August 18, 2019

📘 📖રોજનીશી - આપણો ટી.વી. વાળો અમ્પાયર!!! 👐



📘 📖રોજનીશી - આપણો ટી.વી. વાળો અમ્પાયર!!! 👐
😯“આ રોજનીશી લખવાથી શું થાય?
“કેમ આજે, સ્કૂલમાં આવતાની સાથે?
😯 “પૂછું છું...કો’તો ખરા..કે શું થાય?
“હા, પણ કેમ એકદમ પૂછ્યું ? તે લખવાની શરૂ કરી કે શું?
😯 “ના, અમારા ગુજરાતીના તાસમાં વાત થઇ એટલે...”
“સારું, આપણે વર્ગમાં વાત કરીએ...બધા સાથે..”
અને એ તો ફરી પછી દોડી ગઈ..મેદાનમાં પાંદડા વીણવા.
મગજમાં વિચારો આવવા લાગ્યા કે, શું થાય ? કઈ ન થાય. ના..ના..થાય તો ખરું..પણ આ બધાને કઈ રીતે સમજાવવું જોઈએ? પ્રાર્થના પછી વર્ગમાં જઈ પૂછ્યું કે “કંચના (સાચું નામ તો હેમાલી છે. પણ હજુ પાંચમા ધોરણમાં શરૂ થયેલા નામ ચાલુ છે ! 😊 ) મને મેદાનમાં પૂછતી હતી..શું હતો સવાલ..?
😯 “શું યાર..ફરી.! .... રોજનીશી શું કામ લખવી જોઈએ ?”  “ઓકે, રોજનીશી એટલે શું?
“દિનચર્યા..”
😯 “દિનચર્યા...હમ્મ્મ્મ..તો દિનચર્યા એટલે શું ?”
“આપણે સવારે ઉઠીએ ત્યાંથી રાતે સુઈ જઈએ ત્યાં સુધી કરીએ તે..”
😯  “તો એ લખીએ ? એમાં તો રોજ એનું એ જ આવે.. બહુ બહુ તો શનિવારે અને રવિવારે થોડો સમય અને થોડા કામ બદલાય !”
“હા..પણ બીજુ ય લખાય ને ?”
😯 “શું બીજું?
“એ નથી ખબર..”
“સારું એમ કહો કે આપણી બહાર જ બધું થાય છે? અંદર કઈ નથી થતું? રોજ એક સરખા મૂડમાં નિશાળ આવો છો કે જુદા જુદા ? કોઈકવાર બહુ આનંદમાં હોઈએ...જોરથી ગૂડ મોર્નિંગ કહીએ..ને કોઈકવાર કોઈક બોલે એ ય ના ગમે... કોઈકવાર દોડાદોડ કરવાનું થાય...ને કોઈકવાર એકાદ ખૂણામાં બેસી રહેવાનું.. થાય છે આવું ?”
“હા..એવું તો થાય..જ..ને.. કેમ એવું ના થવું જોઈએ ?”
“ના..જે થાય એ થવા જ દેવાનું હોય...પણ ક્યારે ક્યારે તમને એવું થાય એ તમને ખબર છે ?”
😯 “ના.”
“તમારી સાથે જ થાય છે ને તમને નથી ખબર ! કોઈક દિવસ યશવંતને નિકુલ સાથે લડાઈ થાય તો હવે નિકુલ સાથે વાત નહિ કરું...આમ....તેમ...એવો ગુસ્સો...ને એ બધું હોય છે...તે દિવસે તેને નિકુલ સાથે ફરી દોસ્તી નહિ જ થાય તેવું લાગે છે...પણ થોડાક દિવસ થાય પછી દોસ્તી થઇ જાય છે... થાય છે કે નહિ ? તમારામાંથી કોઈ એવું છે કે જેણે એકબીજા સાથે લડાઈ ના થઇ હોય ?”
બધા ખાલી હસી પડે છે...
“યશવંત આ અનુભવે છે કે લડાઈ પછી દોસ્તી થાય છે..પણ ફરી જયારે બીજા કોઈક સાથે લડાઈ થાય ત્યારે ફરી એ જ કે હવે આની સાથે વાત નહિ કરું...ને ફરી ગુસ્સો..આખો દિવસ મગજ એમાં જ રોકાયેલું રહે...ને બીજી કોઈ વાતમાં ભાઈનું ધ્યાન જ ના હોય ! ને મજાની વાત એ છે કે એમાં દિવસ બગાડે ને બે ત્રણ દિવસમાં ફરી દોસ્તી તો થઇ જ જાય છે.”
આ વખતે....ખડખડાટ હાસ્ય...
“ક્રિકેટમાં અમ્પાયર મેદાન પર હોય...તેની સામે જ બેટ્સમેન દોડે...ને અમ્પાયર નક્કી નથી કરી શકતો કે બેટ્સમેન રન આઉટ છે કે નહિ..ત્યારે તે શું કરે ?”
“ટી.વી. વાળા અમ્પાયરને પૂછે...”
“ને એ શું કરે...
“એ ફરી જુએ...”
“કેવી રીતે?
“સ્લોલી...જુએ...”
“તો એને શું થયું એ દેખાય છે?
“હા, એ તો આપણને ય ખબર પડી જાય એવું ધીમું હોય...”
“યેસ, તો આપણે રોજ રોજ લખીએ તો આપણે ય વર્ષ પછી, બે વર્ષ પછી કે વર્ષો પછી આપણી જિંદગીને સ્લો મોશનમાં જોઈએ શકીએ... ફરી એવું કૈક બને ત્યારે આપણે આપણા જ અનુભવમાંથી શીખી આપણો વર્તમાન ઉદાસીમાં રહેવાને બદલે..વિચારી શકીએ કે આ સમય પણ જતો રહેશે..એટલે રોજનીશી આપણો ટી.વી. વાળો અમ્પ્યાર !”
નજીક બેઠેલા નીકુલની આંખ ચમકી ને મોઢામાંથી નીકળ્યું...અહા !
ને વાત ત્યાં જ પૂરી કરી..જોઈએ હવે કેટલા પોતાના દિવસોને શબ્દોમાં વણવાનું શરૂ કરે છે. અમે એમાં ઝડપ કરવા નથી ઈચ્છાતા....

August 15, 2019

આઝાદીની રક્ષા !



આઝાદીની રક્ષા !

બંને રાષ્ટ્રીય પર્વની ઉજવણી વર્ષોથી કરતા આવ્યા છીએ. એ બાબતમાં આપણે શિક્ષકો વધુ નસીબદાર છીએ. શાળા, કોલેજમાં ભણતા ત્યાંથી લઈને આજે શિક્ષક તરીકે કાર્ય કરીએ છીએ ત્યાં સુધી વર્ષે બે વખત એ તિરંગાને સલામી આપી શક્યા છીએ.
વર્ષો વર્ષની એ જ પરંપરા છે છતાંય ક્યારેય જૂની નથી લાગી. અઠવાડિયા અગાઉથી જ આ વખત શું કરીશું ?  ની ચર્ચાઓ શરૂ જ થઇ જાય. સાંસ્કૃતિક કાર્યક્રમો માટેનું સરનામું હવે બદલાઈને ગ્રામોત્સવ થઇ ગયું છે. છતાં દરેક વખતે કોઈને ને કોઈકને થોડો થોડો ચસકો તો રહે જ.
આ વખતે તો આઝાદી સાથે “બંધન” હતું. અલબત્ત રક્ષા માટેનું. એટલે ગામમાંથી આવનારા બધા વધુ સમય નહિ આપી શકે એવું લાગ્યું... પણ વકૃત્વ સ્પર્ધા તો હોય કે નહિ ? નો જવાબ “હોય ને !” અપાઈ તો ગયો. વિષય જેને જે ગમે તે વિષે બોલી શકે એવું નક્કી કર્યું. પણ બધા રક્ષાબંધન ઉજવવાના મૂડમાં વધુ લાગ્યા. અમે યાદ કરાવ્યું કે છેલ્લે તમે જ તમારું મૂલ્યાંકન કરો છો. મારું મૂલ્યાંકન મારા વડે > એમાં તમારા મિત્રો તમારા ગુણ ના મુકવા દે તો પછી ફરિયાદ ના કરતા. અને ૧૪ મી ઓગષ્ટે એ વાતે એવી તો અસર કરી કે વકતૃત્વ માટેના નોમીનેશન આવ્યા પંચાવન !
૧૪ મી ઓગષ્ટની બપોર પછી બે કાર્યક્રમ નક્કી થયા. રાખડીઓ બનાવવી અને શાળા છૂટવાના સમયે રક્ષાબંધન ઉજવવી અને વકતૃત્વ સ્પર્ધા યોજવી. બંને સમાંતર કાર્યક્રમો ચાલ્યા. એક બાજુ કેટલાક પોતાનાથી રજુ થવાય એટલો રજુ થવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે બીજી બાજુ રાખડીઓ બની રહી હતી. વકતૃત્વ સ્પર્ધા આ વખતે અમને નવા ચમકારા આપી ગઈ. કોઈ દિવસ પ્રાર્થનામાં “આજ ના રોકસ્ટાર”માં ય ભાગ ના લેનાર આજે માઈક સામે ઉભા હતા. કેટલાક ત્રણ ચાર લીટી બોલીને બેસી ગયા..કે યાર ઘેર જોરદાર બોલતો હતો પણ ના બોલાયું ! ને કેટલાક પાંચ મિનિટથી વધુ બોલ્યે જ જતા. તેમાંથી ત્રણને ૧૫મી ઓગષ્ટે બોલવાની ટિકિટ મળી. આટલા બધા સ્પર્ધક અને ત્યારબાદ રક્ષાબંધન... ઉપરથી વરસાદી વાતાવરણ... આવતીકાલે તોરણ વગેરે કોણ બનાવશે ? એવું આયોજન કરવાનું તો ચુકાઈ જ ગયું.
રાત્રે “આપણું નવાનદીસર” વોટ્સેપ ગ્રુપમાં ફોટોઝ અને વિડિયોઝ મળવાના શરૂ થયા તો સમજાયું કે અમે ભૂલી ગયા હતા...ગામ નહિ.  તિરંગાને સલામી આપી બધા વાલીઓ સાથે વાર્તાલાપ કર્યો.
રોજ તમારા બાળકોને પૂછો કે -
“આજે શાળામાં સવારથી સાંજ સુધી શું કર્યું?
“આજે શું શીખ્યા ?”
“શું વાંચવા કે લખવા આપ્યું છે?
આનાથી તેઓ પોતાનો આખો દિવસ એકઠો કરવાની ટેવ પાડશે..અને તમને પણ તે રોજ શું શીખે તેનો ખ્યાલ આવશે.
પરસ્પર લાગણીઓ વહેંચી રાષ્ટ્રીય પર્વ  ઉજવી, ભગિની-બંધુ પર્વ ઉજવવા છુટા પડ્યા !
 




















👇🎦👇

રાષ્ટ્રીય પર્વ  ઉજવણી માં બાળકોનું વક્તુત્વ ! 


👇🎦👇



👇🎦👇 



👇🎦👇

👇🎦👇


August 01, 2019

👦👧બાળકોની કુતુહલતા અને આપણા વૈચારિક બ્લૉક !



