December 24, 2018

🎅🎅 અમારી ઈવ ઓફ ક્રિસમસ ! 🎅🎅


🎅🎅 અમારી ઈવ ઓફ ક્રિસમસ ! 🎅🎅
તહેવારો ઉજવાઈ જતા હોય છે. શાળા ધ્યાન રાખે છે કે એમની સાથે જિંદગીની ચર્ચા કરવાનો એક પણ મોકો ચુકાઈ ના જાય ! જેમાં વિવિધ ધર્મ વિષે જાણવું અને દરેકમાંથી તર્કબદ્ધ રીતે શું ગ્રાહ્ય છે અને શું ત્યાજ્ય છે તેની સમજ તેમનામાં આવે તે માટેના પ્રયત્ન કરવા.
આ વખત નાતાલના આગળના દિવસે જ તેના વિષે ચર્ચાસભા અને સાથે જ તેમને ગમતી રમતો રમાડવાનું નક્કી થયું. સવારની બેઠકમાં બપોર સુધીમાં દરેક ધોરણને કઈ રમતો રમવી છે તેની યાદી બનાવવાનું કહી દેવાયું. બપોર પછી “શાંતિ અને ક્ષમા” વિષય પર વાત કરી. ઈશુએ પોતાને ક્રોસ પર ચઢાવી દેનારાઓ માટે પણ કહ્યું તેમને માફ કરજે કારણકે તેમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે ! “શું સમજ્યા ?” “જે સમજે એ સાચવે અને સહન કરે !” ટૂંકું હતું પણ અસરકર્તા હતું.
      રમતોમાં ત્રીપગી દોડથી શરૂ થયું અને બધાની ધારણાથી વિપરીત ક્યારેય સાથે ના જોડાયેલી રહેતી હોય તેવી બે છોકરીઓ સભાનતાપૂર્વક સાથે ચાલી વિજયી બની. માટલા ફોડમાં આ વખત સાઉન્ડનો ઈશારો ઉમેરાયો. તેમાં લક્ષ્મણ જે ત્વરાથી ધડામ કરી આવ્યો એ જોઈ પ્રેક્ષકોએ તેની પર ચીટીંગનો અને અમારી પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો ! જો કે એ જોઈ શકતો હતો એ વાતની હવે અમને પણ શંકા છે. સીટી બોમ્બમાં સાગમટે આઉટ થવાની મજા અને લંગડી દોડ પછી સૌથી મજેદાર રમત ! - ત્રણ દોરડા, પહેલાની નીચેથી, બીજા દોરડા ઉપરથી અને ત્રીજા દોરડાની નીચેથી પસાર થવાનું. પહેલા ખુલ્લી આંખે તેઓ જોઈ લે અને પછી આંખે પાટા બાંધી ત્રણેય દોરડે અડ્યા વગર ક્રોસ થવામાં ઘણા દિશા ભટકીને જાય સાવ વિપરીત પ્રેક્ષક ગણ તરફ..
 કોઈક દોરડા પહેલાં કુદકો મારી તે દોરડા પર જઈને પડે. ને છેલ્લા દોરડે નીચે નમવાના બદલે ગબડતા ગબડતા પસાર થાય. સૌ હસી હસીને લોટપોટ થઇ ગયા જયારે આંખે પાટા બાંધ્યા બાદ ત્રણેય દોરડા હટાવી લીધા અને પછી તેઓ સૌ દોરડા છે જ એમ માની ને આગળ વધતા હતા.
સંધ્યા સભામાં સમજાવ્યું કે આપણું પણ એવું જ કૈક નથી હોતું ? જે દોરડા છે જ નહિ તેનાથી બંધાઈને જીવીએ છીએ! ખાલી એ કોઈને દેખાતું નથી અને કોઈ આપણી પર હસતું નથી ! મારાથી આ જ થઇ શકે, મને આમ હોય તો જ ફાવે, હું આ ના કરી શકું, મને આની સાથે જ દોસ્તી કરવાની ફાવે, પેલા સાથે મારે સહેજે ય ના બને ! ના જાણે આપણે આવા કેટલા બધા દોરડા, જે છે નહિ, એ છે એમ માનીને જીવીએ છીએ !
ચાલો એવા દોરડા ફગાવીએ અને ઉજવીએ નાતાલ-આપણા પોતીકા તાલે !
૨૬ મી એ તેમને અહેવાલ લાવવાનું કહ્યું હતું ! અમારી એક ટીમ અહેવાલ સાથે સોજીના લોટ અને ચોકલેટ્સ ઓગાળી એમાંથી કેક બનાવી લાવી ! સૌએ ફરી ગાયું ... 🎅“મેરી ક્રિસમસ” 
 
 
  






December 21, 2018

બાળકોના બાળપણની જીવંતતા !!



બાળકોના બાળપણની જીવંતતા !!
પોતાની પેઢીમાં સામાજિકતા કેળવાય અને ભવિષ્યમાં સામાજિકતા સાથે સમુહમાં સારી રીતે વ્યવહારુ જીવન જીવી શકે – આવા ઉદ્દેશ્ય સાથે સમાજ પોતાના બાળકોને શાળાએ મોકલે છે. ભવિષ્યનો નાગરિક અને આજનો બાળક એવા આ વ્યક્તિનું ઘડતર અને ચણતર સુચારુરૂપે થાય એટલા માટે શાળા વર્ગખંડોમાં સતત મથતી રહે છે. આ બધામાં જેના માટે “આ બધું છે” અને શાળા અને સમાજ બંનેનું જે કેન્દ્ર છે એવા બાળક માટે ભવિષ્યની ચિંતામાં વર્તમાનનો ભોગ ન લેવાય તે જોવાની અને સાચવવાની જવાબદારી આપણા સૌની છે ! બાળપણ એ દરેક વ્યક્તિના જીવનનો સુવર્ણકાળ છે, એટલે સોનાને ભાગીને સોનું બનાવવું એ તો મૂર્ખાઈ છે ! ભરવાડ ને પૂછવામાં આવે કે ઘેટાં આખી રાત બોલ્યા કરે છે તો તમને કંટાળો નથી આવતો ? – તો જવાબ એ જ હોય કે સાહેબ એ તો એમની લાક્ષણિકતા છે. એ ન બોલે તો ચિંતા થાય. જો એક પ્રાણીની લાક્ષણિકતાઓ પ્રત્યે તેનો માલિક આટલો સભાન હોય તો પછી આપણા ત્યાં તો એ બાળકો આવે છે જે આપણા સૌનું ભવિષ્ય છે. તેમની લાક્ષણિકતાઓને તોડવી એ એમણે મળેલી શક્તિઓને રૂંધી નાખવા સમાન છે. મશીન સાથે કામ કરતા સામાન્ય મિકેનિક અથવા કારીગરને પણ ખ્યાલ હોય છે કે મશીનરીને નષ્ટ કરી તેનું રીપેરીંગ કાર્ય ન હોઈ શકે. તો શિક્ષક તરીકે આપણે પણ પ્રાથમિક શાળામાં બાળકોનું બાળપણ જીવંત રહે અને તેમાં આપણે શિક્ષણનું શાણપણ ઉમેરી તેનું ઘડતર કરીએ તે જ મહત્વનું છે. માટે હવે યાદ કરો કે તમને બાળક તરીકે બાળપણમાં શું શું કરવું ગમતું હતું અને આજે શિક્ષક તરીકે શિક્ષણ માટે બાળકને શું કરાવવું છે ? – “રમતાં રમતાં ભણીએ” - એ બાળકો માટેનું સૂત્ર છે પણ “રમાડતાં રમાડતાં ભણાવીએ” એ આપણા માટેનું સૂત્ર છે. રમાડવાનો અને ભણાવવાનો - બંનેનો સમન્વય કરી લો અને લાગી જાઓ. જેવી રીતે માટીની મજા માણવા સાથે લાગ્યાં છે અમારાં બાળકો અને બાળક બનેલાં શિક્ષકો ! 

