May 31, 2014

“આ-યોજન”

           
આપણું >  “-યોજન
         મિત્રો, આપણું નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. (વાક્ય વાંચતા જ થશે – “એમાં શું? એ તો થવાનું જ !) સમય એ કોઈ ઘડિયાળ કે કેલેન્ડર ચાલતી શક્તિ નથી. એ ઉપકરણોથી આપણે સમયને માપવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે એ શક્તિને નકારી – “હુહ....એમાં શું ? આ સત્ર પણ આવશે અને જશે !” એવી બેદરકારીથી વર્તીશું તો એ આપણી વ્યવસાયિક પ્રતિબધ્ધતાને લૂણો લગાડ્યા બરાબર કહેવાશે !
        તો શું કરીએ ? નવા સત્રમાં શું નવું કરીશું ? આપણે વર્ષોથી ઉત્સાહ અને ઉમંગથી કાર્યરત રહ્યા જ છીએ. એ જોમમાં આ વખતે “આયોજન” ઉમેરીએ !
        આયોજન કરવાની સૌથી મોટી મર્યાદા એ છે કે “આયોજન મુજબ કાર્ય નથી થઇ શકતું.”  પણ જેમ તાળું માર્યા પછી પણ ઘરમાં ચોરી થાય એનો અર્થ એ નથી કે ઘરને તાળું જ ના મારવું. આયોજન પછી શક્ય છે કે સંપૂર્ણ કાર્ય આયોજન મુજબ ના થાય પણ તેથી આયોજનનું પગથીયું નકામું નથી ઠરતું !
        તો આ વખતે આયોજન પણ આયોજનપૂર્વક કરીએ. તે માટેના કેટલાક મુદ્દા જે અમારા ધ્યાને આવ્યા છે તે જોઈએ – (આપની જવાબદારી બને છે કે એમાં વધુ મુદ્દાઓને ઉમેરો !)
·         આયોજન “વ્યક્તિનું આયોજન ને બદલે “ટીમનું આયોજન” બને.
·         તે એક Road Map  હોય રસ્તો નહિ. – એને જડતાપૂર્વકનું બનાવવાને બદલે એટલું Flexible રાખીએ કે રસ્તો બદલીને પણ મંઝીલે પહોચી શકાય !
·         આયોજનમાં જે થઇ શકે તે જ વિચારવું – શ્રેષ્ઠ પ્રયત્નોની સાથે તેમાં મળનારી નિષ્ફળતા માટેની તૈયારી પણ રાખવી.
·         કાર્ય-આયોજન કોઈ એકના ખભા પર મૂકી દેવાને બદલે તેનું વિકેન્દ્રીકરણ કરવું. ઉપલબ્ધ માનવીય શક્તિઓનો મહત્તમ ઉપયોગ “ટીમ” માટે થાય તે ધ્યાનમાં રાખવું.
·         કાર્ય વહેચણીને વ્યાખ્યાયિત કરીએ – જેથી દરેક પોતાનો રોલ સ્પષ્ટ પણે સમજી શકે.
·         આયોજનમાં ગત વર્ષની સમસ્યાઓ અને આગામી વર્ષની આશાઓનો સુમેળ સાધીએ.
·         શાહમૃગવૃતિ છોડી – પોતાની જમીની હકીકતને પહેલા ધ્યાનમાં લઈએ.
·         આ સિવાય એનું લેખિત ડોક્યુમેન્ટ બનાવીએ જે આપણી ગતિ અને દિશા માપી શકે.
·         એવા ફોરમેટ બનાવીએ કે જે ક્રમશ – વાર્ષિક- સત્ર – માસિક – અઠવાડિક –દૈનિક ચિતાર રજુ કરે !
                               મિત્રો  જ્યારે તમે આ વાંચતા હશો ત્યારે આપણી તાલીમનો સમયગાળો હશે. ત્યાં પણ આયોજનની ચર્ચા કરીએ અને એવા નક્કર – સરળતાથી જોઈ શકાય અને સમજી શકાય તેવા ફોરમેટ બનાવવાનો પ્રયત્ન કરીએ. એ ફોર્મેટ્સ અમને જરૂર મોકલાવજો. એને બધા સુધી વહેચવાનો પ્રયત્ન કરીશું !
આપ શૈક્ષણિક યોજન સુધીની સફર માટેનું આયોજન કરી રહ્યા છો કે નહિ ?

