Showing posts with label નાગરિક ઘડતર. Show all posts
Showing posts with label નાગરિક ઘડતર. Show all posts

July 27, 2025

જવાબદારી લઈશ તો શક્તિ મળશે !

જવાબદારી લઈશ તો શક્તિ મળશે !

સેજલ અને રાહુલથી શરૂ થયેલી આ પ્રમુખ અને ઉપપ્રમુખની પરંપરા – દર વર્ષે નવા આયામો સર કરે છે. શાળાની મુખ્ય પ્રવૃત્તિ 'નાગરિક ઘડતર'ને નવું નામ 'નાગરિક ઉઘડતર' જ નથી થયું, પરંતુ તેઓ હવે ધીમે ધીમે જાતે શાળા વિશે સભાન બન્યા છે, શીખવા વિશે સભાન બન્યા છે. તેઓને સમજાય છે કે જ્યારે આપણે જવાબદારી લઈએ છીએ, ત્યારે આપણામાં નવા ગુણો, કૌશલ્યો અને શક્તિઓ મળે છે. 'મારાથી થઈ શકે એમ હોય ત્યારે કરું' એમ નથી હોતું, પણ 'જો હું કરવા માંડું તો મારાથી થઈ શકે' – તે વાત તેમને સમજાય છે. એમનું ઊઘડતર થઇ રહ્યું છે. 

આ વખતના જૂથ બનાવવા માટે વધુ મુશ્કેલી ન પડી, કારણ કે ગત વર્ષે જે રીતે ધનુષ અને તેની ટીમે નું કાર્ય કર્યું હતું અને તે હજુ શાળામાં જ આઠમા ધોરણમાં જ આવ્યો, એટલે તેણે ગત વર્ષની આખી ટીમને લઈને દરેક ધોરણના ચાર જૂથ બનાવ્યા. શાળામાં વધેલી સંખ્યાને ધ્યાનમાં રાખી એવો નિર્ણય પણ લેવાયો કે દરેક જૂથની અંદર પણ '' અને '' એમ બે ભાગ હશે, જેથી કરીને જ્યારે શૈક્ષણિક કાર્ય હેઠળના જૂથ વર્ગમાં બનાવવાના થાય, ત્યારે માત્ર ચાર જૂથમાં નહીં પરંતુ આઠ જૂથમાં જૂથ કાર્ય કરવાનું થાય. તેમણે એ જ વખતે આઠે આઠ જૂથની અંદર હોમવર્ક માટેની જગ્યા અને બેઠક વ્યવસ્થા કેવી રીતે થશે, તેની પણ ડિઝાઇનિંગ કરી દીધું. નવા બનેલા જૂથની અંદર નાનકડી જૂથ સભા કરી અને તેના લીડર અને ઉપલીડરની ચૂંટણી પણ થઈ ગઈ.

હવે કાજલ અને ધનુષ લાગી પડ્યા હતા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે. ઉમેદવારોની સંખ્યા શરૂઆતમાં તો ત્રણથી વધી જ નહીં, પરંતુ ધીમે ધીમે તેમની સાથે ચર્ચા કરતા કરતા તેઓની એ પણ સમજાયું કે જ્યારે આપણે આવી કોઈ ચૂંટણીમાં ઊભા રહીએ છીએ, ત્યારે આપણે બે બાબતો શીખી શકીએ છીએ: એક, જવાબદારી લેવા માટેની તૈયારી અને બીજું, પોતાની અંદરનો અહંકાર ઓગાળી બીજા સાથે કામ કરવા માટેની તૈયારી. છેલ્લા દિવસે તો ચપોચપ ફોર્મ ઉપડી ગયા અને ફાઇનલ દસ ઉમેદવારો વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. પ્રચાર માટેના પરંપરાગત ભાષણ ઉપરાંત ડિજિટલ વિડીયોઝ પણ થયા. નવી અને જૂની સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યોને ઘરે ઘરે જઈને ઉમેદવારોએ પોતાનું વિઝન તેમની સામે મૂક્યું કે તેઓ શાળા માટે શું કરવા માંગે છે અને અત્યાર સુધીમાં કઈ કઈ બાબતો નથી થઈ શકી જે તેઓ કરી બતાવશે. કેટલાકે વર્ગખંડે ફરી ફરીને પોતાની વાત મૂકી. પ્રાર્થના સંમેલનમાં દરરોજ ચાર-પાંચ ઉમેદવારોએ પોતાની પ્રચાર સભાઓ કરી. કેટલાકે ખૂબ ઇનોવેટિવ રીતે કે 'મને મત આપવાની જરૂર નથી, પરંતુ મત કેવી રીતે અપાય એ હું તમને સમજાવીશ' એમ કરીને ખાસ બેઠક બોલાવી અને તેમાં જે રીતે બધા બાળકોને સમજાવવામાં આવ્યું કે જો તમારે આને મત આપવો હોય તો અહીંયા તમારે ખરું કરવાનું છે. કહેવાની જરૂર છે ખરી કે તેને એ ડેમો બતાવવા ક્યાં ચિહ્નનો ઉપયોગ કર્યો હશે ! 

શિક્ષક તરીકે અમને લાગતું હતું કે ચૂંટણીના દિવસે તેઓ ચૂંટણી અધિકારી જેવો પોશાક વગેરે પહેરે, પરંતુ તેમનું ધ્યાન હવે એવા પોશાકોમાંથી ઉપર ઊઠીને શાળા માટેના પ્રમુખને ચૂંટવાનું છે, એ તેમણે અમારા મોં પર જ સીધું ચોપડાવી દીધું કે 'પોલીસનું કાર્ય કરવાનું છે, પોલીસનો ડ્રેસ પહેરવો જરૂરી લાગતો નથી.' એટલે એ શનિવાર અમારી ચૂંટણી શરૂ થઈ. એક તરફ શાળામાં સમૂહ કવાયત ચાલતી હતી, ગામમાંથી બધા વોટિંગ માટે આવી રહ્યા હતા. સમૂહ કવાયતમાંથી પણ ધીમે ધીમે એક એક જૂથના બાળકો પણ વોટિંગ કરી રહ્યા હતા. કલા મહાકુંભની પ્રેક્ટિસ માટેની રમઝટ બોલાતી હતી, તેમાંથી પણ ધીમે ધીમે બધા વોટિંગ કરવા માટે જઈ રહ્યા હતા. આમ, ગામના લોકો, શાળાના બાળકો, શિક્ષકો, મધ્યાહન ભોજનમાં કામ કરનારી ટીમ – સૌના મત મતપેટીમાં મુકાઈ ગયા.

અને સોમવારે તેની ગણતરી શરૂ થઈ. ગણતરી વખતેની ઉત્તેજના અને સસ્પેન્સ બંને આ વખતે સૌથી વધુ હતા, કારણ કે કોઈ એક જીતી જ જશે તેમ છેક છેલ્લા ૩૦ વોટ ન ગણાય ત્યાં સુધી કહી શકાય એમ નહોતું. અંતે શાળાને નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળ્યા. સૌએ તેમને શુભેચ્છાઓ પણ પાઠવી અને જાણે કે આ ચૂંટણી નામની ઘટના શાળામાં બની જ ન હોય તેમ તેઓ ફરી એ જ મસ્તીમાં કામે લાગી ગયા. અમારા માટે નવાઈ એ હતી કે આ છેલ્લા દસ દિવસમાં તેમણે પ્રચાર કરવામાં જે આક્રમકતા બતાવી હતી, એનો એક નાનકડો અંશ પણ ચૂંટણી પૂરી થતાંની સાથે જ હવે જોવા મળતો નથી. તેઓ એકબીજા સાથે મળીને, તેમના શીખવા માટેના અને શાળાને વધુ સુંદર, સુઘડ અને વ્યવસ્થિત બનાવવા માટેના પ્રયત્નોમાં લાગી ગયા છે.

ચાલો નીચે ક્લિક કરો અને માણો આપણા આ વિડીયોને !!















January 26, 2025

સર્વે ભવન્તુ સુખિનઃ

સર્વે ભવન્તુ સુખિનઃ

દરેક પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં આપણે એક લોકશાહી દેશમાં રહેવાના ગૌરવથી ઝગમગી ઊઠીએ છીએ. બંધારણ વિશે ચર્ચાઓ થાય છે અને જેમ મહાન પુસ્તકો સાથે થતું આવ્યું છે, તેમ બંધારણ પણ એક પવિત્ર ગ્રંથ બની જાય છે. પરિણામે, એના અભ્યાસની જગ્યાએ તેના નામનું  રટણ માત્ર થવા લાગે છે.

નિયમોની બાબતમાં હરેશભાઈ સાહેબે ટાંકેલી એક વાત હંમેશા માર્ગદર્શક બની રહે - નિયમો કેટલા પાળવાના એ મુખ્ય મુદ્દો નથી, પરંતુ નિયમો બનાવવાનો ઉદ્દેશ્ય શું છે એ સમજવું અને એ ઉદેશ્યનું રક્ષણ કરવું મહત્ત્વનું છે. લોકશાહી એ માત્ર શાસનની પદ્ધતિ નથી, પણ એ એક જીવનશૈલી છે.

બહુમતી જેને ઇચ્છે, તે વ્યક્તિ સમાજનો પ્રતિનિધિ બને, અને તે પોતાના વિવેક મુજબ કાયદા બનાવે. એ વ્યક્તિ વિસ્તારના તમામ નાગરિકોની વતી નિર્ણયો લે—આ એક વ્યવસ્થા છે અને સમૂહ જીવન માટે આવશ્યક પણ છે. પરંતુ શું લોકશાહી એટલી જ સીમિત છે?

નિર્ણય લેવા માટે પ્રતિનિધિ પસંદ કરી લેવામાં જ લોકશાહીની જવાબદારી પૂરતી માનવી એ સોનાની જાળનો ઉપયોગ માછલી પકડવામાં કરવા જેવુ કામ છે. એક તંદુરસ્ત સમાજ ત્યાં હોય છે, જ્યાં લોકશાહી એક જીવનશૈલી બની જાય છે. જ્યાં લોકો એકબીજા સાથે ચર્ચા શીખે, સમસ્યાઓના એકથી વધુ ઉકેલ શોધવાનો પ્રયાસ કરે, ભાવનાત્મક ઉગ્રતા છોડીને તર્કસંગત નિર્ણયો લે. આવા લોકો મળીને જે સમાજ રચે છે, તે ખરેખર લોકશાહીયુક્ત પ્રસન્ન સમાજ બને છે.

સમાન સ્તરે રહીને ચર્ચાઓ કાર્યની ગતિ ધીમી કરી શકે છે, કેટલાક કિસ્સાઓમાં ગુણવત્તા પર પણ અસર થઈ શકે છે. તેમ છતાં, આ પ્રક્રિયા રોકવી ન જોઈએ, કારણ કે લોકો વચ્ચે વિચારવિમર્શ થવો અને સહયોગ વધવો એ લોકશાહીના મહત્વના ગુણધર્મો છે. આપણે પરફેક્શન  પાછળ દોડવાની જગ્યાએ સમાન સ્તરીય લોકશાહી પસંદ કરવી જોઈએ.

પરફેક્શનનો વિચાર જ એકાંગી છે, કારણ કે તેમાં કોઈ એક વ્યક્તિ કે તંત્રએ નક્કી કરેલા માપદંડો અનુસાર કાર્ય થવું જરૂરી ગણાય. પરંતુ તેની સામે, જો સૌ સાથે રહીને વિચાર-ચર્ચા કરે, નિર્ણય લે અને સહઅસ્તિત્વ જાળવી શકે, તો એ વધુ આનંદપ્રદ જીવનશૈલી બની શકે.

આપણી નદીસર પ્રાથમિક શાળાએ સહજતા અને આનંદમય જીવનશૈલીના આશીર્વાદ છે. અહીં ઉજવણીમાં ‘પરફેક્ટ’ થવાને બદલે ‘સહભાગી’ થવાને વધારે મહત્વ આપવામાં આવે છે. શાળાના પ્રમુખ અને તમામ લીડર્સની ટીમે જે આયોજન કર્યું, તેમાં સહભાગિતાનો તત્ત્વ સ્પષ્ટ દેખાયા !. ધ્વજવંદન કરનારથી લઈને ધ્વજ રક્ષક અને સ્કૂલ બેન્ડ - બધું છોકરીઓની લીડરશીપમાં આયોજિત થયું. હંમેશાની જેમ, રિતેશની નાનકડી વક્તૃત્વ સ્પીચ, કોઈકનું એક પ્રેરણાદાયી ગીત પર પરફોર્મન્સ !

આ બધી તો ઘટનાઓ હતી, પણ મૂળ તત્વ ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ નો  મંત્ર છે અને રહેશે.






November 30, 2024

અડધી વસ્તી માટે !

અડધી વસ્તી માટે !

👤 કયું નંદુ ! હોસ્પિટલ કે સામને ખડે હો કે ફૂ ફૂ કર રહા હૈ !” 

👤 બીવી બીમાર હૈ, અંદર હૈ !

👤 ક્યા હુઆ ભાભી કો ?”

👤 વહી..ઔરતોંવાલી બીમારી !

આ એડ દરેક મૂવી પહેલા આપણે જોઈએ જ છીએ.વહી..ઔરતોંવાલી બીમારી !બોલતી વખતે નંદુંના ચહેરા પર આવતો તુચ્છકાર અને નીચે ઢળી જતી આંખો એ અદાકારનો અભિનય કેટલો વાસ્તવિક છે તે દર્શાવે છે. આપણે એ અભિનયની પ્રસંશા કરી શકીએ - એ વાસ્તવિકતાની નહીં !

આ માનવસૃષ્ટિ જે સ્ત્રી વગર શક્ય નથી, જેમહાવારીપર નંદુ ફૂ ફૂ કરે એ જ પિરિયડ્સ તો આનંદની ઘટના છે ! સન્માનની ઘટના છે ! પરંતુ સમાજમાં કેટલાક ટેબૂ કારણ વગર છપાઈ જાય એમ આ વિષે પણ એમ જ થયું. કદાચ આપણા સૌની થોડી થોડી ભાગીદારી હશેય ખરી. 

ક્યારેક કોઈક બાળકે/કિશોર પૂછ્યું ય હશે કે આ કયા નેપકિન કે પેડની વાત કરે છે ? આ એડ સિગારેટ માટે છે તો આ અક્ષય કુમાર એને પેડ ખરીદવા કેમ કહે છે ? - અથવા આવા બીજા પ્રશ્નો બાળકોના મગજમાં આવ્યા ય હશે - ક્યાંક મનમાં રહ્યા હશે ક્યાંક પૂછાયા હશે !

મુખ્ય સવાલ એ છે કે એ પૈકી ક્યા પ્રશ્નોના જવાબ અપાયા હશે ?

શાળામાં દીકરીઓ સાથે તો તરુણાવસ્થા અને પિરિયડ્સ દરમિયાન રાખવાની કાળજી અને સ્વચ્છતા અંગે ચર્ચા થતી જ રહે છે ! આ વખતે થયું કે છોકરાઓનું પણ ઓરીએન્ટેશન થવું જોઈએ. વાત કેવી રીતે મૂકવી તેની થોડીક મૂંઝવણ પણ હતી જ ! જો માત્ર ધોરણ - 8 હોય તો તો તેમના વિજ્ઞાનના ટૉપિક પરથી વાત શરૂ કરી શકાય પંરતુ 6 થી 8 ના બધા છોકરાઓ સાથે સંવાદ કરવો હતો. ધીમે ધીમે સમજાયું કે આ અક્ષયકુમાર વાળી જાહેરાત જ સારી પ્રિટાસ્ક બની શકે. 

 બે ઉદ્દેશ્ય રાખ્યા : 

1.   છોકરાઓ મમ્મી, બહેન અને સહાધ્યાયી પ્રત્યે સંવેદનશીલ બને. 

2.    બી અ મેન - એટલે રુક્ષતા નહીં પરંતુ તમારી પાસે સૌ ડર કે સંકોચ વગર આવી શકે તે સમજાવવું. 

એના પરથી વાતચીત કરી - તેમનાં મમ્મી કે બહેન માટે તેઓ શું કરી શકે ? શા માટે એમ કરવું જોઈએ ? હોર્મોન્સ શું છે ? પેડ શા માટે વાપરવું પડે ? આ દિવસો દરમિયાન તેઓ કેવી માનસિક, શારીરિક, ભાવનાત્મક અસરોમાં હોય છે ? જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. 

એ બાબત વિષે પણ સમજાવ્યું કે મજાક કે મસ્તી આપણા (છોકરાઓ માટે) માત્ર એ મિનિટ કે એ સમય પછી ભૂલી જવા જેવુ કામ હોય છે પણ હજુય કેટલાંક ઘર એવાં છે કે જેમાં કોઈ છોકરી તમારી એવી મજાક કે મસ્તીની ફરિયાદ કરે તો એની કૉલેજ બંધ કરી દેવામાં આવે ! હવે એ વખતે આપણને યાદ પણ નથી હોતું કે આપણી મજાક આવીય અસર કરશે ! 

એક જ ઉપાય છે આપણાં વાણી અને વર્તન એવાં રાખીએ કે કોઈનેય આપણી નજીક આવવામાં ડર ન લાગે અને એ સુરક્ષિત અનુભવી શકે ! સતત એ વિષે જાગૃત રહીએ કેમારુ આ વર્તન બરાબર છે કે નહિ!આપણે જ આપણા એવા શિલ્પી બનીએ અને આપણને ગમે એવું આપણું શિલ્પ રચીએ !

