September 27, 2017

બીજ ફૂટશે તો, વૃક્ષ થશે જ !


બીજ ફૂટશે તો, વૃક્ષ થશે જ !

તેર ચૌદ વર્ષ પહેલા અમારા બાળકોના હાથમાં ગોળા ફેંકનો “ગોળો” ક્લસ્ટર કક્ષાની સ્પર્ધા ના દિવસે આવતો અને તે દિવસ દડો ફેંકે એમ ફેંકી તેનો સ્પર્શનો અહેસાસ ભુલાઈ જાય ત્યારે બીજા વર્ષે ફરી ગોળો ફેંકવાનો આવે ! કારણ – અમારા પૈકી કોઈને ગોળો ફેંકતા ક્યાં આવડતો હતો ? અમારી અને બાળકોની આવડત વધતી ગઈ... 
અને એક વર્ષે ભરવાડ જીતુ એ  ગોળો સૌથી દૂર ફેંક્યો તે તાલુકા કક્ષાએ ભાગ લેવા ગઈ... એ બીજ કૂટ્યું પછી દરેક વર્ષે તાલુકા સુધી પહોંચી જ જઈએ. સુધા નાયક અને કોમલ પરમાર  વળી દ્વિતીય સ્થાન મેળવી ટ્રોફી લઈને આવી. એની અસરમાં અને સુધાની અસરમાં તેની નાની બહેન મનીષા અને ત્યારબાદ ગત વર્ષે હંસા એ જીલ્લા સ્તર સુધી તુર્તીય સ્થાન મેળવ્યું.
                          વર્ષ – ૨૦૧૫ માં શાળામાં આવેલી શિલ્પાને મળો તો સાવ મૂંગી અને માંડ બે ત્રણ શબ્દો બોલે. પણ એની વાચા જયારે ફૂટે ત્યારે ગોળાની જેમ શબ્દો ફૂટે. એ નજીકના શેરો ના મુવાડાથી આવે અને પાંચ વાગ્યે ભરાતી સંધ્યા સભાને બંક કરવા માટે એ કહે, “ હું ઘેર જાઉં?” અને જો કહેવાય કે “શું કામ છે ઘેર જઈ ?” એટલે ગોળો છૂટે “તમારે ના હોય...અમારે તો હોય !” એનો આ સ્પાર્ક વધુ ખીલ્યો સ્વપ્નીલ સાહેબ સાથેની રક ઝકમાં અને સ્વપ્નીલે જ વાવ્યા સ્વપ્ન એનામાં અને એ ઉગી નીકળ્યા આ વખતના ખેલ મહાકુંભમાં ! જેના માતા પિતાને ગોળો શું એ ખબર નથી...
શિલ્પાની શાળા અને શિલ્પાને ગોળો ફેંકતા શીખવનાર સાહેબને પણ એ ઓળખતા નથી પણ એમણે અમારા પર ભરોષો મુક્યો – એ શમણાનો ગોળો રાજ્ય સુધી તેને પહોંચાડ્યો ! હા, રાજ્ય કક્ષાએ પહેલા ત્રણમાં ના આવી શકી પણ ત્યાંથી અમારા બીજા વિદ્યાર્થીઓ અને ખાસ વિદ્યાર્થિનીઓ માટે સ્વપ્નનું પોટલું લઈને આવી ! એને પંચમહાલ જીલ્લાના પ્રતિનિધિત્વ માટે મળેલો ટ્રેક શૂટ અને શરમાતા શરમાતા પહેરેલી ટોપી અમારા માટે ગર્વનો તાજ હતી !
એ જ હવે આવતા વર્ષે ગોળો ફેંકનાર શોધશે ..અને આ વ્રુક્ષને નવી ડાળખીઓ ફૂટશે !

  
  

રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ગોળો ફેંકતી શિલ્પાને નિહાળવા અહીં ક્લિક કરો >> ખેલ મહાકુંભ [ સ્ટેટ લેવલ ]

September 11, 2017

સ્વ-શાસન દિન - શિક્ષકનું પ્રતિબિંબ !