May 03, 2014

ચાલો, વિસ્તરીએ સમાજ સુધી...


ચાલો, વિસ્તરીએ સમાજ સુધી...

                                 માતા-પિતા [સમાજ] એ શાળાની પહેલી શાળા છે, આમ તો પ્રથમ જ કહી શકાય પરંતુ જ્યારે બાળક શાળામાં દાખલ થઇ શૈક્ષણિક  અથવા સહભ્યાસિક પ્રવૃત્તિઓ ધ્વારા જે કઈંક શિક્ષણ/માર્ગદર્શન/જાણકારી મેળવે છે તેને પૂર્તતા કરવાનું અથવા તો તે મેળવેલ જ્ઞાનનું ઈમ્પ્લીમેન્ટ થઇ થઇ શકે તે માટેનું પર્યાવરણ-યુક્ત પ્લેટફોર્મ તો માતા-પિતા [સમાજ] જ પૂરું પાડે છે અને તે ધ્વારા મેળવેલ અનુભવોના આધારિત શાળાના વર્ગખંડમાં આગળ વધે છે. તેથી જ બાળકના શાળા-પ્રવેશ પછી સમાજ એક પૂરક શાળા બની જાય છે. જે બાળક આઠ વર્ષ સુધી શાળાકીય પર્યાવરણમાં શૈક્ષણિક માર્ગદર્શન વડે શારીરિક સાથે માનસિક વિકાસ પામે છે, ત્યારે તેના પ્રત્યે આપણને લાગણીઓનો તંતુ , ડોર રસ્સો વણાય જાય તે સ્વાભાવિક છે. આજ રીતે જો આઠ વર્ષ સાથે અને સામે રહેનારાં બાળકોના તરફથી વિચારીએ તો બાળકોને પણ શાળાની સાથે સાથે “શૈક્ષણિક માર્ગદર્શકરૂપી માતા-પિતા” એટલે કે શિક્ષકો-મિત્રો સાથે પણ લાગણીઓ વણાઈ હોય તે સ્વાભાવિક છે. આપણને કદાચ લાગણીઓની આ અનુભૂતિ બાળકોની વસમી “શાળા-વિદાય” ની પળે આપણને ન થાય , પરંતુ ભવિષ્યના સમયમાં શૈક્ષણિક પ્રોજેક્ટ/ વાલી સંપર્ક અથવા તો અન્ય કોઈ કામ માટે ગામમાં ગયા હોઈએ અને શાળા માટે ભૂતપૂર્વ બનેલ કોઈ વિદ્યાર્થી આપણને જોતાં આગ્રહ કરી ઘરે બોલાવે અને ફળિયાની વચ્ચે ગુરુ-વંદનાનો ધર્મ બજાવે ત્યારે આપણને પણ તેના પ્રત્યે આપણે ભૂતકાળમાં ગુરુ-ધર્મ બજાવ્યાના આનંદની અનુભુતિ થઇ જાય છે. આઠ-આઠ વર્ષ સુધી આપણી સાથે રહેનાર બાળકને માર્ગદર્શક સાથેતેની કાર્ય શૈલી બાબતે  શૈક્ષણિક ઠપકા અથવા તો કોઈ મુદ્દામાં મતભેદ બાબતે ઉગ્રચર્ચા જેવા સંજોગો ઉભા ન થાય હોય તે માન્યામાં ન આવે તેવી બાબત છે. છતાં પણ આવી બાબતોનો છેદ ઉડાડી ભૂતપૂર્વ બન્યા પછી પણ પોતાના માર્ગદર્શક પ્રત્યે જયારે લાગણીનો આવો વ્યવહાર કરે છે ત્યારે “મિચ્છામી દુકડમ” પણ જાણે માઈક્રો-વર્ડ બનાવી આપણને માફ કર્યાની અનુભૂતિ કરાવી જાય છે.  મિત્રો, આજે આપણી શાળાથી વિદાય લઇ રહેલ આ બાળકો પાછળ  આઠ-આઠ  વર્ષની અથાક મહેનત બાદ તે બાળક પ્રત્યેની આપણી જવાબદારી પૂર્ણ માનતાં હોઈએ તો તે આપણી ભૂલ છે. કારણ કે જો તેના વાલી જાગૃત નહિ હોય તો આપણી આ આઠ-આઠ વર્ષોની મહેનતને મજૂરીમાં ફેરવી નાખતાં વાર નહિ લગાડે !! કારણ કે અમારા માટે કોઈ કાર્યના ઉદેશ્ય માટેના પ્રયત્નોનું ગણિત નીચે મુજબ છે............Ê