આ બધી ચર્ચા દરમિયાન ક્યાંય એમના કોઈના ચહેરા પર નંદુના ચહેરા જેવો તુચ્છકાર ન દેખાયો એ વાતના સંતોષ સાથે આ વીડિયો - દરેક કિશોરને બતાવી શકાય એવો છે ! 

અને હા, અહીંયાં વપરાયેલું શીર્ષકઅડધી વસ્તી માટે !એ સ્ત્રીઓ માટે નહીં - પુરુષો માટે છે.

બાળકો સાથે થયેલ સંવાદમાં ભાગીદારી નોંધાવવા ઉપરોક્ત ફોટો પર ક્લિક કરો !

video -: 

August 13, 2024

નાગરિક ઉઘડતર - બાળકોનું, બાળકો માટે, બાળકો વડે !

નાગરિક ઉઘડતર - બાળકોનું, બાળકો માટે, બાળકો વડે !

માણસ જિંદગીભર શીખતો રહે છે. શીખવું એક એવી પ્રક્રિયા છે કે તમે શીખવા ન ઇચ્છો તો પણ તે અટકે નહીં ! ઊલટાનું તમે ન શીખવાનું નક્કી કરો તે પણ એક નવું શીખવાનું છે. શિક્ષક માટે તો આ ભારપૂર્વક કહેવાયું છે કે સતત શિખતો રહે એટલે કે જીવનભર વિદ્યાર્થી બની રહે તે જ શિક્ષક પોતાનામાં શ્રેષ્ઠતા લાવી શકે. શિક્ષક બનવાનું એટલે જ નવું નવું જાણવાનું -સમજવાનું - શીખવાનું અને શિખવવાનું !

આપણે સૌ સતત બાળકો સાથે કાર્ય કરતાં આવ્યાં છીએ એટલે બાળકોના માનસને આપણે ખૂબ સારી રીતે સમજતાં હોઈએ છીએ.  એનાથી ઊંધું વિચારીએ તો ચાર - પાંચ વર્ષ આપણા સૌ સાથે વર્ગખંડોમાં કામ કરતાં કરતાં આપણાં બાળકો આપણને ખૂબ સારી રીતે જાણી ગયાં હોય છે. એટલે જ તો શાંતિલાલ સાહેબને તો એક જ વાર કહેવું પડશે .. ગોપલસાહેબને વારંવાર યાદ કરાવવું પડશે. દર્શનાબેનનું કામ તો ચોક્કસ છે. આ વાત તો આ સાહેબને જ કહેવાય ! - આ બધું તેઓ પણ શીખી ગયાં હોય છે. જેમ શાળામાં આવતા કેટલાક પરિપત્રો  સમયે આપણો બળાપો હોય છે કે આમ નહીં,  આ કાર્યક્રમ આ રીતે કરવાનો કહ્યો હોત તો મજા આવત - આપણી જેમ બાળકોનો પણ એવો જ બળાપો હોય છે - કે આમ નહીં,  પણ આ રીતે આપણે કેમ્પસને, આ રીતે નહીં આ રીતે પ્રવૃત્તિ કરીએ વગેરે વગેરે.. [ આમાં તમારા જેટલા બળાપા હશે તેના કરતાં પણ વધારે આપણા બાળકોના હશે ]

2008માં નાગરિક ઉઘડતર પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે શાળાનો ઉદેશ્ય એ જ હતો કે શાળામાં 10 શિક્ષકોની સામે 300 બાળકો છે. એટલે કે જેઓ વધુ ફોર્સમાં શાળા કેમ્પસમાં હોય છે તેઓના હાથમાં શાળાનું સંચાલન સોંપાય ! શાળાનું સંચાલન સોંપવા માટેની પહેલી શરત હતી કે બાળકોને એમ્પાવર કરવામાં આવે તો જ તેઓ જવાબદારી સ્વીકારતાં થાય. આપણે સૌ જાણીએ છીએ કે જવાબદારીઓનો સ્વીકાર ત્યારે જ શક્ય છે જ્યારે ફક્ત જવાબદારીઓ જ નહીં સત્તા પણ સાથે મળી રહે.

