August 31, 2010

પ્રજ્ઞા - સા વિદ્યા યા વિમુક્તયે!

ભારતની શિક્ષણ પદ્ધતિને જો આદર્શ પરિસ્થિતિમાં જોઈએ તો
આપણે ભૂતકાળમાં બોલતા હતા સા વિદ્યા યા વિમુક્તયે "
અને આજે બોલીએ છીએ સૌ ભણે સૌ આગળ વધે!"
બંને બાબતોમાં આજની આપણી શિક્ષણ પદ્ધતિ વાસ્તવિકતાની ધરાતલ પર ખોટી પડે છે!
1.       શું આપણી શાળામાં આવતા બધા બાળકો બધું શીખે છે?
2.       શું આપણે બધાને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ?
3.       શું આપણે દરેક બાળકને પોતાની ગતિથી શીખવાનો સમય આપીએ છીએ?
4.       શું આપણે શિક્ષણ વર્ગખંડની બહાર પણ હોઈ શકે તે સ્વીકારીએ છીએ?
5.       શું આપણે Every child is special  એમ માનીએ છીએ?
6.       શું આપણે બાળકને તેની પાંચેય ઇન્દ્રિયોથી શીખવાનો મોકો આપ્યો છે?
7.       શું આપણે બાળકની વયને ધ્યાનમાં રાખી શૈક્ષણીક સાધનો બનાવ્યા છે?
8.       શું આપણે દરેક બાળકને તેને જોઈએ તેટલો આપણો સમય આપી શક્યા છીએ?
9.       શું આપણે બાળકને પોતાના મિત્ર પાસેથી શીખવાનો મોકો આપ્યો છે?
10.   શું આપણે બાળકને તેની જાતે શીખવાની તક આપી છે?
11.   શું આપણે બાળકનું સતત મૂલ્યાંકન કર્યું છે?
12.   શું આપણા બાળકો પરિક્ષાની ચિંતાથી મુક્ત છે?
·         જો જવાબ ના હોય તો સા વિદ્યા યા  વિમુક્તયે ક્યાંથી?
·         જો જવાબ ના હોય તો સૌ ક્યાંથી ભણશે?
અમને ખુશી છે કે આ બધા પ્રશ્નોને ઉકેલ આપતી નવી શિક્ષણ પદ્ધતિ આ વર્ષથી અમારી શાળામાં પહેલા અને બીજા ધોરણમાં શરુ થઇ છે
પ્રજ્ઞા – પ્રવૃત્તિ લક્ષી જ્ઞાન
શિક્ષણક્ષેત્રે આપણી સૌની ચિંતાઓ અને વિદ્યાર્થીઓમાં અભ્યાસસ્તરનું વૈવિધ્ય બંને વધતું જાય છે.
આ વૈવિધ્ય કુદરતી અને ઇચ્છનીય છે, છતાં પણ તેને કારણે આપણી વર્ગની શૈક્ષણિક ગુણવત્તા પર પ્રશ્નાર્થ લાગતા જ જાય છે,તેમાંય આપણા વિદ્યાર્થીઓની કૌટુંબિક પરિસ્થિતિને કારણે રહેતી તેમની અનિયમિતતા,તેની અનિશ્ચિત ગેરહાજરી..ધીમે ધીમે બાળકને શિક્ષણ (જેને આપણે શિક્ષણ માનીએ છીએ-બાળકો નહિ) પ્રત્યે અરુચિ  થતી જાય છે.  આવા અનેક પ્રશ્નો અને પડકારો આપણી સામે છે તેની સામે શાહમૃગવૃતિ રાખી શકાય જ નહિ.  શિક્ષણ Dynamic  છે તો તેને બાળક સુધી પહોંચાડવાના અભિગમ પણ Dynamic જ હોવા જોઈએ.
     શિક્ષણના કેટલાક Basic છે...જેને આપને પી.ટી.સી. વખતે તેને થીયરી કહેતા હતા તે..જેને લાગતા કેટલાક પ્રશ્નો આપણે ઉપર જોઈ ગયા..તે બધાને ધ્યાનમાં રાખી શૈક્ષણિક કાર્ય થઇ શકે તે માટેના પ્રજ્ઞા અભિગમની વાત પણ થઇ ..તેની શરૂઆતથી જ અમને કેટલીક વાતો સ્પષ્ટ થઇ રહી છે તે-
1.       અહી અભ્યાસક્રમ શિક્ષક્ના હાથમાં રહેવાને બદલે દીવાલ પર રંગીન Ladder ના રૂપે  છે. તેથી અભ્યાસક્રમ શિક્ષકે નહિ પણ વિદ્યાર્થીએ પુરો કરવાનો છે.
2.       દરેકને પોતાની ગતિ અને પોતાના સમયે શીખવાની છૂટ છે.
3.       શિક્ષક હવે સાહેબ કે બેન નથી, તે પણ સાથે બેસી(પહેલાની જેમ સામે બેસીને નહિ)તેને મદદ કરે છે. તેથી હવે તેને શાળામાં અજાણ્યું કે અતડું કશું લાગતું નથી.
4.       અહી વિદ્યાર્થીને ફક્ત શિક્ષક પાસેથી જ  શીખવું ફરજીયાત નથી તે પોતાના જેવડા-પોતાનાથી મોટા કે પોતાનાથી નાના વિદ્યાર્થી પાસેથી પણ શીખી શકે છે.
5.       અને અમને જોવા મળેલો સૌથી મોટો ફાયદો એ છે કે અહી વિદ્યાર્થી એક મુદ્દો શીખે તે દરમિયાન તેના શીખવા માટે જરૂરી તેવા બધા પગથીયોમાંથી તેને પસાર થવું જ પડે છે..જેમકે તે નવો કોઈ મુદ્દો શીખે, દ્રઢીકરણ કરે, મહાવરો કરે તેનો ઉપયોગ કરતા શીખે, તે પછી તરત તે જ મુદ્દાને લાગતું મૂલ્યાંકન થાય અને જો જરૂર જણાય તો ત્યાં જ તેનું ઉપચારાત્મક કાર્ય થાય

પ્રજ્ઞા માટેના અમારા શિક્ષકોના મંતવ્યો આ રહ્યા...
1.       “પ્રજ્ઞાથી જેટલી અનુકૂળતા બાળકોને શિખવામાં પડે છે તેના કરતાં ત્રણ  ગણી  અનુકૂળતા મને શિખવવામાં પડે છે, હવે હું દરેક બાળકને પર્સનલી ધ્યાન આપી સમજી અને શીખવી શકુ છું, હવે તો જ્યારે-જ્યારે હું બાળકને શિખવતી હોઉં છું ત્યારે શિક્ષિકાબેન ઓછી અને કાર્ડ શીખી ગયેલ બાળક વધારે લાગું છું, સાચું  કહું તો પ્રજ્ઞા એટલે  બાળકોને મન શીખવાની  સરળતા અને શિક્ષકને ફાળે બાળકને  શિખવવા માટે કરેલ મહેનતનું 100% પરિણામ !
                                                        -નીલોત્તામાબેન પટેલ [ગણિત- સપ્તરંગી ના વિષય શિક્ષક]

2.       પ્રજ્ઞામાં બાળકને  શિખવાની સાથે શિખવવા પણ મળે છે જેથી તેને  તેના મહત્વનો [હયાતીનો] અહેસાસ થાય છે,પોતે શિખશે તો જ બીજા બાળકોને તે શિખવી શકશે તેવું જાણતો હોવાથી બાળક શિક્ષક પાસેથી શિખવા માટે ઉત્સાહ બતાવે છે. પ્રજ્ઞા કાર્યક્રમ એ અનિયમિતતાનો રામ-બાણ ઇલાજ છે.” 
                             
                                     - ચંદુભાઈ બામણીયા [ ગુજરાતી- પર્યાવરણના વિષય શિક્ષક] 

અને હવે કેમેરાની આંખે જોઈએ પ્રજ્ઞા કેવી રીતે?

 બાળક સમજી શકે તેવો ચિત્રાત્મક અભ્યાસક્રમ એટલે લેડર(નિસરણી)


 વિદ્યાર્થી જાતે ત્યાંથી પોતે હવે શું શીખવા જઈ રહ્યો છે તે શોધશે.


તેને લેડર પર જેવું ચિત્ર જોયું હશે તેને આધારે તે -તેવા જ સિમ્બોલ ધરાવતી ટોપલી તરફ જશે.


 તે ટોપલીમાંથી તેને લેડર પર જોયું હોય તેવા ક્રમ મુજબનું કાર્ડ લે છે અને તેની પરના સિમ્બોલના આધારે પોતાની બેસવાની જગ્યા (છાબડી) નક્કી કરે છે.
    
અહી તે શિક્ષકસમર્થિત જૂથમાં બેસી શીખી રહ્યો છે


તેનું તે કાર્ડ મુજબનું કામ પૂરું થયા પછી તે ફરી લેડર પાસે જાય છે


અને તેના સિમ્બોલના આધારે ફરી કાર્ડ ઉપાડે છે

તે કાર્ડને આધારે પોતે ક્યાં બેસશે તે નક્કી કરે છે.


તે પોતાની જગ્યાએ બેસી -આ વખતે આંશિક શિક્ષકસમર્થિત જૂથમાં બેસી પોતાના કાર્ડ મુજબની પ્રવૃતિથી શીખે છે

આ રીતે તે પોતાની ગતિ થી શીખવાનું ચાલુ રાખે છે
આ સંદર્ભે થતા આપના પ્રશ્નો આવકાર્ય છે
સાથે સાથે શિક્ષકનો હવે શું રોલ છે આ વર્ગખંડમાં તે વિષે પણ વિગતે જોઈશું હવે પછી- 

 

August 26, 2010

આંગળાનો જાદુ- બાળગીત

સુરતના મિત્ર શ્રી પ્રકાશભાઈ પરમારે છેલ્લે મળ્યા ત્યારે એક મજાનું સ્વરચિત બાળગીત સંભળાવ્યું...
તેને શાળામાં ગવડાવ્યું તો બધા વિદ્યાર્થીઓને ખુબ ગમ્યું...અહી તે ગીતને ફોટોગ્રાફ્સથી મુકવાનો પ્રયાસ કરું છું..આશા છે ગમશે..









ગીત ગમે તો તમારા અભિનંદન પ્રકાશભાઈ સુધી પણ પહોંચાડજો.            lightmoonthesir@gmail.com