March 22, 2017

આંખોમાં નવા સપનાં !


આંખોમાં નવા સપનાં !

અને હવે કેટલાકનું સ્વપ્ન છે; મોટી કંપની બનાવવાનું !  કેટલાક પૂછે છે, “આ કેમિકલ એન્જીનીઅર બનવા શું ભણવું પડે ?”
            હા, તેમની સામે પોતાના કાર્યક્ષેત્રમાં સફળ વ્યક્તિઓ આવીને પોતાના સંઘર્ષની વાત કરે ત્યારે આવા સ્વપ્ન વવાય ! અને એ જ સપના ક્યારેક હકીકતનું વટવ્રુક્ષ બનીને સમાજને છાંયડો આપવાનું કામ કરે ! વડોદરા રહેવાસી – અને ફેસબુક માધ્યમથી ખબર પડતી કે –એક દેશ થી બીજા દેશમાં ઉડાઉડ કરે.. એક દિવસ મેસેજ આવ્યો કે “તમારી શાળામાં આવવું છે.” ફોન નંબરની આપ લે થઇ –ઔપચારિક બાળકોની સંખ્યા વગેરેની વાત થઇ. સ્વાર્થ સાધી વિનંતી કરી કે શાળા મોર્નિંગ છે – બાર વાગ્યા પછી તમે પંદર વીસ મિનીટ તમારા વિદ્યાર્થી જીવનની વાતો કરશો તો ગમશે – તેમને સહર્ષ હા પાડી.
યસ, નામ નરેન્દ્ર મિસ્ત્રી, વ્યવસાય કેમિકલ એન્જીનીઅર !
               ચા પીતા પીતા શાળા અને ગામના ઈતિહાસ વિષે થોડી ચર્ચા થઇ – વર્ગોમાં ફર્યા – પણ તેમનામાં છુપાયેલો નખશીખ શિક્ષક બહાર આવ્યો અમારી મધ્યાહન સભામાં. અમને એમ કે એન્જીનીઅર છે એટલે માઈકમાં બોલશે.. આમેય ૨૨૫ જેટલા વિદ્યાર્થીઓ અને ખુલ્લો સભાખંડ ! પણ એમને તો સાવ ગાંધીની જેમ નીચે જ જમાવ્યું... કબૂલવું જોઈએ કે પહેલા ધોરણ થી માંડી આઠમા ધોરણ સુધીના બાળકો સામે પોતાની વાત કરવી અને તે બધા રસપૂર્વક સાંભળી રહે એ શૈલીમાં એ માટે તમારે સારા શિક્ષક હોવું ઘટે ! તેમની વાતો સાંભળવા પહેલી હરોળમાં બેઠેલી અમારી ધોરણ આઠની ટીમ તો ક્લીન બોલ્ડ ! તેમને પોતાની વાતમાં માતા –પિતાની આર્થિક સ્થિતિ વિષે ખ્યાલ રાખવાથી માંડી - ફેસબુક પર ક્વોટ કરી શકાય તેવા અસરકારક વાક્યો “પૈસા ઓછા હોય એ ગરીબ નથી,પૈસાનો યોગ્ય ઉપયોગ ના આવડે એ ગરીબ છે !” ની અસર બધા પર જણાતી હતી. તેમને મળેલ પહેલી સાઈકલ અને ક્રીમરોલ ખાવા પાંચ પૈસા બચાવવા માટે તેમને કરેલી જસ્તોજહદ પણ બાળકોને પોતીકી લાગી. કેમિકલ એન્જીનીયરને પોતાના વિષય સિવાય બીજી બાબતો વાંચવામાં પણ રસ પડે અને જુદા જુદા પંદર દેશોમાં જુદી જુદી કંપની બનાવવા માટે ફરવાની બાબતો પણ બાળકોના આંખમાં સપના અને હોઠ પર મુસ્કાન સ્થાપી રહી હતી. સભા વડોદરાથી ખાસ બનાવી લાવેલા મોતીચુરના લાડવાથી પૂરી થઇ – પણ આઠમાની ટીમને તો હજુ સાંભળવું હતું – જાત જાતના સવાલો કર્યા – જેમાં એમના કાંડે પહેરેલી ઘડિયાળનો ભાવ પણ આવી ગયો !
તેમના શાળામાંથી ગયા બાદ બે સવાલ તરત પૂછાયા – “સાહેબ, ખરેખર એટલા બધા રૂપિયાની ઘડિયાળ હોય ?” અને “આ કેમિકલ એન્જીનીયર બનીએ તો આપણને સીધું કંપની બનાવવાનું જ કામ મળે ?” બંને જવાબો અમે યથાશક્તિ આપ્યા છે.
કારણ, તેઓ એક જ હોમવર્ક બાળકોને આપીને ગયા છે – “સવાલો પૂછવાનું !” થેંક યુ, નરેન્દ્રભાઈ અમારા બાળકોની આંખમાં નવા સ્વપ્ન આંજવા બદલ !







ધોરણ આઠના બાળકો વિશાલ, જયપાલ અને અલદીપના મતે...



March 17, 2017

રગેરગમાં રંગ, રંગપાંચમનો !!!


રગેરગમાં રંગ, રંગપાંચમનો !!!

           ‘કાલે’ જીવવા માટે આજની આહૂતિ આપવી પડે એવા વ્યવસાયોમાં રોકાયેલા વાલીઓ અને એમના વ્યવસાયને કારણે જેમનું શિક્ષણ હોમાઈ રહ્યું છે એવા અમારા બાળકો ! આર્થિક સ્થિતિને જીવન જીવવાના સ્તરે લાવવા બાળકોને શાળામાં આવતા રોકી, એમના વ્યવસાયની ગાડીને ધક્કો મારવાનું કામ સોપાય. અને જે ફૂલ હજુ ખીલું ખીલું હોય એનામાં બરછટતા વધતી જાય. કેટલાક કિસ્સાઓમાં તો એમને એવી સ્થિતિ પણ ગમી જાય ! કેટલાકની સામાજિક ધારણા જ એવી કે શાળાએ જવું એ કઈ અનિવાર્ય નથી. ભણવાનું કામ ફ્રી ટાઈમમાં કરીશું.
        એટલે એમને મનગમતી પ્રવૃતિઓ નિયમિત યોજવી જ પડે. હોળીની રજાઓ પૂરી થયે આ વખત હોળી શાળાની બહાર ક્યાંક મનાવીશું. – આવું નક્કી થયું. (એમાં આવું નક્કી થયું હતું કે એ વિષે વિચારીશું – એ બાબત હજુ સ્પષ્ટ નથી) શાળા ખુલતાની સાથે – “સાહેબ, ચાંદન ગઢનું કેટલા વાગ્યે?” “રંગ લઇ જવાના છે?” જેવા સવાલોથી સમજાઈ ગયું – કે આજે એમને પીકનીક પર લઇ જવા જ પડશે. સમાચાર ફેલાયા અને સંખ્યા પણ વધી.. અને ટીમ નવાનદીસર ઉપડી ચાંદન ગઢ –જેવા પહોચ્યા કે પાણી પીવાનું ય છોડી, સીધી દોટ – જુદી જુદી લપસણી અને ચકડોળમાં ચકડોળે ! કેટલાક ગ્રુપમાં થેલા લઈને આવ્યા હતા- એમાંથી મમરા,બિસ્કીટ, ચવાણું નીકળ્યા – એકાદના થેલામાં તો રંગ પણ ડોકાયો. ચાંદન ગઢમાં મંડપ બંધાવાનું કામ હતું એટલે – રંગને મ્યાન રાખી – રંગપાંચમ શાળામાં જઈને – એવું ઠરાવ્યું. દોડાદોડી, લપસા-લપસી, ગોળ ગોળ-ગોળ ઘૂમી, લટકા-લટકી, પટકા- પટકી પછી બટાકા પૌવા આરોગી – પાર્ટ ટુ ! છોકરીઓને ક્રિકેટ રમવી પણ બેટ છોકરાઓ લાવ્યા હતા. ઉછીના બેટથી એમને માં શક્તિના પ્રાંગણમાં બેટિંગનો પરચો બતાવ્યો. કેટલાક સાહસવીરો શિક્ષક સાથે ટ્રેકિંગ કરી ડુંગરના છેલ્લા પથ્થર સુધી જઈ આવ્યા ! પરસેવે રેબઝેબ થઇ ગયા – સૌને સિગ્નલ મળ્યો – બેક ટુ પેવેલિયન ! જેને પાણી પીવું હોય એ પી લે ! પણ પાણી-બાળકો-મસ્તી-રંગ- સાથે મળે પછી – ત્યાં જ રંગીન થઇ ગયા !
પાછા વળતા – ગ્રીન હાઉસની મુલાકાત લીધી, પણ અંદરનું વાતાવરણ એટલું ગરમ હતું કે બાળકોને વધુ સમય અંદર રાખવા હિતાવહ ના લાગ્યા ! ગ્રીન હાઉસથી ખેતીના ફાયદાની થોડી ચર્ચા કરી, ભેટમાં મળેલા રંગબેરંગી મરચાં લઇ શાળામાં !
શાળાના દરવાજે ઉતરતાની સાથે જ મસ્તી- અનલીમીટેડ – રંગની છોળો અને બધાના ગાલ રંગીન !


 
 
   







 
 
 


 











March 03, 2017

ઇન્ટર ડાયેટ એક્સપોઝર વિઝિટ...

ઇન્ટર ડાયેટ એક્સપોઝર વિઝિટ
ઇન્ટર ડાયેટ એક્સપોઝર વિઝિટ અંતર્ગત આજે રાજ્યના વિવિધ ડાયટમાંથી લેક્ચર્સશ્રીઓ, પંચમહાલ ડાયટના પ્રાચાર્યશ્રી એ.વી.પટેલ અને ગાંધીનગર ડાયટના પ્રાચાર્યશ્રી આઈ.વી.પટેલ એ આપણી શાળાની મુલાકાત લીધી. શાળાના પર્યાવરણ, વર્ગખંડો અને શાળાનું સંચાલન વિશે ચર્ચા કરી. શાળાના ઘડતરમાં વિદ્યાર્થીઓની ભાગીદારી અંગે એક પ્રેઝન્ટેશન પણ થયું. આપણા વિદ્યાર્થીઓને આ બધા સાથે વાત કરવાનો મોકો મળ્યો.