December 21, 2018

બાળકોના બાળપણની જીવંતતા !!



બાળકોના બાળપણની જીવંતતા !!
પોતાની પેઢીમાં સામાજિકતા કેળવાય અને ભવિષ્યમાં સામાજિકતા સાથે સમુહમાં સારી રીતે વ્યવહારુ જીવન જીવી શકે – આવા ઉદ્દેશ્ય સાથે સમાજ પોતાના બાળકોને શાળાએ મોકલે છે. ભવિષ્યનો નાગરિક અને આજનો બાળક એવા આ વ્યક્તિનું ઘડતર અને ચણતર સુચારુરૂપે થાય એટલા માટે શાળા વર્ગખંડોમાં સતત મથતી રહે છે. આ બધામાં જેના માટે “આ બધું છે” અને શાળા અને સમાજ બંનેનું જે કેન્દ્ર છે એવા બાળક માટે ભવિષ્યની ચિંતામાં વર્તમાનનો ભોગ ન લેવાય તે જોવાની અને સાચવવાની જવાબદારી આપણા સૌની છે ! બાળપણ એ દરેક વ્યક્તિના જીવનનો સુવર્ણકાળ છે, એટલે સોનાને ભાગીને સોનું બનાવવું એ તો મૂર્ખાઈ છે ! ભરવાડ ને પૂછવામાં આવે કે ઘેટાં આખી રાત બોલ્યા કરે છે તો તમને કંટાળો નથી આવતો ? – તો જવાબ એ જ હોય કે સાહેબ એ તો એમની લાક્ષણિકતા છે. એ ન બોલે તો ચિંતા થાય. જો એક પ્રાણીની લાક્ષણિકતાઓ પ્રત્યે તેનો માલિક આટલો સભાન હોય તો પછી આપણા ત્યાં તો એ બાળકો આવે છે જે આપણા સૌનું ભવિષ્ય છે. તેમની લાક્ષણિકતાઓને તોડવી એ એમણે મળેલી શક્તિઓને રૂંધી નાખવા સમાન છે. મશીન સાથે કામ કરતા સામાન્ય મિકેનિક અથવા કારીગરને પણ ખ્યાલ હોય છે કે મશીનરીને નષ્ટ કરી તેનું રીપેરીંગ કાર્ય ન હોઈ શકે. તો શિક્ષક તરીકે આપણે પણ પ્રાથમિક શાળામાં બાળકોનું બાળપણ જીવંત રહે અને તેમાં આપણે શિક્ષણનું શાણપણ ઉમેરી તેનું ઘડતર કરીએ તે જ મહત્વનું છે. માટે હવે યાદ કરો કે તમને બાળક તરીકે બાળપણમાં શું શું કરવું ગમતું હતું અને આજે શિક્ષક તરીકે શિક્ષણ માટે બાળકને શું કરાવવું છે ? – “રમતાં રમતાં ભણીએ” - એ બાળકો માટેનું સૂત્ર છે પણ “રમાડતાં રમાડતાં ભણાવીએ” એ આપણા માટેનું સૂત્ર છે. રમાડવાનો અને ભણાવવાનો - બંનેનો સમન્વય કરી લો અને લાગી જાઓ. જેવી રીતે માટીની મજા માણવા સાથે લાગ્યાં છે અમારાં બાળકો અને બાળક બનેલાં શિક્ષકો ! 

  

 
  




 





No comments: