Showing posts with label શાળા સંચાલન. Show all posts
Showing posts with label શાળા સંચાલન. Show all posts

September 09, 2026

ક્લાસ નેવિગેટર

ક્લાસ નેવિગેટર

શિક્ષક દિનની ઉજવણી એટલે શાળાના દિવસોનો સૌથી રોમાંચક અને ઉત્સાહથી ભરેલો સમય. દરેક વિદ્યાર્થીના મનમાં ક્યારેક ને ક્યારેક તો એવો વિચાર ચોક્કસ આવ્યો જ હોય કે જો મને શિક્ષક બનવાની તક મળે તો હું વર્ગખંડમાં કેવો માહોલ ઊભો કરું, વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવું અને કેવી મજા કરું. પરંતુ, આપણી શાળામાં આ ઉજવણીનો અંદાજ સાચે જ બિલકુલ અલગ અને અનોખો છે. અહીં શિક્ષક બનવું એ માત્ર એક દિવસની મસ્તી કે રમત નથી, પણ ખરા અર્થમાં એક જવાબદાર શિક્ષકની ભૂમિકાને જીવંત કરવાનો મોકો છે, જેની શરૂઆત જ એક ખૂબ જ ગંભીર અને સુંદર પ્રક્રિયાથી થાય છે.

શિક્ષક દિનમાં ભાગ લેવા માટે ઉત્સુક વિદ્યાર્થીઓએ સૌથી પહેલાં પોતાનું એક દૈનિક આયોજન તૈયાર કરવાનું હોય છે. જેમ એક સાચો અને અનુભવી શિક્ષક વર્ગમાં જતા પહેલાં પોતાની લેસન નોટ બનાવતો હોય છે, બિલકુલ એમ જ આ નાનકડા શિક્ષકોએ પણ કાગળ પર ઉતારવાનું હોય છે કે આજે કયો મુદ્દો ભણાવવાનો છે, એ મુદ્દો શા માટે ભણાવવાનો છે એટલે કે તેનાથી વિદ્યાર્થીઓ માટે લર્નિંગ આઉટકમ શું આવશે અને તેને બાળકો સુધી સરળતાથી પહોંચાડવા માટે કઈ પદ્ધતિ કે સાધનોનો ઉપયોગ કરવામાં આવશે.

આ આયોજન તૈયાર થઈ ગયા પછી શરૂ થાય છે અસલી કસોટીનો તબક્કો. વિદ્યાર્થીએ પોતાની એ નોંધ લઈને જે તે વિષયના અસલી શિક્ષક પાસે જવાનું હોય છે. શિક્ષક એ નોંધ વાંચે છે, તેમાં જરૂરી સૂચનો કે સુધારા કરે છે અને બાળકને માર્ગદર્શન આપે છે. શિક્ષકની મંજૂરી મળ્યા બાદ તે બાળક પોતાની એ તૈયાર કરેલી નોંધ લઈને પહોંચે છે શાળાની બાળ સંસદ દ્વારા ચૂંટાયેલા 'કન્વીનર ટીચર' પાસે. આ બાળ સંસદના કન્વીનર ટીચર કોઈ વગ કે ભલામણ વગર એકદમ તટસ્થ રહીને દરેક બાળકની દૈનિક નોંધની ઝીણવટભરી ચકાસણી કરે છે અને જ્યારે તેમને લાગે કે બાળકે મહેનત કરીને ખૂબ જ સુંદર અને યોગ્ય આયોજન કર્યું છે, ત્યારે જ તેઓ મંજૂરીની મહોર મારે છે.

આ મંજૂરી મળ્યા પછી શરૂ થાય છે અસલી મજા, જ્યારે બાળકો પોતાના હાથે 'ટીચિંગ લર્નિંગ મટિરિયલ' એટલે કે શિક્ષણ સામગ્રી તૈયાર કરવા બેસે છે. રંગબેરંગી ચાર્ટ પેપર, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ અને જાતજાતના મોડેલ્સ બનાવીને વર્ગખંડને જીવંત બનાવવા માટેની તેમની મથામણ જોવા જેવી હોય છે. એ દિવસે ભલે બાળકોને એમ લાગતું હોય કે આજે તો અમે સાચા શિક્ષક બનીને આખા વર્ગને ભણાવી રહ્યા છીએ અને બધા પર આપણો વટ પડી રહ્યો છે, પણ હકીકત તો એ હોય છે કે પેલા બાળકો ભણાવવા કરતાયે કેટલુંય વધારે શીખી રહ્યા હોય છે. એક શિક્ષક વર્ગ કેવી રીતે સંભાળે છે, શિસ્ત કેવી રીતે જાળવે છે અને અવાજના ઉતાર-ચઢાવથી ધ્યાન કેવી રીતે ખેંચે છે તે તેઓ સ્ટેજ પર ઊભા રહીને શીખી જતા હોય છે.

