Showing posts with label નાગરિક ઉઘડતર. Show all posts
Showing posts with label નાગરિક ઉઘડતર. Show all posts

September 09, 2026

ક્લાસ નેવિગેટર

ક્લાસ નેવિગેટર

શિક્ષક દિનની ઉજવણી એટલે શાળાના દિવસોનો સૌથી રોમાંચક અને ઉત્સાહથી ભરેલો સમય. દરેક વિદ્યાર્થીના મનમાં ક્યારેક ને ક્યારેક તો એવો વિચાર ચોક્કસ આવ્યો જ હોય કે જો મને શિક્ષક બનવાની તક મળે તો હું વર્ગખંડમાં કેવો માહોલ ઊભો કરું, વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવું અને કેવી મજા કરું. પરંતુ, આપણી શાળામાં આ ઉજવણીનો અંદાજ સાચે જ બિલકુલ અલગ અને અનોખો છે. અહીં શિક્ષક બનવું એ માત્ર એક દિવસની મસ્તી કે રમત નથી, પણ ખરા અર્થમાં એક જવાબદાર શિક્ષકની ભૂમિકાને જીવંત કરવાનો મોકો છે, જેની શરૂઆત જ એક ખૂબ જ ગંભીર અને સુંદર પ્રક્રિયાથી થાય છે.

શિક્ષક દિનમાં ભાગ લેવા માટે ઉત્સુક વિદ્યાર્થીઓએ સૌથી પહેલાં પોતાનું એક દૈનિક આયોજન તૈયાર કરવાનું હોય છે. જેમ એક સાચો અને અનુભવી શિક્ષક વર્ગમાં જતા પહેલાં પોતાની લેસન નોટ બનાવતો હોય છે, બિલકુલ એમ જ આ નાનકડા શિક્ષકોએ પણ કાગળ પર ઉતારવાનું હોય છે કે આજે કયો મુદ્દો ભણાવવાનો છે, એ મુદ્દો શા માટે ભણાવવાનો છે એટલે કે તેનાથી વિદ્યાર્થીઓ માટે લર્નિંગ આઉટકમ શું આવશે અને તેને બાળકો સુધી સરળતાથી પહોંચાડવા માટે કઈ પદ્ધતિ કે સાધનોનો ઉપયોગ કરવામાં આવશે.

આ આયોજન તૈયાર થઈ ગયા પછી શરૂ થાય છે અસલી કસોટીનો તબક્કો. વિદ્યાર્થીએ પોતાની એ નોંધ લઈને જે તે વિષયના અસલી શિક્ષક પાસે જવાનું હોય છે. શિક્ષક એ નોંધ વાંચે છે, તેમાં જરૂરી સૂચનો કે સુધારા કરે છે અને બાળકને માર્ગદર્શન આપે છે. શિક્ષકની મંજૂરી મળ્યા બાદ તે બાળક પોતાની એ તૈયાર કરેલી નોંધ લઈને પહોંચે છે શાળાની બાળ સંસદ દ્વારા ચૂંટાયેલા 'કન્વીનર ટીચર' પાસે. આ બાળ સંસદના કન્વીનર ટીચર કોઈ વગ કે ભલામણ વગર એકદમ તટસ્થ રહીને દરેક બાળકની દૈનિક નોંધની ઝીણવટભરી ચકાસણી કરે છે અને જ્યારે તેમને લાગે કે બાળકે મહેનત કરીને ખૂબ જ સુંદર અને યોગ્ય આયોજન કર્યું છે, ત્યારે જ તેઓ મંજૂરીની મહોર મારે છે.

આ મંજૂરી મળ્યા પછી શરૂ થાય છે અસલી મજા, જ્યારે બાળકો પોતાના હાથે 'ટીચિંગ લર્નિંગ મટિરિયલ' એટલે કે શિક્ષણ સામગ્રી તૈયાર કરવા બેસે છે. રંગબેરંગી ચાર્ટ પેપર, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ અને જાતજાતના મોડેલ્સ બનાવીને વર્ગખંડને જીવંત બનાવવા માટેની તેમની મથામણ જોવા જેવી હોય છે. એ દિવસે ભલે બાળકોને એમ લાગતું હોય કે આજે તો અમે સાચા શિક્ષક બનીને આખા વર્ગને ભણાવી રહ્યા છીએ અને બધા પર આપણો વટ પડી રહ્યો છે, પણ હકીકત તો એ હોય છે કે પેલા બાળકો ભણાવવા કરતાયે કેટલુંય વધારે શીખી રહ્યા હોય છે. એક શિક્ષક વર્ગ કેવી રીતે સંભાળે છે, શિસ્ત કેવી રીતે જાળવે છે અને અવાજના ઉતાર-ચઢાવથી ધ્યાન કેવી રીતે ખેંચે છે તે તેઓ સ્ટેજ પર ઊભા રહીને શીખી જતા હોય છે.

આ સુંદર સફરનો અંત આવે છે ઉજવણી પૂરી થયા બાદ આપવામાં આવતા પ્રતિભાવો સાથે. દર વર્ષની જેમ આ વખતે પણ જ્યારે બાળકો પોતાના અનુભવો શેર કરવા બેઠા, ત્યારે તેમના ચહેરા પર એક અનોખો સંતોષ અને સાથેસાથે એક નવું જ વાસ્તવિકતાનું ભાન સ્પષ્ટ દેખાતું હતું. બાળકો જ્યારે પોતાના પ્રતિભાવો આપતા હોય છે, ત્યારે તેઓ દિલથી સ્વીકારે છે કે, "સાહેબ, બાળકોને ભણાવવું એ કોઈ રમત નથી, પણ ખૂબ જ મુશ્કેલ કામ છે!" એક જ દિવસના આ અનુભવે બાળકોની નજરમાં શિક્ષક પ્રત્યેનો આદર અને માન અનેકગણું વધારી દીધું. પુસ્તકોમાંથી જે વાત વર્ષો સુધી કોઈ સમજાવી ન શક્યું, તે એક દિવસના વ્યવહારુ અનુભવે બાળકોને શીખવી દીધું કે કાળા પાટિયા સામે ઊભા રહીને ભણાવવું એ અનહદ ધૈર્ય માંગી લેતું ખૂબ જ પવિત્ર કામ છે.

પરંતુ આ શિક્ષક દિનની સફર માત્ર બાળકો પૂરતી જ સીમિત નહોતી રહી; એ દિવસે અસલી શિક્ષકો એટલે કે અમારા માટે પણ આત્મમંથન અને શીખવાનો એક અનોખો અવસર બની રહ્યો. જ્યારે વર્ગની કમાન બાળકોના હાથમાં હતી, ત્યારે અમે સૌ શિક્ષકોએ એકાંતમાં ભેગા થઈને રોજબરોજના વર્ગખંડમાં નડતી મુશ્કેલીઓ અને તેના સરળ ઉકેલો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એક જ હતો—કોઈપણ ભોગ  બાળકો સરળતાથી અને આનંદ સાથે શીખતા રહેવા જોઈએ.

શાળામાં કાર્યરત 'ક્લાસ નેવિગેટર' અંગે ખૂબ જ સાર્થક અને ગહન ચિંતન થયું. 'રીકનેક્ટ' (Reconnect) થી માંડીને 'રીફ્લેક્શન' (Reflection) સુધીની આખી સફર અને 'હોમવર્ક' (ગૃહકાર્ય) આપવાની પદ્ધતિઓ પર ખુલ્લા મને વાતો થઈ. વર્ગની શરૂઆતમાં બાળકો સાથે ભાવનાત્મક રીતે કેવી રીતે જોડાવું, ક્લાસ નેવિગેટરના ચરણો મુજબ વર્ગખંડમાં નેવિગેટ કરતી વખતે ક્યાં અડચણો આવે છે, અને આખા દિવસના અંતે શિક્ષક અને વિદ્યાર્થી બંને માટે 'રીફ્લેક્શન' (ચિંતન) કેટલું જરૂરી છે તે તમામ બાબતો પર મંથન થયું. એકબીજાના અનુભવોની આપ-લે કરી અને જૂની પદ્ધતિઓની 'ધૂળ ખંખેરીને' નવા સમય પ્રમાણે વર્ગખંડને વધુ પ્રભાવશાળી કેમ બનાવવો તેની ઘણી બધી નવી બાબતો અમે શીખ્યા.


