂર્ણ – જાણે કે પરીક્ષા આપવાનીય મજા પડતી હોય એમ હાજરી આપી.  

બધું જ મસ્ત ચાલતું હતું. (આપણી ભીતર રહેલો કુંદન હવે ખુશ હતો કે હવે તો બધું જ ઓલ સેટ જ છે.) ત્યાં ધીમે ધીમે ઝોયાએ રંગ બદલવાનું શરૂ કર્યું. છાપામાં આપણાથી દૂર – કેસ વધવાના અને સેકન્ડ વેવ, ડબલ મ્યુટેશન જેવા શબ્દો; પહેલાં છૂટકછૂટક અને પછી જથ્થાબંધ વધ્યા. અમે તેમને ફરી ઓનલાઈન ભણવાનું થાય તો શું કરીશું, તેમને શું મુશ્કેલી પડે, તેમણે તેમાં ટેક્નિકલ રીતે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી – જેવી ચર્ચાઓ કરતાં. (પણ મનમાં તો એમ જ કે, 'ના રે! હવે ગુજરાતમાં એટલા બધા કેસ ન જ આવે કે શાળાઓ બંધ કરવાની થાય.') અમારી આ ટ્રેન હવે પાટા પર પૂરપાટ દોડતી હતી. ધોરણ 1 થી 5 ના બાળકો પણ હવે તેમને લેવા ટ્રેન ક્યારે ઊભી રહેશે તે માટે પૂછપરછ કરતાં હતાં, ને અમેય કહેતાં કે હવે બસ થોડાક દિવસ. ત્યાં તો ગુજરાતમાં કેસ – પંચમહાલમાં કેસ – ગોધરા તાલુકામાં – પરિઘ નાનો થતો ગયો. કેટલાંક બાળકોના વાલીઓએ બાળકોને ટ્રેનમાંથી ઉતારવા માંડયા અને દેખાદેખીથી શરૂ થયેલી આ ઘટમાળ પછી તો ભયના ઓથાર હેઠળ – ટ્રેન મોટી ને પૅસેન્જર ઓછા એવા હાલ થઈ ગયા. અમે પણ કાળજીના ભાગરૂપે બાળકોને વર્ગમાં બેસાડવાનું જ બંધ કરી દીધું. ફોનથી સંપર્ક ફરી શરૂ કર્યા. છતાં લાગતું હતું કે  હવે થોડોક સમય, પાછું બધું બરાબર થઈ જશે.  

પણ ત્યાં જ – ટ્રેન રોકો અને પૅસેન્જર ખાલી કરો – એવી હાલત આવી ગઈ.

એ પછીના ચોવીસ કલાક અમારા માટે 'રાંઝણા'ના કુંદનના છેલ્લા સીન જેવા -मेरे सीने की आग या तो मुझे जिंदा कर सकती थी या मुझे मार सकती थी,पर साला अब उठे कौन? कौन फिरसे मेहनत करे दिल लगाने को... दिल तुडवाने को… अबे कोई तो आवाज दे के रोक लो! – ની જેમ એક એક કરીને બધાં દૃશ્યો આંખ સામે ભજવાતાં જતાં હતાં.ફરી એક ફૉર્મ લઈ સર્વે, ફરી કેટલાયના નંબર બદલાઈ ગયા હશે, કેટલાકના ટીમ્સ એકાઉન્ટ કાઢી નખાયા હશે. કેટલાકના વાલીઓ 'હવે શું કરવો છે!' કરી ફોન વેચી આવ્યા હશે. – કરી શકીએ એમ તો હતાં જ પણ એમ મન ભરાઈ આવેલું કે, “કૌન સાલા ફિર સે ઉઠે!" એવુંય થતું કે, "કોઈ તો રોક લો...” ને એ જ  સાંજે ફોન – “સાહેબ, કાલે કેટલા વાગ્યે ઓનલાઈન ક્લાસ?”  આટલા જ શબ્દો ને – “યસ, કાલે સવારે કહીએ ને વોટ્સએપ ગ્રુપમાં...” બધું ગોઠવી દેવાની તાકાત આવી ગઈ. ફટાફટ આયોજન ટાઇપ થયું.

નાગરિક ઘડતરની જેમ જ 6 થી 8 ની વર્ચ્યુઅલ સંસદ કરી, તેમની સામે સવાલો મૂક્યા, તેમણે સૂચનો આપ્યાં. અમે ભેગાં કરી માળખું કર્યું... ને ... શું! અમારી ફિલ્મ તો હેપ્પી હેપ્પી જ છે.😊ફરી અમારી પડતાં-આખડતાં, અથડાતાં-કુટાતાં શીખવાની જર્ની શરૂ થઈ ગઈ છે.



December 19, 2020

શિક્ષણની પ્રક્રિયામાં > જો હો જાયે શુરુ, વો હી ગુરુ !

શિક્ષણની પ્રક્રિયામાં> જો હો જાયે શુરુ,વો હી ગુરુ!

કોઈને સલાહ આપવી સહેલી છે, પરંતુ કોઇની આપેલી સલાહ માનવી મુશ્કેલ છે. – આ વાત આપણે સૌએ સાંભળેલી, અનુભવેલી છે. આવું કેમ બને છે?. શાળાના અમારા અનુભવો કહે છે કે : આપણ સૌને કોઈને કોઈ વાતમાં અન્ય વ્યક્તિને સલાહ આપવાની ટેવ પડેલી હોય છે – આ વાત સાબિત કરે છે કે દરેક વ્યક્તિનામાં શીખવવાપણું એટલે કે શિક્ષકપણું જન્મજાત રહેલું હોય છે !  પરંતુ કોઇની આપેલી સલાહ આપણે સૌ જલ્દીથી માનતા નથી -  એ સાબિત કરે છે કે દરેક વ્યક્તિનામાં વિદ્યાર્થીપણું પણ જન્મજાત રહેલું હોય છે ! એટલે જ તો આપણા સૌની ફરિયાદ રહેલી હોય છે કે  બાળકો જલ્દી આપણું માનતા નથી. શીખવવું સહેલું નથી તેમ શીખવું એ પણ સહેલી પ્રક્રિયા નથી.  અને ખરેખર વધારે મજબૂતાઈથી કહું તો શીખવું એ વધારે મુશ્કેલ વસ્તુ છે. શીખવવામાં ફક્ત બોલી કે બતાવી દેવાની પ્રક્રિયા હોય છે, જ્યારે શીખવાની બાબતમાં સાંભળેલું કે જોયેલું સમજવાની પ્રક્રિયા કરવાની હોય છે. અને માનવ મગજ ઉપર સ્ટ્રેસ ઊભા કરતી હોય તે સમજવા માટેની પ્રક્રિયા છે. આવા સ્ટ્રેસ સાથેની કસરત જ મગજમાં સમજણ અંગેના કોષ પેદા કરી મગજને કેળવતી હોય છે. શીખવવા માટે એટલો બધો સ્ટ્રેસ મગજ પર આવતો નથી કેમ કે શિખવાનાર એ પ્રક્રિયામાંથી નીકળી ચૂક્યો હોય છે. વર્ગખંડોની પ્રક્રિયાઓને બારીકાઈથી જોઈએ તો તેમાં બે ટીમ કામ કરતી હોય છે. જેમાં એક ટીમ આપણી કે જેઓ શીખવવા મથે છે – સામે બાળકોની ટીમ કે જેઓ આપણે સમજાવેલ બાબતોને સમજવવા મથતાં હોય છે. આવી પ્રક્રિયાઓમાં બંને બાજુ મથામણ ચાલતી હોય છે. આવામાં કેટલીકવાર શિક્ષક તરીકેની આપણી આગવી કુનેહ વડે જો વર્ગખંડની પ્રક્રિયામાં નાનકડા ફેરફાર વડે નાની નાની એવી તક ઝડપી લેવામાં આવે કે જેમાં સામેની ટીમમાંથી કોઈ બાળક આપણા સ્થાને આવી એટલે કે શિક્ષક બની વિષય વસ્તુને સમજાવવા લાગી જાય!

તેના બે ઉદાહરણ શાળાના અનુભવો પરથી આપી શકાય તો પહેલું અમારો દીકરો હરેશ.. >

પહેલા અને બીજાના ધોરણના બાળકોને સ્વધ્યયનપોથી ઘરે આપવાની વાત થઈ ત્યારે ફળિયાદીઠ હાઇસ્કૂલમાં ભણતાં બાળકોને નાના બાળકોના લીસ્ટ સાથેની જવાબદારી સોંપવામાં આવી. તેમાં નાના બાળકો ફળિયામાં હરેશના ઘરે આવી રોજે રોજ શાળામાંથી મોકલેલ ઘરકામ વાળા પાન નંબરનું લેખન અને વાંચન કાર્ય કરવાનું સોંપ્યું. સમયાંતરે શિક્ષકની મુલાકાત વખતે હરેશનું વર્તન શિક્ષક જેવુ જ  અને પ્રક્રિયા વર્ગખંડ જેવી જ લાગી. [ સાચું કહું તો ઈર્ષા પણ આવી ] બાળકોની તેની આસપાસ ઊભા રહી સમજવા માટેની મથામણ એ જ અમારો આનંદ હતો.

