જલસા @ ખેતર
!
ખેતરની મુલાકાત માટે ગઈકાલે જયદીપ ભાઈને
રસ્તા વિશે પૂછ્યું હતું કે ચોમાસાને કારણે રસ્તો બગડી તો નથી ગયો ને? તો તેમણે હસતા હસતા કહ્યું કે 'અરે, ગઈ વખતે ગયા હતા તે
જ રસ્તે તમે બાળકોને લઈને આવજો, કોઈ વાંધો નથી.' પછી અમે શાળામાં પ્રાર્થના અને નાસ્તો પતાવી, ખેતરની મુલાકાતે જવા માટે અમારી નાની ફોજ (બાલવાટિકા -
પહેલુંઅને બીજું) નીકળી પડી. શાળાથી ખેતર કંઈ બહુ દૂર નહોતું, એટલે રસ્તામાં છોડ, ઝાડ, ભેંસ, ગાયને જોતા જોતા, તેમની સાથે વાતો કરતા કરતા ખેતરે પહોંચી ગયા.
અમને જોતાં જ ખેતરમાં રહેતા બે ભાઈઓએ બાળકોને
બેસવા માટે જગ્યા વાળીને સાફ કરી દીધી હતી, જાણે અમારી જ રાહ જોતા હોય! અમને આવતા જોઈને જ તેઓ દોડીને
બેસવા માટે પાથરણાં પાથરવા લાગ્યા. એટલામાં જયદીપભાઈનો ફોન આવ્યો અને કહ્યું કે 'અરે, તમે નીકળ્યા તો અમને
કેમ ફોન ના કર્યો!' થોડી જ વારમાં તેઓ
બાળકો માટે પેંડા અને ચેવડો લઈને આવ્યા. 'અરે, આ બાળકો અમારા ખેતરમાં
ક્યાંથી!' – તેમના ચહેરા પરનો
આનંદ અને આશ્ચર્ય ખરેખર જોવા જેવું હતું, જાણે કોઈ અણધાર્યો ઉત્સવ આવી ચડ્યો હોય!
કેટલાક
બાળકોએ પહેલીવાર જ ખેતર જોયું હતું, એટલે તેમની આંખોમાં એક અલગ જ ચમક હતી, જાણે કોઈ નવી દુનિયા ખૂલી ગઈ હોય! તેઓ ખેતરમાં રહેલો ચાડિયો
જોઈને પૂછવા લાગ્યા કે 'પેલું ભૂત છે?' તો અમારા કહેતા પહેલાં, જે બાળકોને ચાડિયા વિશે ખબર હતી, તેઓબોલી પડ્યા 'ખેતરમાં કોઈ ઢોર, ભૂંડ કે પક્ષીઓ આવીને વાવેલું બગાડી ન નાખે, તેના માટે ચાડિયો ઊભો રાખવામાં આવે છે. તે માણસ ખેતર સાચવે
તેમ આપણું ખેતર સાચવે છે.' તો જેને પહેલીવાર
ચાડિયો જોયો હતો, તે તો નવાઈ જ પામી
ગયા! જાણે તેમની બાળસહજ દુનિયામાં એક નવું પાત્ર ઉમેરાયું - ચાડિયો !
ખેતરમાં વાવેલા ગુલાબને તેઓ ટગર ટગર જોઈ
રહ્યા. પણ કોઈએ એ ફૂલને તોડ્યું નહીં. (હમમ સમજદારી તો સાચી !) ખેતરમાં પાળ
બાંધીને થોડું પાણી ભરાયું હતું, તો બાળકોને પૂછ્યું
કે 'આ ખેતરમાં શું વાવવાનું હશે?' તો તરત જ તેમનામાંથી જવાબ મળ્યો કે 'ડાંગર વાવવાની હશે.' પછી તો પૂછવું જ શું? ડાંગરમાંથી શું શું બને તેના તો કેટલાય નામ આવી ગયા. અને
કેટલીય નવી વાનગીઓ સાંભળવા મળી! અમને પણ એમની પાસેથી નવું જાણવા મળ્યું. જો આપણે
બાળકોને ખેતરની મુલાકાતે ન લઈ ગયા હોત, તો ડાંગર કેવી રીતે પાકે અને તેમાંથી શું બને તે આપણે તેમને
વર્ગમાં ક્યારેય આટલી સચોટ રીતે સમજાવી શક્યા ન હોત. આ જ તો સહજ શિક્ષણનો જાદુ છે!
પછી તો ખેતરમાં રાયણ, આંબલી, લીમડો, મોર, બગલા અને બીજું ઘણું બધું જોયું... અને 'વડલા ડાળે વાંદરા ટોળી કરતી હૂપાહૂપ' ગીત ગાવાની પણ ખૂબ મજા પડી ગઈ. જાણે આખું ખેતર જ અમારી
પાઠશાળા બની ગયું હોય!
ગીત ગાઈ, નાસ્તો કરી અને વાતો કરતાં કરતાં અમારી ટીમ શાળામાં પરત જવા
માટે નીકળી પડી. આજની આ મુલાકાત ખરેખર ખૂબ જ આનંદદાયક રહી! અમને અને બાળકોને ખૂબ જ
મજા આવી! આ નાનકડી મુલાકાત જાણે જીવનના એવા પાઠ શીખવી ગઈ, જે કોઈ પુસ્તકમાં ન મળે, પણ સીધા હૃદયમાં ઉતરી જાય.
No comments:
Post a Comment