શાળા એટલે - બાળકની, બાળક માટે અને બાળક વડે ચાલતી સંસ્થા

શાળાકીય પ્રવૃત્તિઓ જેમના માટે કરવાની છે, તેઓ પોતે જ આ અમે કેવી રીતે કરીશું? એવું નક્કી કરતાં થાય પછી  શાળા સંચાલનની તમામ ચિંતાઓ દૂર થઈ જાય. ઘણીવાર એવું બને કે શાળામાં કોઈક નવીન પ્રવૃત્તિ સૌએ ભેગાં મળી શરૂ કરી હોય, શરૂ શરૂમાં દરેકનું ધ્યાન હોય…. ધીમે ધીમે બીજી નવીન પ્રવૃત્તિ ઉમેરાતાં જૂની (પણ બાળકો માટે ઉપયોગી)  પ્રવૃત્તિ અસ્ત થતી જતી હોય છે. પરંતુ તેનાથી વિપરીત બાળકોનો એક સ્વભાવ એ હોય છે કે તેઓને સોંપાયેલ દરેક કામ તેઓ મહત્વના કામ તરીકે છેક સુધી કરતાં હોય છે. જવાબદારી  સોંપાયેલ પહેલા દિવસ જેટલી જ ચીવટ તેઓની લગાતાર જોવા મળતી હોય છે. પરિણામે આપણને સતત દરેક કાર્ય પ્રત્યે જાગૃત રાખવાનું કામ પણ તેઓ કરતાં હોય છે. તેઓના આવા સ્વભાવના કારણે જ દરેક કાર્યમાં તેમના અનુભવ ખૂબ જ અસરકારક બની રહે છે.

શાળા સંચાલન એ  જટિલ પ્રક્રિયા છે. - એવું આપણે સૌ માનતાં હોઈએ છીએ. પરંતુ નાગરિક ઊઘડતર પ્રવૃત્તિ અંતર્ગત જેમ જેમ બાળકોએ અમારી શાળાની સંચાલનની  જવાબદારીઓ નિભાવવાનું શરૂ કર્યું તેમ તેમ તેઓએ શાળાને સરળ ઉકેલ આપ્યા છે. દોડધામ કરાવતા પ્રવાસ કે પછી યુનિફોર્મ જેવી બાબતોમાં તો કાઠું કાઢ્યું છે. [ તેઓએ પસંદ કરેલ યુનિફોર્મને સરકારશ્રીએ પોતાના બેનરમાં સ્થાન આપ્યું હતું. ]

લોકશાહી ઢબે સૌ સાથે મળી કામ કરતાં કરતાં ઘડાઈ ગયેલ અમારી સંસદના લીડર - ઉપલીડર શાળા મુલાકાતે આવેલ ઘણીબધી શાળા વ્યવસ્થાપન સમિતિઓના પ્રશ્નોને ઉકેલ આપે છે.  શાળા સંચાલનમાં ઘડાઈ ચૂકેલ બાળકો પૈકીનાં પ્રમુખ અને ઉપપ્રમુખને જિલ્લામાં તજજ્ઞ અન્ય શાળામાં સંચાલન માટેની તાલીમ આપવા માટેનું આમંત્રણ મળે છે ત્યારે આનંદ અને ગૌરવ બંને થાય.

कभी कभी मास्टरजी होकर हम सोचते है कि सबकुछ बच्चें ही कर लेते है तो हम यहाँ क्या कर रहे हैं? કારણ કે નવાઈની વાત એ છે કે નાગરિક ઊઘડતર પ્રવૃત્તિ વડે હવે બાળકોનું ઊઘડતર કરવાનું કામ પણ બાળકો જ કરે છે !

“સ્કૂલ મેનેજમેન્ટ કોર્સ” સમાન આપણી આ નાગરિક ઉઘડતર પ્રવૃત્તિ ને વિગતે જાણવા ક્લિક કરો. 



July 31, 2024

અભ્યાસિકસહાભ્યાસિક

અભ્યાસિકસહાભ્યાસિક

આ અભ્યાસિક કહેવાય અને આ સહ અભ્યાસિક; આ શૈક્ષણિક કહેવાય અને આ ઇતર. ઘણાં વર્ષોથી આપણા મગજમાં આ ખાનાંઓ સજ્જડ બની ગયાં છે. આપણે જ્યાં જીવન જીવીએ છીએ ત્યાં (ઔપચારિક) શિક્ષણનો ઉપયોગ થતો નથી અને શિક્ષણ હોય ત્યાં જીવનને પ્રવેશવા દેતા નથી.કુદરતે અખંડ રચેલી આ ધરતીને માણસ પોતાના હિસ્સો માની વાડ કરવા માંડે તેમ શીખવાના આ વાડા ક્યાંથી આવ્યા?

