February 27, 2016

NATIONAL SCIENCEDAY !!!


રાષ્ટ્રીય વિજ્ઞાનદિનની ઉજવણી

વિજ્ઞાન – નયે યુગ કી પહેચાન !

                          આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે – ગતવર્ષની ઉજવણી યાદ કરી તો – પ્રયોગ નિદર્શન એ મુખ્ય થીમ હતી. આ વખત શું કરવું ? –  વિષયો ઘણા હતા પણ શનિવારને પરવડે અને સાથે આખી શાળાને આ ઉજવણીમાં જોડે એવા રસ્તા પસંદ થયા. મુખ્ય કામ હતું – શાળાની પ્રયોગશાળાને પ્રદર્શિત કરવી આગળના દિવસે તમામ માટે લેબલ તૈયાર થઇ ગયા. બીજી સ્પર્ધા - ધોરણ ૬ થી ૮ માટે વિજ્ઞાન ક્વીઝ – ટીમ માટેનો નિયમ દરેક ટીમમાં ૬-૭-૮ માંથી ઓછામાં ઓછો એક એક વિદ્યાર્થી હશે. ટીમ એમની મરજી મુજબ !(તોય એમને એમ કરવામાં માથાકૂટ કરવી પડી) ધોરણ ત્રણ-ચાર-પાંચમાં તેમના વર્ગખંડમાં પર્યાવરણ સંબંધે પ્રશ્નોત્તરી !  અને એક વિભાગ ફ્રી – વિજ્ઞાનને લગતું – કઈ પણ લખો અથવા દોરો અથવા “લખો અને દોરો !
              પ્રયોગના વિવિધ સાધનો જોવા માટે આવેલ નાના પહેલા બીજાના ટાબરિયા તો મો ખોલી ને જોઈ જ રહ્યા – એમના માટે પ્રેરણા “આપણે મોટા થઈશું એટલે આપણે આવું બધું ભણવાનું આવશે !” બાયનોક્યુલર થી ટેલીસ્કોપ અને કેલિડોસ્કોપ થી જુદા જુદા અરીસા સુધી એમને એ નિહાળવાની મજા પડી. તો મોટા વિદ્યાર્થીઓના તો હાથ સળવળતા હતા – કેટલાકને તો વસ્તુ જોઈ આ પ્રયોગ ક્યારે આવવાનો ? – એની ચટપટી ! ક્વીઝમાં એમના જ મિત્રો વડે તૈયાર થયેલા પ્રશ્નો – એ રમઝટ બોલાવી !અમારા હાથમાં કેટલાક ચિત્રો છે – વૈજ્ઞાનિકો છે – સાદા વિજ્ઞાન પ્રયોગના ડાયોગ્રામ છે ! કોઈકે વળી એ.પી.જે.અબ્દુલ કલામ વિષે લખ્યું છે ! તો કોઈકે નવી શોધખોળ માટે ખુબ જરૂરી એવા તુક્કા પણ લડાવ્યા છે ! જેમ કે – વ્રુક્ષમાં ઉર્જા હોય જ છે, તે વ્રુક્ષ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવીએ તો --- ચાલો જોઈએ કેટલાક ચિત્રો ! 


















February 21, 2016

માતૃભાષા


"માતા" – "માતૃભાષા" 

