Showing posts with label ગ્રામોત્સવ. Show all posts
Showing posts with label ગ્રામોત્સવ. Show all posts

May 02, 2025

યે નયાકુંભ હૈ !!

યે નયાકુંભ હૈ !!

પૃથ્વી પર માનવજાતિના ઉદ્ભવ અને વિકાસના ઇતિહાસ પર નજર કરીએ તો, એક સ્પષ્ટ પેટર્ન ઉભરી આવે છે: સમૂહમાં જીવવાની અને એકબીજા સાથે જોડાણ સાધવાની અનિવાર્યતા. આ માત્ર સામાજિક કે સાંસ્કૃતિક ઘટના નથી, પરંતુ માનવ અસ્તિત્વ અને પ્રગતિ માટે એક મૂળભૂત જૈવિક અને વૈજ્ઞાનિક અનિવાર્યતા છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી તરીકે ઓળખાય છે. માનવીઓ નાના સમૂહોમાં શિકાર કરતા, ખોરાક એકત્રિત કરતા, અને સંરક્ષણ મેળવતા હતા. આ સામુહિક જીવનશૈલીએ જ જ્ઞાનના સ્થાનાંતરણ, શ્રમનું વિભાજન અને સમસ્યા ઉકેલ  (collective problem-solving) ને જન્મ આપ્યો. એકલા જીવતા પ્રાણીઓથી વિપરીત, માનવીઓ એકબીજાના સહયોગથી જ જટિલ સાધનો બનાવવામાં, ભાષા વિકસાવવામાં અને સંસ્કૃતિનું નિર્માણ કરવામાં સક્ષમ બન્યા. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, સામાજિક સંકલન એ માનવ પ્રજાતિને ટકી રહેવા અને વિકસવા માટે એક મોટો ઉત્ક્રાંતિગત લાભ પૂરો પાડ્યો છે.

પ્રયાગરાજનો ભવ્ય મહાકુંભ હોય કે અન્ય નાના-મોટા મેળાઓ અને ઉત્સવો, આ બધા જ પ્રસંગો માનવજાતિની સહજ સામુહિક વૃત્તિના જીવંત ઉદાહરણો છે. કુંભ જેવા વિશાળ મેળાઓમાં લાખો લોકો ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક બંધનોને મજબૂત કરવા એકઠા થાય છે. આ માત્ર ધાર્મિક પ્રવૃત્તિ નથી, પરંતુ તે માનવીય સમુહિક ઓળખ અને સભ્યતાના સંવર્ધનનું પ્રતીક છે. આ ઘટનાઓ દર્શાવે છે કે માનવીય ચેતના અને માનવતાવાદ સમૂહમાં જીવવાથી જ પોષાય છે અને વિકસે છે.

વર્તમાન સમયમાં, પૃથ્વી પર આપણે અનેક જટિલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ – અતિશય ગરમી, ઠંડી કે વરસાદ, કોરોના જેવા રોગચાળા, આર્થિક અસમાનતા અને ખાસ તો સામાજિક તણાવ. આમાંની ઘણી સમસ્યાઓનું મૂળ કારણ માનવજાતિનું "ભેગા રહેવાનું ભૂલી જવું" છે. જ્યારે સમુદાયો, દેશો, કે વૈશ્વિક સ્તરે માનવીઓ એકબીજાથી વિમુખ થાય છે, ત્યારે સંયુક્ત પ્રયાસો અને સર્વસંમતિથી ઉકેલ શોધવાની ક્ષમતા ઘટી જાય છે. વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે સામાજિક મૂડી (social capital) – એટલે કે, સમાજમાં લોકો વચ્ચેના સંબંધો, વિશ્વાસ અને સહયોગના નેટવર્ક – એ કોઈપણ સમાજની સ્થિરતા અને પ્રગતિ માટે અનિવાર્ય છે. જ્યારે આ સામાજિક મૂડીનું ધોવાણ થાય છે, ત્યારે સમસ્યાઓ વધુ વકરતી જાય છે. વ્યક્તિગતવાદનું વધુ પડતું પ્રભુત્વ, અવિશ્વાસ, અને સંવાદનો અભાવ એ વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ લાવવામાં સૌથી મોટી અડચણો છે. આ સ્થિતિ હવે માત્ર દેશો કે સમાજો પૂરતી સીમિત નથી રહી, પરંતુ દરેક ઘર અને કુટુંબમાં પણ અનુભવાઈ રહી છે; જ્યાં દરેક વ્યક્તિ પોતાના મોબાઈલ વડે પોતાના વિશ્વમાં જીવી રહી છે અને વાસ્તવિક રીતે તેમની સાથે કોણ છે તેની તરફ તેમનું ધ્યાન પણ નથી. એક કુટુંબ પણ જાણે ભેગા થવાનું અને રહેવાનું ભૂલતું જાય છે. આધુનિક યુગમાં, જ્યાં ટેકનોલોજી આપણને ભૌતિક રીતે એકબીજાથી દૂર કરી રહી છે, ત્યાં સામુહિકતાનું મહત્ત્વ વધુ વધી જાય છે.ભેગા થવું અને ભેગા રહેવું એ માત્ર સાંસ્કૃતિક પરંપરા નથી, પરંતુ માનવ અસ્તિત્વ, ઉત્ક્રાંતિ અને ભવિષ્યની પ્રગતિ માટે એક વૈજ્ઞાનિક અનિવાર્યતા છે. આ મૂળભૂત સિદ્ધાંતને યાદ રાખીને જ અમે અમારા ગ્રામોત્સવને મૂલવ્યો છે.

  અમારા નવાનદીસર પર કુદરતના એવા આશીર્વાદ છે કે અમે સૌને હવે જીવતા આવડ્યું છે – એવું જીવન જેમાં મોજ હોય, મુશ્કેલીઓ હોય પણ એ તકલીફ ન આપે. જ્યાં વ્યક્તિગત અહંકારો ખરી પડે અને દરેકના હૃદયમાં શ્રદ્ધા, વિશ્વાસ અને આનંદનું ફૂલ ખીલે. બાકીની દુનિયા જે પ્રકારે જુદા જુદા વાડાઓ બનાવીને જીવે છે તેના કરતાં અમે સાવ વિપરીત, રચાઈ ચૂકેલા વાડાઓને ખોલીને અમારા ભવિષ્ય માટે સુંદર મેદાન બનાવવામાં વ્યસ્ત છીએ. અમને એ ફરક નથી પડતો કે કોણ અમને શું કહી રહ્યું છે – અમને શુભ અને અશુભ બંનેથી ઉપરની એક વસ્તુ જડી ગઈ છે કે – જે થાય છે એ બધું આપણું છે - એ બધું જ પ્રસન્ન કરનારું છે.

એક વર્ષ છોડીને આ વર્ષે ઉત્સવની ઉજવણી શરૂઆતમાં મુશ્કેલ લાગી, કારણ કે બધા એટલા વ્યસ્ત હતા કે કોઈ સમય જ આપી શકતું ન હતું. (શાળા તરીકે અમારા માટે એ આનંદની વાત કહેવાય કે ગામના દરેક હાથ પાસે કામ છે.) પરંતુ આ તો નવાનદીસરનો જાદુ છે. ગ્રામોત્સવ હોય એટલે અમારા માટે અમારા બધા કમિટમેન્ટ એ ઉત્સવ સામે કંઈ જ નથી. દર વર્ષની જેમ ઘરે ઘરે, ખેતરે ખેતરે ફરીને – ગ્રામોત્સવની તિથિની જાણ કરવી, ફાળો લેવાથી લઈ જાણે પોતાના ઘરનું લગ્ન હોય એમ વિવિધ વસ્તુઓની પસંદગી કરવી. સાઉન્ડ સિસ્ટમ હોય કે ફૂલહાર – બધી જ બાબતોની ઝીણી ઝીણી કાળજી લેવાઈ. આ બધાથી ઉપર – ગામમાં કોઈ એવું નહોતું કે જેને લાગતું હોય કે મેં તો મારા ભાગનો ફાળો આપી દીધો હવે યુવાનો બધું કરી લેશે. તેઓ ખભેખભો મિલાવી સૌની સાથે રહ્યા. અને આખરે ઉજવણી થાય એ તો બધા જ જોઈ શકે, પરંતુ અમને લાગે છે કે આ બધા માટે વારંવાર ભેગા થવું એ સૌથી અગત્યનું સેલિબ્રેશન હતું. જ્યાં સૌ પોતપોતાના મંતવ્યો લઈને આવે અને પરત ફરે ત્યારે સૌના મંતવ્યો એક થઈને સામૂહિક મેઘધનુષી રંગ ધારણ કરી છૂટા પડે.