👦👧બાળકોની કુતુહલતા અને આપણા વૈચારિક બ્લૉક!
બાળકો કુતુહલ સભર હોય છે, બાળકો જિજ્ઞાસુ હોય છે – આપણા શૈક્ષણિક વક્તવ્યમાં શણગાર બનતું આ વાક્ય શિક્ષક તરીકે અથવા તો વાલી તરીકે આપણે સ્વીકાર્યું છે ખરું ? તેનું એક ઉદાહરણ આપું...એક બાળકના વાલી તરીકે વિચારો કે તમે બાળકો સાથે બેસી વાતો કરી હોય તેવો સમય દિવસમાં કેટલો ? બે પાંચ કે પંદર મિનીટ ! આપણું મન ત્યાંથી જ ભરાઈ જતું હોય છે ! જયારે શિક્ષક તરીકે હોઈએ  અને વર્ગખંડની જો વાત કરીએ તો પણ બાળકો સાથે સંવાદનું અસ્તિત્વ ૩૫ કે ૪૫ મીનીટના તાસમાં બે ચાર મિનિટ  બાકીનો સમય તો એક તરફી માહિતી પીરસવામાં જ પૂરો થઇ જતો હોય છે. આપણે એ વાતથી સતત અજાણ છીએ કે બાળકોની કુતુહલતા સંતોષવાથી જ બાળકમાં નવી જિજ્ઞાસા પેદા થાય છે! અને શિક્ષણકાર્યની સફળતા માટે આ એક અનિવાર્યતા છે કે શીખનારમાં જિજ્ઞાસા સતત પ્રજ્જવલિત રહેવી જોઈએ. તે એક અગનગોલા જેવી છે.  જો તમે બાળકોની જિજ્ઞાસાઓ સંતોષતા નથી તો તે આગની જેમ સમી જાય છે. બાળકની વૃત્તિ ઉપર “આપણે જાણવું પણ નથી અને શીખવું પણ નથી” - વાળી નકારાત્મકતાની રાખનું પડ ચઢી જાય છે. આવા પડ સાથે મોટો થયેલો વ્યક્તિ કોઇપણ ક્ષેત્રમાં સીમિત બની રહે છે. માટે જ પ્રથમ તો એ જ કે બાળપણથી જ બાળકો સાથે થયેલ વાતો અને તે વાતો દ્વારા સંતોષાયેલ જિજ્ઞાસા બાળકોમાં જાણવાની વૃત્તિને વધુ સતેજ બનાવે છે, જે તેને આગામી જીવન પર્યંત દરેક ક્ષેત્રમાં નવું નવું શીખવા પ્રેરે છે. પછી તો  કહેવત છે ને કે જે જિંદગીભર શીખતો રહે છે તે નિષ્ફળ થાય જ નહિ !
👉હવે જે લોકો પોતાના બાળકો સાથે સંવાદ કરવાનો  દાવો કરે છે તેમના માટે - ભાગ ૨
બાળકો સાથે બાળપણમાં સંવાદ કરતાં આપણે સૌને -  પહેલો પ્રશ્ન એ કે આપણે બાળકો સાથે સંવાદ કરતી વખતે કઈ બાબતો  ધ્યાને લઈએ છીએ? તો મોટાભાગનાનો જવાબ હશે ઉંમર અને કેટલાંકનો જવાબ ઉંમર અને વિષય ! આપણે વિચારીશું તો ખ્યાલ આવશે કે બાળકો સાથે સંવાદ કરવા માટેના આપણે વિષયો નક્કી કરી રાખ્યા હોય છે . અથવા તો કહું તો એક વૈચારિક બ્લોક બનાવી દીધો હોય છે. ચાર વર્ષનું બાળક મળે તો તરત છોટા ભીમ ની વાતો કરવા લાગી જઈએ અને આપણી આપણા મિત્રો સાથેની ચંદ્રયાનની ચર્ચા સાંભળી તે જ બાળક કંઈક પૂછે તો – [ ક્યારેક ] તને ખબર ન પડે તેવું કહી તે વાતને ટાળતા હોઈએ છીએ. તેનું મુખ્ય કારણ તે આપણે બાળકો સાથે સંવાદના નક્કી કરેલ બ્લોક છે. તે જ સમયે ચંદ્રયાન તેને ખબર પડે કે ન પડે તે વિષય ધ્યાને લીધા વિના જો તેની જીજ્ઞાસા માટે ચંદ્રયાનની માહિતી તેની સમજ મુજબની ભાષામાં પૂરી પાડવામાં આવે તો જ તેની તેવા વિષયો બાબતની સમજ બનતી જશે. માટે જ બાળકો સાથે સંવાદ કરો ત્યારે બાળકોની જ એ ગીતની પંક્તિઓ સતત મનમાં ગાતા રહો – તું નાનો , હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો !
     માટે જ સાર એ જ કે બાળકો સાથે સતત સંવાદ કરો – અને સાર બે -  નાના બાળકો સાથે સંવાદ માટેના માનસ બ્લોક દુર કરી બાળકો સાથે વાતો કરો ! પરિણામ તમારે જોવું હોય તો અમારી પાસે એક નમૂનો  છે –  નમૂનો એટલે કે ઉદાહરણ [ જો કે વિડીયો જોયા પછી તમને પણ થશે કે ખરેખર આ નમૂનો જ છે🤣😂
મળો અમારા મહમંદ ઉર્ફે ફિરદૌસને è click