April 29, 2023

સહજતાના આશીર્વાદ !

સહજતાના આશીર્વાદ 👐

આયોજનો ખરી પડે ત્યારે ઊગી નીકળતાં કાર્યોમાં કુદરતી સૌંદર્યની મહોર હોય છે. 'ધાર્યું ધણીનું થાય' કહેવતમાં કદાચ ધણીનીકુદરતનીવાત હશે. તમારા હાથમાં હોય બધું કરતાં જાઓ પછી પણ કંઈક એવું બનવાનું/થવાનું હોય છે જેના વિશે તમને સમજાઈ જાય કે તમારી ધારણા કે શક્તિ બહારનું છે. બીજાને થાય કે થાય, તમને જાતે તો સમજાય કે કરવાની શક્તિ તમારી નહોતી; તમારા વડે કોઈકે કરાવ્યું છે. અને આવી સહજ કુદરતી રીતે ઊગી નીકળેલી એક ઘટના એટલે અમારો ગ્રામોત્સવ, કે જે ઊજવવા પાછળ કોઈ મોટાં આયોજનો કે બંધારણો વિચાર્યાં નહોતાં. પ્રામાણિકતાપૂર્વક કહીએ તો જે આયોજનો વિચાર્યાં હતાં તે આયોજનો વડે ઊભી થનારી અસર કરતાં જેનું આયોજન નહોતું તેવી ઘટનાઓની અસર વધુ રહી.

જે યુદ્ધ માટે અર્જુન વર્ષોથી તપ, સાધના અને ભ્રમણ કરતો હતો. જેણે પોતાના જીવનનું એકમાત્ર લક્ષ્ય કૌરવો સામેના યુદ્ધને બનાવી દીધું હતું અર્જુન ખરેખર યુદ્ધનો સમય આવે, પોતાની આગળ પોતાના સારથી તરીકે શ્રીકૃષ્ણ એટલા નજીક હોય, છતાં 'યુદ્ધ નથી કરવું' એમ કહી વિહ્વળ બની જાય; તેવી કંઈક સ્થિતિ વખતે અમારી પણ હતી. પ્રથમ વખત 2018ના વર્ષમાં ગ્રામોત્સવ કર્યો ત્યારે જે જે થતું ગયું તે બધું સૌના માટે આનંદમય હતું કારણ કે પહેલાં પ્રકારનો કોઈ ઉત્સવ કોઈએ માણ્યો હતો, જોયો હતો, સાંભળ્યો હતો; એટલે જે પણ ઘટના બની જાણે મોજેમોજ થઈને આખું વર્ષ ગામમાં ગૂંજતી રહી. 2019ના બીજા ગ્રામોત્સવમાં સતત એવું થતું ખરું કે પ્રથમ ગ્રામોત્સવ જેવો આનંદ અને ઉલ્લાસ ફરી પ્રગટ થશે કે કેમ! પરંતુ કદાચ અમારી તાસીર છે કે જે જે મનમાં ઊગે તે તે પહેલાંનાં કે પછીનાં કોઈ વળગણો રાખ્યા વગર કર્મ કરતાં જવાનું, અને એટલે એ..  

ગ્રામોત્સવ પણ યાદગાર બની ગયો. ગ્રામોત્સવની ઊર્જાના કારણે અફઘાનિસ્તાનના ડેલિગેશનને ગામના જુદાં જુદાં ઘરમાં રોકાણ કરાવવાનું હોય, કોરોનામાં ઘરે રહીને બાળકોને શીખવવાનું હોય, શેરીશિક્ષણ કરવાનું હોય, જુદા જુદા પ્રકારના સર્વે કરવાના હોય, જરૂરિયાતમંદોને અનાજની વહેંચણી કરવાની હોય કે ગામનાં અન્ય સામૂહિક કાર્યો કરવાનાં હોયતે બધાંમાં ઊર્જા સતત રહી. ત્રણ વર્ષ વીતી ગયાં અને રોજ મળનારાં અમને સૌને એક જગ્યાએ સમૂહમાં ભેગાં થવાનો મોકો કોરોનાએ આપ્યો નહીં.