  

 
  




 





🎹“મળે સૂર જો તારો મારો, બને આપણો સૂર નિરાળો!”🎶



🎹“મળે સૂર જો તારો મારો, બને આપણો સૂર નિરાળો!”🎶 
યાદ હશે, દૂરદર્શન પર રવિવારે સોંગ આવતું : “મિલે સૂર મેરા તુમ્હારા, તો સૂર બને હમારા... ! એ વખત બે જ ભાષાઓ સમજાતી એક હિન્દી અને બીજી ગુજરાતી. બાકી તો જુદા જુદા રાજ્યના લોકો આવે અને તે જે રીતે ગાય એની નકલ કરતા..! કઈ સમજાતું નહોતું.. પણ અજીબ રોમાંચ આપતું એ ગીત ! હવે સમજાય છે કે આપણને શબ્દો ના સમજાય પણ લાગણીઓ છલકતી એ આંખો જોઇને આનંદ થતો. એ ગીતનું નવું વર્ઝન પણ જોયું જ હશે..એમાં આપણે સૌને ઓળખી પણ શકીએ અને હવે તો એ પણ ખબર પડે કે એ કઈ ભાષામાં છે !
આ વિવિધ ભાષા સમુહનું મેઘધનુષ્ય જ ભારતને શોભા આપે છે. અને એ મેઘધનુષ્ય ચારે દિશામ્માંથી જોઈ શકાય તેવું કામ હમણાં શાળામાં પૂરું થયું.. “ભાષા સંગમ”
મોડ્યુલ જોઈ ભૂમિકાને બતાવ્યું, “શું કરીશું ?” એ કહે, “છે શું આ ? આટલું બધું ?” બે ત્રણ દિવસની વાત સમજાવી કે જો આ પાંચ વાક્ય છે; જે ભારતની બધી ભાષાઓમાં બોલતા શીખવાના છે !” 
“ઓકે !” અને ઓકે સાથે બીજા થોડા હા ને ના, કેવી રીતે? જેવા સવાલ ઉમેરાઈ આયોજન થયું, કે રોજ શાળામાં બહારના બોર્ડ પર જે તે તારીખની ભાષા લખવાની..અને મોર્નિંગ એસેમ્બલીમાં તે સમૂહમાં બોલાવવાની. સાથે જ એ ભાષા ક્યાં બોલાય તેવી વિગતો કહેવાની. ઘણી ભાષાઓ બોલાવીએ અને તેના શબ્દો ના પકડાય એટલે તેમનામાં હસાહસ થાય. કેટલીક ભાષાની લઢણ અને શબ્દોનો મધુર રવ એમને ભાવી જાય. રોજ આમ નવું બોલાતું ગયું. સાથે પેલા બોર્ડ પરથી જેણે યોગ્ય લાગે તે એ વાક્યો લખતા પણ ગયા. ભૂમિકાએ વળી બીજી ભૂમિકા પણ ભજવી કે કોને સારી રીતે ભાષા બોલતા આવડી ગઈ તે નામ નોધાવો આપણે છેલ્લે દિવસે બધી ભાષાઓ બોલીને રેકોર્ડ કરીશું.
   આ કસરતમાં બીજા કેટલાય ફણગા ફૂટ્યા જેવા કે “અરે ! આ તો હિન્દી જેવું છે. આમાં અને કાલે બોલેલા એ નેપાળીમાં આ શબ્દ સરખો આવે છે !” “આપણે નામ કહીએ એને આ ભાષામાં આ કહે છે !” “આ બોલાતી વખત નાકમાંથી જ અવાજો વધુ આવે છે. “ “આ બોલતા લોકો શી રીતે આ બધું યાદ રાખતા હશે ?”
       અમે ધારેલું કે મોટાભાગે છ થી આઠ ધોરણમાં આ વધુ ઉપયોગમાં આવશે પણ બીજા, ત્રીજા અને ચોથા ધોરણમાંથી પણ નોમીનેશન આવ્યા. તેમને તેમની રીતે જ કોણ વધુ સારું બોલે છે તે નક્કી કર્યું.  એક અંદાજ મુજબ શાળાના પ્રત્યેક વ્યક્તિએ ઓછામાં ઓછી બીજી એક અજાણી ભાષા બોલી હશે. કેટલાકને બધી ભાષામાં બોલતા આવડે છે. આ દ્રશ્યો ફરીથી એ જ ગીત ગાતા હોય એવું નથી લાગતું ?
મળે સૂર જો તારો મારો, બને આપણો સૂર નિરાળો!”



 




🎬 video

December 15, 2018

🙏 આદર્શોનો મહાવરો > સરદાર નિર્વાણ દિન 🙏



🙏 આદર્શોનો મહાવરો > સરદાર નિર્વાણ દિન 🙏

       આપણે સૌ પાઠ્યક્રમને ધ્યાનમાં રાખવાના ચક્કરમાં બાળકો માટે બનેલા અભ્યાસક્રમને ભૂલી જઈએ છીએ. આપણે મોટાભાગે પાઠ્યપુસ્તકમાં છે, તેટલું જ બાળકો જાણે તો ભયોભયો એમ રહીએ છીએ. સમગ્ર સમજને તો આપણે મહત્વ આપવાનું ટાળ્યું અને પરિણામે જ બાળક સામે સીમિત માહિતી અને તેના વડે સીમીત જ્ઞાન અને સમજ ઉભી છે. શિક્ષણ કાર્ય માટે  વર્ગખંડ છોડવો અને એકમ ને અનુરૂપ પ્રવૃત્તિ કરાવવા માટે પાઠ્યપુસ્તક ને છોડવું એ હજુ આપણી રોજિંદી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પરોવાયું નથી ! પરિણામે જ એક ઉજવણી અથવા તો એવું કહીએ કે બાળકોને ગમતું કરી જ્ઞાન આપવાની બાબતમાં આપણે પાછળ રહીએ છીએ. શાળાએ હંમેશા શિક્ષણ આપવા માટે અથવા તો બાળકને જે શીખવાનું છે તે માટેની તકો અને પ્રસંગો ધ્યાને રાખવાનો પ્રયત્ન કરે છે. વાત કરીએ તો ૧૫મી ડિસેમ્બર સરદાર નિર્વાણદિન જેમાં ધોરણ ૩ થી ૮ માં પાઠ્યપુસ્તક અંતર્ગત સરદાર વિશેની જેટલી પણ માહિતી બાળકો સુધી પહોંચાડવાની હતી તેને એકઠી કરવાનું અને તેને નિબંધ સ્વરૂપે રજૂ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું. કેટલાક બાળકોએ તે માહિતીને ચિત્રરૂપે રજૂ કરવાનું સ્વીકારી તૈયારીઓ કરી.અમારો ઉદ્દેશ એ હતો કે બાળકોને પાઠ્યપુસ્તકમાં આવતા સરદાર વિશેના એકમોનો મહાવરો અને દ્રઢીકરણ થાય અથવા તો ભૂલી ગયેલા બાળકોને ફરીથી સરદાર વિશેની વિગતો શ્રુતિ માં આવે માટે પાઠ્યપુસ્તક નો ખાસ આગ્રહ રાખવામાં આવ્યો હતો. સૂચના ન હોવા છતાં બાળકોએ પુસ્તકાલયનો ઉપયોગ કરી સરદારના પુસ્તકોમાંથી જરૂરી વિગતો મેળવવાનું અને રજૂ કરવાનું કામ કર્યું. આમ જોઈએ તો પ્રાર્થના સહિતનો એક કલાક ગણી શકાય તેટલો સમય આપ્યો પરંતુ જાણે કે સરદાર સાહેબ દરેક બાળકના મનમાં આવી ગયા હોય તેઓ અહેસાસ થયો. મહાપુરુષો વિશે ખૂબ જાણકારી અને વિગતો હોય પરંતુ જો આપણે તેમની પાસેથી શીખવા જેવું હોય તો તે તેમનું વ્યક્તિત્વ છે ! અને એ વ્યક્તિત્વને વંદન કરવા અને આપણા આજના જીવનમાં ઉતારવા એ જ સરદારને સાચી અંજલિ છે !  





December 07, 2018

હું છું ખાખી બાવો...👳👳



હું છું ખાખી બાવો...👳👳
          જૂની વાતને યાદ કરી લઈએ તો બાળકોને ભણવું એટલું ગમતું નથી જેટલું ભજવવું ગમે છે. [ સાચું તીર્થ વાળો એકમ તમને યાદ હશે ] દરેક એકમોમાં કૌતુક્તા ઉમેરવાનું કૌશલ્ય કેળવવું એ  આજના યુગની  / વર્ગખંડો બાળકોની માંગ છે. ફક્ત માહિતીલક્ષી શિક્ષણનો જમાનો રહ્યો નથી કે ફક્ત ને ફક્ત ટોક ચોકમાં હવે બાળકોને પણ રસ રહ્યો નથી. તમે તમારી આસપાસ ઉત્પાદકો કે વ્યવસાયિક કાર્યક્ષેત્રો તરફ નજર કરશો તો ખ્યાલ આવશે કે ચિત્રપટ થી માંડી ચિત્રકાર સુધી અને કારીગરથી માંડી કંપનીઓ સુધી તમામ પોતપોતાના કાર્યક્ષેત્રમાં પોતાની પ્રોડક્ટ નો ફેલાવો કરવા માટે અથવા તો તેને વધુ અસરકારક બનાવવાના માટે નવીનતા ઉમેરતાં રહેતાં હોય છે. તો એક શિક્ષક તરીકે આપણે તેમાં શા માટે પાછળ રહીએ ? તમે જોશો કે કંઇક અલગ કરી જનારને દુનિયા યાદ કરે છે, બાળકોનું પણ એવું જ છે એમને જે જોઈએ છે તે આપણે તેમના જ  ફોર્મેટમાં આપવું પડશે.
          દા.ત તરીકે કોઈ બાળકને વિટામીન સી ની જરૂર છે. હવે વિટામીન સી ખાટા પદાર્થમાંથી મળે છે. કુશળ શિક્ષક એ જ છે કે બાળકોને સીધી ખટાશ ખવડાવવાને બદલે બાળકને ભાવતાં ફળ વિશે જાણી તેમાંનું વધુમાં વધુ  વિટામીન સી ધરાવતું ફળ ખવડાવે. અહીં બાળકનો ઉદ્દેશ્ય ફળનો સ્વાદ લેવાનો છે અને શિક્ષક તરીકે આપણો ઉદેશ્ય તે બાળકમાં વિટામીન ઉમેરવાનો છે. વર્ગખંડોમાં દરેક એકમોનો બાળકોને રસાસ્વાદ કરાવવા આવા આવા નુસ્ખાઓ કરવા જ રહ્યા. આવા પ્રયત્નોમાં થોડી દોડાદોડી અથવા તો કાર્યભાર વધ્યો હોવાનો અહેસાસ થશે પણ બાળકોમાંનો ઉત્સાહની સામે તે કંઈ જ નહિ હોય ! અને અમે આ અનુભવ્યું છે ,  તમે પણ અનુભવો આ ફોટોગ્રાફ્સ અને નીચે આપેલ વિડીયો વડે ...👇       




 


🎬video🎬



December 05, 2018

😱 “ જરૂરીયાત નથી, તે યાદ નથી” 😱



😱 “ જરૂરીયાત નથી, તે યાદ નથી” 😱

ગામડાની દુકાને પહોચશો તો આવા ડાયલોગ્ઝ સાંભળવા મળશે.
😎દસની મોરસ આપો...
😎 વીસની ચા અને ત્રીસનું તેલ...
😎પંદરનો ગોળ અને બેનું શેમ્પુ ને પાંચ વારો હાબુ....
જો ગ્રાહક તરીકે બાળક હોય તો વાલી તરફથી ખરીદી માટેની સુચના પણ આવી જ હોય..
😎વીસની ચા, પાંચનું શેમ્પુ અને દસની મોરસ લેતો આવ.. વધે એ પાછા લાવજે . [કેટલા વધે અને કેવી રીતે કોઈ સમજ નહિ અને હોય તો બાળકને આપવાની નહિ ]
હવે તમને થશે કે એ બધું છોડો, તમે શું કામ અત્યારે આ ડાયલોગની દુકાન ખોલી બેઠા..?
         વિચારો કે પ્રાથમિક શાળા કક્ષાએ ગણિત શીખવવાનો ઉદેશ શું ? ઘણા જવાબમાં એક જવાબ એ પણ હોય કે બાળક વ્યહવારિકતા સમજી લેવડ દેવડ કરતો થાય ! આ વ્યવહારુ જ્ઞાન શીખવવા માટે ગણિતનો જ ઉપયોગ થાય છે - ત્યારે ગણિત માટે વ્યવહારિક પદ્ધતિઓ અપનાવવી એ જરૂરિયાત છે. વ્યહવારિક ગણિતમાં ગ્રામ્યકક્ષાએ થોડી વધારે મુશ્કેલીઓ જોવા મળતી હોય છે. તેનું એક કારણ ઉપરના ડાયલોગ્સ છે. કારણ કે બાળકોને વ્યવહારુ જ્ઞાન આપવાનું થાય ત્યારે આપણો સૌ પ્રથમ ભાર કયાંથી શું મળશે ? ની સાથે સાથે કયા પ્રમાણમાં મળશે તેના પર હોય છે !  જયારે તમે ઉપરના સંવાદો જોશો સાંભળશો તો ક્યાંય માપ(પુસ્તક મુજબના) નું નામો નિશાન નથી હોતું ! જેમ કે દસની મોરસ કહીએ પણ કેટલી આવશે તે પ્રમાણમાપના શબ્દો નથી ઉચ્ચારાતાં પરિણામે બાળકો શોપિંગ કરે છે પણ વ્યવહારુ જ્ઞાન થી એ જોજન દુર હોય છે ! આમ પણ ગામડાંના બાળકો શહેરના બાળકો કરતા વધુ નાની ઉંમરમાં, વધુવાર શોપીંગ એટલે કે દુકાનદારીની લેવડ દેવડ કરતાં હોય છે ! છતાં પણ આવા અધૂરા સંવાદ ને કારણે જ બાળકોનું જ્ઞાન પણ અધૂરું જણાય છે. જેથી બાળકોને એ પણ ખ્યાલ હોતો નથી કે તેલ લીટરમાં અને ખાંડ કિલોગ્રામમાં મપાય ! એવી કોઈ સુચના વાલી કે વેપારી ધ્વારા બાળકોને કાને અથડાઈ જ નથી હોતી. આપણે પણ આ બાબતે બાળકોને શીખવીએ છીએ પરંતુ “જરૂરીયાત નથી, તે યાદ નથી” વાળો નિયમ લાગુ પડી જાય છે, કારણ કે શિક્ષક તરીકે આપણે ભલે પરીક્ષા લક્ષી હશું “બાળકો પરીક્ષાલક્ષી બની શાળામાં નથી આવતાં”. એટલા જ માટે જે જે આપણે શીખવીએ છીએ તે બાબતોને તેના જીવનની રોજીંદી પ્રક્રિયામાં જોડતા જઈશું, નહિ તો તે ના તો પરીક્ષામાં ઉગી નીકળશે કે ના તો બાળકના જીવનમાં ! માટે જ આવી બાબતોને આપણે આપણા પ્રયત્નો અને પ્રવૃત્તિઓ ધ્વારા પૂર્ણ કરવી જ રહી ! જેમ આ પ્રવૃત્તિમાં નવાનદીસરના વેપારીઓએ જ શિક્ષક બની અમારું આ કામ કર્યું.     


 


 


 

 




 

🎬 video...