December 31, 2015

“ઘૂટતું” બાળક અને ‘ઘૂંટાતું” માનસ !!

                                                 
 એકડ એકો...બગડ બેયો.. “ઘૂટતું” બાળક અને ‘ઘૂંટાતું” માનસ !!
   બાળકોને કેવું પર્યાવરણ ગમે છે !! તે માટેની વ્યાખ્યા કરવાની થાય તો તેના પર UN-અંત લખાણ લખી શકાય !! કેટલુંય બોલી શકાય - પરંતુ જો શાળાનું પર્યાવરણ કેવું હોવું જોઈએ તે વિષે જો પૂછવામાં આવે તો તે માટેનો સીધી લીટીનો એક જ જવાબ અમારી પાસે છે અને તે છે શાળાકીય પર્યાવરણ બાળકોને ગમે તેવું હોવું જોઈએ !! કેટલીકવાર બાળકોને ગમે તેવું પર્યાવરણનો અર્થ કેટલાંક મિત્રો એવો કરી દેતા હોય છે કે બાળકોને તો ફકતને ફક્ત રમવું જ ગમે !! તો પછી ભણવાનું ક્યારે ?? સૌથી વધુ ભ્રમિત કરતું વાક્ય આ જ છે કે જે ભણવું અને રમવું આ બંનેને અલગ કરી નાખે છે અથવા તો એમ કહીએ કે શાળા ધ્વારા એવું શૈક્ષણિક આયોજન કરવામાં આવે છે કે જેમાં બાળકને આનંદ આપનારું કાંઈ જ હોતું નથી. ત્યાંથી જ બાળકના મનમાં પાકું થઇ જાય છે કે આ મારે ‘રમવાનું’ છે અને આ તો મારે ‘ભણવાનું’ છે ! પરિણામે બાળમાનસમાં ‘રમવું’ અને ‘ભણવું’ એ વિરોધી ક્રિયાઓ તરીકે સ્થાપિત થઈ જાય છે. – આ ધારણા ન બંધાઈ જાય એ માટે શાળાકીય આયોજન વખતે અથવા તો આપણું વર્ગ કે વિષય કે એકમ મુજબના આયોજનમાં પણ રમતો [ ખાસ કરીને મેદાનોને ] વધુમાં વધુ કેવી રીતે જોડી શકાય તે માટેનો પ્રયાસ હોવો જોઈએ ! કોઈ બાળકને માત્ર વર્ગમાં બેસાડી ‘ન મ ગ જ’ ઘુટાવીએ છીએ ત્યારે ખરેખર તો સ્લેટમાં ‘ન મ ગ જ’ નહિ પણ વર્ગખંડમાં તે બાળક ઘૂંટાતું હોય છે !!   અને તે જ બાળકને જો મેદાનમાં એવી રીતે રેલગાડી ચલાવવાનું કહેવામાં આવે “મ” ઉપસતો જાય ! પછી તે  સ્લેટમાં “મ” લખે અને તે મુજબ “મ” ની રેલગાડી દોડે – દર વખતે ડ્રાયવર બદલાતો જાય ! સ્લેટમાં કાચો તે મેદાનમાં ડ્રાયવર બનતો જાય !! – આ તો માત્ર એક ઉદાહરણ છે – દિવસ ઉગતાં જ બાળકોનો મકસદ આજે શું નવું રમીશું- એ  હોય છે અને આપણો ઉદેશ્ય શું શીખવીશું- એ હોય છે. બસ આ બેનો સમન્વય થઇ જશે તે જ સચોટ અને સફળ પરિણામ આપનારું આયોજન બનશે ! 