બીજો પ્રસંગ ઓનલાઇન ક્લાસમાં ધોરણ પાંચમાં – પર્યાવરણ વિષય અંતર્ગત રાજુનું ઘર એકમ માં તંબુમાં રહેવાના અનુભવો વિશે ગૂગલ ગુરુના અનુભવો ચંદુ સાહેબ બાળકો સાથે શેર કરતા હતા, તેવામાં જ દિશા દીકરીનો વિડીયો ચાલુ થયો અને બૂમ પડી “ સાહેબ અત્યારે હું તંબુમાં જ રહું છું, મને અનુભવ છે હું બધાને કહું ? આવી બાળકોને શિખવવાની તક કેવી રીત જવા દેવાય – ગૂગલ અને ચંદુ ગુરુ કરતાં પણ દિશા ગુરુએ બાળકોની ભાષામાં મજાની રીતથી પોતાના અનુભવો શેર કર્યા ! બાળકો પ્રક્રિયામાં સામેલ થાય પછી તો પૂછવું જ શું ? – દિશા ગુરુની વાતો સાંભળી અને તેનો તંબુ જોઈને આનંદ અને આશ્ચર્ય બંને થશે > ચાલો ફોટો પર ક્લિક કરી વિડીયો વડે દિશાએ તાણેલા તંબૂમાં જઈએ !


November 29, 2020

બાળકો - કેમેરા અને શ્રમનું ગૌરવ !

બાળકો -  કેમેરા અને શ્રમનું ગૌરવ !

બાળકોમાં રહેલા કૌશલ્યોને ઓળખવા એ શિક્ષકનું મુખ્ય કામ છે. એટલે જ તો બાળકોના ઝવેરી તરીકે પણ સમાજમાં શિક્ષકને સન્માનવામાં આવે છે. જે શિક્ષક બાળકના કૌશલ્યને ઓળખી શકે છે તે શિક્ષક જ પોતાની મહેનતનું પૂરું પરિણામ મેળવી શકે છે. ભણવાની પ્રક્રિયામાં ટોક અને ચોક નો જ ઉપયોગ કરી મોટાભાગના આપણા મિત્રોએ તેને કંટાળાજનક બનાવી દીધી છે. જે વ્યક્તિ કે વસ્તુમાંથી કંટાળો મળતો હોય  તેમાં નફો કે ફાયદો ગમે તેટલો હોય આપણે સૌ તેનાથી દુર ભાગતાં હોઈ છીએ. તો એવામાં બાળકો પણ ભણવાથી ભાગી રહ્યાં હોય એ સ્વાભાવિક છે. એમાં બદલાવ આપણે સૌએ એમની સ્કીલ અને એ મુજબનું એમને કામ સોંપીને લાવી શકાય છે.

બાળકોને રસીક કામ સોંપવું અથવા તો સોંપવામાં આવનાર કાર્ય જો અનિવાર્ય જ હોય પરંતુ તેના માટે કંટાળાજનક લાગે તેવું હોય તેમાં બાળકોને ગમતું ઉમેરવું જોઈએ. તો જ આપણે ધારીએ છીએ તેવું બાળકો મજાથી કરી લે. કેટલીકવાર બાળકોને ગમતી પ્રવૃત્તિઓમાં આપણો પ્રત્યક્ષ શિક્ષણ અંગેનો આગ્રહ જ બાળકમાં “આ તો ભણવાનું છે” – એવી લાગણીઓ બનાવી પેદા કરી દે છે. અને બાળકોને મન તો ભણવું એટલે શું ? એતો આપણે સૌ જાણીએ જ છીએ.

ફોટોગ્રાફી સ્પર્ધા માટેનો પત્ર મળતાં જ લાગ્યું કે બાળકો માટે તો આ મજા આવે એવી પ્રવૃત્તિ છે. ઘરમાં નવો મોબાઈલ આવ્યો કે તરત ઘરનું બાળક પહેલાં કેમેરો ખોલી સેલ્ફી કે ફોટો પાડી કેમેરા ક્વોલીટી  ચેક કરતાં હોય છે. સ્પર્ધામાં બાળકો માટે ફોટો પાડવા માટેનો ઉત્સાહ હતો , તો શાળા પરિવાર માટે ફોટોગ્રાફીનો  વિષય “શ્રમનું ગૌરવ”  એ ઉત્સાહ વધારનાર પરિબળ હતું. બાળકોને હમેશાં વાતો અને વાર્તાઓ વડે આપણે વર્ગખંડમાં શ્રમ વિશે સમજાવતાં હતાં. એ હવે બાળકો જાતે જ સમજે. મજાની વાત તો એ હતી કે આવી પ્રવૃત્તિ વડે બાળકો વધુ સ્પષ્ટતા સાથે સમજી શક્યા કે પોતાની બા ભેંસને પાણી પીવડાવે છે, પપ્પા પોતાના વ્યવસાય માટે તૈયારીઓ કરી રહ્યા છે, મમ્મી રોટલી માટે અનાજ સફાઈ કરી રહી છે, ભાઈ ખેતરમાં મદદ કરી રહ્યો છે, ફેરિયો સાઇકલ પર સામાન સાથે જઈ રહ્યો છે, આ બધો જ શ્રમ છે. દરેક વ્યક્તિ કોઈનેકોઈ પ્રકારે શ્રમ કરી રહ્યો છે. તે તો તેમની મોકલાવેલી ક્લિક્સ પરથી એમને અને અમને સમજાયું જ ! પરંતુ સાથે અમે ઓનલાઈન ક્લાસમાં ચર્ચા દરમ્યાન એ પણ જોડ્યું કે દરેક વ્યક્તિનો શ્રમ સમાજ માટે કેવી રીતે મહત્વનો છે, અને તેના વડે જ સામાજિક ઉપયીગીતા ચક્રની જેમ કેવીરીતે ચાલતી હોય છે !

ચાલો, ભલે બાળકો એ શ્રમને લેન્સની નજરે જોયો હશે અને ક્લિક કરી હશે પરંતુ એ એટલું તો સમજી જ ગયાં હશે કે મારા પોતાની માટે આસપાસના સૌ શ્રમ કરી રહ્યા છે. આ જોઇને તે પોતે પણ પોતાનું યોગદાન આપવા તત્પર બનશે જ તેવી અમને તો આશા છે જ ! ત્યાં સુધી ચાલો તેમની ક્લિક્સ ને માણીએ..






September 29, 2020

Selfe with DD - Twist is Sweet !

Selfe with  DD  -  Twist is Sweet !

સતત એક પ્રકારનું કામ જીવનમાં રૂઢતા લાવી દે છે. દરેક માનવી સમયાંતરે પોતાના રૂટીનમાં કાંતો બદલાવ ઈચ્છે છે અથવા તો બ્રેક ઈચ્છતો હોય છે. આપણા રૂટીનમાં જીવાતા જીવન દરમ્યાન પણ જો વચ્ચે ફેરફાર ન આવે તો જીવનમાં પણ નીરસતા આવી જવાની સંભાવના રહેલી છે. અને એટલે જ તો, આવા બદલાવ અથવા તો બ્રેક માટે તહેવારોની ઉજવણી શરુ થઇ હશે. આવા ફેરફારો જીવનમાં નવો ઉત્સાહનો સંચાર કરી દેતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ જ કે જે કાર્યમાં ઉત્સાહ ઉમેરાય તેના પરિણામોમાં ૧૦૦% સફળતાની આશા દેખાઈ આવે છે. દેખાઈ શું આવે ૧૦૦% પરિણામ મળી જ રહે છે. એનાથી જ સમજી શકાય છે કે કોઇપણ કાર્ય સતત એક રૂટીનમાં થવું એ તેની ખરાબ રીતે થઇ રહ્યાની અને અસફળતા મળવાની પણ નિશાની છે.!!

કાર્યનો ઉત્સાહ જળવાઈ રહે તે માટેનો બીજો નિયમ એ છે કે તેના માટે નિરીક્ષકો હોવા મહત્વના છે. તમને વાત કરું તો ક્રિકેટ આટલી ફેમસ કેમ બની અને ગલીએ ગલીએ રમાતી કબ્બડ્ડી અને કુસ્તી કેમ પાછળ રહી ગઈ એવું અમને જયારે કોઈ બીજો પૂછે ત્યારે અમારો જવાબ એ જ હોય કે પ્રેક્ષકો વિના ! જયારે કોઈ જોનાર નથી, ત્યારે કોઈ રમનાર પણ નથી ! કારણ કે કોઈ જોતું નથી એટલે ખેલાડીઓમાં  રમવાનો ઉત્સાહ પણ નથી બનતો ! અને તેની સામે ક્રિકેટે તે સમયે સમય સુચકતા વાપરી રમતમાં ટેકનોલોજીનો સંપૂર્ણપણે  ઉપયોગ કરી શેરી મહોલ્લા અને ગલીએ ગલીએના તમામ પ્રેક્ષકોને પહેલાં રેડિયા સામે ભેગાં કરી દીધાં. પછી તો ધીમેધીમે ઘરમાં ટીવી આગળ બેસીને રૂબરૂ મેદાન જ જાણે ઉભું કરી દીધું. કુસ્તી કહો કે કબડ્ડી તમામ મેદાનો પ્રેક્ષકો વિનાના બનવા લાગ્યા અને અહીં પેલો જ નિયમ લાગુ પડ્યો – જોનાર નથી તો – રમવાનો ઉત્સાહ નથી ! અને ઉત્સાહ નથી તો પછી તે ક્યાં સુધી ચાલે એ પણ આપણે જાણીએ છીએ જ.

આવી જ બાબતોનું પુનરાવર્તન થવાની શરૂઆત શાળામાં થઇ એવું લાગ્યું. જુન માસથી શૈક્ષણિક સત્ર શરુ થયું પરંતુ કોરોનાને કારણે આ વખતે શિક્ષણ શાળાઓમાં નહિ બાળકોના આંગણામાં અને ટીવી મોબાઈલની સ્ક્રીન પર શરુ થયું. શિક્ષણ વિભાગ ધ્વારા બાળકોના શિક્ષણ કાર્યને ઘર સુંધી પહોંચાડી શકાય તેવા હેતુથી સમય પત્રક સાથે દુરદર્શન ની ગિરનાર ચેનલ પર  હોમલર્નિંગ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો. બાળકો આનો પુરેપુરો લાભ મેળવે તેના માટે શાળા પરિવાર ધ્વારા પણ બાળકોના ઘરનું સર્વે કરી આયોજન કરવામાં આવ્યું. જેમાં...

  • જે બાળકોના ઘરે ટીવી નથી તો ? – સાથે રમતાં મિત્રના ઘરે જોવે તેમની સૂચનાઓ સાથેની બાળકોની ટીમ બનાવી.
  • દુરદર્શન પર જોયા પછી ન સમજાય તે બાબતો બીજા દિવસે ઓનલાઈન ક્લાસમાં અથવા તો પોતાના શિક્ષકને ફોન કરી પૂછે તેવી વાલીઓને પણ જાણ કરી.
  • રોજેરોજ બાળકો સાથેની ટેલીફોનીક મુલાકાતમાં પણ દુરદર્શન જોયું ? અને હોમવર્ક કર્યું ? = આ બે પ્રશ્નોને ખાસ પુછવામાં તેવું નક્કી કરાયું.

આવા આયોજન સાથે રૂટીન કાર્ય શરુ થયું. વાલીઓ પણ જોડાયા. તેઓ પણ બાળકોની પ્રવૃત્તિઓ જોતાં – બાળકોને પૂછતાં – વાતો કરતાં – શિક્ષક સાથે તે અંગેની ચર્ચા કરતા ! બાળકો ધ્વારા પણ જોવે – વાંચે –લખે – સમજે – પૂછે – બધું જ થવા લાગ્યું –ધીમેધીમે આ રૂટીન બન્યું. – જેથી હવે તમે પણ સમજી ગયાં હશો કે રૂટીન બનવું એટલે કે કામ થવું પણ તેમાંનો ઉત્સાહ ઉડી જવો. સમયાંતરે બાળકોને શૈક્ષણિક કાર્યક્રમો જોવા માટે નવો ઉત્સાહ ભરવાનો સમય આવી ગયો હોવાનો અહેસાસ તેમની સાથેની ટેલીફોનીક અને રૂબરૂ મુલાકાત સમયે થવા લાગ્યો. વાલીઓ પણ પોતાના જીવનનિર્વાહ માટેના વ્યવસાયમાં વ્યસ્ત હોય એટલે આમાં સતત ધ્યાન ન આપી શકે. તે માનવું જ રહ્યું. પરંતુ આપણે સૌએ તો ‘બાળકોની કેળવણી’ ને જ વ્યવસાય તરીકે સ્વિકાર કર્યો છે, ત્યારે આપણે બાળકોના દરેક કાર્યમાં ઉત્સાહ વધારવા શું કરી શકાય તેનું મંથન શરુ થયું. વિચારતાં વિચારતાં જ વિચાર આવ્યો - ‘સેલ્ફી વિથ DD’ [એટલે કે દુરદર્શન]. જેમાં નીચે મુજબની વાતો અજમાવાઇ.

·         શિક્ષકો રોજેરોજ બાળકોને હોમ લર્નિંગને રોમાંચિત બનાવી રિમાઈન્ડ કરે. અને તે જોઈ રહ્યાં હોય તેનો ફોટો મંગાવે.