આ પ્રકારે, એક તરફ બાળકો શિક્ષક બનવાની મથામણમાં જીવનના સૌથી મોટા પાઠ ભણી રહ્યા હતા, તો બીજી તરફ અમે શિક્ષકો પણ એકબીજાના સહારે શિક્ષણક્ષેત્રની નવી દિશાઓ શોધીને વધુ મજબૂત બની રહ્યા હતા. આ અરસપરસની ચર્ચાઓ અને અનોખા અનુભવોએ આ શિક્ષક દિનને વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે હંમેશાં યાદગાર અને પ્રેરણાદાયી બનાવી દીધો.



























રીડિંગ રીલ્સ

શિક્ષણ એ માત્ર એક તરફી પ્રક્રિયા નથી, પરંતુ તે વિદ્યાર્થી અને શિક્ષક બંને માટે એકબીજાના સહારે સતત વિકસવાની એક જીવંત યાત્રા છે.


August 15, 2026

ફ્રી બ્રેઇન્સ બિલ્ડ્સ ફ્રી નેશન!

ફ્રી બ્રેઇન્સ બિલ્ડ્સ ફ્રી નેશન!

આઝાદી કે સ્વતંત્રતાનો અર્થ 'મને જે ગમે તે હું કરું' એવો ક્યારેય નથી થતો. સ્વતંત્રતાનો સાચો અર્થ એ છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનનું તંત્ર 'ક્રિટિકલ થિંકિંગ' કરીને પોતે જ ઘડે. એક સમાજ કે રાષ્ટ્ર તરીકે વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની શરૂઆત તેના ભવિષ્યના નાગરિકોથી જ કરવી ફરજિયાત બને છે. ભારતીય દર્શનમાં પ્રશ્નો પૂછવા, જૂના જ્ઞાનને પડકારવું અને કેવળ 'પહેલેથી ચાલ્યું આવે છે' માટે જ સ્વીકારી લેવાને બદલે; તે સમયે શા માટે નક્કી કરાયું હતું અને અત્યારે પણ તે સર્વહિતાય છે કે નહીં. તેની ચકાસણી કરીને જ અમલમાં મૂકવાની વિચારણા કરવા માટે 'યંગ માઇન્ડ્સ'ને તૈયાર કરવા જરૂરી છે. કારણ કે આવાં સ્વતંત્ર થયેલાં મગજો જ એક સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.

યુવાવસ્થા એ રાષ્ટ્રની સંસ્કૃતિને આકાર આપવાની અવસ્થા છે. જ્યારે યુવાનોને પોતાની આસપાસ જે ચાલતું હોય તે બરાબર ન લાગે અને તેમનો શારીરિક તથા માનસિક જુસ્સો તે બધાની સામે અવાજ ઉઠાવવા ઉશ્કેરતો હોય, તેવામાં જે મથામણો થાય, જે ધમાચકડી કે અસમંજસ ઊભી થાય. તે મંથનમાંથી જ નવનીત મળે છે. જો તેમને એ મંથન ન કરવા દેવાય કે તેમના એ નૈસર્ગિક જુસ્સાને પ્રગટ થતાં અટકાવવામાં આવે, તો તે કોઈપણ રાષ્ટ્ર માટે અત્યંત જોખમી બાબત છે.