December 26, 2015

“નાગરિક ઘડતર” નું ઘડતર

   
 “નાગરિક ઘડતર” નું ઘડતર
                        શાળામાં દરરોજ કશું એક જેવું નથી હોતું, કારણ એ જીવન છે ! જીંદગીમાં પણ હર એક દિવસ – હર એક ક્ષણ પહેલા હતી એનાથી જુદી હોય છે. ડાયનામિક હોવું એ જ એની જીવંતતાનો પરિચય છે. શાળાનું ધ્યેય શ્રેષ્ઠ શાળાથી શ્રેષ્ઠ નાગરિક – શ્રેષ્ઠ નાગરિકથી શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજથી શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણનો છે ત્યારે તેના માટેની ચાવી એ આપણી “નાગરિક ઘડતર” નામની પ્રવૃત્તિ છે. આ રહી લીંક :
                    શાળાનું સંચાલન વિદ્યાર્થીઓના હાથમાં લઇ જનાર અને વિદ્યાર્થીઓને પોતાના હકો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત રાખી ખોખારો કરી બોલવાની કેળવણી આપતી આ પ્રવૃતિમાં પણ વર્ષો વર્ષ જુદા જુદા ફેરફારો આવ્યા જ કર્યા ! તેનો મૂળ હેતુ એ જ રહ્યો પણ એની અસરકારતા વધારવા રૂપે ફેરફાર થયા કરે છે. ગત સત્રમાં જૂથ બનવાની પ્રક્રિયા સમયે ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિ સાથે સાંકળવામાં મુશ્કેલી પડી. આખા સત્ર દરમિયાન રોજે રોજ ખાટીમીઠી થયા કરતી કે કોણ કયા જુથમાં ઉમેરાયું !
ઉકેલ સ્વરૂપે આ વખત નીચેના પગથીયા અનુસાર જૂથ નિર્માણ થયું.
ü  ૧. દરેક શિક્ષકના નામની ચીઠ્ઠી બની. જેથી ધોરણ ત્રણ થી સાતના તમામ વિદ્યાર્થીઓને સરખા ભાગે સાત જુથમાં વહેચી શકાય.
ü  ૨. વારાફરતી એક એક ધોરણના વિદ્યાર્થીઓએ ચીટ ખેંચી એટલે  તે દિવસ હાજર બધા વિદ્યાર્થીઓ જુથમાં વહેચાઈ ગયા. તેમના નામ જૂથ મુજબ નોધાઇ પણ ગયા. વિદ્યાર્થીઓના હાજરી પત્રકમાં પણ તેમના નામ સામે કોડીંગ થઇ ગયું . હવે, બીજે દિવસ સાંજની સભા મળે ત્યારે જે વિદ્યાર્થી કોઈ જુથમાં ના હોય એને ચીટ ખેંચવાની અને તે મુજબ જૂથ પસંદ થાય.
ü  ૩. જુથમાં તમામે પોતાના જૂથના નેતા અને ઉપનેતા ચુંટ્યા. તે માટેના નિયમો પૂર્વવત જ રહ્યા.
ü  ૪. નામ પસંદ થયા – આ વખત નામોનું વૈવિધ્ય પણ મજેદાર રહ્યું- કારણ પહેલા નામનો પ્રસ્તાવ રાખવાનો હક ત્રીજા-ચોથા ધોરણના વિદ્યાર્થીઓને અપાયો.
                                            છોટા ભીમ, સરદાર, બાલવીર, વિશ્વાસ, અકબર, સ્ટાર અને ઓનેસ્ટ એમ સાત જૂથ ધરાવતી અમારી આ શાળા સંસદ પોતાના કામે લાગી ગઈ છે.  પંદર દિવસ પછી તેમની કામગીરીની સમીક્ષા સંસદમાં થશે. દરેક જૂથ પોતે કરેલી કામગીરી સૌ સમક્ષ મુકશે. અપીલ કરશે કે તેમના જૂથને જ શ્રેષ્ઠ જૂથ તરીકે મત મળે. પખવાડિયાનું શ્રેષ્ઠ જૂથ પસંદ થશે. અને તેમની કામગીરી આગામી પખવાડિયા માટે બદલાશે. બધા બાળકોને બધા કન્વીનર સાથે કામ કરવાનો મોકો મળે એટલે જૂથના કન્વીનર શિક્ષકની કામગીરી નહિ બદલાય-આખા સત્ર સુધી !આ માળખાથી શાળાના કાર્યો સુગમ બને જ છે સાથે સાથે વિદ્યાર્થીઓ પોતાની જવાબદારીઓ સમજતા થાય અને હક મેળવતા થાય એ મુખ્ય ઉદેશ્ય છે.
પ્રવૃતિમાં જીવન હજુય ધબકે છે – આપના પ્રતિભાવ મળશે તો પ્રાણવાયુનું કાર્ય કરશે.

December 01, 2015

આપણા બાળકો IIM., અમદાવાદમાં !