 Ø  પ્રયત્નોનું ફળદાયી વળતર = મહેનત
Ø  પ્રયત્નોનું નહિવત્ વળતર= મજૂરી
Ø  પ્રયત્નોનું શૂન્ય વળતર = વેઠ

  જો આપણી અથાક મહેનત બાદ તૈયાર થયેલ વિદ્યાર્થીનો અભ્યાસ તેના અજાગૃત વાલીના કારણે અટકી જશે તો પછી આપણી મહેનતનો કોઈ અર્થ રહેશે નહિ માટે! આપ જ આપની શાળામાંથી વિદાય લેનાર બાળકોનું ગણિત લગાવી અને જ્યાં-જ્યાં શેષ નહીવત અથવા તો શૂન્ય આવશે તેવું લાગતું હોય તો તેવા બાળકોના વાલીઓને [smc સભ્ય/ પાડોશીઓ/ સંબંધી ધ્વારા] સમજાવવાનો એક વધુ સચોટપણે પ્રયત્ન આદરી દો નહિ તો આપણો પરિશ્રમ અને બાળકનું ભવિષ્ય આ બંનેનું ભવિષ્ય તો અંધકારમય જ સમજો! અને વિચારો કે વાલીની અજાગૃતતાનો ભોગ બનેલ તે વિદ્યાર્થી જયારે થોડાક વર્ષો પછી વાલી તરીકે આવશે ત્યારે ? આમ પેઢીઓ સુધી આપણા પ્રયત્નો વેઠ જ બન્યા કરે તેના કરતાં તો બહેતર છે કે એક “અભ્યર્થના-પત્ર” સહિતનો પૂરી તાકાતથી એક પેઢીએ એ સચોટ પ્રયત્ન કરી લઈએ !!
                    જો આપણે પ્રાચીન વાતોને વાગોળીએ તો ઋષિ રૂપી શિક્ષકનુ સ્થાન સમાજમાં વૈદરાજ કરતાં પણ ઊંચું ગણાતું હતું, કારણ કે તે સમયે વૈદરાજ માણસને જીવંત રાખવાનું કામ કરતાં હતાં પરંતુ  શિક્ષક સમાજને જીવંત રાખવાનું કાર્ય કરતાં હતાં, અને તેવું જ ઉચ્ચ સ્થાન સમાજમાં ફરીથી મેળવવા માટે આપણે આપણું કાર્યક્ષેત્ર વર્ગખંડો કે વિદ્યાર્થી પૂરતું સીમિત ન બનાવતાં સમાજના દરેક ખૂણા સુધી વિસ્તરિત બનાવવું જ રહ્યું!!!
                  અમારા પ્રયત્નોનું “પરિણામ”  અમે ચોક્કસથી આપને જણાવીશું, ત્યાં સુધી ગતવર્ષોમાં કરેલ અમારા પ્રયત્નોને આપ આપેલ લીંકો પર જોઈ શકો છો.  

May 01, 2014

બાયોસ્કોપ...

        આપ સૌના પ્રેરણાદાયી અને પ્રોત્સાહક માર્ગદર્શનથી
“બાયોસ્કોપ” નો પાંચમાં વર્ષમાં પ્રવેશ !