આ સુંદર સફરનો અંત આવે છે ઉજવણી પૂરી થયા બાદ આપવામાં આવતા પ્રતિભાવો સાથે. દર વર્ષની જેમ આ વખતે પણ જ્યારે બાળકો પોતાના અનુભવો શેર કરવા બેઠા, ત્યારે તેમના ચહેરા પર એક અનોખો સંતોષ અને સાથેસાથે એક નવું જ વાસ્તવિકતાનું ભાન સ્પષ્ટ દેખાતું હતું. બાળકો જ્યારે પોતાના પ્રતિભાવો આપતા હોય છે, ત્યારે તેઓ દિલથી સ્વીકારે છે કે, "સાહેબ, બાળકોને ભણાવવું એ કોઈ રમત નથી, પણ ખૂબ જ મુશ્કેલ કામ છે!" એક જ દિવસના આ અનુભવે બાળકોની નજરમાં શિક્ષક પ્રત્યેનો આદર અને માન અનેકગણું વધારી દીધું. પુસ્તકોમાંથી જે વાત વર્ષો સુધી કોઈ સમજાવી ન શક્યું, તે એક દિવસના વ્યવહારુ અનુભવે બાળકોને શીખવી દીધું કે કાળા પાટિયા સામે ઊભા રહીને ભણાવવું એ અનહદ ધૈર્ય માંગી લેતું ખૂબ જ પવિત્ર કામ છે.

પરંતુ આ શિક્ષક દિનની સફર માત્ર બાળકો પૂરતી જ સીમિત નહોતી રહી; એ દિવસે અસલી શિક્ષકો એટલે કે અમારા માટે પણ આત્મમંથન અને શીખવાનો એક અનોખો અવસર બની રહ્યો. જ્યારે વર્ગની કમાન બાળકોના હાથમાં હતી, ત્યારે અમે સૌ શિક્ષકોએ એકાંતમાં ભેગા થઈને રોજબરોજના વર્ગખંડમાં નડતી મુશ્કેલીઓ અને તેના સરળ ઉકેલો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એક જ હતો—કોઈપણ ભોગ  બાળકો સરળતાથી અને આનંદ સાથે શીખતા રહેવા જોઈએ.

શાળામાં કાર્યરત 'ક્લાસ નેવિગેટર' અંગે ખૂબ જ સાર્થક અને ગહન ચિંતન થયું. 'રીકનેક્ટ' (Reconnect) થી માંડીને 'રીફ્લેક્શન' (Reflection) સુધીની આખી સફર અને 'હોમવર્ક' (ગૃહકાર્ય) આપવાની પદ્ધતિઓ પર ખુલ્લા મને વાતો થઈ. વર્ગની શરૂઆતમાં બાળકો સાથે ભાવનાત્મક રીતે કેવી રીતે જોડાવું, ક્લાસ નેવિગેટરના ચરણો મુજબ વર્ગખંડમાં નેવિગેટ કરતી વખતે ક્યાં અડચણો આવે છે, અને આખા દિવસના અંતે શિક્ષક અને વિદ્યાર્થી બંને માટે 'રીફ્લેક્શન' (ચિંતન) કેટલું જરૂરી છે તે તમામ બાબતો પર મંથન થયું. એકબીજાના અનુભવોની આપ-લે કરી અને જૂની પદ્ધતિઓની 'ધૂળ ખંખેરીને' નવા સમય પ્રમાણે વર્ગખંડને વધુ પ્રભાવશાળી કેમ બનાવવો તેની ઘણી બધી નવી બાબતો અમે શીખ્યા.


આ પ્રકારે, એક તરફ બાળકો શિક્ષક બનવાની મથામણમાં જીવનના સૌથી મોટા પાઠ ભણી રહ્યા હતા, તો બીજી તરફ અમે શિક્ષકો પણ એકબીજાના સહારે શિક્ષણક્ષેત્રની નવી દિશાઓ શોધીને વધુ મજબૂત બની રહ્યા હતા. આ અરસપરસની ચર્ચાઓ અને અનોખા અનુભવોએ આ શિક્ષક દિનને વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે હંમેશાં યાદગાર અને પ્રેરણાદાયી બનાવી દીધો.



























રીડિંગ રીલ્સ

શિક્ષણ એ માત્ર એક તરફી પ્રક્રિયા નથી, પરંતુ તે વિદ્યાર્થી અને શિક્ષક બંને માટે એકબીજાના સહારે સતત વિકસવાની એક જીવંત યાત્રા છે.


July 21, 2026

લોકશાહી એ જીવન રીતિ છે.


લોકશાહી એ જીવન રીતિ છે.


    લોકશાહી એ માત્ર શાસન વ્યવસ્થા નથી, પણ જીવન જીવવાની કળા છે. આ વાત આપણે સ્વીકારતા હોઈએ, છતાં ભવિષ્યના દેશસંચાલકોને તે કેવી રીતે શીખવવી તે મોટો પ્રશ્ન છે. શાળાઓમાં માત્ર ચૂંટણીઓ યોજવાથી નેતૃત્વના ગુણો વિકસે તેવી રૂઢિગત માન્યતા અધૂરી છે. ચૂંટણી વિના પણ નેતૃત્વ વિકસી શકે છે, પરંતુ શાળા સંચાલન માટે વાસ્તવિક કૌશલ્યોની જરૂર પડે છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ દર્શાવ્યા છે.
આજના સમયમાં વ્યક્તિગત જીવન સુંદર બનાવવા અને સમગ્ર સૃષ્ટિને જીવવા યોગ્ય બનાવવા માટે સૌથી મોટો ગુણ એ છે કે દરેક સમસ્યાનો ઉકેલ ચર્ચા દ્વારા લાવવો. ચર્ચા એટલે મારું મંતવ્ય જ સાચું અને સામેવાળાનું ખોટું તેવો દુરાગ્રહ નહીં, પરંતુ મારી વાત મુક્તપણે રજૂ કરવાની સાથે બીજાની વાત સાંભળવી. આ મૂળભૂત સમજ કેળવવી અત્યંત આવશ્યક છે.
    આપણી નવાનદીસર પ્રાથમિક શાળા પીએમ શ્રી - ગુજરાતમાં છેલ્લા વીસ વર્ષથી બાળકો જાતે શાળાનું સંચાલન કરી રહ્યા છે. બાળકોનો પ્રચાર, ચૂંટણી સંચાલન અને સચિવ તરીકેની કામગીરી જોતાં સ્પષ્ટ થાય છે કે તેઓ આવેશમાં નહીં, પણ વાસ્તવિક પરિસ્થિતિના અસરકારક ઉપાયો તરીકે નિર્ણયો લે છે. તેમનામાં સારું કે ખરાબ એવા પૂર્વગ્રહોને બદલે વર્તમાન પરિસ્થિતિમાં શું યોગ્ય છે તે જોઈને પ્રયોગ કરવાનું વલણ સ્વભાવગત બનતું જાય છે.
    આ વર્ષની ચૂંટણીમાં ફિરદૌસે  મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે તમામ જવાબદારીઓ કાળજીપૂર્વક સંભાળી. તેની ક્રિએટિવિટી તો જાણીતી હતી જ, પણ તે પોતાના વિચારોને અમલમાં મૂકવાની ધીરજ પણ હવે કેળવી રહ્યો છે. બીજી તરફ, દર્શનાએ શિક્ષક પાસે મત માંગતી વખતે જે સંવાદ કર્યો તે અસરકારક  હતો. શિક્ષકે તેને પૂછ્યું કે શાળાની સૌથી મોટી સમસ્યા કઈ છે અને તે શું કરશે. ત્યારે દર્શનાની વાતમાંથી એક મોટો પાઠ મળ્યો કે ક્ષતિ સુધારવા માટે સીધો આરોપ મૂકવાને બદલે વિદ્યાર્થીને જ પૂછવું જોઈએ કે તેણે શું કર્યું અને તેનાથી શું પરિણામ આવ્યું. આટલી ઊંડી સમજ એક બાળકે શિક્ષકોને આપી દીધી. દર્શના ચૂંટણી જીતે કે ન જીતે, પણ શાળા તરીકે ચૂંટણી યોજવાનો મૂળ હેતુ સિદ્ધ થઈ ગયો.
