February 21, 2026

વિદ્યા સંગમ – હમ સાથ સાથ હૈ!

વિદ્યા સંગમ – હમ સાથ સાથ હૈ!



માનવીનું જીવન એકલા જીવવાથી પૂરું થતું નથી. માણસ ભેગો થાય ત્યારે જ જીવનમાં રંગ આવે છે. ભેગા થઈએ ત્યારે જ સમજણ ઊંડાઈ પામે છે. અને કદાચ એ જ કારણ છે કે શાળા, ગામ કે સમાજ; જ્યાં પણ લોકો ભેગા થાય છે ત્યાં જીવન જીવતું થઈ જાય છે.

શાળા પણ એવી જ એક જગ્યા છે જ્યાં બાળકો રોજ ભેગા થાય છે, શીખે છે, રમે છે અને ધીમે ધીમે જીવન સમજતા જાય છે. પરંતુ વાલીઓ માટે શાળા ઘણીવાર બહારથી જ જોવાતી રહે છે. બાળકો અહીં શું અનુભવે છે તે પૂરેપૂરું સમજવું સહેલું નથી. આ અંતરને થોડું ઓછું કરવા માટે અમે વિદ્યા સંગમનો વિચાર કર્યો.

આ દિવસે વાલીઓ મહેમાન બનીને આવ્યા નહોતા. તેઓ વિદ્યાર્થીઓ બનીને આવ્યા હતા. અગાઉથી જ એક ફોર્મ બનાવી મોકલી અપાયું હતું

તેમ કરવા પાછળ બે કારણ હતા: એક તો શાળામાં આયોજન કરવા માટે જરૂરી માહિતી મળી રહે અને બીજું બાળકોને તેમના માતા-પિતા સાથે વાતો કરવાનો મોકો મળે.

ફોર્મમાં ભરવા માટે બાળકે મા-બાપ સાથે વાત કરવાની હતી – તેઓ પ્રાર્થના કે ભજન ગવડાવશે? શું તેઓ કોઈ રમતમાં ભાગ લેશે? ભમરડો ફેરવતા પોતાની મમ્મીને પણ આવડે છે – એ કેટલા બાળકોને ખબર હોય! અને જો મમ્મી કહે કે હું લખોટી રમીશ, તો એ બાળકને તેના મમ્મીના જીવનના એ હિસ્સા વિશે પહેલી વાર ખબર પડે! આવા ઈરાદાઓ સાથે અગાઉથી ફોર્મ મોકલ્યું.

અમારી પણ બેચેની બાળકો કરતાં ઓછી નહોતી – કે વાલીઓ જ્યારે વિદ્યાર્થી બનીને શાળાએ આવે ત્યારે તેમને કેવી રીતે પ્રતિસાદ આપવો! પણ વાલીઓ અને શાળા સૌ એક જેવા નીકળ્યા – આવ્યા અને મંડ્યા બાળકો રોજ આવે છે એમ શાળા ગોઠવવા, સફાઈ વગેરેના કામમાં. કોઈ ખેતી વિભાગમાં જઈ નીંદણ વગેરેમાં જોડાયું, તો વળી કોઈ બોર્ડ સાફ કરવા કે પટ્ટા પાથરવામાં લાગી ગયું.

વિમાસણ શરૂ થઈ જ્યારે સૌ બાળકો ગ્રીન હોલમાં ભેગા થઈ ગયા – કે હવે જોઈએ કે સ્ટેજ પર બેઠેલા વાલીઓ તેમને શું ગવડાવશે! અને તેમના આનંદ અને આશ્ચર્ય વચ્ચે વારાફરતી એકથી એક નવા ગીતો અને ભજનોની રમઝટ જામી. આ દૃશ્યમાં એક અલગ જ આનંદ હતો. ક્યાંક હળવું હાસ્ય, ક્યાંક સંકોચ અને ક્યાંક ઉત્સુકતા. ધીમે ધીમે વાતાવરણ એવું બન્યું કે કોણ વાલી અને કોણ બાળક તેનો ભેદ જ રહ્યો નહીં.

પણ દિવસની સાચી મોજ મેદાનમાં આવી. રમતોત્સવ શરૂ થયો અને બધા છૂટા પડી ગયા. બાળકો પોતાના મમ્મી અને પપ્પાને ચીયર અપ કરી રહ્યા હતા. ક્યાંક કોઈનું મોઢું પડી જતું, જ્યારે તેની મમ્મી સંગીત ખુરશીમાં રહી ગઈ. એવા દૃશ્યો પણ જોયા કે મમ્મી આઉટ થયા પછી દીકરી જઈ મમ્મીને ભેટી પડી: જાણે કહેતી હોય કે થાય, આવું તો થાય જ!

પપ્પાએ અને મમ્મીઓએ ભમરડો ફેરવી બતાવ્યો, કેટલાકે ભમરડો નાખી સીધો હાથમાં કેવી રીતે ફેરવાય તે કરી બતાવ્યું. તો વળી બીજાઓને શીખવ્યો પણ ખરો. કોથળા દોડમાં શિક્ષકો અને વાલીઓને જોઈ બાળકો ખૂબ હસ્યા. લીંબુ-ચમચી હોય કે પછી લખોટીઓ! લખોટીમાં તો મોટેરાઓ જાણે નાના બની ગયા હોય એમ બૂમાબૂમ અને “ચીટિંગ” જેવી વાતોમાં એવા ખોવાઈ ગયા કે તેઓ જ ભૂલી ગયા કે તેમના દીકરા કે દીકરીઓ તેમને જોઈ રહ્યા છે.

ખરી મજા તો રસ્સાખેંચમાં આવી. એક વાર ભાઈઓ-ભાઈઓ વચ્ચે, બીજી વાર બહેનો-બહેનો વચ્ચે અને છેલ્લી ખેંચ ભાઈઓ અને બહેનો વચ્ચે! એ વખતે શાળાનું આખું મેદાન અવાજો અને ચિચિયારીઓથી ગુંજી રહ્યું હતું!

શું લાગે છે? કોણ જીત્યું હશે? વિડિયોમાં તમે જોઈ શકશો. આ રહ્યા એ વિડિયોઝ – ક્લિક  રમતોત્સવ પછી તેમની પરીક્ષા વિશેની ચર્ચાઓ તદ્દન સહજતા અને સ્વાભાવિક વાતાવરણમાં થઈ ગઈ. અને અનોખી વાલી મીટિંગ થઈ કે જેમાં વાલીઓ અને શિક્ષકો કોઈ ચોક્કસ જગ્યાએ નહીં પણ ફરતા-ફરતા કે રમતા-રમતા તેના વિશે વાતો કરી હોય!

મધ્યાહન ભોજન આજે વધુ મીઠું બન્યું હતું, કારણ કે આ વખતે મોસાળમાં નહીં પણ શાળામાં મા પીરસનાર હતાં! બાળકોએ પણ વાલીઓને જમાડ્યા. શાળા પૂરી થયા પછી પણ ત્રણ-ચાર કલાક સૌ વાતો કરતાં-કરતાં છૂટા પડ્યા.

આજે વાલીઓને સમજાયું કે બાળકો શાળામાં કેમ આવવા ઉત્સુક રહે છે. વિદ્યા સંગમ પૂરો થયો પછી પણ લાગતું હતું કે જાણે કંઈક ચાલુ જ છે. વાલીઓના ચહેરા પર સંતોષ હતો. બાળકોમાં ઉત્સાહ હતો. શિક્ષકોમાં શાંતિ હતી. એવું લાગતું હતું કે આપણે થોડું વધુ નજીક આવ્યા છીએ.










































No comments: