December 26, 2021

મુસાફરીની મજા!


મુસાફરીની મજા!



બાળકોની ભાષા સમૃદ્ધ કરવા માટે તેની સાથે પુષ્કળ વાતો/ સંવાદ કરવો જોઈએ એવું કહેવામાં આવતું હોય છે. પરંતુ આપણે મોટેભાગે જોઈએ તો વર્ગખંડમાં આપણે તેની સાથે સંવાદ નહીં, પરંતુ એક તરફી તેનામાં ભાષા રેડયા  કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. બાળક જેટલું સાંભળે એટલું/એવું બોલી શકે. હવે જ્યાં બોલવાની તક ઓછી મળતી હોય ત્યાં ભાષા સમૃદ્ધ થવી એ એક મુશ્કેલ બાબત છે. 

 આપણી પાસે છે, તેટલું જ તેની પાસે જાય હવે આમાં બાળકોનું શબ્દ ભંડોળ વધે અને તેની સાથે વધુ સંવાદ થાય તે માટે શું કરવું એવું પુસ્તકોમાં  કહેવામાં આવે છે ત્યારે એવી પ્રક્રિયાઓ વર્ગખંડમાં આપમેળે થતી હોય છે.  પરંતુ આપણે જ અવાજ ન કરો અવાજ બંધ કરો/ વાતો ન કરો આવા રોડા નાખી તેમના ભાષા વિકાસને અટકાવતા હોઈએ છીએ. 

એ વાત જુદી છે કે જ્યારે શિક્ષક  ના હોય ત્યારે બાળકો એકબીજા સાથે અવનવી  રીતે વાતો કરતા હોય છે. બાળકોના આ સ્વભાવનો  લાભ લઈ આપણે કોઈ એવો મુદ્દો એમનામાં છોડી દઈએ અને એકબીજા સાથે વાતો કરવા દઈએ  તો આપણી મર્યાદાથી મર્યાદિત રહી જતું શબ્દભંડોળ એની જાતે જ એક બીજા સાથે  ચર્ચામાં વધતું જાય છે.  અને આવી રીતે વધેલું શબ્દ ભંડોળ જ બાળકની ભાષા સમૃદ્ધ બનાવે છે. આવી તકો આપણે વર્ગખંડમાં ઉભી કરવી પડશે. બાળક આપણી સાથે જ વાત કરે તેવો આગ્રહ રાખતાં બાળકો એકબીજા સાથે વાતો કરે એવી પ્રવૃત્તિઓ પર વધારે ભાર મુકવાથી જ બાળકોની ભાષા સમૃદ્ધ બને છે. 

એ જ રીતે તેઓ બોલે તે આપણા વિચારોમાં અયોગ્ય  ખોટું છે એમ લગાતું હોય તો એ ખોટું છે એમ કહેવાને બદલે એ તેવું કેમ માને છે ? તેમ પૂછી વધુ બોલવા કહેવું. (અને એ રીતે ભાષાને વધુ શાર્પ કરી રજુ થવાનો મોકો આપીએ.) આપણા મનમાં પૂર્વેથી જ રચાયેલા જવાબો એ ભાષા નથી, ભાષા એ કે એવા જવાબો સુધી પહોંચવા વખતે થતી મુસાફરી છે.  >   મજા લઈએ અને મજા લેવા દઈએ આ મુસાફરીની ! 


December 22, 2021

તમને આવો અનુભવ છે ?


તમને આવો અનુભવ છે? 


બાળકો કેવી રીતે શીખે છે ? એ તમે જેટલા વ્યક્તિઓને પૂછશો એટલી રીતો સાંભળવા મળશે. ઘણીબધી રીતો જાણવા મળશે. અવનવી પદ્ધતિઓ  જાણવા મળશે. તમે જાણેલી એ બધી રીતભાતથી તમારા વર્ગખંડમાં પરિણામ મળશે જ ? એવો જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે 100% ગેરંટી મળવી મુશ્કેલ હોય છે.  તેનું કારણ છે કે તે જે તે વર્ગખંડમાં શિક્ષકને ત્યાં થયેલા અનુભવોના આધારે કાઢેલા રસ્તાઓ હોય છે. તેથી ત્યાં તે સફળ એટલે રહ્યા કે તેમણે તે અનુભવ્યું છે. વ્યવસાયમાં આ કહેવત હંમેશા  સાંભળતા હોઈએ છીએ કેજ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી

સમાજમાં કોઈ વ્યક્તિ વ્યવસાયમાં કઈક નવીન સાહસ કરવાની વાત કરે ત્યારે સૌથી પહેલો પુછાતો પ્રશ્ન પણ આ જ છે તને આ વ્યવસાયનો અનુભવ છે? – કારણ એ જ કે સમાજમાં અનુભવને રાજા ગણવામાં આવ્યો છે. અનુભવ ધ્વારા જ નવું શીખવા પર સમાજમાં ભાર મૂકવામાં આવ્યો છે. એટલે જ તો નાની ઉંમરે બાળકને દુકાને મોકલતી  માતા કહેતી હોય છેએને અનુભવ થાયને !” - “ઘડાયને !ખેતરમાં ભાત આપવા કે ઘરના વ્યવસાયનું નાનું કામ બતાવતા પપ્પાનો પણ આ જ ડાયલોગ હોય છે ને ?! 

શાળામાં ચાલતી સહાભ્યાસિક પ્રવૃત્તિઓમાં જ્યારે બાળકોને સામેલ કરીએ છીએ ત્યારે આપણને બાળકોના એ અનુભવ આધારિત જ્ઞાનનો જ લાભ મળતો હોય છે. પ્રયોગ માટે તૂટી ગયેલા કસનળીના સ્ટેન્ડને ઊભું કરવાનું કામ શાળામાંના વિદ્યાર્થીઓ પૈકી સુથારી કામ કરતા વાલીનો બાળક ખૂબ સારી રીતે કરી લેતો હોય છે. આ બાબત દરેક બાળકો પર લાગુ પડતી હોય છે. તેનું કારણ તેમને સમાજે આપેલ અનુભવ છે. 

સમાજમાં જેનું આટલું મહત્વ છે તેવાઅનુભવની બાબતોમાં શાળા કેમ્પસમાં કેટલું સ્થાન છે તે એક વિચારવા જેવી બાબત છે. અનુભવો આપી ઘડાયેલા બાળકોના કૌશલ્યોનો લાભ આપણે લઈએ છીએ. તેવી રીતે શાળામાં આપણે બાળકોને સ્વાનુભવ કરાવી તેનો લાભ સમાજને મળે તે બાબતમાં પણ વિચારવું પડે કારણ કે જ્ઞાન એટલે ફક્ત જાણેલું એટલું જ નહીં જાણ્યું + અનુભવ્યું = જ્ઞાન.  

બાળકોમાં જાણવાની રુચિ બાય ડિફોલ્ટ હોય છે. વિજ્ઞાનમાં તો એનો આપણે સૌ ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ આપણા પ્રયત્નોમાં થોડી કચાશ જોવા મળે છે તેને અનુભવ કરાવવાની. ઉષામાં વહન કરે છે તે સાંભળવું. લખવું જોવું અને અનુભવવું આ બધી અલગ અલગ બાબતો છે. આવી બાબતો આપણે કહીએ છીએ અને તે જાણી સમજી લે છે એવું માનીએ ત્યારે નકશામાં હવા ખાવાના સ્થળ પર ફરી આવવા જેટલો જ આનંદ અને અનુભવ મળતો હોય છે. ઉષા વહનનો વિડીયો બતાવવો એટલે જાણે પર્યટન સ્થળનો વિડીયો બતાવી / અલગ અલગ રાઇડ્સનો વિડીયો બતાવી આનંદ કરાવવા જેવુ છે. અનુભવનો કોઈ વિકલ્પ નથી. અને શાળાએ આપેલું જ્ઞાન સમાજમાં ત્યારે જ ઉપયોગમાં લેવાય છે જ્યારે તે અનુભવમાંથી પસાર થયો હોય. 

વિજ્ઞાન જે કહે છે તે સાબિત કરવાની જવાબદારી પણ આપણી જ છે. વિજ્ઞાને કહ્યું તેવું ત્યારે જ થાય છે જ્યારે તેની આસપાસના પરિબળો વિજ્ઞાન કહે તે મુજબના તે અનુભવી શકે. આ બાબતો ધ્યાનમાં રાખી જો બાળકોને શાળામાં જ અનુભવ ન કરાવીએ તો બને કે બહારના અનુભવ વખતે તેની સામે વિજ્ઞાનમાં આપણે કહેલું ખોટું પણ સાબિત થાય.  

એટલે જ જો બાળકોના શિક્ષણ કાર્ય સમયે જ આપણે થોડીક વધુ મથામણ અને દોડધામ બાળકોને સ્વાનુભવ કરાવવા માટેની કરી લઈએ તો શાળાનું શીખેલું સમાજમાં ખૂબ ઉપયોગી થશે. અને હા  અનુભવથી સમાજમાં બાળકોનું મૂલ્ય વધશે.