મિત્રો, સૌથી પહેલાં તો આપને “ગુજરાત સ્થાપનાદિન” ની શુભેચ્છાઓ
મિત્રો, આજથી ચાર વર્ષ પહેલાં જ્યારે શાળા પરિવારને  વિચાર આવ્યો કે આપણા બાળકો શાળામાં કેવી-કેવી પ્રવૃત્તિઓ કરે છે તેને આપણે મુખપત્ર ધ્વારા વિશ્વ સમક્ષ મુકીએ. ત્યારે મગજના એક ખુણામાં નકારાત્મક રજકણનો સ્વર એવો હતો કે આપણી શાળા અને આપણા બાળકો અને આપણી શૈક્ષણિક પ્રવૃત્તિઓ... આ બધામાં અન્યને શું રસ ??? પરંતુ આ નકારાત્મક વિચારને દબાવી શાળાએ મે-૨૦૧૦થી આપણું આ મુખપત્ર શરૂ કર્યું.. અમે તો ઉપરોક્ત નકારાત્મકતાને ફક્ત દબાવી હતી પરંતુ તેને સકારાત્મકતામાં “કન્વર્ટ” કરવાનું કામ આપ સૌના પ્રોત્સાહનથી ભર્યા સંદેશાઓએ જ કર્યું  છે. એક નવી કહેવત કહીએ તો ‘માનવ માત્ર થાકને પાત્ર’. આખા દિવસના શાળામાં બાળકો સાથે કરેલ કાર્યના માનસિક આનંદ અને શારીરિક થાક સાથે જયારે રાત્રે પથારીમાં લંબાવતાંની સાથે અજાણ્યા મોબાઈલ નંબરના સામે છેડે ‘બાળકોની પ્રવૃત્તિના વખાણ સાંભળીએ’  ત્યારે એવા ફ્રેશ બની જઈએ કે જાણે હમણાંજ સવાર પડી. સાચું કહીએ તો આપ સૌના આવા પ્રેરણાદાયી વાક્યોએ જ અમને અમારા આ કાર્યમાં ઉર્જા ભરવાનું કાર્ય કર્યું છે. કોઈ વર્ગખંડમાં બાળકો માટે મથામણ કરતાં ચિંતિત કોઈ શિક્ષકને અમારા વિચારો/ પ્રવૃત્તિઓ ધ્વારા ઉકેલ મળી જાય અને ક્યાંક રૂબરૂમાં મળ્યા બાદ તે માટેનો આભાર પ્રગટ કરે ત્યારે અમને  વિચારો વહેંચી કોઈ વર્ગખંડમાં બાળકોને ઉપયોગી બન્યાનો આનંદ અમારામાં નવો જોશ ભરી છે. “Good Work” - કઈં પણ મદદની જરૂર હોય તો જણાવજો” – પોતાના તમામ કોન્ટેક્ટ સરનામાં સાથેનો કોઈ મિત્રનો ટૂંકો મેસેજ અમને એકલા ન હોવાનો અહેસાસ કરાવી જાય છે. મિત્રો, શાળાને ઓનલાઈન કર્યાને આજે છ વર્ષ જેટલો સમયગાળો થવા જઈ રહ્યો છે,ત્યારે અમને આનંદ એ વાતનો પણ છે કે અમે આ કામ માટે શાળા સમયમાંની કે પછી બાળક માટે ફળવાયેલી એક મિનીટનો પણ ભોગ લીધો નથી. અમારું કાર્ય હંમેશાં બાળકેન્દ્રી જ રહ્યું છે અને રહેશે. જે દિવસે અમને એવું લાગશે કે હવે ઘરકાર્યમાં સમયના અભાવે આ શાળાને ઓનલાઇન અપડેટ રાખવા માટે શાળા સમયનો ઉપયોગ કરવો અનિવાર્ય બન્યો છે તે દિવસે પણ અમે બાળકના હિતમાં જ નિર્ણય કરીશું. એટલે તો પહેલેથી જ અમારું કમીટમેન્ટ રહ્યું છે કે શાળા અને બાળકોના ભોગે તો કંઈ જ નહિ ...!!! બાળકો સાથેનું અતુટ લાગણી સભરનું બંધન અને આપના તરફથી મળતા પ્રોત્સાહિત સંદેશાઓને જ કારણે અમને કોઈ દિવસ આ બધું “કામ” જેવું લાગ્યું જ નથી અને તેને જ કારણે શાળા પરિવારે અથાક રહી આટલે સુધીને સફર કરી છે. મિત્રો, ૫૮ વર્ષ એ ક્યારેય અમારી મંજિલ રહી નથી. !! આપ સૌનો ઉમળકા ભર્યો આવો જ સાથ આગામી સફરમાં પણ મળી અમને પ્રોત્સાહિત કરતો રહેશે તેવી અપેક્ષાઓ સાથે શાળા પરિવાર તમામ વાચક મિત્રો પ્રત્યે ખૂબ “આભારિત લાગણી” પ્રગટ કરે છે...
જય જય ગરવી ગુજરાત !!!!