સ્વ-શાસન દિન - શિક્ષકનું પ્રતિબિંબ !

રોજ રોજ જ્યાં બાળકોનું જ સામ્રાજ્ય હોય ત્યાં આ દિનની ઉજવણી બહુ મહત્વની નથી હોતી. છતાં એમણે મજા આવે છે; સાડી પહેરી, બૂટ અને બંધ ગળાના શર્ટ પહેરવાની ! તો એક દિવસ રાખીએ જ્યાં એ વર્ગને સંભાળે અને આયોજન કરે “શીખવાની રીતો” !
           આ વખતે વળી નવી માથાકૂટ હતી. ચાઈલ્ડ પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ બંને એ હથિયાર હેઠે મૂકી દીધા ! શિક્ષકોની સંખ્યા ૫૫ ને પાર કરી ગઈ હવે ક્યાં કોને સમાવીએ ? એટલે અમે આઇડિયા આપ્યો કે જે પોતે કયા વર્ગમાં શું કરાવશે એનું લેખિત આયોજન જમા કરાવે એને મોકો આપીશું એવું કહી દો ! દાવ ઊલટો થયો-લેખિત જમા કરાવનાર પંચાવનથી વધ્યા !
 હવે, મેદાનમાં આવવું જ પડ્યું. શાળા સમય બાદ એક કલાકથી લાંબુ સેશન ચાલ્યું. એમને જ પૂછ્યું કે “હવે ધોરણ સાતમાં હિન્દી માટે ચાર વ્યક્તિઓએ નોમીનેશન કરાવ્યું છે, તમે કહો કે કોણ પોતાની દાવેદારી છોડવા તૈયાર થાય છે ?” સમજતા - સમજતા અને સ્વીકારતા કે “હા, એ મારાથી વધુ સારી કરી શકશે....” અને આખરે ૬ થી ૮ માટે દરેક પિરિયડ દીઠ એક એક એમ ચાર વર્ગોના ૨૮ અને ૧ થી ૫માં સવારે બે અને બપોર પછી બે એમ દસ બાળ શિક્ષકો ફાઈનલ થયા !
         તે દિવસે તેમનું વર્તન જોઇને અમને અમારી કાર્યશૈલીનો પરિચય મળતો હતો. અમે કરાવેલી કઈ પ્રવૃત્તિ તેમને વધુ અસર કરી ગઈ તે પણ પરખાતું હતું. બાયસેગ પર પ્રસારિત થયેલી જ્ઞાનકુંજની તાલીમ શિક્ષકો સાથે જે વિદ્યાર્થીઓ પણ જોઈ હતી તેનો ફાયદો પણ દેખાયો કે એ સ્માર્ટ બોર્ડ નો ઉપયોગ પહેલી વાર કરતા હોય તેવું લાગ્યું જ નહિ ! ક્યાંક ક્વીઝ હતી, ક્યાંક બાળગીત, ક્યાંક ઉખાણા, ક્યાંક કાવ્ય, ક્યાંક ગણિતના દાખલા તો ક્યાંક વળી રમત રમાતી હતી !
દિવસ આખો અમને અરીસો બતાવતો હતો – કે શિક્ષક તરીકે અમે “આવા છીએ !” 
















September 08, 2017

ક્યારેક બાળકો પણ શીખવી જાય છે !!


શીખવે તે શિક્ષક !!


શાળામાં જેનો જન્મદિવસ હોય એના વિશે એના મિત્રો બધાને જણાવે... કંઇ પણ કહે..એના માતા- પિતા, એના ગમા - અણગમા, એના શોખ, એને ગમતો વિષય, એના અક્ષર, એને શું ભાવે, શું ન ભાવે, એના ભવિષ્ય માટે કામના કરે... કોઈકવાર તો એ ભણે, સારી નોકરી અને સારી પત્ની મળે ત્યાં સુધી વાત પહોંચે ! 
કોઈકવાર રેપરમાં (છાપાના કાગળમાં) પેક કરી પેન, પેન્સિલ અથવા કાનમાં પહેરવાનું ઝુમકુ કે બંગડી એવી કોઈક ભેટ આપે !ઘરે તો જન્મદિવસ છે - એવું યાદ હોય ના હોય પણ શાળાનો પરિવાર એના એ દિવસને યાદગાર બનાવવાનો પ્રયત્ન કરે જ.. જન્મદિનની ઉજવણીની આ રીત તેમની વચ્ચે પરસ્પર લાગણીના તંતુઓને વધુ મજબૂત પણ બનાવે !જયરાજના જન્મદિવસે પણ એમ જ થઈ રહ્યું હતું, એના મિત્રોએ એના વિશે વાત કરી...પણ જેવી એને ગિફ્ટ આપવાની થઈને શિક્ષકના કેમેરાની આંખ પણ આનંદથી પહોળી થઇ ગઈ !જયરાજને જન્મદિનની ભેટ રૂપે બે છોડ મળી રહ્યા હતા અને જાણે કે અમારા પર્યાવરણના જતન કરવા માટેના પાઠ બધા જીવિત થઈ રહ્યા હતા !
"મજા પડી" અમને પણ નહોતું સૂઝ્યું પણ તેમણે આ જાતે તારવ્યું...વૃક્ષ અંગેના નિબંધમાં આ ચારેય માર્ક્સ લાવે કે ના લાવે, એમણે વૃક્ષોના જતનનો હેતું જીવંત કરી દિધો !



September 05, 2017

5મી સપ્ટેમ્બર -શાળાને મળેલ પાંચ યાદગાર પળો !!