આપણા બાળકો IIM., અમદાવાદમાં !
                 આપણા રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી ગુજરાતના પ્રવાસે આવ્યા, તેમાં એકમ દિવસ આઈ.આઈ.એમ. અમદાવાદમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તથા ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ ઇગ્નાઇટ એવોર્ડઝ ભારતભરમાંથી આવેલા વિધાર્થીઓને અપાયા. આ નવા સંસોધન કરનારા ચાલીસ અને બીજા ભારતની જુદી જુદી શાળાઓમાંથી આવેલા ૨૬ વિદ્યાર્થીઓનો ક્રિએટીવીટી વર્કશોપ બે દિવસ સુધી યોજાયો. જેમાં ગુજરાતમાંથી જે છ ક્રિએટીવ બાળકોને આમંત્રિત કરાયા તે પૈકી બે વિદ્યાર્થીઓ આપણી મસ્તી કી પાઠશાલાના હતા. – અલદીપ અને જયપાલ ! બંને ને ત્યાં જુદા જુદા જુથમાં કામ કરવા મળ્યું... તેઓએ જુદાજુદા વિસ્તારોની મુલાકાત લઇ ત્યાંની સમસ્યાઓને ઓળખી – તેની નોધ કરી. આઈ.આઈ.એમ.માં પાછા આવી તેના ઉપાયો અંગે જૂથ ચર્ચા કરી.
     તે આધારિત ચિત્રો અને ડ્રાફ્ટ બનાવ્યા. તે સમસ્યાના ઉપાયો અંગે કમ્પ્યુટર પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કર્યા. જૂથ કાર્ય બાદ તેનું પ્રેઝન્ટેશન કર્યું. તે અંગેની કોમેન્ટ્સ મેળવી સુધારા વધારા કર્યા. સમગ્ર જુથકાર્ય માં તેમના માટેની સૌથી મજેદાર વાત હતી કે તેઓ જુદા જુદા રાજ્યમાંથી હતા. તેમનામાં ભાષા-રહેણીકરણીમાં વૈવિધ્ય હતું પણ જરૂરીયાતમંદ માણસોની સમસ્યાઓને ઉકેલવા માટેની તત્પરતા અને નવા આઈડિયાઝ વિચારવા માટેની ધૂન એક જ હતી.
       બંને મહામહિમ પ્રણવદાના અંગ્રેજી વક્તવ્યમાંથી શું સમજ્યા અને શું ના સમજ્યા એની માથાકૂટ હજુ ય કરે છે ! 










  

બંને આજે શાળામાં આવ્યા – બંને વિદ્યાર્થીઓને નવાનદીસરથી અમદાવાદ લઇ જવા અને પાછા મુકવામાં આઈ.આઈ.એમ. એ જે ઉત્સાહ અને કાળજી રાખી તે અવિસ્મરણીય જ છે.  શાળામાં ચેતનભાઈ બંનેને મુકવા આવ્યા ત્યારે સિક્કીમના મહેમાન સાથે હતા – તેમાય બે ત્યાંના વિદ્યાર્થીઓ ! હવે તો પૂછવું જ શું ? સિક્કો કયા હાથમાં છે થી માંડી શાળાની ભૂલભુલામણી સુધીની રમતો રમાઈ ગઈ ! ઉંચાઈ મપાઈ – ને વાતો થઇ કે તેમની શાળા કેવી છે !









      .....આવેલ મહેમાનની વિદાય પછી ય જયપાલ અને અલદીપના અનુભવોમાં આઈ.આઈ.એમ., અમદાવાદના કેરીંગ વ્યક્તિઓની ચર્ચા હજુ ચાલ્યા કરે છે. હજુ ચેતન સર અને મેઘાબેન  અને જેમની સાથે તે રોકાયા તે જલ્પાબેન સૌની વાતો ખૂટતી નથી. તેનું બિલ્ડીંગ અને એમાય “ઓહો, સાહેબ વિક્રમ સારાભાઇ લાઈબ્રેરી તો – જોરદાર – ફુલ્લ ચોપડીઓ ! અને જો સહેજ ધ્યાન ના રાખીએ તો ખોવાઈ જઈએ – જેવી વાતોમાં શાળાના બીજા મિત્રો હજુ ખોવાયેલા છે. 
                                બન્ને બાળદોસ્તો માટેની આ સ્વપ્નવત ઘટનાને વાસ્તવમાં ફેરવવામાં વહીવટી સુગમતા કરવા બદલ અમારા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પંચમહાલ અને ગોધરા B.R.C.Co.શ્રીઓનો વહીવટી સહકાર તથા વાલીઓના નૈતિક સહકારની પણ સરાહના કરવી ઘટે તેમ છે !!!
શાળા માટેની આ ગૌરવવંતી ઘટનામાં અમને થયેલા ગૌરવને વહેચીએ – અમે જ કહ્યું છે, ગમતાનો કરીએ ગુલાલ ! બાળકોના IIM માંના વર્કશોપ દરમ્યાનના ફોટોગ્રાફ્સ માટે ક્લિક કરો > other photographs