                     ભાષા એ ખરેખર તો અનુભવવાની વસ્તુ છે ! દરેક માનસ પોતાની લાગણીઓને અસરકારક રીતે રજુ કરવા માટે ભાષાનો ઉપયોગ કરતો હોય છે. તમે ગમે તેટલી ભાષાઓમાં એક્ષપ્રેસ બુલેટટ્રેનની ઝડપે બોલી શકતાં હો પણ તમને સપનું તો માતૃભાષા માં જ આવશે ! તમારી સાથે ઘટતી કોઇપણ સારી નરસી ઘટનાઓના રિએકશનનો પહેલો ઉદગાર તો તમારી માતૃભાષામાં જ નીકળશે !
ચાલો અકબર-બીરબલની એક નાની વાર્તાને યાદ કરી લઈએ !
                એક દિવસ અકબરના દરબારમાં એક વ્યક્તિ આવી તેણે ચેલેન્જ કરી  કે પોતે ૧૨ ભાષાઓ કડકડાટ બોલી શકે છે ! – જો કોઈ મારી મૂળ ભાષા બતાવી શકે તો હું તેને ચતુર માનું અને ન બતાવી શકે તો તેને મારા ગુલામ બનવું પડે – દર વખતની જેમ ચતુર બીરબલે ચેલેન્જ સ્વીકારી ૨૪ કલાકનો સમય માંગ્યો –બીરબલે તે વ્યક્તિની રહેવાની સગવડ પોતાના જ શયનગૃહમાં કરાવી ! – અડધી રાત્રે તે વ્યક્તિ જયારે ગાઢ નિંદ્રામાં હતો ત્યારે બીરબલે તેના પર ઠંડા પાણીની ડોલ રેડી – પોતાના પર અચાનક પાણી પડતાં જ તે વ્યક્તિ – अबे, कौन है? નો ઉદગાર નીકળ્યો – બીરબલે કહ્યું આ ગુસ્તાખી  માટે મને માફ કરશો, પણ આપની માતૃભાષા હિન્દી છે ! – તે વ્યક્તિએ બીજે દિવસે દરબારમાં હકીકત સ્વીકારી !!!
                     આપણે ગમે તેટલી ભાષાઓના જાણકાર કેમ ન હોઈએ દર્દનો ડૂમો અથવા તો હૃદયમાંનો આનંદનો ઉદગાર જયારે અચાનક બહાર આવે ત્યારે તે બંનેનું રૂપાંતર તો માતૃભાષાના સ્વરૂપમાં જ થઇ જતું હોય છે ! માતૃભાષા એટલે આપણને માતા પાસેથી મળેલી ભાષા એવો અર્થ પણ થાય છે. ઉછેર કરનાર એટલે જ માતા, માતા એટલે ફકતને ફક્ત સંબંધિત “મા” જ એમ નહિ. પરંતુ આપણા જન્મથી આપણી આસપાસ આપણા ઉછેરમાં હનુમાન ફાળાની સાથે સાથે ખિસકોલી ફાળો ધરાવનાર ધ્વારા આપણા કાનમાં દુનિયાની ઓળખ જે ભાષામાં કરાવવામાં આવી છે તે આપણી માતૃભાષા ! અર્થાત તે ભાષામાં માતાની લાગણીઓનો ભાવ છુપાયેલો હોય છે ! માટે જ સંસાર વ્યવસ્થામાં જેટલું ઉચ્ચ સ્થાન માતા માટે સંબોધાય છે તેટલું જ માતૃભાષા માટેનું માનવું જોઈએ.  માતા ન હોવી તેનું દર્દ અને ભાષા ન હોવી તેનું દર્દ સમાન પીડાદાયક હોય છે. માતૃભાષાનું ગૌરવ એટલે બીજી ભાષાઓનો અસ્વીકાર એવો અર્થ કેટલીકવાર કેટલાંક બુધ્ધિજીવીઓ કરતાં હોય છે!? – પરંતુ ખરું તો એ છે કે બીજી બધી જ ભાષાઓનું સમ્માન અને સ્વીકાર કરીશું જ પણ, તેવિવિધ  ભાષાને સમજવતાં કરવામાં કે બોલતાં કરવામાં પણ મૂળ પાયો તો આપણી માતૃભાષા જ હોય છે અને તેથી જ તેનું ગૌરવ લેવું   અનુભવવું એ આપણી ફરજ અને આપણી સભ્યતાનું પ્રમાણ છે ! અને પાછાં ગોળ ફરી ફરીને ત્યાંના ત્યાં જ કે, આ ગૌરવ લેવાનું સભ્યતા દાખવવાનું આપણને  શીખવનાર પણ આપણી માતૃભાષાને જ છે ! અમારા વિચારોને તમારા સુધી અને તમારા સૂચનોને અમારા સુધી પહોંચાડવાનો શ્રેય આપણે ભલે ટેકનોલોજીને આપીએ, પરંતુ જે વહેચાય છે તેનું પ્રથમ સાધન તો ભાષા છે ! જો ભાષા જ ન હોત તો ? તેનું દર્દ એવા વ્યક્તિને પૂછો જેની પાસે લેન્ડલાઇન ફોન છે પણ અવાજ નથી  ! અથવા તો એવી વ્યક્તિને પૂછો કે જેની પાસે આઈ ફોન છે પણ દુર રહેતાં વ્યક્તિઓને પોતાની લાગણીઓને વ્યક્ત કરવા માટેના શબ્દો નથી !! માટે જ અંતમાં ફરીથી માતૃભાષાનો આભાર માનતાં ચાલો જોઈએ શાળા પરિવારે તેના ગૌરવની કેવીરીતે ઉજવણી કરી !     