સામાન્ય રીતે વાતવાતમાં ભારતીય સંસ્કૃતિથી પોરસાઈ જઈએ છીએ પણ આપણને એ મૂળ ભારતીય શિક્ષણ વ્યવસ્થા ન જાણે કેમ યાદ આવતી નથી? જ્યારે કોઈ એક સમયે કોઈ એક વિષય શીખવાનો નહોતો ! 

  • આશ્રમ કે મહાવિદ્યાલયના કેટલાંક કામ કરવાનાં હતાં.
  •  પોતાના પરિવેશમાંથી સમસ્યાઓ શોધવાની હતી. 
  • તે કેટલા ઉકેલ  મળી શકે તેની જૂથમાં બેસી  ચર્ચા કરવાની  હતી. 
  • તે પૈકી કયા ઉકેલ થઈ શકે એવા છે અને સમષ્ટિ માટે ઉચિત છે તે પસંદ કરવાનું હતું. 
  • એ ઉપાયો પૈકી સૌથી ઉત્તમ ઉપાયને પસંદ કરી તેનું આયોજન કરવાનું હતું.
  • એ સમસ્યાનો ઉકેલ કરવાનો પ્રયત્ન કરવાનો હતો.

આ આખી પ્રક્રિયા દરમિયાન કોઈ વાડાબંધી વગર બધા વિષયો શીખતા જવાતા હતા. આ વ્યવસ્થા આગળ પૂર્ણવિરામ કોણે મૂક્યું ?

મેકોલે - નામ તો સૂના હોગા !?

જેણે ચોક્કસ વ્યવસાય માટે જ શિક્ષણ એવી વ્યવસ્થાઓ ઊભી કરી બાળકોને ચાર દીવાલોની અંદર પૂરી દીધાં અને આપણને અફસોસ તો એ વાતનો હોવો જોઈએ કે આપણે સૌ આટલાં વર્ષો પછી પણ એ દીવાલો તોડવાનું તો ઠીક નીચી કરવાનું પણ વિચારી શકતા નથી.  આપણે  જાણે કે એ સમજવામાં અક્ષમ થઈ ગયા છીએ કે શિક્ષક સમજાવ્યા કરે એટલે નહિ શીખવા માટે શીખનારે સક્રિય થવું પડે !  આપણે જ આપણી આ અક્ષમતા દૂર કરવી પડશે.

કેવી રીતે કરીશું ? ધીમે ધીમે શાળાનું સંચાલન વિદ્યાર્થીઓને સોંપતા જઈએ. શરૂઆતમાં એમને અને આપણને મુશ્કેલીઓ પડશે કારણ કે બંને પક્ષે એ રીતે સંચાલિત શાળાનો કોઈ પૂર્વાનુભવ નથી.

આપણી શાળામાં આ રીતે સંચાલન વ્યવસ્થા માટે ચાર જૂથની રચના થઈ પછી એમને થોડો સમય લીડર ઉપલીડર વગર શાળા સંચાલન કરવા દીધું.. એટલે જૂથ પોતે પોતાના પૈકીમાં કોનામાં લીડરશીપના ગુણ વધુ છે તે પારખી શકે. ત્યારબાદ જૂથના લીડર અને ઉપલીડરની ચૂંટણી કરી. આ ચૂંટણીએ અમને આઠ લીડર - ઉપલીડર સિવાય અમારો ચૂંટણી અધિકારી તુષાર પણ  અમને આપ્યો. ચૂંટાયેલા આઠે સભ્યોએ એ જ દિવસે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટેનું આયોજન કરવાનું તુષારને - મુખ્ય ચૂંટણી અધિકારી જાહેર કરીને સોંપી દીધું. અત્યાર સુધી એ પ્રક્રિયામાં એક શિક્ષક પણ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા રહેતા પરંતુ આ વર્ષે તેઓને લાગ્યું કે તેઓ જાતે જ કરી લેશે.

તુષારે  તેની એક ટીમ બનાવી. બધાંએ મળી ચૂંટણી કરાવવા માટે કયાં કયાં કામ કરવાનાં થશે તેની યાદી તૈયાર કરી. સૌથી લાંબુ કામ હતું મતદાર યાદી તૈયાર કરવાનું. ગત વર્ષ સુધી આધાર ડાયસ પરથી બધા વિદ્યાર્થીઓની યાદીની પ્રિન્ટ આઉટ લઈ લેવાતી - એ જ અમારી મતદાર યાદી બની જતી હતી. પરંતુ એમણે આ વખતે નક્કી કર્યું કે ધોરણ વાર - ગ્રુપ વાર યાદી તૈયાર કરવી જોઈએ.

