May 31, 2019

પહલે આપ...પહલે આપ....!

પહલે આપ...પહલે આપ....!
ગ્રામોત્સવનો જે આનંદ છવાય છે એ કોઈક નશાથી ઓછો નથી હોતો... વેકેશન માટે છુટા પડતા પહેલા માણેલા આ ઉત્સવનો સ્વાદ હજુ ય જીભે છે. એ ઉજવણી સમયે આખા વર્ષ દરમિયાનની બધી ખાટી” – “મીઠીથઇ જાય છે. > ગ્રામોત્સવ
અને આ વખતે વેકેશન જાણે અમારા માટે અમારા સબંધોને વધુ ગાઢ કરવાના મોકા સ્વરૂપે આવ્યું હતું. અમારી યુવા ટીમ સમય આપી બાળકોને અવનવી પ્રવૃતિઓ કરાવી રહી હતી. અમે તેમની સાથે ગામમાં વધુ કલાકો ગાળી રહ્યા હતા.  ઈ ટી.વી. ભારત અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા સમાચાર માધ્યમોએ ગામના આ પ્રયાસની નોધ પણ લીધી.>  વેકેશનની નવાનદીસરની અવનવી પ્રવૃત્તિઓ 
અને એવામાં અમને એક મોકો મળ્યો પ્રેમ વિસ્તારનો નર્મદા જીલ્લાના પચાસેક ગામના યુવક મંડળના યુવક-યુવતીઓ સાથે નવા નદીસરની વાત કરવાનો !
દરેક ગામની સ્થિતિ એક સરખી જ છે. ગ્રામજનો અને શાળા/પંચાયત વગેરેના કર્મચારીઓ જાણે બે ધારાઓ હોય એમ વહે જાય છે. શિક્ષકો/ને લાગે છે કે જો ગામના લોકો જરા શાળામાં રસ લેતા થાય તો એમની સાથે શાળાની વાત ખુલીને કરી શકાય !” અને શરત એ છે કે જો તમે ખુલીને વાત કરો તો જ તેઓ શાળામાં રસ લેતા થાય. ગ્રામજનોને લાગે છે કે આ કર્મચારીઓ વ્યવસ્થિત કામ કરે તો આપણે મદદે જઈએ.” અને ત્યાં પણ શરત એ જ છે કે ગ્રામજનો જો શાળામાં/ગામના અન્ય સામુહિક કામમાં ભેગા થવાનું શરૂ કરે એટલે કર્મચારીને કર્મધક્કો લાગે જ ! બંને એકબીજાની રાહ જોતા બેસી રહે છે અને પહલે આપ...પહલે આપ...” ની આ જીદમાં ગામના અચ્છે દિન ની ટ્રેન છૂટી જાય છે.
એથી અમે તેમની સાથે ગામનો ટૂંકો ઈતિહાસ અને સંઘર્ષ કહ્યો. શિક્ષક તરીકે અમે ગામ અને શાળા એક શા માટે હોવું જોઈએ તે વિષે વાત કરી. કર્મચારીને નોકરીયાતતરીકે જોવાને બદલે ગામના વ્યક્તિ તરીકે જોવાથી શું ફરક પડી શકે તે માટે ઉદાહરણો આપ્યા.  જેમ કે શાળામાં કાર્ય કરતા વ્યક્તિઓના જીવનના સારા માઠા પ્રસંગોએ ગામ જોડાય છે... અરે ! જન્મદિવસની ઉજવણીમાં ગામમાંથી બનીને આવતી કેક તો હવે  નવા નદીસરની ઓળખ બની ગઈ છે. ગામના યુવાનો શાળામાં કઈ કઈ રીતે ઇન્વોલ્વ થઇ શકે અને કામ કરવું એ ગૌણ બાબત છે...યુવકોનું મુખ્ય કામ લાગણીથી જોડાયેલા રહેવાનું છે એ વિષે પણ વાત કરી.  
મિતેશ, રવિ, જયેશભાઈ અને ફિરોઝભાઈએ ગામના વ્યક્તિ તરીકે પોતે શું કરી રહ્યા છે તેની વાતો કરી. રવિ અને મિતેશ બન્નેને તો થોડો મહાવરો છે...પણ જયેશભાઈ અને ખાસ તો ફિરોઝભાઈ વાત કરી શક્યા...તેનો આનંદ વધુ થયો.  > youth as a change agent of village Development !
આ બે માસમાં ફિરોઝભાઈએ બે સરપ્રાઈઝ આપ્યા.
. ગ્રામોત્સવના અંતે ડાન્સ કરીને..... નેત્રંગમાં ગામ વિષે જાહેરમાં વાત કરીને. :😜
એ દિવસ અમારા માટે માઈલસ્ટોન એટલા માટે છે કે શાળા વિષે કહેવાનો મોકો લગભગ દરેક પ્લેટફોર્મ પર મળ્યો છે પણ ગામ વિષે વાત કરવાની આ પહેલી તક હતી. અને એમાં વધુ સારું એ હતું એ વાત માત્ર શિક્ષક તરીકે અમારે નહિ ગામમાંથી પણ કહેવાની હતી.
આ આનંદ પૂરો થાય એટલામાં શાળાને વિધિસર ખોલવાના દિવસ નજીક આવી ગયા... ફરી અમારી યુવા ટીમ તૈયાર જ હતી, શાળા પહેલા જ દિવસથી શરૂ થઇ જાય અને તેઓ ભણતા ત્યારે એક અઠવાડિયા સુધી કરવી પડતી સફાઈના કામમાંથી આ બાળકોને છુટ્ટી અપાવવા... > યુવા ટીમ 
ગ્રામોત્સવના દિવસે શરૂ કરેલ પુસ્તકાલયમાંથી મુનશી, ધ્રુવ ભટ્ટ, કાજલ ઓઝ વૈધ, જય વસાવડા. ધૂમકેતુ, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા અને અશ્વિની ભટ્ટ હવે નવા નદીસરમાં વિહરી રહ્યા છે...એમની વાતો કરવા....



“આત્મવિશ્વાસ” è શિક્ષકમાં “હોવો” જોઈએ અને બાળકમાં “ટકવો” જોઈએ !


વર્ગખંડમાં સૌથી મહત્વની વાત

 “આત્મવિશ્વાસ” è શિક્ષકમાં “હોવો” જોઈએ અને બાળકમાં “ટકવો” જોઈએ !

મિત્રો, વેકેશન એ બાળકો માટે ભલે રેસ્ટિંગ ટાઇમ હશે પણ આપણા સૌ માટે ચિંતનની પળો છે. જે ઈતિહાસમાંથી શીખે છે તે જ ટકે છે. પરંતુ આ અડધું વાક્ય છે – પૂરું વાક્ય છે - “જે ઈતિહાસમાંથી શીખે છે અને વર્તમાનમાં તે શીખને અનુસરે છે તેનું જ ભવિષ્ય ઉજ્જવળ બને છે.” ચિંતા માણસને નુકશાન કરે છે, પણ ચિંતન વ્યક્તિને પ્રગતિ માટે તૈયાર કરે છે.
ગત વર્ષની પરીક્ષા સમય સુધી બાળકોના આપણા પોતાના વિષયમાં સારું પર્ફોમન્સ માટે અંત સુધી પ્રયત્નશીલ રહ્યા પછી પણ કેટલાંક બાળકોના પરિણામમાં આપણને નિરાશા હાથ લાગી હશે. તેઓનું પર્ફોમન્સ આપણને ચિંતા ઉપજાવનારું બન્યું હશે. એવું પણ લાગી આવ્યું હશે કે આપણને આપણા પરથી ભરોસો ઉઠી જાય ! અને જયારે વ્યક્તિને પોતાના ખુદના પરથી ભરોસો ઊઠી જાય ત્યારે એ જો સામાન્ય વ્યક્તિ હોય તો તે અન્યના વાંક શોધવા બેસે છે ! પરંતુ આપણે સમાજમાં અસામાન્ય વ્યક્તિ એટલે કે  શિક્ષક તરીકે હોઈએ તો આપણે આવા સમયે ચિંતન કરવું જ રહ્યું – કે તે બાળક માટે ક્યાં ક્ષતિ રહી ગઈ ?
મિત્રો વર્ગખંડ પ્રક્રિયા બે વ્યક્તિઓ વચ્ચે થતી હોય છે – બાળક અને શિક્ષક ! જો આવા સમયે આપણે ખરાબ પ્રદર્શન માટે બાળકને જવાબદાર ગણી લઈશું તો પછી ચિંતન માટેના તમામ દરવાજા બંધ થઇ જશે. સાથે સાથે બાળકનો આત્મવિશ્વાસ પણ ડગી જશે.  – અને જો હું તે બાળકને આ પદ્ધતિને બદલે નવી પદ્ધતિ વડે ટ્રીટમેન્ટ કરી હોત તો ? એ દિશામાં વિચારવાનું અને તે માટે અપડેટ થવાનું શરુ કરી દેશો તો આપણે આગામી વર્ષમાં બાળકો સાથે પુરા કોન્ફિડન્સ સાથે ઉપસ્થિત થઇ શકીશું .
એકવાત યાદ રાખવા જેવી છે કે આત્મવિશ્વાસથી કરેલ પ્રયત્ન જ સફળતા અપાવી શકે છે તે બાળકમાં જળવાઈ રહે અને આપણામાં વધારતાં રહીએ તેની જવાબદારી સમાજના માર્ગદર્શક એવા શિક્ષક તરીકે આપણી જ છે !