  



February 06, 2016

અમારો પ્રવાસ...


અમારો પ્રવાસ... 

પ્રવાસ એટલે શું એવું જો કોઈ અમને પૂછે તો - પ્રવાસ એટલે  પર + વાસ !

                         “પર” નો અર્થ કરીએ છે પાંખો – બાળકોને શાળા બહાર લઇ જઈએ અને તેમની શરીરની ભાષા કહી આપે  કે  આજે બાળકો ચાલી કે દોડી નહિ પણ ઉડી રહ્યા છે, તો સમજવું કે તેઓ પ્રવાસ કરી રહ્યા છે. પહેલા વરસાદના પહેલા જ ફોરે મોરનો થનગનાટ અથવા તો તો પહેલા જ ફોરે દેડકાઓનો ડ્રાઉં .. ડ્રાઉં...  આવી કેટલીક બાબતો એવી છે કે સર્વમાન્ય બને જ .. ન બને તો જ ચિંતા અથવા તો ચિંતન કરવું પડે ...... બાળકોને મન પ્રવાસ એટલે જાણે પહેલા વરસાદનું પહેલું ફોરું જે બાળકને પ્રવાસ જવાના દિવસની આગલી રાતનો ઉજાગરો કરાવે છે, જેની આંખોમાં આખી રાત ઉંઘ નહિ પણ પ્રવાસના સપનાઓ જ રમ્યા કરતાં હોય છે.. ત્યાં જઈશું, આ જોઈશું... બસમાં ગીત ગાઈશું.... આની પાસે બેસીશ... નાના ભાઈ બહેન માટે આ લઈશ તે લઈશ... વગેરે... વગેરે... આવાં અનેક સ્વપ્નોમાં રાચતો આ બાળ-ખેચરની પહેલી પાંખ કપાયાનું ત્યારે લાગે છે,જ્યારે બિનજરૂરી શિસ્તના નામે નિયમનો મારો ચલાવીએ છીએ. આપણી જેમ બાળકોને પણ એવું જ ગમતું હોય છે કે સહ-સીટર આપણી રુચી મુજબનો હોય,પ્રવાસમાં કાળજીપૂર્વકના સૂચનો હોય પણ સાથે સાથે આનંદપ્રમોદની કિલકારીઓ હોય... બની શકે છે કે પ્રવાસ દરમ્યાન બાળકોને થતો વોમિટીંગ પ્રોબ્લેમ અને તેના માટેની આપણી કાળજી આપણા સ્વભાવને થોડો વધુ ચીડિયો બનાવે પરંતુ તે બાળકોના પ્રવાસનો આનંદ અદ્રશ્ય કરનાર પરીબળ ન બને તેનું પણ ધ્યાન રાખવું તે જ તો પ્રવાસ કરાવનારની આગવી ખુબીનું એક માપન છે. આ માટેનું કારણ ફકતને ફક્ત એક જ છે કે પ્રવાસ દરમ્યાન આપણે બાળકના માર્ગદર્શિકા માટે ફક્ત શિક્ષક જ નહિ પણ માતા જેવી હુંફ આપવાનો અને પિતા જેવી કાળજી રાખવાનો પણ રોલ ભજવવાનો હોય છે. તેથી જ તો કહેવાય છે કે ઘરના એક બે નાના બાળકોને ફરવા લઇ જઈએ તો પણ કાળજીપૂર્વક પ્રવાસ કરાવવામાં થાકી જવાય છે, તો પછી ૫૦/૬૦/ બાળકોને આનંદપ્રમોદ સાથેનો પ્રવાસ તો ફક્ત તે જ કરાવી શકે જે  “માં” ના સ્તર સુધી પહોંચી ખરા અર્થમાં “માસ્તર” બન્યા હોય .. શાળાએ પણ આવો જ એક પ્રવાસ ખેડ્યો... જેમાં ક્યાં ક્યાં જઈશું - કોણ કોની પાસે બેસશે - કોણ તમારું ધ્યાન રાખશે. – થી માંડી રિસીવ કરવા નહિ આવી શકનાર બાળકોને સાથે રાખી ઘર સુધી કોણ પહોચાડશે – ત્યાં સુધીનું તમામ આયોજન બાળકો સાથે અને મરજી મુજબનું જ કર્યું..  