કમ્પ્યુટરમાં ટાઈપિંગની જે પ્રેક્ટિસ કરી હતી એના આધારે એમના પૈકી ઘણાની આંગળીઓ હવે કીબોર્ડની કી બરાબર ઓળખતી થઈ ગઈ છે. ગૂગલે ડૉક  શીખવામાં એમને 15 મિનિટ જ લાગી. એક આખી ટીમ મંડી મતદાર યાદી તૈયાર કરવા. અમારા એટલે કે શિક્ષકોના ભાગે કમ્પ્યુટર કૌશલ્યની વાવણીને હવે લહેરાતી જોવાના આનંદ લેવા સિવાય બીજું કોઈ કામ રહ્યું નહોતું !

ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી.  ઉમેદવારો જુદા જુદા આઈડિયાઝ વિદ્યાર્થીઓ સાથે - એસએમસીના સભ્યો સાથે - શિક્ષકો સાથે ચર્ચા કરવા લાગ્યા. કેટલાકને લાગતું કે શાળામાં જે ઈંટ રેતી વગેરે થોડું નકામું જાય છે તે નકામું ન જવું જોઈએ. તો કોઈકને થતું કે જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધનામાં હજુ ઓછા વિદ્યાર્થીઓ મેરીટમાં આવે છે. તો કોઈકને વળી કબડ્ડી ખોખો જેવી રમતોમાં રાજ્ય સુધી ન પહોંચવાનું ખટકે કોઈકને વળી શાળાનું બંધારણ નો ડ્રાફ્ટ બની ગયો હોય તો એ હજુ રજૂ કેમ નથી થતો  તેની ફિકર થતી! એમ સૌ પોતપોતાના આવા મેનિફેસ્ટો સાથે મથવાનું શરૂ કર્યું. 

ચૂંટણીનો દિવસ આવ્યો અને એટલો વરસાદ કે સવારથી જ અમારા આ પ્રથમ વખત ચૂંટણી કરતા અધિકારીઓ વિમાસણમાં પડ્યા કે હવે શું કરીશું

પરંતુ તેઓએ તેમના તરફથી તૈયારી શરૂ રાખી અને એવા વરસાદી માહોલમાં પણ ચૂંટણી યોજાઈ ગામના સરપંચથી લઈને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સૌએ મતદાનમાં ભાગ લીધો. મતદાન પ્રક્રિયા દરમિયાન મતદાન મથકના અંદરના દૃશ્યો હૂબહૂ આપણને સૌને આપણી ચૂંટણી વખતની સ્થિતિની યાદ અપાવે તેવાં હતાં. અમારા નીતિનને તો ભૂખ પણ લાગી હતી અને ફરજ પણ બજાવવાની હતી અને એના કારણે તેણે જે રીતે પોતાનો નાસ્તો પૂરો કર્યો એ જોવા જેવું  હતું. મતદાન પૂરું થયું પછી બધાને તાલાવેલી પરિણામની હતી. પણ મતદાન પ્રક્રિયા જ સાડા પાંચ સુધી ચાલી એટલે ગણતરીની તારીખ બીજા દિવસની થઈ. 

ચોગાનમાં સૌ ભેગાં થયાં. એક પછી એક મત નીકળતો જાય બોર્ડ પર કાપા વચ્ચે હરીફાઈ શરૂ થઈ. આ હરીફાઈમાં તેમના સૌ વચ્ચે જળવાયેલી રહેલી મૈત્રી જોઈને હૈયે ટાઢક વળતી. એકબીજાને વાહ - ઉદઘાટન - આવ્યો આવ્યો - એક મત આવ્યો…. જેવા શબ્દો વડે એકબીજાને પ્રોત્સાહિત કરતા રહ્યા. અડધી ગણતરી પછી પરિણામ નક્કી જેવું થયું એટલે ઉમેદવારોએ જીતનારને અભિનંદન આપવા શાળાબાગમાંથી છડી બનાવવા માંડી. જીત જાહેર થઈ. 

પ્રમુખ - ઉપ પ્રમુખને સૌથી પહેલાં અભિનંદન તેમના જ હરીફોએ આપ્યા… ને પછી નાનકડું સરઘસ નીકળ્યું…એમની આ મસ્તીની વચ્ચે આપણા ભવિષ્યની હસ્તી રહેલી લાગી.. કે તેઓ જ આ સહજતા રાખી શકે અને આપણનેય એ સહજતા શીખવી શકે. 

જોઈએ આ પ્રમુખ - ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયાનાં દૃશ્યો…