 શિક્ષક સમાજ માટે ગૌરવંતી 5મી સપ્ટેમ્બર – શાળા પરિવારને મળેલ પાંચ યાદગાર પળો !!
 શિક્ષક દિન એ શિક્ષક સમાજનો મોટામાં મોટો તહેવાર છે. આ દિવસે સમાજ આપણને શિક્ષક હોવાનું ગૌરવ અનુભવાવે છે. શિક્ષકનું સમાજમાં શું સ્થાન છે? દરેક વ્યવસાય સમાજમાં આગવું મહત્વ ધરાવતો  હોય છે, પણ સમાજના ભવિષ્યનું ઘડતર શિક્ષકના  હાથમાં છે માટે તેના સ્થાનનું મહત્વ વધારે હોય છે. માટે જ સામાજિક જીવનમાં બદલાવ માટેનો સ્વચ્છતાનો કાર્યક્રમો હોય કે પછી મતદાર જાગૃતિ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમો, શાળાને એટલા માટે જ જોડવામાં આવે છે કે વર્તમાન પેઢીમાં બાળકો ધ્વારા અસરકારક મેસેજ જાય અને સાથે સાથે ભવિષ્યની પેઢી એવા - આજના બાળકોમાં તે સ્વચ્છતા અને મતદાન માટેની જાગૃતિ અત્યારથી જ ટેવમાં પરિણમે. એક જમાનો હતો કે વ્યવસાયનું મહત્વ અને સ્થાન નક્કી હતા. વ્યવસાય વડે વ્યક્તિત્વ શોભતું. પરંતુ હવે સમાજની દ્રષ્ટિ બદલાઈ રહી છે. હવે વ્યક્તિ વડે વ્યવસાયનું ગૌરવ વધતું જોવા મળી રહ્યું છે. એટલે કે વ્યક્તિ પોતાની કાર્ય શક્તિ વડે અને પ્રમાણિકતા પૂર્વકના પ્રયત્નો વડે પોતાના હોદ્દાનું માન વધારી રહ્યા છે. શિક્ષક તરીકે  આપણું જેટલું સ્થાન મહત્વનું છે એટલું જ કાર્ય પણ મહત્વનું છે. માટે જ શિક્ષક તરીકે સોંપાયેલા કામને જયારે કોઈ વ્યક્તિ મહત્વ આપીને પૂરું પાડે છે ત્યારે જ સમાજ તેને એ શિક્ષક તરીકેની નજરે જોવે છે જેની આપણે અપેક્ષાઓ સેવીએ છીએ. આ વખતનો શિક્ષકદિન  શાળાએ શરુ કરેલ સફરથી અત્યાર સુધીના વર્ષોમાં યાદગાર રહેશે. સફરની શરૂઆત કોઇપણ પ્રકારના નિશ્ચિત વિઝન વિના ફક્ત એ વિચારથી શરુ થયો હતો કે શિક્ષક તરીકે જે કરવાનું છે તેમાં આપણા પ્રયત્નોમાં કોઈ કચાશ ન રહે [પરિણામની ચિંતા વિના ] અને બીજું જ્યાં હવે રોજના છ કલાક  ગાળવાના જ છે ત્યાંનું પર્યાવરણ અને ભાવાવરણ બાળક સહિત સૌને આકર્ષે તેવું તો હોવું જ જોઈએ. આવા “અનિશ્ચિત” વિઝનથી શરુ થયેલ પ્રયત્નો થી આજે “બાળક માટે થાય તેટલું જ નહી, પણ  જરૂરી હોય તે બધું જ કરી છૂટવું” અને શાળાના પર્યાવરણ માટે ફક્ત આકર્ષકતા અને ભાવાવરણ ની અગ્રીમતા ને બદલે બાળકો માટે શાળા પર્યાવરણ “બાળ-અભયારણ્ય”  નું નિર્માણ ! આ સફર દરમિયાન શાળા પરિવારે કેટલાય ચઢાવ ઉતાર અનુભવ્યા છે. તે બધા અનુભવોની કેડી એ જ “મસ્તી કી પાઠશાલા”ના નિર્માણ સુધી પહોંચાડવામાં  મદદ કરી.
               આ શિક્ષક દિને ગામડાના બાળકો માટેના પ્રયત્નોની રાષ્ટ્રના પ્રથમ નાગરિક એવા મહામહિમ રાષ્ટ્રપતિ ધ્વારા નોંધ લેવાય ત્યારે બાળકો માટે કાર્ય કરવાની તાકાતમાં જાણે ઉર્જાનો સંચાર થાય છે. રાજ્યના પ્રથમ નાગરિક એવા મહામહિમ રાજ્યપાલ દ્વારા શાળા પરિવારના સભ્યને સન્માનિત કરવામાં આવે છે ત્યારે જાણે શાળાના હાથ મજબૂતાઈ અનુભવે છે. પરંતુ શાળા પરિવારનું દ્રઢ માનવું છે કે સન્માનિત થવું નો મતલબ વધુ તાકાતથી કાર્ય ઉર્જાને પ્રગટાવવાનો છે. તે ઉર્જાનો ઉપયોગ સૌ બાળકોના ઉજળા ભવિષ્ય નિર્માણ અને તેના ધ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે થશે.
આ સિવાય પણ શાળાને આ શિક્ષકદિને બીજા ત્રણ એમ કુલ પાંચ ઉર્જા સ્ત્રોતો મળ્યા ચાલો જોઈએ કયા કયા ???    

u શાળાના બાળકોને જ્ઞાનકુંજ કાર્યક્રમ અંતર્ગત મળેલ સ્માર્ટક્લાસની ભેટ 






*******************************
v શાળાની નોંધ લેતું સમાચારપત્ર “ટાઈમ્સ ઓફ ઇન્ડિયા” 

*******************************
w રાજ્યપાલશ્રીના હસ્તે ગુજરાત રાજ્યનો “શ્રેષ્ઠ શિક્ષક” પારિતોષિક 



*******************************
x ઉપરાષ્ટ્રપતિશ્રીના હસ્તે National ICT Aword-2016
















*******************************
y આપણી શાળા રાષ્ટ્રપતિ ભવનમાં મહેમાન તરીકે

September 01, 2017

ક્વીઝ અને બાળકો – રોમાંચ સભર શૈક્ષણિક પ્રક્રિયા !!


ક્વીઝ અને બાળકો – રોમાંચ સભર શૈક્ષણિક પ્રક્રિયા !!