ગ્રામોત્સવનો એ દિવસ (અને એ આખા દસે દિવસો – હજુ ય જો કે વાતોમાં ઉત્સવ ચાલુ જ છે!) જે રીતે જીવાયો છે એ યાદ કરીએ તો લાગે કે એ સત્ય હતું કે સપનું. જે રીતે ગામને શ્રદ્ધા છે કે તેના ઉત્થાનનું સ્થાન એ સૌથી પવિત્ર હોવું જોઈએ, તે ભાવનાએ સૌને રંગી દીધા. બે-અઢી હજાર માણસો એક જ જગ્યાએ ઉનાળાની રાત્રીમાં – છ-સાત કલાક એક જગ્યાએ બેસે – એ પોતાના ભવિષ્યને ઓળખે, માણે, જાણે, બિરદાવે – એ સમગ્ર ખુશીની ચમક લઈને ગરબે ઘૂમે કે પછી ક્યારેય ન નાચ્યા હોય એવા સૌ પણ એકબીજાની આંખોમાં ડોકાતા આનંદને ઝીલી લેવા નાચે – ત્યારે લાગે કે અમારૂ કોઈ એકલું-અટૂલું અસ્તિત્વ છે જ નહીં.

અમે સૌ એક જ છીએ અને આ બધા જે જુદા જુદા દેખાય છે એ અમારા અસ્તિત્વના જુદા જુદા અંગો છે. જેમ એક શરીરને વિવિધ અંગ હોય પણ એ આખરે તો એક જ છે, એમ આ અમે બધા માનવીઓ એક જ સમૂહ છીએ જેને મોજ મળી ગઈ છે. અને મોજની ડૂબકી લગાવી અમે સૌ છૂટા પડ્યા છીએ – વાયદા સાથે કે ફરી મળીશું, આ જ સ્થળે ફરી આ જ કુંભ – નયા કુંભમાં આનંદની ડૂબકી લગાવવા!

તમને ય આવકાર છે અમારા નયાકુંભનો પવિત્ર રંગ ઝીલવા! ઝીલી લો ! - નવાનદીસર પરિવાર તરફથી

શાળા પરિવારનું સામૈયું

ગ્રામોત્સવના શ્રી ગણેશ 

મહાભારત 

આહા ટમાટર બડે મજેદાર 

શિક્ષક મનીષાબેન વિષે 

ખેડૂત જગતનો તાત 

હસતાં રમતાં 

મોબાઈલ ફોન 

શિક્ષક મધુર વિશે 

શાળા વિશે પત્રકારશ્રી હિમાંશુભાઈ 

શિક્ષક નેહા વિશે 

સંગીતાબેન અને વનરાજસિંહ વિશે 

ચંદા ચમકે ચમચમ 

મીરાંબાઈ 

વિજયનો લાઠીદાવ 

મમ્મી પપ્પા અમારા સુપર હીરો 

શાળા પરિવારની વાતો..

શિક્ષક ગિરીશભાઈ વિશે વાત કરીએ 

ધન છે ગુજરાતની ધરતી 

ગોતી લો 

કોરિયોગ્રાફર પિન્ટુસર વિશે 

ટેટુડો 

અય ગિરીનંદિની  

એજ્યુકેશન થીમ 

આદિવાસી જંગલના રખવાલા 

 શાળા પરિવાર વિશે 

ફની ડાન્સ 

યે પ્રયાગરાજ હૈં 

ભાથીજી 

ગ્રામોત્સવના અંતે વાતો 

May 01, 2024

પ્રક્રિયા પરિણામ રચે છે.

પ્રક્રિયા પરિણામ રચે છે.

જેમ્સ ક્લિયર એમના પુસ્તક  ઍટોમિક હેબિટ્સમાં કહે છે. :

આપણે ત્રણ સામાજિક જૂથોની આદતોનું અનુકરણ કરીએ છીએ : નજીકની વ્યક્તિઓ (પરિવાર અને મિત્રો), સમૂહો (સમાજ કે જ્ઞાતિ), અને પ્રભાવશાળી લોકો (દરજ્જો અને પ્રતિષ્ઠા ધરાવતા). આપણે એવી આદતો અપનાવીએ છીએ કે જે આપણી આસપાસના લોકો દ્વારા વખાણવામાં આવતી હોય અને તેના માટે બધાની સહમતિ હોય, કારણ કે આપણે સમૂહને અનુકૂળ થવા ઇચ્છીએ છીએ.

        આ સ્થિતિમાં કોઈ વ્યક્તિને તેના જીવનમાં બદલાવ લાવવા માટે પ્રેરિત કરવામાં એ જે સ્થિતિમાં રહેતી હોય એ સૌથી મોટો અવરોધ હોય છે. ખાડામાંથી નીકળવાનો પ્રયત્ન કરતાં દેડકાની વાર્તા આપણને ખબર જ છે. જેવો કોઈ એક દેડકો એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે કે બીજા દેડકાઓને લાગે કે તેને નુકસાન થશે એટલે તે બધા ભેગા થઈને તેને અંદર તરફ ખેંચે છે. અને ખેંચાખેંચીમાં જે સાંભળી શકતો નથી એવો દેડકો બહાર નીકળી જાય છે. આ અજાણે થતી ક્રિયા છે એ માટે સમૂહમાં દ્વેષ જ હોય એ જરૂરી નથી.

કોઈક સ્થિતિમાં રહેવાની આ ટેવ - કોઈ ક્રિયા સતત ચાલુ રાખવાની ટ્રીક તોડી નાખવા માટે વિમાનના નિયમોને અનુસરવું પડે. જે બદલાવ આપણે ઇચ્છતા હોઈએ એ બદલાવ માટે કઈ દિશામાં જવાનું છે ? - એ વિચારી પ્રથમ કદમ લઈ લેવું પડે. દરેક બદલાવની એક પ્રક્રિયા હોય છે. એ પ્રક્રિયાના પગલાં વિચારી કાર્ય શરૂ કરવું જોઈએ. જેમ કે તમારે ફિટનેસ મેળવવી છે - તો નિયમિત કસરત કરવી અને તે પણ રોજેરોજ અડધો કલાક કસરત કરવી - એવો આપનો ગોલ હોય ! પરંતુ જો તમે આજે જરા પણ કસરત નથી કરી રહ્યા તો એ ક્યારેય શક્ય બનવાનું નથી કે તમે આવતીકાલે 30 મિનિટ કસરત કરી તેની તે જ સ્ટ્રીક ચાલુ રાખી શકશો. (આ સ્ટ્રીક શબ્દ વિષે સ્નેપ ચેટ વાપરતા યુવાનોને પૂછજો.) આ સ્ટ્રીક તો જ ચાલુ રહે જો એ આપણી પહોંચમાં હોય અને આપણને ચેલેન્જ પણ કરતી હોય. એના માટે વેગોસ્કીએ zone of proximal development ની થિયરી આપી છે.

દાખલા તરીકે તમે 25 વર્ષના યુવાન છો અને સરસ રીતે ક્રિકેટ રમી શકો છો.  એવામાં તમને જો ફળિયાના સાતઆઠ વર્ષનાં બાળકો સાથે ક્રિકેટ રમવાનું કહેશે તો તમે રમશો ખરા, પરંતુ એ બાળકોનું મનોરંજન કરવા માટે ! આ રમત તમને ચેલેન્જ કરી શકશે નહીં.  એ જ રીતે અચાનક તમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા હોય એ ટીમમાં રમવાનું કહેશે તો પણ એ તમને તમારી પહોંચની બહાર જણાશે.