May 25, 2019

😎😍 યુવાનોનું સમયદાન – એક મોકો - સમાજને શાળાનુભવ કરાવવા માટેનો ! 😎😍



😎😍 યુવાનોનું સમયદાન–એક મોકો-સમાજને શાળાનુભવ કરાવવા માટેનો !


શાળા એ ગામનું ઘરેણું છે આવું આપણે ઘણીવાર બોલ્યાં છીએ અને સાંભળ્યું પણ છે ! ઘરેણું હોવાના બે અર્થ થાય છે – એક તો ઘરેણું એ રીતે કે શાળાની સુંદરતાથી ગામ દીપી ઉઠે છે, જયારે બીજી રીતે જોઈએ તો શરીર પરનું કિંમતી પરિધાન ! એટલે કે ગામનું સૌથી મહત્વનું અને મહામુલું સ્થળ ! કારણ કે જ્યાં ગામની પેઢીઓનું ઘડતર થતું હોય તે મહામુલું ગણાય જ એમાં શંકાને કોઈ સ્થાન નથી ! પરંતુ વાત જયારે અજાગૃત પેઢીની આવે ત્યારે [ગામડામાં અને શહેર બધા પર લાગુ પડે ] પોતાના બાળક રૂપી હીરાને પણ કાચની જેમ જ જાણનાર તે પરિવારને આપણા કામ વડે જો તેના બાળકના મૂલ્યનો સાક્ષાત્કાર કરાવીએ તો જ માનવું કે અજાગૃત વાલીનું આંગણ ભલે કુરુક્ષેત્ર જેવું હશે  પણ આપણે ભગવાન કૃષ્ણથી કંઈ કમ નથી ! તેથી જ તો સમાજમાં આપણે  નિર્માણ અને પ્રલયના નિર્માતા કહેવાઈએ છીએ.
L જો બકા, તકલીફ તો રહેવાની ! એવું દિલાસા રૂપી સૂત્ર આપણે ઘણી જગ્યાએ વાંચી લીધું છે અને કોઈ તકલીફ જણાવે તો તેને સલાહકાર તરીકે ભેટ આપવા ખિસ્સામાં મૂકી પણ રાખ્યું છે [ હા પણ આપણી પોતાની તકલીફ સમયે નથી વાંચતા- તે જુદી વાત છે L ] તકલીફમાંથી નીકળવાના બે રસ્તા છે : પહેલો – તકલીફ એટલે તકનો લાભ લઇ લેફ્ટર બનવું . બીજો - તકલીફ એટલે તક મેળવી લિફ્ટર બની કાર્ય પાર પાડવા માટે એક યોદ્ધાની જેમ ઝઝૂમવું.
આવું જ અનુભવાયું આ વર્ષે બીજા ધોરણના બાળકો પર વધુ ધ્યાન આપ્યા પછી પણ એ ચિંતા તો હતી જ કે “આ બધા હમણા વાંચતા - લખતા થઇ ગયા છે...વેકેશન પછી મળશે એટલે આમાંથી કેટલા એ જાળવી રાખશે અને કેટલામાં આપણે ફરી પહેલેથી કામ શરૂ કરવું પડશે !”
એવામાં સમયદાન માટે આવેલો પત્ર અને યોજાયેલી કોન્ફરન્સએ અમને એક નવો આઈડિયા આપ્યો ગામના યુવાનો સાથે કોન્ફરન્સ જોતા જોતા અમારું આયોજન થતું ગયું...પરંતુ કોન્ફરન્સના અંતે આખો કાર્યક્રમ તેમનો થઇ ગયો હતો. તેમને બાળકોની વિગતો અને સાહિત્ય આપ્યું. દરેક બાળક વિષે વિગતવાર ચર્ચા કરતા કરતા બીજી એક તક મળી કે “જો યુવાનો જ આમાં કામ કરે તો તેની પ્રક્રિયા દરમ્યાન શાળામાં અનુભવાતી મુશ્કેલીઓ ગામનાં યુવાનો જાણશે અને અનુભવશે. બંને પ્રકારના અનુભવોને આધારે બાળકોને તો ફાયદો થશે જ પરંતુ આ રીતે સમાજ પણ  શાળાના પ્રશ્નોથી અવગત થશે એ બાળકો સાથે સાથે શાળાના પ્રશ્નોનું ઉપચારાત્મક કાર્ય થશે.   







સમયદાતાઓ એવા યુવાનો સાથે તેમના અનુભવોની ચર્ચા 📺



અરે હા ! એક વાત કે ,અમે સાવ તેમને માથે નાખી પુરેપુરો અનુભવાઈ જાય એમ માની ખસી નથી ગયાં. એટલે જ રોજ ટેલીફોનીક અને બે દિવસે રૂબરૂ તેઓની સાથે બાળકોની ચર્ચા કરીએ છીએ. લાગે છે કે આ સમયદાનનો આ કાર્યક્રમ અમને આગામી વર્ષના શૈક્ષણિક સહપ્રવાસીઓનો નફો કરાવશે જ.

May 05, 2019

અમાસની અજવાળી રાત ! 😍👍


😍 અમાસની અજવાળી રાત ! 😍 
કોઈક રિસાઈ જાય છે કારણકે કોઈક હમેશા મનાવે છે ! આ રીસામણા મનામણાં તો તમે જોયા જ હશે.... તે છેક ગ્રામોત્સવ સુધી ચાલ્યા... (પછી ય ચાલશે) ગ્રામોત્સવ હવે અમારા જીવનનો એક હિસ્સો થઇ ગયો છે. એ નવાનદીસરનો એક એવો કિસ્સો છે કે જે બીજા બધા કિસ્સાઓ પર ભારે પડે છે અને આખું વર્ષ એ માટે કૈકને કૈક ચર્ચા ચાલુ જ રહે છે.
આ વર્ષે ગામમાંથી દરેક ઘરે હિસ્સેદારી કરી. ગત વર્ષમાં કેટલાક ઘરને હજુ આ શાળામાં ભણતા બાળકો માટે કૈક કરે છે તેવી ફીલિંગ હતી... પણ આ વર્ષે સામે ચાલીને અને ઉત્સાહથી પોતાનાથી શક્ય તેટલી મદદ કરી. (ફંડ એકઠું કરતા છોકરાઓ બોલી ઉઠ્યા કે “માજી, દસ ચાલશે! છતાં વીણી વીણી ને બીજા પાંચ સિક્કા કાઢનાર પણ હતા... તો એક જ વખતમાં બધું પીવાનું પાણી/ફટાકડા/સાઉન્ડ/બાળકોને દૂધ જેવી બાબતો એકલા હાથે ઉપાડી લેનારા વ્યક્તિઓ પણ હતા.)  અહિયાં તેમની મદદનું કદ કરતાંયે સૌનું જોડાણ અગત્યનું હતું. સૌએ દોડાદોડ (પગ અને પૈડા પર) કરી બધો સામાન એકત્ર કર્યો.
ગ્રામોત્સવની આગલી રાત્રીએ સ્ટેજ બનાવવાનું શરૂ કર્યું એ પહેલા જેમણે નવાનદીસરને પોતાનું ગણી મદદ કરી છે એમના માટે “ફ્રેન્ડસ ઓફ નવાનદીસર” મોમેન્ટોની જાહેરાત કરી. તેમના વિષે વિગતે જણાવ્યું...📺 ↴
↪તેના પછી સૌ મળી વહેલી સવાર સુધી....મથ્યા... જયારે લાગે કે આ પરફેક્ટ છે ત્યારે કોઈક આવી તેને વધુ સારું કરવા માટે મથે... અને એમણે એમાં સવારના ચાર વાગ્યા..કેટલાક જમીનથી વીસ ફૂટ ઉંચે એન્ગલ પર ઊંઘ ખેંચી આવ્યા... તો કેટલાક નીચે ઓટલી પર આરામમાં ગબડ્યા.... એક નાનકડો વિરામ લઇ તે કામ આખો દિવસ ચાલ્યું.
અમારા સ્ટેજમાં આગળની રાત્રીની શ્યામલતા અને આખા દિવસની ઉજ્જવલતા બંને હતી અને એટલે જ એ અમાસની રાત નવાનદીસર માટે અજવાળી હતી.
પ્રાર્થના શરૂ કરી ત્યારે હજુ સૂરજ આથમ્યો નહોતો...ગામમાંથી માંડ પચાસેક માણસો આવી રહ્યા હશે. મનમાં થયું કે થોડોક સમય મોડો રાખ્યો હોત તો સારું..પણ પ્રાર્થના પૂરી થાય અને ભાષા સંગમનું એક ટ્રેલર પતે એટલા સમયમાં તો બધાને જરા ગોઠવાઈ ગોઠવાઈને બેસવા માટે વિનંતી કરવી પડી. યુટ્યુબ અને ફેસબુક લાઈવ પર સંખ્યામાં વધારો થતો હતો. સૌ તૈયાર હતા.... એ જ દિવસ ખાસ પ્રથમ ગીતમાં શિવલિંગને સજાવવા આવેલા રઘુભાઈ અને ભાલચંદ્રભાઈ પણ અમારા ઉત્સવના રંગમાં રંગાઈને બાળકોને આનંદિત કરી ગયા. કાર્યક્રમોમાં વિવિધતા રાખી હતી. તેમને જાતે જ પોતપોતાની આવડત અનુસાર ગીતોમાં ગોઠવાઈ જઈને આનંદ કરાવ્યો.
એ સતત પાંચ કલાક અને છ મિનીટ સુધી ચાલેલા ઉત્સવ વિષે કોઈ શબ્દો કામ નહિ જ લાગે...એના માટે તો તમારે અહિયાં રૂબરૂ થવું પડશે...📺 ↴
કેટલાક દ્રશ્યો જે કેમેરામાં નથી ઝીલાયા : એમાં ઝોંકા ખાતો કિશન અને છેલ્લી ઘડીએ કહે હું આ ગીતમાં નથી. શિક્ષિકા બહેન ઉંચો કરીને સ્ટેજ પર મૂકી આવ્યા પછી યાદ આવ્યું કે હા...હું તો આમાં હતો... તો પોતાના પહેલા પરફોર્મન્સ પછી કોઈકના ખોળામાં ઢબુરાઈ ગયેલા ફિરદૌસ અને અંકુ ! ફિરદૌસ આવતા જુનમાં દાખલ થશે અને અંકુબેન તો હજુ બીજા ત્રણ વર્ષ પછી પણ એમણે ય આ ઉત્સવનો હિસ્સો બનવું હતું...એક ગીત જે પહેલા આવ્યું એમાં તો આવ્યા...પણ પ્રિયાના સપોર્ટીંગ રોલ માટે જરૂર પડી તો એ તો ઊંઘે ! અને આટલા બધા પબ્લિકમાં તેમને શિક્ષકો સાથે તાલમેલ કરી ખાલી કાર્યક્રમ જોવા આવેલી એક દીકરીને સ્ટેજ પર લઇ ગયા...અને નવાઈ એ કે કોઈને ખબર પણ ના પડવા દીધી કે આ આજે સીધા પરફોર્મ કરી રહ્યા છે.
આ બધા આનંદ સાથે નવાનદીસરને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું એ લોકોને આભાર વ્યક્ત કરાયો. 📺 ↴
 જેને મળેલા નેશનલ એવોર્ડની રકમમાંથી પુસ્તકો આવ્યા એવી નાઝમીન અને જેમને દેખરેખ રાખવાની છે એવા સાવિત્રીબેનના હસ્તે  પુસ્તકાલયનું વિધિવત ઉદઘાટન થયું. માતૃભાષા અભિયાનનો પણ ખાસ આભાર માનવામાં આવ્યો કે એક નાનકડા ગામને પુસ્તકોની મદદ કરી. અમે મળીએ છીએ એટલે કૈંક તો નવું કરીએ જ... 📺 ↴