·         ફોટો આવે એટલે વળતો પ્રોત્સાહિત રિસ્પોન્સ કરવો.

·         સુર્યપાલનો આવેલો ફોટો સંદીપને બતાવાય અને જાનકીનો આવેલો ફોટો જીનલને મોકલાવાય.

·         વાલીઓના ગ્રુપમાં પણ શેર કરવાનું આયોજન કર્યું.

અઘોષિત રીતે એવો માહોલ ઉભો કર્યો કે જાણે “બાળકો ફોટોગ્રાફ્સ વડે એકબીજાને પૂછતાં ન હોય કે મેં તો DD જોયું, તમે જોયું?” “જો, અનીતાએ તો જોયું, પ્રિન્સ તેં જોયું ? અમારો પુરક ઉદેશ્ય પણ એ જ હતો કે બાળકોને પણ લાગે કે “અમે આ જોઈએ છીએ,તે પણ કોઈક જોવે છે. હવે બાળકોને પોતે હોમલર્નિંગ જોવા માટેનું ફક્ત ભણવું એ જ એક માત્ર કારણ ની જગ્યાએ મિત્રોને જોતાં બતાવવા માટેનું બીજું કારણ પણ મળ્યું છે.

અને ઉપરની શરૂઆતની વાત ફરીથી કહું કે દરેક રમતમાં ખેલાડીના ઉત્સાહનો આધાર જોનાર પ્રેક્ષકો પર છે. તે વાત આમાં બાળકો પર પણ લાગુ પડે છે – અને તેમાંય પ્રેક્ષકો તરીકે  મિત્રો અને પોતાના શિક્ષકો જ હોય તો પછી પુછવાનું જ શું ?

હજુ મંજિલ દૂર છે ત્યારે આપણા સૌનો ઉત્સાહ ટકી રહે તે માટે બીજું શું કરી શકાય તે માટેના સૂચનો અમને મળશે તો એઝ યુઝવલ અમને ખૂબ ગમશે. 











August 30, 2020

ઓન હોય કે ઓફ હોય; શીખવાનું હોય. ✋

ઓન હોય કે ઓફ હોય; શીખવાનું હોય. ✋

કોઈક શબ્દ જરૂરથી વધુ વખત વપરાય પછી તેનો મૂળ અર્થ ગુમાવી દે છે. શિક્ષણની બાબતમાં પણ આવું જ બન્યું. કોરોનાના કારણે દૂર રહી શીખવા માટે કરાતા પ્રયત્નોને આપણે “ઓનલાઇન શિક્ષણ” એવું નામ આપ્યું (અથવા અપાઈ ગયું.)  પછી એ શબ્દ એટલી બધી વખત ઉછળ્યો કે તેના અર્થ બદલાઈને  માત્ર – “વિડીયો કોન્ફરન્સ એટલે ઓનલાઈન શિક્ષણ” એમ બધાના મગજમાં ઠસવા લાગ્યું. હવે આ જ વ્યાખ્યા સાથે ભારતની કોઈપણ શાળા કાર્ય ન કરી શકે. એટલે જ્યારે પણ “ઓનલાઈન” એવો શબ્દ આવે તેની સાથે જ આપણને પ્રશ્નો જ દેખાય (પ્રશ્નો છે પણ ખરા.) પણ હવે જો આ ઓનલાઈન શબ્દને તડકે મૂકી દઈએ  અને ઉપાયો વિચારી તો રસ્તા મળી શકે – શરત એટલી કે જો તેને “વિડીયો કોલિંગ” સાથે જ જોડવાનું ના હોય તો.

આવા સમયનો સૌથી ઉત્તમ રસ્તો તો આ અગાઉના બાયોસ્કોપમાં કહ્યું હતું એમ – આ શિક્ષણ પ્રથાને રીસેટ મારી દઈને નવેસરથી વિચાર કરવાનો હતો. પરંતુ જેમ એક સ્થળે પહોંચવાના બે રસ્તા હોય તેમાંથી એક રસ્તે અડધે સુધી પહોંચીને અફસોસ કરીએ કે પેલો રસ્તો લેવા જેવો હતો તો તેનાથી રસ્તાને નહીં; આપણને ફરક પડે છે. – આવો વિચાર પછી મગજમાંથી હટાવી શકાતો નથી. જે રસ્તે ચાલીએ  છીએ તે રસ્તે બધી મુશ્કેલી જ મુશ્કેલી લાગ્યા કરે અને જે રસ્તે ચાલતા નથી તેના માત્ર સ્વપ્ન અને વિચારો જ આવે.

આવું જ આપની સાથે થઈ રહ્યું છે. ઓનલાઈન કે  ઓફલાઇન શીખવાનું તો જરૂરી હતું. અત્યારે આપણે સૌ કહીએ છીએ કે “શાળા જ શીખવે એવું ના હોય !”  – “બાળક જાતે પણ શીખી શકે.” - “બાળક સમાજમાંથી પણ શીખી શકે.” - “બાળક પોતાના મિત્રો પાસેથી પણ શીખી શકે” - “બાળક રમત દ્વારા પણ શીખી શકે.” - “બાળક તેના વાલી પાસેથી પણ શીખી શકે.” હવે આ  સંવાદોને આપણા જ ભૂતકાળમાં મૂકીને જોઈએ તો આપણને સમજાશે કે આપણે આ બધી રીતે શીખી શકાય એ વાત સમજ્યા પછી પણ તે મુજબ બાળકને  શીખવાની તક ઓછી આપી હતી ! વર્ષોથી આપણે શીખવું એટલે “શાળા શીખવે તે” અને “શિક્ષક જ શીખવી શકે” એ માન્યતાને વાલીઓ અને બાળકોના મગજમાં ઘર કરાવી દીધી. રમત રમે ત્યારે રોકોટક કરી, વર્ગમાં વાતો કરે ત્યારે રોક ટોક કરી, કોઈક ખેતરની વાતો વર્ગમાં લાવે ત્યારે રોકટોક કરી.. અને હવે આપણને આજે સમજાય છે એ રોક ટોક ના કરી હોત આજે તેમનું શીખવાનું સરળ બન્યું હોત –

શાળાઓની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી છે. આપણે જ પહેલા વાલીને સમજાવતા હતા કે આમ અઠવાડિયામાં બે ત્રણ રજા પાડે તો પછી મુશ્કેલી પડશે. જુઓને તેની હાજરી કેટલી ઓછી છે. એટલામાં તો શિક્ષકે વર્ગમાં કેટલું બધુ શીખવ્યું હોય – હવે તમે તો કઈ ઘરે શીખવી શકશો નહીં. એટલે આમ નિશાળ નહીં આવે (મારી પાસે નહીં આવે) તો નુકશાન જ નુકશાન છે. – અને હવે આપણે કહીએ કે હવે ત્રણ ચાર મહિનામાં શું ખાટું મોળું થઈ જવાનું ! 




July 30, 2020

બાળકના બાળપણના ભોગે કંઈ જ નહિ !

બાળકના બાળપણના ભોગે કંઈ જ નહિ ! 

શાળા માટે આજે સ્થિતિ જેવી ઊભી થઈ છે તેવી ક્યારેય નહોતી થઈ. કોરોના અંગેનો ખતરો દુર ન થાય અને બાળકો જ્યાં સુધી શાળામાં કિકિયારી કરતાં ન થાય ત્યાં સુધી મોટાભાગે વાત આવી લાગણીઓથી જ શરુ કરવી એ મજબૂરી છે. 

અત્યારે બાળકો સાથે સાથે વાલીઓની પણ વ્યસ્તતા વધી ગઈ છે. સૌથી વધારે વ્યસ્ત અને મસ્ત હોય તો તે ધોરણ પહેલાંના બાળકોના વાલીઓ છે. આ વાલીઓમાં બાળકોની શૈક્ષણિક કારકિર્દી શરુ થયાનો આનંદ અને જુસ્સો સામેલ છે. સાથે સાથે તે વાલીઓ પહેલીવાર શાળાઓ સાથે ડીલ કરી રહ્યાં હોઈ તેઓને  શાળા કેવી રીતે કામ કરતી હતી ? આવી બાબતો અંગે કોઈ પુર્વાનુભવ નથી. માટે જ શાળાના તમામ વાતો એટલે કે બાળકોના અભ્યાસ માટેની સૂચનાઓ તેઓ એ જ ફોરમેટમાં અનુસરે છે જે એક શિક્ષક શાળામાં અનુસરે છે. આવા સમયમાં શાળાની જવાબદારીઓ ખુબ વધી જતી હોય છે. કારણ કે શાળાએ બાળકો સાથે કામ કરવાનો બહોળો અનુભવ છે. તેમજ શાળામાં કોઈ બાળક જલ્દીથી ન શીખતો હોય ત્યારે શિક્ષક તરીકેનો આપણો અનુભવ આપણને ધીરજ ધરવા અને નવીન પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરતો હોય છે. પરંતુ વાલીઓ પાસે આવા અનુભવો નથી હોતા. બાળક ધીમેથી શીખે છે – એવો સ્વિકાર એ વાલીઓ માટે ખુબજ મહત્વનો બની જાય છે.

પહેલું ધોરણ એટલે શિક્ષણની નિસરણીનું પહેલું પગથીયું હોય છે. આવા સમયે જયારે બાળકમાં  શીખવા પ્રત્યેનો અભાવ પેદા થવો અથવા તો વાલીઓમાં બાળકને શીખવવા પ્રત્યે હતાશા આવી જવી બંને ખતરનાક સાબિત થઇ શકે છે. આવા સમયે શાળા અને તેમાંય ધોરણ પહેલાના શિક્ષકનું મુખ્ય કામ એ - બાળકોના શિક્ષણ કાર્ય પ્રત્યેના વાલીના થનગનાટને સંતોષવી પરંતુ, સાથે સાથે બાળક પર - જલ્દી શીખી લે – જેવા ચાબખા ન પડે તેનું ધ્યાન રાખવું – એ મહત્વનું છે. બાળકોને ઘરે પ્રવૃત્તિ કરવા માટેનું ઘરકામ પણ વાલીઓ જો ચાલો ભણી લઈએ- વાળા ટોનમાં શરુ કરે તો ત્યાંથી જ શિક્ષણ પ્રત્યે બાળકની વિમુખતા શરુ થાય અને કદાચ વાલીને ખ્યાલ પણ ન આવે. અને આને તો ભણવું જ નથી. આવા ચાબખા શરુ થઇ જાય. 

આવા સમયમાં શાળા ધ્વારા શરૂઆતના દિવસોમાં બાળકોનું ઘરકામ એવા મેસેજ સાથે બાળકોને ઘરે શું કરાવવું તે માટેના મેસેજ અને રૂબરૂ વખતે ખાસ નોંધ – ના નામે અમે નીચે મુજબની વિનંતીઓ વારંવાર કરવાની શરુ કરી.

  • આ પ્રવૃત્તિ બાળકને કંઈક શીખવી દેવાના ઉદેશ્ય સાથે ન કરવી.
  • બાળકને મજા આવે તે રીતે પ્રવૃત્તિઓ કરાવવી. બાળક કંટાળો કરે તે સમયે તેની ઈચ્છા મુજબની વાતો કરવી અથવા કરવા દેવી.
  • એક જ વારની પ્રવૃત્તિના અંતે બાળક તે બધું જ શીખી જશે તેવી અપેક્ષા ન રાખવી.
  • કેટલીકવાર તમને લાગે કે એક મૂળાક્ષર નથી યાદ રહેતો? – આવા સમયે ગુસ્સો કરવો નહિ શાળામાં આ માટે એક સપ્તાહની પ્રવૃત્તિઓ હોય છે.
  • તમારો બાળક બધું જ શીખશે – પરંતુ તે તમારી ધીરજ પર આધારિત છે.

શરૂઆતની આવી સુચના સાથે અપાતા ઘરકામથી ફાયદા પણ ખુબ થયા છે. શાળાને  તેઓ ઘરે જે પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે તેના ફોટોગ્રાફ્સ અને વિડીયો પણ મળવા લાગ્યા. તે સોશ્યલ મીડિયા અને શાળાએ બનાવેલા વાલીઓના ગ્રુપમાં શેર કરવામાં આવી રહ્યાં છે. ઉદેશ્ય એ જ કે બાળક બાળક ને જોઈ શીખશે [ ઈ-પીઅર લર્નિંગ હા..હા.. હા. ] વાલી ધ્વારા બાળકને કરાવાતી પદ્ધતિ જોઈ વાલી શીખશે. અને જ્યાં જ્યાં શાળાની જરૂર પડશે ત્યાં શાળા પણ શીખવશે.

મોટો ફાયદો શું થયો ખબર છે ? બધાં બાળકો શીખે છે એ ? – અરે એ તો થશે જ પણ વર્ગખંડમાં એકપણ દિવસ સાથે ન ભણ્યાં હોવા છતાં મોટાભાગનાં બાળકો એકબીજાને ઓળખે છે !








અને હા......

લોકડાઉનમાં ઘરે બાળકો સાથે શૈક્ષણિક કાર્ય કરતાં વાલીમિત્રો માટે ઉપયોગી આ ત્રણ વિડીયો..

ક્લિક કરો અને જુઓ

વાંચન કરાવતી વખતે શું ધ્યાન રાખશો ?


લેખન કરાવતી વખતે શું ધ્યાન રાખશો ?

ગણન કરાવતી વખતે શું ધ્યાન રાખશો ?