ઝોન ઑફ પ્રોક્સિબલ ડેવલપમેન્ટની થિયરી મુજબ જો તમારે કોઈ કાર્યને સતત ચાલુ રાખવું હોય, તો એ કાર્ય તમને ચેલેન્જ પણ કરતું હોવું જોઈએ અને સાથે સાથે તમારી પહોંચમાં છે એવું તમને લાગતું પણ હોવું જોઈએ. આટલું લાગ્યા પછી તે માટેના પ્રક્રિયા અને પગથિયાં નક્કી કરી લેવાં જોઈએ.

·       શાળામાં વિદ્યાર્થીઓને શાળાનું સંચાલન કરે. - તેઓ જ નિર્ણયો લે.

·       તેઓને શાળામાં આવતી વખતે કોઈ પણ પ્રકારનો ભાર ન અનુભવાય.

·       શાળાના સમગ્ર કેમ્પસ અને તેનાં સંસાધનોનો તેઓ તેમને યોગ્ય લાગે તે રીતે ઉપયોગ કરે. -એ ઉપયોગ કરતી વખતે સામૂહિક શિસ્તના નિયમો તારવે.

        આ પ્રક્રિયા શાળામાં સતત ચાલતી રહી તેનાં પરિણામો હવે ધીમે ધીમે મળતાં થયાં છે.  થોડાંક વર્ષો પહેલાં કોઈ પણ માટે ભણવું એ સાવ નગણ્ય બાબત હતી, એ ધીમે ધીમે સૌની પ્રથમ જરૂરિયાત બનતી ગઈ છે.  આ બદલાવ કળીમાંથી ફૂલ બને એ પ્રકારનો છે: એટલે ક્યારે શું બન્યું એ સ્પષ્ટ રીતે કહી શકાય નહીં ! પરંતુ બંને સ્થિતિ જોનાર આ બાબતને સ્પષ્ટ રીતે જોઈ શકે છે.  જે સમાજ પાઘડી ઉતારીને અમને કહી દેતો હતો કે ‘સાહેબ છોડિયુંને શું ભણાવવી છે?’ એ ગામ-સમાજ એકત્ર થઈને કોઈ દીકરીના ભણતરને વધાવી લે ! એ ઘટના આ કળીમાંથી ફૂલ બનવાની જ ઘટના છે. એ  ઘટના પ્રક્રિયાઓનાં પગથિયાં જાળવી પ્રક્રિયા સતત ક્રિયાન્વિત રાખવાનું ઉદાહરણ છે.

 આ જ પ્રક્રિયાઓ વર્ગમાં,વર્ગ બહાર, ઘરે, સમાજમાં ફેલાતી જાય છે અને જે જે પરિણામો મળે છે તે બધાંમાં અમને એનાં ઉદાહરણો લાગે છે.  કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, નેશનલ મેરીટ કમ સ્કોલરશીપ, જ્ઞાનસાધના, ખેલ મહાકુંભ કે અન્ય કોઈ એવી સ્પર્ધાઓ કે જેમાં પરિણામો જોઈ શકાય છે; ત્યાં શાળા તરીકે અમને અમારી પ્રક્રિયાઓનું પ્રતિબિંબ દેખાય છે. આવા દરેક પરિણામ વખતે અમે શાળા તરીકે રિફ્લેક્ટ કરીએ છીએ કે આ પરિણામ સુધી પહોંચવા માટેનું પહેલું પગથિયું કયું હતું અને એ દરેક પગથિયે મળેલી એ પ્રક્રિયાની મોજ સૌને પ્રેરિત કરતી રહે છે !















જોઈએ કેટલીક પ્રક્રિયાઓનાં પરિણામોની ઝલક ! > દર વર્ષની જેમ સ્પર્ધાત્મક પરીક્ષામાં રાજ્યના સંભવિત મેરિટમાં સ્થાન પામનાર ધોરણ 5 અને ધોરણ 8નાં બાળકો