સૌએ આ પુસ્તકાલય માટે ગામની વચ્ચે રૂમની વ્યવસ્થા કરવાનું પણ નક્કી કર્યું. હૈયું ભરાઈ જાય એવી ઘટનાઓ હતી. એક ગામ કે જ્યાં વાલીઓને પોતાના બાળકોના નામ નહોતા ખબર એ ગામ અત્યારે આ રીતે પોતાના બાળકોના ભવિષ્ય માટે આટલું સજાગ થયું છે એ જોઈ !
પણ, ખૈર અમે તો ભાવુક થઈએ તોય નાચીએ....કાર્યક્રમ સ્ટેજ પર પૂરો થયા પછી આવેલા તમામમાં એ ઊર્જા ફરી વળી...ને સૌ નાચ્યા... કેટલાક તો ક્યારેય ના નાચ્યા હોય એમના ય પગ આજે થીરકવા લાગ્યા !📺 ↴ 

 ગામ આખાને ઘર ઘર પહોચાડતા પહોચાડતા રાતના અઢી વાગ્યા ! અને પછી ય બધાને ઊંઘ ના આવી આવ્યા “નૂતન નવાનદીસરના સપના” !

 ફોટોગ્રાફ્સ > એટલેકે તૈયારી સમયની યાદગાર પળોની ક્લિક




















 



 


 










 




 

શરૂઆત થી અંત સુધીનો LIVE  VIDEO- 📼