આપણી 'નવા નદીસર પ્રાથમિક શાળા પીએમશ્રી - ગુજરાત 'નો અભિગમ આપ સૌના સૂચનો અને શુભેચ્છાઓને કારણે એવો રહ્યો છે કે શાળાનો કોઈપણ પ્રસંગ વિદ્યાર્થીઓ પોતે જ આયોજિત કરે છે અને તેનો અમલ પણ તેઓ જ કરે છે. મોટેરાઓની ભૂમિકા માત્ર તેમના આયોજન મુજબ મદદનીશ તરીકેની જ રહે છે. આ વર્ષે ૧૫મી ઓગસ્ટની ઉજવણીની જગ્યા બદલવી કે નહીં, વરસાદને કારણે નવા મેદાનમાં વિદ્યાર્થીઓને ઊભા રાખવા કે ન રાખવા – એવી મથામણ ચાલતી હતી. એવામાં વિદ્યાર્થીઓએ વાંચેલા તિરંગા યાત્રાના સમાચાર પરથી પોતે પણ 'આપણે તિરંગા યાત્રા કાઢીશું' તેવું નક્કી કર્યું.

નવા નદીસર ગામનો મિજાજ પણ એ જ રહ્યો છે કે બાળકોના ઉત્સાહમાં ઉમેરો કરવો અને તેમની સાથે રહેવું. ગામમાંથી તિરંગાઓની વ્યવસ્થા તો થઈ જ ગઈ, સાથે નજીકની કોલેજના યુવાનોએ યોજેલી તિરંગા યાત્રામાં ત્રણ રંગનો લાંબો પટ્ટો વપરાયો હતો, તે પણ આપણી શાળાના બાળકો માટે આવી પહોંચ્યો.  પહેલેથી બધું જ આયોજિત ન હોય, પણ જેમ જેમ સૂઝ પડે તેમ કરતા જવાનો આ અભિગમ અમને આનંદની અનેક ક્ષણો આપી ગયો.

યાત્રા શરૂ થવાની જ હતી ત્યાં ગામના યુવાનોને વિચાર આવ્યો કે ડ્રોન વ્યુ લઈએ તો શાળા, ગામ અને તિરંગો – ત્રણેયની એક સુંદર સ્મૃતિ કંડારી શકાશે. યાત્રા દરમિયાન બેન્ડમાં શું વગાડીશું, કેવી રીતે વગાડીશું અને કોણ વગાડશે?  તે બધું તો પ્રમુખ અને ઉપપ્રમુખ તથા સચિવોની ટીમે જ નક્કી કરી લીધું હતું.

સ્વાભાવિક છે કે બેન્ડ વાગતું જાય એટલે ગામના લોકો ઘરોમાંથી બહાર નીકળે. કેટલાકે હાથથી તો કેટલાકે મનોમન તિરંગાને સલામી આપી. અમારા સૌ માટે ભાવનાત્મક ક્ષણ એ હતી કે, એક ઘર પાસેથી પસાર થતી વખતે, જેમ કોઈ માતાજી કે ભગવાનનો વરઘોડો નીકળે ત્યારે તેમને ચોખાથી વધાવવામાં આવે, તેમ જ તેમણે તિરંગાને પણ ચોખાથી વધાવ્યો! સૌ શાળાના કેમ્પસમાં પાછા ભેગા થયા, આનંદપૂર્વક તિરંગા સાથે ફોટોગ્રાફી કરી અને તિરંગો લહેરાવ્યો. સૌ શાળાના બિલ્ડિંગમાં છત સુધી પહોંચી અવનવી વાતો કરીને છૂટા પડ્યા.

બીજા દિવસે પણ આ જ જુસ્સા સાથે જ્યારે ભાષાભવનના આંગણે આપણા તિરંગાને સલામી આપવા ભેગા થયા, ત્યારે સંભળાયેલા 'વંદે માતરમ્'ના નાદથી શાળા કેમ્પસ બહાર દૂર પોતાના વાડામાં કામ કરતા વડીલો પણ બાળપણ યાદ કરીને આ ગીતને માન આપવા માટે સાવધાનની સ્થિતિમાં ઊભા રહી ગયા! આ દ્રશ્ય જોઈને લાગ્યું કે આપણી શાળાની ભૌતિક સીમાઓ હોઈ શકે, પણ તેની ભાવાત્મક બાબતોની કોઈ જ સીમા નથી.