ચાલો એવા જ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત બળ અને દબાણ ને સમજ માટે  સ્વાનુભવ માટે મથતા ક્લાસને મળવા માટે નીચેના ફોટોગ્રાફ જૂઓ..















December 12, 2021

જૂથનો જાદુ


જૂથનો જાદુ 


વર્ગખંડની પ્રક્રીયામાં સૌથી અગત્યનું જો કોઇ પરિબળ હોય તો એ છે સૂચનાઓ. અહીંયા સૂચનાઓ એટલે શિક્ષક જે કરવા માટે કહે અને એ મુજબ બાળકોએ કરવાનું એ જસૂચનાઓનહીં, પરંતુ વર્ગવ્યવહારમાં વપરાતા શબ્દો/શબ્દ સમૂહો અથવા તો વાક્યો એ બધાને આપણે સુચનાઓ એમ કહીશું. 

એ સુચનાઓ જેટલી વધુ સ્પષ્ટ અને બધા માટે એક જ અર્થ ધરાવતી હોય એટલા વર્ગખંડો વધુ જીવંત. જો એમાં વધુ પડતી સૂચનાઓ શિક્ષકે આપવાની થતી હોય તો વર્ગમાં શીખવા માટેનો સમય તો શિક્ષક શું કરાવવા માંગે છે એ સાંભળવામાં અને સમજવામાં જ જતો રહે. 

પ્રાથમિક શાળામાં જે બાળકો આપણી પાસે આવે છે એ બધા ઘરે ટુંકી અને પુનરાવર્તિત સૂચનાઓ જ સાંભળવા, સમજવા અને પ્રયોજવા ટેવાયેલા હોય છે. જ્યારે આપણા વર્ગમાં દરરોજ તેમને નવી નવી રીતે ભાષાને ઉપયોગમાં લેવી પડે છે. આ કારણે જ વર્ગના કેટલાકની ગાડી આગળના સ્ટેશને પહોંચી ગઈ હોય તો કેટલાકની ગાડી હજુ શરૂ જ ના થઈ હોય એવું જોવા મળે છે.  શિક્ષકે / સાથી મિત્રોએ શું કરવા માટે કહ્યું એ જ સમજણ ના પડે. એટલે જ વર્ગ વ્યવહારમાં જૂથ કાર્ય અને જોડી કાર્ય માટે અપાતી સૂચનાઓ  વર્ગમાં એવી અવ્યવસ્થા કરે કે આપણને થાય કે મોટાભાગનો સમય તો આ ગોઠવણી કરવામાં જ જતો રહ્યો. 

આ સમસ્યાના ઉકેલ તરીકે શાળામાં દરેક વર્ગમાં પાંચ જૂથ બનાવ્યા છે. જૂથ રચનાત્મક રહે અને તે જૂથબંધી ના થાય એટલે શિક્ષક તરીકે અમે માત્ર પહેલાં પાંચ વિદ્યાર્થીઓ (કે જેમને અમે અલગ અલગ જૂથમાં વહેચી દેવા માગીએ છીએ) ને કહીએ કે તેઓ તેમના જૂથ માટે વારાફરતી એક એક સાથી માગે. (બાળકો રમત રમવાની ટીમ આ રીતે જ પાડે છે.) પરંતુ એમાં શરત એટલી કે જો એ માગનાર છોકરો હોય તો એને છોકરીઓમાંથી કોઈને ટીમમાં માંગી શકે અને જો એ છોકરી હોય તો છોકરામાંથી કોઈને માંગી શકે... એટલે દરેક જૂથમાં છોકરા છોકરીઓની સંખ્યા જળવાઈ જાય. (જેન્ડર ઇકવિટી જળવાઈ ગઈ)   એક એક સાથી માંગે પછી તેઓ પોતાના જૂથની જગ્યાએ  જઈ બેસી જશે અને હવે તેમના જૂથ વતી  હમણાં નવા ઉમેરાયેલા વિદ્યાર્થીઓ માગશે. (એટલે એક જૂથમાં કોઈ એક જ વિદ્યાર્થીની પસંદના કે તેના જ મિત્રો ના ભેગા થાય. (જૂથ રચનામાં સમાવેશન પણ જરૂરી છે.)