 ત્રણ વર્ષ પછી ફરી 2023માં ગ્રામોત્સવનું આયોજન શરૂ થયું. સ્થિતિઓ પહેલાં કરતાં તદ્દન જુદી હતી. અગાઉના વર્ષોમાં શાળાને બાળકોની તૈયારી કરાવવાનો સમય મળતો હતો; પરંતુ વખતે શિક્ષકોની ટીમને પણ એક પડકાર મળ્યો હતો કે પરીક્ષા પૂરી થયા પછી પેપર ચકાસણી હશે

પરિણામ તૈયાર કરવાનું હશે અને સાથે ગ્રામોત્સવ માટે બાળકોને તૈયાર કરવાનાં હશે. બીજો પડકાર પણ હતો કે અત્યાર સુધીમાં શાળાની સંખ્યા 250 આસપાસ હતી વર્ષે 365માંથી 325 જેટલાં બાળકો જુદા જુદા કાર્યક્રમો રજૂ કરવા માટે થનગનતાં હતાં. તે બધાંનો ઉત્સાહ જળવાયેલો રહે, તેઓ પોતાનું કૌશલ્ય ગામ સમક્ષ મૂકી શકે, માટે કોને કેવી રીતે કયા કામમાં જોડીશું તેનું સતત મંથન ચાલ્યા કર્યું; અને છેવટ સુધી તેમાં જુદા જુદા માનવીય ગમા-અણગમા પણ પ્રગટ થતા રહ્યા. જાણે કઈ એવી શક્તિ હતી કે અમે સૌ તમામને સ્વીકારી શક્યાં.

 જે શાળાને સહજતાના આશીર્વાદ મળ્યા હોય તે ગામ પર પણ એનો વરસાદ વરસે વરસે. ગામનો, ગામ વડે અને ગામ માટે ઊજવાતા ઉત્સવમાં ફાળો એકત્ર કરવાની જવાબદારી દર વર્ષે યુવાનો ઉપાડતા હતા એને બદલે મોટેરાંઓએ જવાબદારી લીધી

ઘેરઘેર ફરવું, છૂટાંછવાયાં ખેતરોમાં, વાડીઓમાં, ડેરાઓ લઈને ફરતાં તમામ કે જેમની પાછળ નવા નદીસર લાગેલું છે તેવા દરેકેદરેક વ્યક્તિનો સંપર્ક કરવો, તેને ગ્રામોત્સવ વિશે વાત કરવી, આંગણામાં રંગોળી પૂરવા અને નવાં કપડાં વિશે કહેવું, ઉત્સવમાં સામેલ થવા આવકારો આપવો 

તમામ કામમાં સમજાય છે કે નાનાં બાળકોથી લઈને વડીલો સુધી સૌએ પોતાનો સ્વ જાણે કે સમૂહ માટે ઓગાળી દીધો છે! જેમ કોઈ મોળા પાણીમાં સાકર ભેળવી દે અને સાકર કોઈને દેખાય નહિ, છતાં પાણી ચાખનારને સમજાય કે સ્વને ઓગાળી નાખવાની પ્રક્રિયાની મીઠાશ કેટલી અદ્ભુત છે! ગામનાં નાનાંમોટાં સૌએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં પોતાના ઉપર લદાઈ ગયેલા વજનને માથા ઉપરથી ઉતારી દીધું અને વજન ઊતરતાંની સાથે અમારા સૌની ઉડાન વધુ ઉલ્લાસમય બની.

કંઈ કેટલાય કિસ્સાઓ છે (બધા કહેવા રહીએ તો સમય ઓછો પડે) પણ તમામ કિસ્સા અમારી સહજતાના હિસ્સા છે. પ્રસન્નતા બાબતની કે સૌ કોઈ શીખે છે અને સૌ પોતાની મર્યાદા ઓળંગી પોતાના વ્યક્તિત્વને વધુ ગુણવત્તાયુક્ત બનાવવાની પ્રામાણિક કોશિશ કરે છે

સૌએ મળી કરેલા પ્રયાસને અમે શાળા તરીકે ગામમાં ગ્રામોત્સવના સ્થળ પર પહોંચ્યાં ત્યારે જે રીતે ગામ અમને આવકારવા ઊભું થયું ત્યારે અનુભવી શક્યાં. શાળા અને ગામના સંગમ સ્થાને ભેગા થયેલા સમૂહમાં રહેલી શક્તિ અને સમૂહમાં ઊભાં રહેલાં સૌના ઉલ્લાસ અને ઉમંગના પ્રાણની તાકાત એટલી હતી કે કોવિડના દસ હુમલા થાય તોય અમારી ઇમ્યૂનસિસ્ટમને કંઈ કરી શકશે નહીં. સૌ એકમેકના પ્રાણથી પ્રાણવાન બની રહ્યાં હતાં.

ગામનો ચોક થોડી વારમાં તો નાનો પડવા લાગ્યો. કોણ ક્યાંથી છે, કોણ છે, સૌ ભેદની દીવાલો જાણે કે ફૂટેલા પહેલા ફટાકડા સાથે તૂટી ગઈ. સૌની આંખોમાં બાળકોના આનંદની છબી કંડારતી જતી હતી કે જાણે વર્ષભર બાળકોને અને અમને સૌને સતત પ્રોત્સાહિત કરતી રહેશે. બાળકોનાં પર્ફૉર્મન્સ પર તાળીઓના ગડગડાટ, બાળકોના ચબરાકિયા જવાબો પર ઊભરતાં ખડખડાટ, ફટાકડાની ઊંચે ચઢતી રોશની, ગીતોમાં પરોવાયેલી લાગણીઓથી ભીની થતી આંખો, એકાદ ભાવની હેલીમાં નીકળી ગયેલાં ડૂસકાં, હાસ્યના ફુવારામાં છૂટેલા અવાજો અને સ્કૂલબૅન્ડ સાથે દોઢેક હજાર માણસોએ ગાયેલા રાષ્ટ્રગીતમાં સૌ બાળકોના જીવનની મસ્તી જાળવી રાખવાનાં વચનબોલાયાં વગરસંભળાતાં રહ્યાં.

'જન ગણ મન…' પછી પણ આખું ગામ હિલોળે ચડ્યું. સવા સો લિટર દૂધનો પ્રસાદ ગ્રહણ કરવા માટે રીતસર કરગરવું પડયું. સૌ આનંદની મહાપ્રસાદીમાં લીન થઈ નાચી રહ્યાં હતાં. ધીમે ધીમે કરી બે કલાક જેવું બધાં એકબીજાને ગળે મળી છૂટાં પડ્યાં. કાર્યક્રમનું છેલ્લું શ્રીફળ વધેર્યું ને આકાશમાં વીજળીના કડાકા શરૂ થયા. મનમાં થયું કે બાળકોના આનંદના ઉત્સવ માટે કુદરતે પણ પોતાની રોકી રાખેલી ખુશી હવે કડાકા સાથે વ્યક્ત કરી.

આકાશમાં ઊંચે જોઈ કુદરતને અમારા પર સહજતાના આશીર્વાદ વરસાવતાં થોડી વાર જોઈ રહી એક કામના કરવાનું મન થાય છેગામેગામનાં બાળકોને આવા સહજતાના આશીર્વાદ પ્રાપ્ત થાઓ !  

ગ્રામોત્સવની  ઉજવણીમાં દરેક ઘરેથી સહકાર મેળવતા ગ્રામજનો 













સૌએ ઘરે ઘરે રંગોળી પૂરી ગ્રામોત્સવની ઉજવણી  







શાળાનાં બાળકોના આનંદના ઉત્સવ  માટે ગામ ધ્વારા  કરાતી તૈયારીઓ 














બાળકોના આનંદના ઉત્સવ માટે ગામની મહેનતનો  મોરપીંછ રંગ દર્શવાતી અદભૂત તસ્વીરો