દૂર-દૂરથી આવેલા વાલીઓ સાથે વાલી મિટિંગ દરમિયાન તેમના પ્રશ્નો, બાળકોના ભવિષ્ય અંગેની ચર્ચાઓ અને તેમનો આનંદ સચવાય તથા સારું શિક્ષણ મળે તે માટેની મથામણો, આ બધું જ અમને અહેસાસ કરાવી ગયું કે સમાજ આજે પણ બાળકોને લઈને કેટલો જીવંત છે. અમને લાગ્યું કે આ જ રીતે આગળ વધતા રહીશું તો શાળાનો મંત્ર 'સર્વે ભવન્તુ સુખીનઃ' એ આપણા રાષ્ટ્રનો પણ મંત્ર બનીને આ જગતને એક વધુ સારું જીવન જીવવાની દિશા આપશે. > તીરંગા યાત્રાને ડ્રોનની આંખે નિહાળવા ફોટો પર ક્લિક કરો

















July 31, 2026

બાળક શીખતો નથી કે આપણે શીખવી શકતા નથી? : મુક્ત રમત દ્વારા શિક્ષણ…


બાળક શીખતો નથી કે આપણે શીખવી શકતા નથી? : મુક્ત રમત દ્વારા શિક્ષણ…



દરેક શિક્ષક પોતાના વર્ગખંડમાં એક સામાન્ય પડકારનો સામનો કરતા હોય છે: "મેં ઘણું શીખવ્યું, પણ કેટલાક બાળકો તેમની વય-કક્ષા મુજબ શીખી શકતા નથી." પરિણામે, આપણે તે બાળકોને 'અભ્યાસક્રમમાં પાછળ' જાહેર કરી દઈએ છીએ અને તેમને ફરીથી એ જ પરંપરાગત પદ્ધતિથી શીખવવાની મથામણમાં લાગી જઈએ છીએ.

પરંતુ, ચાલો એક ક્ષણ રોકાઈને વિચારીએ... શું કોઈ માણસ ખરેખર શીખ્યા વગર રહી શકે?

જેમ કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે "હું હવે વિચાર જ નહીં કરું", કારણ કે 'વિચાર ન કરવો' એ પણ એક વિચાર જ છે; બિલકુલ તેવી જ રીતે કોઈ બાળક પણ ક્યારેય શીખ્યા વગર રહી શકતું નથી. જ્યારે શિક્ષક વર્ગખંડમાં બોર્ડ પર કશુંક શીખવી રહ્યા હોય અને બાળકનું ધ્યાન બહાર હોય, ત્યારે પણ બાળક કશુંક તો શીખી જ રહ્યું હોય છે—કદાચ તે બહાર ઊડતા પક્ષીની ગતિ, પવનની લહેરખી કે રૂમમાં પડતા છાયા વિશે શીખી રહ્યું હોય!

મુદ્દો એ નથી કે બાળક શીખતું નથી, મુદ્દો એ છે કે આપણે જે શીખવવું છે તે બાળક અત્યારે શીખવા તૈયાર નથી.

બાળકનો કુદરતી સ્વભાવ છે—જાતે રમવું, જાતે વિચારવું, જાતે શોધવું અને જાતે ફરવું. બાળકો માટે શીખવું એ એક 'બાય-પ્રોડક્ટ' (આડપેદાશ) છે. બાળક તો માત્ર રમવા માટે રમે છે, પરંતુ એ રમત-રમતમાં જ તે દુનિયાના જટિલ નિયમો શીખી લે છે. જ્યારે આપણે બાળકને વર્ગખંડની ચાર દીવાલો વચ્ચે અનેક નિયમોમાં બાંધી દઈએ છીએ, ત્યારે તેનો શીખવાનો કુદરતી આનંદ છીનવાઈ જાય છે. આ મુશ્કેલીનો શ્રેષ્ઠ ઉકેલ છે: શાળામાં 'મુક્ત રમત'નો વિનિયોગ.

મુક્ત રીતે હરવું-ફરવું, રમવું અને ભણવું એ બાળકનો કુદરતી હક છે. વર્તમાન શૈક્ષણિક વ્યવસ્થા વચ્ચે પણ જો આપણે બાળકોને સ્વતંત્રતા આપવાનો પ્રયાસ કરીશું, તો તેમની શીખવાની ઝડપમાં અદ્ભુત પ્રગતિ જોવા મળશે. આપણો પણ અનુભવ છે કે જ્યાં આપણને સ્વતંત્રતા મળે છે, ત્યાં આપણું પરફોર્મન્સ સૌથી શ્રેષ્ઠ હોય છે. આ નિયમ બાળકોને પણ એટલો જ લાગુ પડે છે.

આ માટે આપણે શાળાના મેદાનમાં કે વર્ગખંડમાં એવી રમતો ઊભી કરી શકીએ જેમાં બાળકો માટે કોઈ કડક નિયમો ન હોય, પરંતુ આપણો પરામર્શ કે પરોક્ષ ઉદ્દેશ ચોક્કસ શિક્ષણશાસ્ત્ર (Pedagogy) પર આધારિત હોય.

મુક્ત રમતોના કેટલાક વ્યવહારુ ઉદાહરણો:

  1. મેદાનમાં ચોકથી ચિત્રકામ: સ્પોર્ટિકા (બોક્સ ક્રિકેટ) ની પીચ પર બાળકોને ચોક આપીને કહ્યું કે "તમને જે દોરવું હોય તે દોરો." બાળકે મુક્ત મને એ જ આકારો અને અક્ષરો દોર્યા જેને બોર્ડ પર દોરી-દોરીને આપણે થાકી જતા હતા!

  2. સ્ટમ્પ અને દડાની રમત: બાળકે દડો ફેંકીને સામેના સ્ટમ્પ પાડવાના છે. કેટલા સ્ટમ્પ પડ્યા? બાળક પોતે ગણશે—"મારું ૧ પડ્યું", "મારાં ૪ પડ્યાં!" અહીં ગણિત સહજ રીતે શીખાય છે.

  3. માટીકામ અને અક્ષર-નિર્માણ: માટીમાંથી માત્ર રમકડાં જ નહીં, પરંતુ અક્ષરો અને મૂળાક્ષરો બનાવવા.

  4. બ્લોક્સ અને આકારો: બ્લોક્સ ગોઠવીને ચોરસ, લંબચોરસ કે વિવિધ આકારો બનાવવા.

  5. પથ્થરની ઢગલીઓ અને સરખામણી: મેદાનમાંથી પથ્થરો વીણી લાવવાના, તેની જુદી જુદી ઢગલીઓ કરવાની અને ગણીને નક્કી કરવાનું કે કયા જૂથની ઢગલી સૌથી મોટી કે નાની છે.

આ બધી રમતો એટલા માટે મુક્ત રમતો છે કારણ કે તેમાં બાળકો પર નિયમોનો બોજ નથી. આપણી પ્રક્રિયા નિયમ વગરની છે, પરંતુ પરામર્શ રૂપે શીખવાની પ્રક્રિયા તો સતત ચાલુ જ રહે છે.આપણે આપણી શાળાઓમાં અને વર્ગખંડોમાં મુક્ત રમતોનો જેટલો વધુ ઉપયોગ કરીશું, બાળકો એટલા જ મુક્ત મને અને ઝડપથી શીખી શકશે.

યાદ રાખજો... આનો સૌથી મોટો લાભ એ થશે કે 'ધીમી ગતિએ શીખનારા બાળકો' આ પદ્ધતિથી સૌથી ઝડપથી શીખતા થઈ જશે!

 અને હા… ઉપરનું વાક્ય ફરી બે વાર વાંચો