February 04, 2016

માનવ સ્વભાવનો પ્રવાસ !!!

                                                                   
પ્રવાસ પૂર્વે માનવ સ્વભાવનો પ્રવાસ
 જ્યાં વિદ્યાર્થીઓને પોતાના નિર્ણયો પોતે લેવાની છૂટ હોય ત્યાં પ્રવાસ ક્યાં જવું એ તો તેમના હકની વાત છે.
     પ્રવાસના સ્થળો અંગે જુદી જુદી ચર્ચાઓ ચાલે જતી હતી. અમિતાભની એડ હોય કે બાજુની શાળાએ કરેલા પ્રવાસના આયોજનની અસર – પણ ધોરણ આઠના વિદ્યાર્થીઓ હવે “કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા !” એ સૂત્રથી વધુ ચર્ચા કરવા તૈયાર નહોતા. અમારા તમામ વિદ્યાર્થીઓના ખિસ્સાને પરવડે એવો એ પ્રવાસ હતો નહિ. છતાં એમને ચર્ચા કરતા રહેવાની છૂટ હતી જ. આખરે આ વખત લીડ કરી ધોરણ પાંચના વિદ્યાર્થીઓ કાંકરિયા, અડાલજની વાવ અને ગાંધીનગરના એક દિવસના પ્રવાસ માટે તૈયાર થયા. પણ આઠમાં ધોરણમાં લગભગ બધાના મો મચકોડાઈ ગયા.. “હુહ, ઈ શું જવાનું ? એક દા’ડામાં પાસા – એવું નહિ આવવું !” પણ જેમ જેમ ધોરણ ૩ થી ૭ ના વિદ્યાર્થીઓની પ્રવાસ ફી આવવા લાગી અને શાળામાં પ્રવાસનું આયોજન ધબકવા લાગ્યું એટલે તેમના પૈકી 14 વિદ્યાર્થીઓએ પણ ફી જમા કરાવી. એમ કહેતા કહેતા કે હવે બીજે ક્યાંય નહિ તો આટલે તો લઇ જાઓ.
                      પણ કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો કે – મંજુરી લેવા જવાના છેલ્લા દિવસે ૩-૪-૫ માંથી ઘણા વિદ્યાર્થીઓ વાલી અને ફી સાથે હાજર થયા. અમે વિચાર્યું કે જો આઠમના 14 વિદ્યાર્થીઓ સમાવીએ તો બીજા અડધી ટીકીટ 28 ને ના પાડવી પડે. અને ઝડપથી નિર્ણય લેવાની લાહ્યમાં એમની સાથે વાત કર્યા વગર એમને બીજે ક્યાંક રવિવારે લઇ જશું એવો નિર્ણય લઇ લીધો. ઓફીસ રૂમમાં લેવાયેલો આ નિર્ણય આઠમાં ધોરણ સુધી પહોચ્યો -----
અને શિક્ષક અડધા કલાક પછી વર્ગમાં પહોચ્યા તો – વર્ગખંડ તેમણે શીખેલી તમામ ભાષાઓ અને જોયેલ આંદોલનના દ્રશ્યોનું કોકટેલ બની ચુક્યો હતો !
“આંદોલન"   –   હમે પ્રવાસ ચાહીએ !”   -   “હમારી માંગે પૂરી કરો !” - “પૈસે નહિ પ્રવાસ દો !”
જેવા સુત્રોથી વર્ગના બધા બોર્ડ અને બારીઓ ચિતરાઈ ચુકી હતી. શિક્ષકની હાજરીમાં તેમનું મૌન – એ હવે અમારા માટે પણ આકરું હતું.
સંવાદની જગ્યા બચી હતી. -: “દસ મિનીટ માટે જગ્યા છોડીએ છીએ – તમને વિકલ્પો આપવા માટે મારે કોઈક બોર્ડનો ઉપયોગ કરવો પડશે... તમારે પ્રવાસના વિકલ્પો ચર્ચવા હોય તો એટલી જગ્યામાંથી તમારું આંદોલન ભૂસી નાખજો..
           .............અને અમારી ધારણા મુજબ – એક બોર્ડ ભુસાઈ ચુક્યું હતું.. તેના પર અમે વિકલ્પો લખ્યા – એક દિવસના પ્રવાસના ! પાંચ જુદી જુદી જગ્યાઓ – અને છઠ્ઠો વિકલ્પ હતો “પૈસા પરત !” જેને જે વિકલ્પ પસંદ હોય તેની નીચે તેમની સાઈન કરે.. જેમાં બહુમતી થશે તે વિકલ્પ સ્વીકારાશે. બે દિવસ પછી હવે પોઈચા સ્થળ પસંદ થયું છે !
પ્રવાસ પૂર્વેના આ પ્રવાસે અમને શીખવ્યું કે “વિદ્યાર્થીઓ સાથે જયારે ખભો મિલાવો ત્યારે જ એમના હૃદયમાં પહોચી શકાય છે!”

February 01, 2016

एक कदम शौचालय की ओर !!!!!


एक कदम शौचालय की ओर !!!!!



શાળાનું બીજું નામ એટલે....


શાળાનું બીજું નામ એટલે  “બાળ-ઇલાકો
                         શિક્ષણ બાળકો માટે બન્યું  છે, પણ બાળકો  શિક્ષણ માટે નથીતેવી રીતે શાળા પણ બાળકો માટે ઉભી કરવામાં આવેલી સંસ્થા છે, નહિ કે સંસ્થા માટે બાળકો ઉભા કરવામાં આવ્યા છે! શાળા વિના બાળકબાળક બની રહેશે, અહીંથી નહિ તો બીજા કે ત્રીજા પર્યાવરણમાંથી શીખશે ! એટલે કે શાળા વિના બાળકનું લર્નિંગ અટકશે નહિ, પરંતુ બાળક વિનાની શાળા ? -  કલ્પના કરી જુઓ તો ખ્યાલ આવશે કે ખરેખર  એક ઈમારતનેશાળાનું પદ ફક્ત બાળકોને આભારી છેતો પછી જે સંસ્થા જેને આભારી છે તેનું પર્યાવરણ પણ તેના લક્ષી હોવું - તે સંસ્થાની સમૃદ્ધિનું પ્રતિક છે ! કોઈ એક સામાન્ય પ્રાણીઓના વસવાટથી એક જાળી-ઝાંખરા ધરાવતું જંગલ અભયારણ્ય બની જતું હોય, પ્રાણી પ્રેમીઓ માટે મહત્વનું  અને  દેશ-દુનિયાના નકશામાં નોંધ પાત્ર સ્થાન તરીકે ઉભરાતું હોય તો આપણી શાળા એ તો બાળ-વસવાટનું સ્થાન છે, ત્યાં એક એવો ઇલાકો હોવો જોઈએ; જ્યાં શિક્ષણ તો મળે જ પરંતુ બાળકનું  બાળપણ’ પણ અભય હોય, જ્યાં ગુણોની પરિપક્વતા તો કેળવાય, પરંતુ તેમનો કલરવ’ અભય હોયકારણ -  જેને જ્યાં કોઇપણ  પ્રકારનો ડર નથી, પોતે પોતાના માટે- પોતાના વડે ઈલાકા”ની બીજી વ્યાખ્યા છે- માટે   કોલેજ એટલે યુવાનોનો ઇલાકો તેમ શાળા એટલે ફકતને ફક્ત બાળકોનો ઇલાકો આપણે સ્વીકારવું પડશે અને તેના અનુરૂપ પર્યાવરણ ઉભું કરવું પડશે.