October 16, 2011

માતૃભાષા અને આપણો વર્ગખંડ...


૫ મી સપ્ટેમ્બરે પુરતા સ્ટાફ સાથે હવે જયારે ધોરણ ૫ થી ૮ માં માતૃભાષાની શિક્ષણની જવાબદારી ઉપાડી ત્યારે સહજ રીતે- આ પ્રશ્ન મનમાં થયો કે

“માતૃભાષાનું શિક્ષણ શા માટે ???”


જો ફક્ત તેની લીપી ઓળખાવી અને તે લખતા વાંચવા શીખવવાનું હોત તો કદાચ તેના માટે આટલો મોટો સમયગાળો ન હોત ! તો ભાષા શિક્ષણના બે પાસા વિચારો...........
[].યાંત્રિક.......[].આંતરિક
[૧] યાંત્રિક-:  યાંત્રિક પાસામાં તેની લીપી, ઉચ્ચારો, તેને લખવી, વાંચવી વગેરે ...
[૨] આંતરિક-:  આંતરિક પાસામાં તેનો ભાવ સમજવો, અર્થગ્રહણ, વિચારવું, પ્રતિક્રિયા આપવી, સમીક્ષા કરવી, અભિપ્રાય આપવો, સારાંશ કાઢવો, પ્રસ્તુત કરવું કે પોતાની જાતને પ્રસ્તુત કરવી વગેરે કહી શકાય.
આપણા સૌનો અનુભવ છે કે આપણે યાંત્રિક પાસાને મજબૂત બનાવવા અવનવા પ્રયોગો કરીએ છીએ !- ઓફીસીઅલી અને અનઓફીસીઅલી ! (ગુણોત્સવ અને વાંચન-લેખનગણન અભિયાન તે પાસા માટે જ છે !) છતાં તેમાં પૂર્ણ સફળતા બધા બાળકો પોતાની કક્ષા અનુસાર વાંચી, લખી શકતા હોય તેવી સ્થિતિ પ્રાપ્ત થઇ નથી ! કારણ ? આપણે બાળકમાં રજુ થવાની ફરજ પડે- તેને રજુ થવું ગમે જ એવી પરિસ્થિતિઓ તેમની સામે મુકવાનું ચુકી ગયા ! – જો તેમને તેમ કરવાનું ગમતું હોત તો તે ભાષાના યાંત્રિક પાસાઓને ઓળખવા પ્રયત્નો તેમની મેળે કરતા થયા હોત !
                                મને એ દિવસો યાદ છે જયારે આપણે રેડીઓ પર ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળતાં હતા. મારા દાદા જ્યાં સુધી હિન્દીમાં કોમેન્ટ્રી આવે ત્યાં સુધી સાંભળે અને અંગ્રેજી આવે કે તરત મને કહે બંધ કરી દે ખોટા પાવર શું બાળવાના ! પણ જો કોઈ મેચ તેની છેલ્લી ક્ષણોમાં હોય અને રસપ્રદ બનેલી હોય..અને અંગ્રેજીમાં કોમેન્ટ્રી હોય તોય પ્રયત્ન કરતા કે શું થઇ રહ્યું છે ! તેઓ તે ભાષાને ભેદવાનો પ્રયત્ન કરતા કારણ તે તેમની જરૂરિયાત હતી !
શું આપણે વર્ગખંડમાં ભાષા વાપરવી જ પડે એવી સ્થિતિઓ નિર્માણ કરીએ છીએ ?
   ૫ થી ૭ ના મારા અનુભવો તો પહેલા કહી ચુક્યો છું પણ આ વખતે ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ સાથે પ્રથમ વખત કામ કર્યું તો કેટલીક નવી યોજનાઓ(સુબીર ની ભાષામાં કહીએ તો ષડયંત્ર!) આ રહી-