બાળ સહજ સ્વભાવ છે કે પડકારોને ઝીલવા ! કોઇપણ એવું કાર્ય ખુબ જ ઉત્સાહથી કરવું જે કાર્યમાં કરવાની પ્રક્રિયાથી જ કોઈના સાથે સીધી હરીફાઈ શરુ થઇ જતી હોય. મને મારા મિત્ર કરતાં વધારે આવડે છે કે ઓછું – તે ચકાસડાવવા માટે ઉત્તેજિત હોય છે.  ફક્ત બાળક જ નહિ દરેક વ્યક્તિમાં આ પ્રકારની સહજતા રહેલી છે, માટે જ તો કૌન બનેગા કરોડપતિ ? – અંતાક્ષરી – જેવા ટીવી પ્રોગ્રામો  પ્રેક્ષકોને વધુ આકર્ષતા હોય છે. કોઈ વસ્તુ શીખવામાં બાળકોની ઉત્સુકતા પણ આવી જ હોય છે – જો તેને કહેવામાં આવે કે આટલી વિગતો આટલા સમયમાં તૈયાર કરો – ત્યારબાદ તે તમને પૂછવામાં આવશે- ત્યારે બાળકો નો ઉત્સાહ તે માટેની તૈયારીમાં જોવા મળતો હોય છે, પણ જો સાથે સાથે થોડું તે માટેનું ટ્વિસ્ટ ઉમેરાય તો તેમાં બાળકનો ઉત્સાહ કઈંક કરી બતાવી દેવાના મૂડમાં ફેરવાઈ જાય છે.
એવું જ એક ટ્વિસ્ટ છે ક્વિઝ.
 ક્વિઝ એ બાળકોની ખુબ  જ ગમતી રમત છે. બાળકોને તેમાં ખુબ જ મજા અને જો આયોજક મજાનો હોય તો ખુબ જ રોમાંચ પણ આવતો હોય છે. તેવી સ્થિતિમાં બાળકોનું લર્નિંગ આઉટ્પુટ ચકાસવા તુરંત જ કોઈ સચોટ ઉપાય હોય તો તે ક્વીઝ છે એમ કહી શકાય. બાળકને શિક્ષણ જે સ્વરૂપમાં ગમે તેવા આકારમાં અથવા તો જે સ્વાદમાં ગમે તેવી વાનગી સ્વરૂપે પીરસવું તેનું નામ જ સ્માર્ટ ટીચિંગ છે. અને ક્વીઝ એ સ્માર્ટ ટીચિંગનો જ એક ભાગ છે.

શાળામાં પણ ગુજરાત ક્વીઝ નું આયોજન એવી જ રીતે કરવામાં આવ્યું કે બાળકોનો રોમાંચ આકાશને આંબે. બાળકો એ પણ પડકાર એવો ઝીલ્યો અને ખરાખરીના ખેલ જેવી ક્વીઝ રમાઈ. બાળકોને મન તો પોતે સૌથી વધારે જાણે છે તે બતાવવાનો મદ હતો પણ અમારે મન તો તેને  ગુજરાત વિશેની સમગ્ર વિશેષતાઓ ની જાણકારીથી સભર કરવાનો હતો.. ક્વીઝે બંને કામ સરળતાથી પૂર્ણ કર્યો ચાલો તમે પણ સામેલ થાઓ અમારી ક્વીઝમાં કેમેરાના લેન્સના ધ્વારેથી...



   








“ શિક્ષણ” એટલે ફકત માહિતી નહિ, મુલ્યો પણ !!!
       શિક્ષણ એક પ્રક્રિયાનું છે. પાઠ્યપુસ્તક અને અભ્યાસક્રમ એ તમામ માર્ગદર્શિકા રૂપી બુકલેટ છે –આ પ્રક્રિયાનું કામ ફકતને ફક્ત શિક્ષિત નાગરિક પેદા કરવાનું નહિ પણ સમાજોપયોગી નાગરિક રાષ્ટ્રને આપવાનું કામ પણ છે. ક્યારેક કેટલાંક લોકો શિક્ષિત નાગરિક અને સમાજોપયોગી નાગરિક વચ્ચેની ભેદરેખા સમજી શકતા નથી અને ચીલાચાલુ બીબા ઢાળ પોતાની ખુદની પ્રક્રિયા વડે ફકતને ફક્ત બાળકોની સામે માહિતીઓનો જ ઢગ કર્યાને શિક્ષણ કાર્ય સમજ્યા કરે છે. પરિણામ એ આવે છે કે બાળકોમાં દુર્યોધન વાળી વાત થાય છે “जानामि धर्म न च में प्रवृति !” પરિણામે બાળકોને જંગલોનું મહત્વ અંતર્ગત ચીલાચાલુ રીતે સમજાવ્યા પછી પણ તરતની રીશેષમાં શાળા-બગીચાના છોડની ની ટોચ મરડતો દેખાય છે, “મારી શાળા” નિબંધ લખ્યા પછી પણ રજાના બીજા દિવસે પાણીની પરબના નળ તૂટેલા જોવા મળે છે. બાળક વ્યક્તિ વિશેષની જન્મતિથી - પુણ્યતિથિ જાણતો હોય છે, પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં સમાયેલાં મૂલ્યોથી અજાણ !! સમાજ હોય કે સંપ્રદાય, ગામ હોય કે રાષ્ટ્ર – તેના વિકાસ માત્ર માહિતી ધરાવતા વ્યક્તિઓથી નહિ પણ મુલ્યવાન વ્યક્તિ વડે જ શક્ય છે !  આજના ટેકનીકલ યુગની જો વાત કરીએ તો જો ફકતને ફક્ત માહિતી પૂરી પાડવી એટલા જ કામને શિક્ષણ કાર્યની વ્યાખ્યામાં ગણવામાં આવતું હોત તો તેના માટે બુનિયાદી શિક્ષણ સાથે  બાળ મનોવિજ્ઞાન ભણીને જ શિક્ષક બનવું અનિવાર્ય ન હોત !  ફકતને ફક્ત માહિતી સભર હોવું એટલું જ આદર્શ શિક્ષકની વ્યાખ્યામાં આવવા માટે પુરતું નથી, તેને કેવી રીતે બાળકોમાં સરળતાથી સંપૂર્ણપણે તેના હાર્દ સાથે પ્રસ્થાપિત કરવું તે પણ એટલું જ મહત્વનું છે. આજે દુનિયામાં સૌથી વધુ માહિતી સભર કોઈ હોય ગૂગલ છે, પણ તે શિક્ષક ની વ્યાખ્યામાં એટલા માટે જ નથી આવતું , કારણ કે તે ફક્તને ફક્ત માહિતી પીરસી શકે છે. જે તે એકમ અથવા વિષયવસ્તુ માટે વ્યક્તિગત બાળકની સમજ મુજબની માહિતી સાથેની સમજ આપવાનું કામ તો એક શિક્ષક જ કરી શકે છે. તે માહિતીમાં રહેલા હાર્દને એક શિક્ષક જ પ્રસ્થાપિત કરી બાળકમાં મૂલ્યનું ઘડતર કરવાનું કામ પણ એક શિક્ષકનું જ છે. વિચારો કે એક સામાન્ય કારીગર પણ કોઈ અજાણી મશીનરીને છેડતાં [ખોલતાં] પહેલાં તેનો અભ્યાસ કરી લેતો હોય છે ત્યારે આપણે સૌએ તો જિંદગી પર્યત બાળમાનસ રૂપી મશીનરીમાં મુલ્યોને પ્રસ્થાપિત કરવાનું કામ છે, બાળ માનસને સમજ્યા વિના તેનામાં ચોક એન્ડ ટોક વાળી એક તરફી ઢબ વડે તેનામાં મૂલ્યોને પ્રસ્થાપિત કરવા શક્ય જ નથી. મિત્રો મુલ્યો પ્રસ્થાપિત થયા વિનાનું શિક્ષણ એ કોઇપણ જાતના વિટામીન વિનાના ભોજન જેવું છે – ધરાવો અને ઓડકાર આવે ! પણ ફલસ્વરૂપ? માટે જ અમે અગાઉ પણ કહ્યું છે તેમ – “વ્યક્તિ નહિ વ્યક્તિત્વ નીરખાવીએ”