    બાળકોએ પ્રાર્થના સંમેલનો, ગામમાં ફરીને તેમજ ડિજિટલ વીડિયોઝ દ્વારા વિવિધ માધ્યમોથી પ્રચાર કર્યો. કોઈએ કવિતાઓ રચી તો કોઈએ પોસ્ટર બનાવ્યા. હાર્દિકનો આત્મવિશ્વાસ તેના વિજેતા બનવાનું મુખ્ય કારણ બન્યો. બીજી તરફ દર્શનાને લાગ્યું કે પોતે હાર્દિકથી વધુ ગુણ નહીં મેળવી શકે એટલે તેને માત્ર ઉપપ્રમુખ બની શકાય તેવા પ્રયત્નો કર્યા. જ્યારે જ્વાલાંશી જે હજુ પાંચમા ધોરણમાં છે તેણે હાર્દિકથી વધુ મત મેળવવા પ્રયત્નો કર્યા અને તેથી તે ઉપપ્રમુખ બની.
    પહેલી જ કેબિનેટની બેઠકમાં બાળકોએ સચિવોની નિમણૂક માટે જે ચર્ચાઓ કરી તે જોતા લાગ્યું કે શાળા સુરક્ષિત હાથોમાં  છે. શાળામાં આવેલા નવા વિદ્યાર્થીઓ માટે નીતિ સમજાવવી જરૂરી છે. શાળામાં જ્યારે પણ વિવાદ થાય ત્યારે શિક્ષકો સજા કરવાને બદલે પક્ષકારોને જ પૂછે છે કે આ સ્થિતિમાં આગળ શું કરવું જોઈએ. નવા વિદ્યાર્થીઓને આ પદ્ધતિ સમજાવવા માટે બે શાંતિ સચિવોની નિમણૂકનો નવો વિચાર આવ્યો.
    આ શાંતિ સચિવોનું કામ આગ લાગ્યા પછી કૂવો ખોદવાને બદલે પાણી વહી જતા પહેલા પાળ બાંધવાનું એટલે કે વિવાદો ઊભા જ ન થાય તે જોવાનું રહેશે. બંને શાંતિ સચિવોએ એક ઉત્તમ વિચાર આપ્યો કે વિવાદ વખતે કોનો વાંક છે તે શોધવાને બદલે દરેક વ્યક્તિએ પોતે શું કર્યું અને પોતે શું સુધારી શક્યા હોત તેનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આ પદ્ધતિથી ગુનેગારનું લેબલ લગાડવાને બદલે ક્ષતિ સુધારવાની તક મળે છે.
આ ઉપરાંત શિક્ષણ સચિવ તરીકે વર્ગમાં ક્લાસ નેવિગેટર હોવાનો નિયમ બનાવ્યો, જેથી શિક્ષકનું દૈનિક આયોજન સ્પષ્ટ રહે. જો કોઈ શિક્ષક પાસે નેવિગેટર ન હોય તો તેમણે વર્ગની બહાર જવાનું અને શિક્ષણ સચિવે વર્ગ સંભાળવાનો મોટો અને સ્પષ્ટ નિર્ણય પણ બાળકોએ લીધો. આ પ્રકારના વીસથી પચ્ચીસ નાના-મોટા ફેરફારો બાળકોએ પહેલી જ કેબિનેટમાં કર્યા. નિર્ણયો કરતાં પણ તે નિર્ણયો સુધી પહોંચવાની તેમની પ્રક્રિયા જ સાચું શિક્ષણ છે.
    આ દ્રશ્ય જોઈને વિશ્વાસ બેસે છે કે ભારત અને આ વિશ્વનું ભવિષ્ય ઉજ્જવળ છે અને આ બાળકો આ દુનિયાને વધુ સુંદર બનાવીને જ રહેશે.

રીડિંગ રીલ્સ : 
"લોકશાહી એ માત્ર સરકારનું સ્વરૂપ નથી, પણ તે મુખ્યત્વે સંયુક્ત અનુભવ અને પરસ્પર સંચારનું એક સ્વરૂપ છે."  
- જ્હોન ડ્યુઈ 
માણીએ કેટલીક ક્લિક્સ અને છેલ્લે વીડિયો!







































* માણીએ વીડિયો *