·       જો નરસિંહ મહેતા પુરુષ હતા તો તેમને પૂરણ વરને પામી” એમ કેમ કહ્યું હશે ?
·             ગાંધીજીએ પોતે કરેલી ભૂલોનો એકરાર ન કર્યો હોત તો તેમના જીવનમાં કયો ફરક પડ્યો હોત ?
·         સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! – કાવ્ય સ્વરૂપને બદલે જો ગદ્યસ્વરૂપે લખવાનું કામ તમને અપાય તો તમે શું લખત?
·        તમારા જીવનમાં ધીરજકાકા જેવા હાસ્યરસ ઉત્પન્ન થાય તેવા પ્રસંગો બને છે ? (તેમને કહ્યું હા ! મે કહ્યું કે કહો- બે ત્રણ વિદ્યાર્થીઓએ પ્રસંગો રજુ કર્યા., મે બીજા બધાને પૂછ્યું તમને આ સાંભળીને હસવું આવ્યું? બધાએ કહ્યું ના’ ! તે પછી તેમને તે પ્રસંગ હસવું આવે તેવી રીતે ફરી લખી લાવવા કહ્યું બે વિદ્યાર્થીઓ નીતિન અને નીલેશ તેમાં ખુબ સફળ થયા ! એનો અર્થ એવો નથી કે બાકીના નિષ્ફળ ગયા, - પોતાની ભાષાને ભેદવાનો સૌનો પ્રયત્ન એકસરખો જ હતો.)
·       શરણાઈવાળાએ શેઠને સાંબેલું વગાડી બતાવવા શું કર્યું હશે?
·       નર્મદના કાવ્ય ડગલું ભર્યું કે ના હઠવુંમાં હિંમત મદિરા પીવી એટલે શું ?
·        કિશનસિંહ ચાવડાએ મંગલસુત્રમાં પોતાની માતા વિશે લખ્યું છે- જો તમારે તમારી માતા સાથેના અનુભવો લખવાના હોય તો તમે શું લખો ?

આવા પ્રશ્નો ભાષાને સટીક રીતે વાપરવાની પ્રેરણા આપે છે.
આપ પણ પ્રયત્ન કરી જુઓ !
આ વિષય પર આપના વિચારોને કોમેન્ટ સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરો. મનમાં વિચારવું અને તેને શબ્દશઃ કરવું- એ તો ભાષાનું મુખ્ય કામ છે ! 


October 11, 2011

શરદપૂનમ-સ્નેહ મિલન


·                     શરદપૂનમનું સ્નેહ મિલન

અમારો પ્રયત્ન હતો બાળકના માનસ રૂપી પર્યાવરણમાં  ઉજવણીના માહોલને સજાવવાનો !!!!




 આમ તો આજે પંચમહાલ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરેલ હતી,પણ જયારે શાળા છૂટતાં સમયે બાળકો સાથે શરદ-પૂનમની રજા જાહેર કરતાં-કરતાં અને શરદ પૂનમ વિશે ચર્ચા કરતાં અમને જાણવા મળ્યું કે મોટાભાગના બાળકો જાણતા જ નહોતા કે શરદ પૂનમના દિવસે “દૂધ-પૌંઆ” ખાવાનો મહિમા હોય છે,અને જેટલા બાળકો જાણતા હતા તેમાંથી ઘણાને આનો કોઈ દિવસ લાહવો પણ મળ્યો ન હતો [કારણ કે ઘરમાં દરેક વ્યક્તિ દૂધ ખાય તે તેમને પોસાય તેમ નથી,કેમકે એક બાળક જેટલું દૂધ પીવે તેટલા દૂધમાં તો આખું ઘર ચા પીવે -આ તેમના 
આર્થિક ગણિતની 
સીધી ગણત્રી છે/કરવી પડે છે.] આવી જાણે જ રજા હોવા છતાં અમને શરદ-પૂનમ બાળકો સાથે જ ઉજવવાનો  નિર્ણય કરાવ્યો...હવે બંધ-શાળાએ તૈયારીઓ કરવાની હતી “દૂધ-પૌંઆ”માટેની... તે માટે શિક્ષક-મિત્રો અને મધ્યાહન ભોજનના સંચાલકશ્રી વચ્ચે દૂધ-પૌંઆ...અમારા તરફથી...ના અમારા તરફથી”ની  ખેંચતાણ શરૂ થઇ, જયારે આ ખેંચતાણ ચાલતી હતી ત્યારે ધોરણ-૮ ના બાળકોએ પ્રસ્તાવ મૂક્યો કે સાહેબ અમે પણ ફાળો આપીશું અને અમારો ફાળો લેશો તો જ અમે ઉજવણીમાં સામેલ થઈશું, ત્યારે શાળા છુટતાં સમયે બાળકો સાથે મળી નિર્ણય કર્યો કે કાલે સવારે કાર્યાલયની બહાર એક થેલો લટકાવેલો હશે તેમાં જે બાળકે જેટલો ફાળો મૂકવો હોય તે મૂકી દે અને પછી ખૂટતો ખર્ચ શિક્ષકશ્રીઓ ઉમેરશે...રજા હોવા છતાં મધ્યાહન ભોજનના સંચાલકશ્રી તથા તેમનો સ્ટાફ સેવા આપશે તે તેમના ફાળામાં ગણી લીધી. પણ હા અમે સૌ શિક્ષક-મિત્રો એ નક્કી કર્યું હતું કે સ્નેહ-મિલનમાં શાળા બહારની જ [જેથી બાળકો પોતાના ઘર અને તેની આસપાસની વાતો કરે જેથી અમે બાળકોના ઘરના પર્યાવરણને વધારે નજીકથી જાણી શકીએ]  ચર્ચા કરવી...આવો જોઈએ કેમેરાની આંખે......   








 અમે પણ શા માટે લાહવો ન લઈએ???-શિક્ષકમિત્રો 

October 10, 2011

Play with Clay !

શું માટીના રમકડાંને તમે ભૂલી શક્યા છો??





પ્રાથમિક શાળામાં પ્રવૃત્તિનું એટલું જ મહત્વ છે,જેટલું બાળકના આગળના અભ્યાસમાં પ્રેક્ટિકલનું, પ્રેક્ટીકલ કરતાં પણ પ્રવૃત્તિમાં એક વધારાનો ફાયદો એ છે કે આમાં બાળકો ગમે તેટલી અને ગમે તેટલીવાર પ્રવૃત્તિ કરાવશો બાળક દર વખતે ઉત્સાહથી ભાગ લેશે,પ્રવૃત્તિ વિનાનું શિક્ષણ જોવું જ ગમે પણ આવું શિક્ષણ લેવું કોઈને ન ગમે. તેનું જો તમને એક ઉદાહરણ આપું કે વિચારો કે તમે કોઈ મોટી લકઝરીયસ કાર કંપનીના શો-રૂમમાં ગયા છો ત્યાં તમને એક એવી મોટરકાર જોવા મળે છે જેનો લુક તમને જોતાની સાથે જ ગમી જાય...ત્યારે તમે તરત જ તે કાર લેવાની તત્પરતા દર્શાવશો,પણ જયારે સેલ્સમેન તમને કહે છે કે soryy..sir..તે કાર સાથે તમને એન્જિન નહિ મળે, બસ, આ જ શબ્દો પછી તે કાર વિશે તમારું રિએકશન રૂપી ડાયલોગ શું હોઈ શકે- તે તમે જાતે જ વિચારો!!!
બસ,આવું જ હોય છે પ્રવૃત્તિ વિનાનું શિક્ષણ એટલે કે એન્જિન વિનાની મોટરકાર ..જેમાં તમે 'મારી પાસે સુંદર કાર છે' તેવો સંતોષ લઇ શકો પણ કાર લેવા માટેનો ખરેખરા ધ્યેયથી દૂર રહો અથવા તો અધૂરા રહો...આમ આવું શિક્ષણ પણ અધૂરું અથવા તો શુન્ય સાબિત થાય છે. ક્યારેક ક્યારેક આપણે વિચારીએ છીએ કે આ પ્રવૃત્તિ તો આ કક્ષાના બાળકો નહિ કરી શકે અથવા તો એવું વિચારતાં હોઈએ છીએ કે આવી પ્રવૃત્તિમાં તો આ કક્ષાના બાળકોને આનંદ નહિ આવે એવું વિચારી બાળકોની વય-મર્યાદાની સાથે-સાથે રસ-મર્યાદાપણ આપણે જ નક્કી કરી લઈએ છીએ. અને પરિણામે આપણા આવા સ્વનિર્ણય હુકમી વર્તનના કારણે બાળકો ઘણું બધું ફક્ત શિક્ષણ રૂપે ભણી લે છે..પરંતુ રસહીન બનીને!
  એકલવ્ય એકમની જયારે વાત કરીએ તો બાળક આપણા વર્ગખંડમાંના શૈક્ષણિક કાર્યથી ફક્ત માહિતી સભર બને છે,પણ તે પાત્ર માંથી સારી-નરસી બાબતોને ઓળખી ચર્ચા કે ચિંતન કરી શકતો નથી. તેની જગ્યાએ જો તે એકમને અનૂરૂપ કોઈ પ્રવૃત્તિ-ચિંતન-ચર્ચા જોડવામાં આવે ત્યારે તે બાળક તે પાત્રને ખૂબ જ નજીકથી ઓળખી શકે છે. ત્યારે અમે આ એકમ સાથે એવી પ્રવૃત્તિ જોડાવાનો પ્રયત્ન કર્યો કે જે પ્રવૃત્તિનો લગભગ આપણે ઉપલા ધોરણોમાં છેદ ઉડાડી દઈએ છીએ...જેમ કે માટીમાંથી રમકડાં બનાવવાની પ્રવૃત્તિ...અમે ધોરણ-૫ના એકલવ્ય એકમના શિક્ષણ માટે આ પ્રવૃત્તિનો ઉપયોગ કર્યો અને હા.
.. સમયમાં અમે માનીએ છીએ કે જો આપણા બાળકો માટી સાથે કામ કરશે તો આરોગ્યની દ્રષ્ટિએ મોટો ફાયદો થશે - ‘ડોશીમાનું વૈદું’ પ્રમાણે માટીનો લેપ એ શરીરની ગરમી દૂર કરવા માટેનો સરળ અને રામબાણ ઈલાજ છે,બાળકોના શરીરમાંની વધારાની તજા-ગરમી કે જેના કારણે ગરમી નીકળવી...ગુમડાં થવા વગેરેમાં તકલીફમાં પણ તેમને ચોક્કસ રાહત થશે...અને સાથે-સાથે આ પ્રવૃત્તિ માટે  અત્યારનો જ સમય એટલા માટે ઉત્તમ છે કારણ કે ચોમાસા દરમ્યાન વરસાદ અને શિયાળા દરમ્યાન ઠંડી [બાળકોને શરદી થવાનો ભય] હોવાને કારણે આ પ્રવૃત્તિ કરવી બાળકો માટે ફાયદાકારક  કે હિતકારક નથી. 
માટીમાંથી આચાર્ય દ્રોણની મૂર્તિ બનાવતા ધોરણ -૫ના બાળકો 
એકમ અને કૃતિના માર્ગદર્શક તરીકે વિષય શિક્ષક અને તેમની સાથે  કામ કરતા બાળકો 
શિક્ષકશ્રી કરતાં પણ વધુ સારું કરવાનો બાળાઓનો પ્રયત્ન 
બે-બે બાળકોના ગૃપમાં કામ કરતાં બાળકો.....
અમારી જ મૂર્તિ વધુ સારી બનશે..તેવો પ્રયત્ન...
અમારા બાળ-શિલ્પકારો 
તો ચાલો “રસ મર્યાદાઓ” કે “વય મર્યાદાઓ”થી પર થઇ એક એવો પ્રયત્ન તો કરીએ કે જેનાથી બાળકોના આનંદ તથા આરોગ્યની સાથે-સાથે તેમનો શિક્ષણ મેળવવાનો (આપણો શિક્ષણ આપવાનો) હેતુ પણ સિદ્ધ થાય.....

October 02, 2011

અમારી પ્રેરણા સમુ અમારું “પ્રકાશ પક્ષીઘર’

બાળકોમાં પ્રિય અને જેમને બાળકો જ પ્રિય છે તેવા શિક્ષક પ્રકાશભાઈ.......
                                                     શાળાના વિકાસ માટે સદાય પ્રયત્નશીલ અને તે માટેની અથાક મહેનત કે જેમાં ફરજ નિભાવવાના કલાકોનો કોઈ હિસાબ નહી..એમ કહી શકાય કે શાળા અને બાળકો માટે 24 કલાક અને ૩૬૫ દિવસ ફાળવી શાળાને આ સ્તર સુધી લાવવામાં પાયાની જેમ ખડે પગે રહી પરિશ્રમ કરનાર એવા અમારી શાળાના શિક્ષકશ્રી પ્રકાશભાઈ કે. પટેલની અત્રેની શાળામાંથી બદલી થતા નવાનદીસર શાળા પરિવાર દુઃખની લાગણી પ્રગટ કરે છે, અત્રેની શાળાના બાળકોમાં તેમના કાર્યોની પૂર્તતા કદાચ અમે વધારે પ્રયત્નો ધ્વારા કરી શકીશું પણ તેમના વ્યક્તિત્વની પૂર્તતા કરવી અમારા માટે પણ અશક્ય છે. શાળા પરિવારે આવા  પ્રયત્ન રૂપે સ્વખર્ચે એક પક્ષીઘરનું આયોજન કરેલ છે..જે પ્રવૃત્તિને પ્રકાશ પક્ષીઘરનામ આપી તેમના વ્યક્તિત્વની ખોટ પૂરવાનો પ્રયત્ન કરેલ છે,અમે આ પ્રકાશ પક્ષીઘરને શાળા કમ્પાઉન્ડમાં એવી જગ્યાએ સ્થાન આપ્યું છે કે જે હંમેશ અમારી નજર સામે આવ્યા કરે અને તેના ધ્વારા અમને તેમના બાળકો માટે કરેલ પ્રયત્નોની યાદ અને તે માટે જરૂરી વ્યક્તિત્વની પ્રેરણા રૂપી વેવ અમને મળ્યા કરે...નવાનદીસર શાળા આપ સૌની સામે પ્રેરણા રૂપી પ્રકાશ પક્ષીઘરને ખુલ્લા મુકતાં આનંદની લાગણી અનુભવે છે.....

"પ્રકાશ પક્ષીઘર"