આ રીતે જૂથ બની જાય ત્યારબાદ તે જૂથના દરેક સભ્યને એક ટેગ આપી.  દરેક જૂથના સભ્યોને : યુધિષ્ઠિર, ભીમ, છોટા ભીમ, અર્જુન, સહદેવ , નકુલ, હનુમાન, ગણેશ એવા નામ આપ્યા છે. (જો તમારા વર્ગમાં આઠ વિદ્યાર્થીઓ હોય તો આવા આઠ નામ પસંદ કરી શકાય.) આમ, હવે વર્ગમાં પાંચ જૂથ છે અને દરેક જૂથમાં ઉપર કહ્યું એમ આઠ નામ ધરાવતા વિદ્યાર્થીઓ. 

આ વ્યવસ્થા કરવા આપેલી ત્રીસ મિનિટ ત્યારબાદની આપણી વર્ગની તમામ સૂચનાઓને સહેલી કરી નાખે.  જેમ કે તમે કહ્યું પેજ નંબર 15 પર આપેલી પ્રવૃતિ - 4 વિશે ચર્ચા કરો અને લખો. હવે દરેક જૂથ પોતે એક યુનિટ તરીકે વર્તે છે અને તે પરસ્પર તે મુજબ તેમ કરવામાં મદદ કરવા માંડે છે. 

તમે અમારા ફેસબુક/ યુટ્યુબ પર આ રીતે જૂથમાં ચર્ચા કરી જૂથ મુજબ પોતાનું કાર્ય વર્ગ સામે રજૂ કરતાં બાળકો જોયા જ હશે.  જૂથના સભ્યો અંગે જવાબદારી કવિતા  , ગાન અને તાળી આ જૂથ એ ફિક્સ જૂથ તરીકે તેમજ સતત પરિવર્તન જૂથ તરીકે  કાર્ય કરી શકે. જેમ કે તમે માત્ર એટલી સૂચના આપો કે પાંચેય જૂથમાંથી અર્જુન નીકળી જઈ ને છઠ્ઠું  જૂથ બનાવશે. તો એક જ સુચનામાં છઠ્ઠું જૂથ બની જશે. તમે પાંચેય જૂથના યુધિષ્ઠિર/ અર્જુન/ગણે એમ જૂથ બનાવવા માટેની સૂચના પણ આપી શકો. 

આ જૂથના સભ્યો એકબીજાને એકમ કસોટીમાં આપણા વડે અપાયેલી સૂચનાઓ વાંચી તે મુજબ ઉપચારાત્મક કાર્ય કરવામાં મદદરૂપ થાય. આ સિવાય પણ જુદા જુદા જૂથમાં જુદા જુદા દાખલા ગણવા/ પ્રશ્નો ઉકેલવા/ પ્રોજેક્ટ બનાવવા જેવા કાર્ય સોંપવામાં સરળતા રહેશે. અને વર્ગનો વધુ સમય બાળકો શીખવામાં આપી શકશે. 

આ જૂથને બીજી કઈ કઈ બાબતો સાથે સાંકળી શકાય તે અંગેના સૂચનો અમને જરૂરથી મોકલજો


November 30, 2021

શેરી વર્ગખંડ થી શાળા વર્ગખંડ સુધીની યાત્રા !

શેરી વર્ગખંડ થી શાળા વર્ગખંડ સુધીની યાત્રા ! 

અરે ! જુઓ તો ખરા, બધાં ક્લાસમાં ચૂપચાપ બેસી ગયાં છે ! ધોરણ પહેલાના વર્ગશિક્ષકે દોડવાની ગતિએ બહાર આવીને કહ્યું…..

છેલ્લા 20 વર્ષથી ધોરણ પહેલાના વર્ગખંડના અનુભવી શિક્ષિકાબેન માટે આ નવાઈ હતી. ક્યારેય ધોરણ પહેલું આટલું ચૂપ અને તે પણ પહેલા દિવસે હોય ? શક્ય જ નથી. આવું પહેલીવાર દેખાયું એટલે એ એકલા નહીં પણ પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલાં બધાં માટે આ તો ચમત્કાર જેવું જ લાગતું હશે ! જઈને જોયું તો ડેસ્ક મુજબ બાળકો ગોઠવાઈ બેસી ગયાં હતાં. કેટલાંક સાથે લાવેલ નોટબુકમાં લખતાં, તો કેટલાંક ડેસ્ક પાસે ઉભડક બેઠેલાં , તો કેટલાંક એકબીજા સામે જોતાં વાત કરવાની ઉત્તેજના પણ મુંજવણ સાથેનો ચહેરો બનાવી બેઠેલાં દેખાયાં ! 

બાળકોના ચહેરા વાંચતાં જ ખબર પડી ગઈ કે આ વર્ગખંડ શાંત નહીં અસમંજસથી ભર્યો છે. બાળકોના ચહેરા પર અરે આ ક્યાં આવી ગઈ અરે આ ક્યાં આવી ગયો? વાળી ફિલિંગ દેખાઈ આવતી હતી. અત્યાર સુધી બાળકો શેરી શિક્ષણમાં ખુલ્લામાં પોતાની મોજ મરજી મુજબ બેસી ભણવાની મજા હતી. ના ડેસ્ક ન લાઇન એવી દીવાલ વગરની શેરી શિક્ષણની દુનિયામાંથી સીધા  લાઇનસર ગોઠવાયેલા ડેસ્ક સાથેની ચાર દીવાલો વચ્ચે પહેલો દિવસ એટલે એમના માટે પુરાઈ ગયાં અથવા ફસાઈ ગયાં જેવી ફિલિંગ આવવા લાગી હોય તે કળાતું હતું. જાણે કે ચમચી પકડવાના પણ ચુસ્ત નિયમોવાળી કોઈ મોંઘી હોટલમાં જમવા જઈ ચઢ્યા ન હોય !  આપણે સામાન્ય વર્ષોમાં પહેલા ધોરણના કેટલાક બાળકો પ્રથમ દિવસે રડતાં દેખાતાં. એવું આ વખતે એટલા માટે નહોતું કે એમના માટે વર્ગખંડનો પ્રથમ દિવસ હતો, નહીં કે વર્ગકાર્યનો ! શાળાઓ ખૂલી જાય તો શાળાએ જવાની મજા પડે એવું બોલતાં બાળકો માટે રમવાનું મેદાન એ જ  શાળા એવું એમણે માની લીધું હતું. એટલે જ વર્ગખંડ શરૂ થતાં પહેલાં મેદાનમાં  શિક્ષક સાથે વાતો કરવામાં બાળકોને મન જે મજા દેખાઈ આવતી હતી તે વર્ગખંડમાં પ્રવેશતાં જ ઉડનછુ થઈ ગઈ હતી. 

બાળકોની મનોસ્થિતિ જોઈને જ ખ્યાલ આવી ગયો કે પહેલાના વર્ષોમાં શાળા નવીન પ્રવેશ મેળવનાર બાળકોને શાળા પરિચય કરાવતી હતી તે આજે કરાવવો જ પડશે. કારણ કે આ બાળકો વર્ગશિક્ષક અને વર્ગકાર્ય જાણે છે પણ વર્ગખંડોના સમૂહ એવી શાળાથી અજાણ છે. 

બાળકોને શાળા પરિચય વડે મજા આવી પણ વધારે મજા ત્યારે આવી જ્યારે શાળા પરિચયની શરૂઆત ત્યાંથી કરી જ્યાં શાળા બહાર શેરીઓમાં શિક્ષણ માટે બેસતાં હતાં. બાળકો માટે પણ શેરી વર્ગખંડથી શાળા વર્ગખંડ સુધીની કન્વર્ટ જર્નીની યાત્રા તેમને ખૂલીને વર્તવામાં મદદ કરશે તેવી પૂરી આશા છે.

November 28, 2021

શીખવાના આટાપાટા ! 😍

શીખવાના આટાપાટા ! 😍

શીખવાના આટાપાટામાંથી કયા પાટે કયા વિદ્યાર્થીઓ શીખવાનું શરૂ કરશે….. તે હજુ સુધી કોઈ નક્કી કરી શક્યું નથી. ગણિત જેવા વિષયોમાં અમારા સહિત સૌએ ધારી લીધું છે કે, જે બાબત ની સંકલ્પના સ્પષ્ટ કરવાની હોય તે માટેના ઉદાહરણો આપવામાં આવે તો જ તેઓ તે બાબતને સમજી શકે છે. અને એટલે જ આપણે શીખ્યા ત્યાંથી લઈને અત્યાર સુધી ગણિતમાં શીખવવાની શરૂઆત ઉદાહરણોથી કરવી તે સ્વાભાવિક ક્રમ રહ્યો છે !

        આ વખતે ધોરણ છ માં દશાંશ અપૂર્ણાંક વિષે વાત કરતી વખતે તેમને કેટલીક બાબતો ધારીને કહેવા માટે કહ્યું જે વિશે અગાઉ તેઓએ ક્યારેય સાંભળ્યું નહોતું, ક્યારેય લખ્યું નહોતું, માત્ર ધારો કેઆ પ્રકારે સ્થિતિ હોય તો શું જવાબ આવે ? શું લખાય? એવું કરવા માટે તેમણે પોતાની આસપાસમાં બેઠેલા મિત્રો સાથે વાતચીત કરી અને જૂથે ધારણા કરી તે બોર્ડ પર લખવા કહી. ઘરે રહીને કોઈપણ બાબતોથી ગભરાઈને અટકી ન જવાનું જે કૌશલ્ય આ બાળકોએ પ્રાપ્ત કર્યું છે તેની અસર જોવા મળી કે પાંચ પૈકી ત્રણ જૂથના બાળકોએ સાચો જવાબ બોર્ડ પર લખ્યો ! તે પણ માત્ર ધારણા વડે પછી શિક્ષક તરીકે અમારે માત્ર તે પાંચમાંથી આ ત્રણ ધારણાઓ સાચી છે એ માટેના ગણિત પગથિયાં જ કહેવાના રહ્યા.

આવું જ ધોરણ છમાં ત્રિકોણની એકરૂપતામાં બાબાબાની શરત વિશે કહ્યું કે આ બાજુ બાજુ બાજુ - અને ત્યારબાદ તેમને પૂછ્યું કે બીજી કઈ કઈ શરતો હશે ? તો તેઓ ધારીને બીજી શરતો (કાકબા સિવાયની) કહી શક્યા. તેમજ  બાખૂબામાં બા - ખૂ-  બા શું છે તે પણ કહી શક્યા. કાકબા વિશે પૂછ્યું તો કાટખુણા ના બદલે કેટલાકે કાગડો ધાર્યો એ જુદી વાત છે. જ્યારે કાટખૂણો કહ્યું તો અને તેની સામેની લીટી કર્ણ કહેવાય એટલે કાટખૂણો - કર્ણ -  બાજુ હશે એ પણ તેઓ ધારી શક્યા.

        આમ આપણે જ્યારે કશું નવું શીખવાનું શરૂ કરીએ છીએ ત્યારે સ્પષ્ટ હોઈએ કે ના હોઈએ કેટલીક બાબતો આપણે ધારણા વડે કહેતા/કરતાં  હોઈએ છીએ. એમ હવે આ બાળકો પણ સાહેબે કે બહેને આ ચલાવ્યું છે કે નથી ચલાવ્યું એવા કાલ્પનિક ટેકાઓની રાહ જોઈ અટકી જવાને બદલે ધારણા કરી અને પોતાના મગજને સાચા અર્થમાં શીખવાને અનુકૂળ બનાવે છે.

કોન્સેપ્ટને આ રીતે ધારણા વડે સમજતા થયા છે એ આ કોરોનાએ કરેલા લૉકને અનલૉક કરતી વખતે મળેલો આ સુખદ વળાંક છે.

November 23, 2021

એમ.ઓ.યું. - આનંદ ઉમેરણના !

એમ.ઓ.યું. - આનંદ ઉમેરણના !


કોરોના સમય આપણે ન ધાર્યું હોય તેવી ઘણી ઘટનાઓ અને સ્થિતિઓ લાવ્યો. એવો વિચાર પણ નહોતો આવતો કે આપણે ભૂત જેવા શાળામાં ફરશું ને બાળકો નહિ હોય. શરૂ શરૂમાં તો એવું ય થતું ને કે - હવે થોડા દિવસ...એમ કરતાં  કરતાં  મહિનાઓ વર્ષ બની ગયા. સમસ્યાના રોદણાં રડવાના બદલે સૌએ પોતપોતાને અનુકૂળ હોય તેવા મારગ શોધી લીધા. 

ગામ સાથે શાળાનું એકરૂપ હોવું અમારા માટે સમસ્યા નિવારણ ઝડપી કરનારું રહ્યું.

જેમ અત્યાર સુધી બનતું આવ્યું છે એમ - આમ કરીએ કે તેમ કરીએ ! એવું કશું ધારેલું હતું જ નહિ. બધું જ જાણે કે એની મેળે….સહજ રીતે બનતું ગયું.  અમને ખબર ય ના પાડી કે અમે સૌ ગામનો હિસ્સો ક્યારે બની ગયા. બાળકો માટે સૌની જે લાગણી હતી એ કઈ આ ઘટનાઓ સિવાય જોવા મળી જ  ના હોત. જ્યાં જ્યાં અમારા ધામા નખાયા ત્યાં ત્યાં તે ઘરના રહેવાસીઓ જાણે સતત સવલત આપવા  માગતા હતા. નહીં ફાવે અમને શાળા ભવનમાં

 સત્ર પૂરું થયું. અગાઉથી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી અમારા ગ્રીન બોર્ડ,ચોકડસ્ટરપત્તા, હાર્ડબોર્ડ, ચોપડીઓ, કમ્પ્યુટર જેવા અવશેષો ત્યાં ફળિયાઓમાં જ છોડી વેકેશન મોડમાં આવ્યા. વેકેશન પૂરું થયું ને બાળકોને શાળામાં આવવા માટેની છૂટ મળી ગઈ. અવઢવ થઈ, આદત થઈ ગયેલી ને કે શાળમાં પાંચ દસ મિનિટ રહી ને પછી આખો દિવસ ગામમાં…. અને અચાનક હવે અમે બધા શ્લાં ભવનમાં હતા. દિવસ તો પસાર થઈ ગયો. પરંતુ સતત લાગતું જ રહ્યું કે શેરીઓમાં ભૌતિક બાબતોની સમસ્યા રહેતી પરંતુ જે બાબતોનો ત્યાં જે આનંદ વર્તાતો તે અહિયાં મિસિંગ છે. શીખવતાં શીખવતાં વાલીઓને સહજતાથી વર્ગમાં જોડી દેવાતા. મહેમાનો આવે ચા ઉકળે એટલી વાર ચાની રકાબીઓ અમારા માટે આવી જ જતી. રોટલા ઘડાતા હોય અને અમે ભણાવતાં ભણાવતાં એ રોટલા ટીપાય એની સાથે તાલ મેળવીને...વાતો કરીબપોરે જમવામાં એક - બે રોટલા ય લેતા  આવતા... વરસાદી વાતાવરણમાં ઘરમાં દૂધ ન હોય તોય સાહેબ/બહેનને ગરમ ગરમ કાવો તો પીવડાવો...એમ કરી કાવો ય આવતો. શિક્ષકો જ નહિ બાળકોની પણ એવી જ કાળજી લેવાતી. સમય કરતાં વહેલાં પહોંચી જતાં  ટાબરિયાઓને  ઘરના સભ્યો વાતે વળગાળી રાખતા. બીજા રડતાં છોકરાં કોઈક છાના રાખવા મથતું. (અને પછી પૂછે કે બહેન કુનો સોરો છે ?) .. થોડીથોડીવારે   એકી - પાણી  કર્યા માટે ફર ફર કરતાં  બાળકોને સંભાળ્યા છે. જ્યારે જરૂર પડી ત્યારે  જાતે પલાંઠી વાળી અમારી સાથે  બેઠયા છે. 

એવું બધું એક એક કરી  આખો દિવસ યાદ આવ્યા કર્યું. સાંજે પાંચ વાગ્યા પછી અમે એ શેરીઓમાં પહોંચ્યા. 

અમે જોયું તો બધું જ એમ જ મૂકેલું હતું જાણે કદાચ બાળકો ફરી ત્યાં જ ભણવા આવશે.  અમને જોઈને  એક એક કરી ફળિયું ભેગુ થઈ ગયું...કે સાહેબ આ તો સુનું સુનું લાગે. હવે જાણે ફળિયામાં વસ્તી જ નથી. છોકરાં સુના સુના રમતા હો એવું લાગે. તમે બધા અહીં આવતા તો અમારો દહાડો જતો. ના ના કરતાં ચાર જગ્યાએ ચા પીધીઅને ગોટા તો ખરા જ. ફળિયા અને શાળા વચ્ચે એમ.ઓ.યું. પણ થયાં કે સમયે સમયે આપણે આ રીતે અભ્યાસક્રમમાં શક્ય તેટલું ગામ ઉમેરતા જઈશું, ને બધું બરાબર હશે તોય મહિને એકાદ દિવસ ત્યાં ફળિયામાં ભણવા બેસીશું. 

સતત સ્મરણમાં રહેશે કે ફળિયામાંથી મળેલી એ ઊર્જા !

October 31, 2021

બાળક - : પહેલી અજાયબી !!!

બાળક - :  પહેલી અજાયબી  !!!

બાળકોની દુનિયા અજબ છે. આમ જોઈએ તો બાળકો પોતે અજબ છે. સાત અજાયબીઓની ગણતરી બાળક પછીથી શરૂ કરી હશે.

દરેક વ્યક્તિ માટે પોતાનું બાળપણ યાદગાર હોય છે. એનું કારણ કે તેમાં સમસ્યાઓની યાદ ઓછી પરંતુ સમસ્યાઓને દૂર કરવા મથામણોની યાદો વધુ સમાયેલી હોય છે. મજાથી મુશ્કેલીઓ દૂર કરતાં એટલે કઈ વેઠવું પડ્યું એવું લાગતું નહીંસાચું કહીએ તો મોટાં થયાં ત્યારે ખબર પડી કેઅત્યારે મળી રહી છે સુવિધાઓ" સમયે નહોતી મળતી એને અગવડ કહેવાય. બધુ થવાનું કારણ મનની અવસ્થા !

એવું પણ નહોતું કે મગજ બધુ ખાલી ખાલી હતું. જાણકારી રૂપી જ્ઞાન તો તે સમયે પણ એટલું હતું જેટલું શાળામાં જોડાયા ત્યારે હતું. વિજ્ઞાનની જાણકારી વિના પણ લાકડાની ગાડી અને બળદગાડું બનાવતાં અને ફેરવતાં. મમ્મી પપ્પા અને ઘર - આંગણું સિવાય પર્યાવરણ જેવુ પણ હોય નહોતા શીખ્યા. ત્યારથી ઝાડની ડાળીઓ પર ઝૂલતા અને પાંદળાઓના ચશ્મા બનાવતા, ઘર ઘર રમતાં અને તેમાં  પાંદડાની શાકભાજી અને રોટલીઓ બનતી ! કઈ ઋતુમાં કયા ફળ પાડવા ખેતરમાં જવાનું - તે પણ ખબર હતી

    બાળકમાંથી વિદ્યાર્થી બનાવવાની પ્રક્રિયા શરૂ થતાં કોણ જાણે શું થયું કે પેપરમાં આવડયું કે જે બાળક તરીકે આવડતું હતું ! શિયાળામાં કયા કયા ફળ પાકે? ભુલાઈ ગયું…!!

અહીં જે શબ્દ વાપર્યો છેબાળકમાંથી વિદ્યાર્થી બનાવવાની પ્રક્રિયાતે પર જો આપણે ધ્યાન આપીએ તો આપણા વર્ગખંડોની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે તેમ છે. જેમ કે દુકાનેથી સામાન ખરીદતો બાળક અને વ્યવહારિક દાખલા ગણતો વિદ્યાર્થીવ્યક્તિ ભલે એક હોય છે ગણન ક્ષમતા અલગ અલગ થઈ જાય છે. પોતાની બહેનપણી પૂનમ વિશે લખતી દર્શના અનેમારો પ્રિય મિત્રનિબંધ લખતી દર્શના વચ્ચેની  લેખન અંગેની સમજણ અલગ અલગ બની જાય છે. વર્ગખંડોની પ્રક્રિયામાં એવી તો કઈ એરર ઉદ્દભવે છે કે બાળકોની સમજણ અને ક્ષમતાઓ બે અલગ અલગ પ્રકારની થાય છે ?

આમાં ફક્ત વર્ગખંડની બાજુ વાંક નથી. સમાજ સામે પણ પ્રશ્ન છે. શાળાએ પ્રવેશ કરાવતાં પહેલાં અને પ્રવેશતાં શાળા પ્રવેશ દ્વારની અંદર અને બાહરબંને બાજુથી બૂમો પડતી હોય છે. - ભણવું પડશે, લેશન કરવું પડશે, વાંચવું પડશે, [ ફરજિયાત ] શીખવું પડશેએવો તો મારો ચાલતો હોય છે કે બાળકને ખ્યાલ આવી જાય કે હવે હું - હું નથી રહ્યો અને મારુ જ્ઞાન - જ્ઞાન નથી રહ્યું.

અને એટલે તો દાદાએ કહેલી વાર્તા યાદ રાખી મિત્રોને સંભળાવતો બાળક વિદ્યાર્થી બનીને શિક્ષકે કહેલાં મારી શાળા નિબંધના પાંચ વાક્યો યાદ કરી નથી બોલી શકતો. મોટાભાઇ બહેન પાસેથી પેન પેન્સિલ ખૂંચવી ખૂંચવી ઘૂંટતો બાળકઆપણો  વિદ્યાર્થી બને ત્યારે લેશન કરાવવામાં આપણા મોર બોલી જાય છે.

પ્રક્રિયામાં કઈ જગ્યાએ એરર છે તે શોધવી રહી, અને સુધારવી રહી ! અને તેના માટેનો ઉપાય દેખાઈ રહ્યો છે કે બાળકને બાળક બનાવી રાખીએ અને તે માટે શું કરવું તે શીખવા આપણે સૌ વિદ્યાર્થી બનીએ

*નવાવર્ષની શુભેચ્છાઓ સહ*