Showing posts with label અધ્યયન નિષ્પત્તિ. Show all posts
Showing posts with label અધ્યયન નિષ્પત્તિ. Show all posts

September 09, 2026

ક્લાસ નેવિગેટર

ક્લાસ નેવિગેટર

શિક્ષક દિનની ઉજવણી એટલે શાળાના દિવસોનો સૌથી રોમાંચક અને ઉત્સાહથી ભરેલો સમય. દરેક વિદ્યાર્થીના મનમાં ક્યારેક ને ક્યારેક તો એવો વિચાર ચોક્કસ આવ્યો જ હોય કે જો મને શિક્ષક બનવાની તક મળે તો હું વર્ગખંડમાં કેવો માહોલ ઊભો કરું, વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવું અને કેવી મજા કરું. પરંતુ, આપણી શાળામાં આ ઉજવણીનો અંદાજ સાચે જ બિલકુલ અલગ અને અનોખો છે. અહીં શિક્ષક બનવું એ માત્ર એક દિવસની મસ્તી કે રમત નથી, પણ ખરા અર્થમાં એક જવાબદાર શિક્ષકની ભૂમિકાને જીવંત કરવાનો મોકો છે, જેની શરૂઆત જ એક ખૂબ જ ગંભીર અને સુંદર પ્રક્રિયાથી થાય છે.

શિક્ષક દિનમાં ભાગ લેવા માટે ઉત્સુક વિદ્યાર્થીઓએ સૌથી પહેલાં પોતાનું એક દૈનિક આયોજન તૈયાર કરવાનું હોય છે. જેમ એક સાચો અને અનુભવી શિક્ષક વર્ગમાં જતા પહેલાં પોતાની લેસન નોટ બનાવતો હોય છે, બિલકુલ એમ જ આ નાનકડા શિક્ષકોએ પણ કાગળ પર ઉતારવાનું હોય છે કે આજે કયો મુદ્દો ભણાવવાનો છે, એ મુદ્દો શા માટે ભણાવવાનો છે એટલે કે તેનાથી વિદ્યાર્થીઓ માટે લર્નિંગ આઉટકમ શું આવશે અને તેને બાળકો સુધી સરળતાથી પહોંચાડવા માટે કઈ પદ્ધતિ કે સાધનોનો ઉપયોગ કરવામાં આવશે.

આ આયોજન તૈયાર થઈ ગયા પછી શરૂ થાય છે અસલી કસોટીનો તબક્કો. વિદ્યાર્થીએ પોતાની એ નોંધ લઈને જે તે વિષયના અસલી શિક્ષક પાસે જવાનું હોય છે. શિક્ષક એ નોંધ વાંચે છે, તેમાં જરૂરી સૂચનો કે સુધારા કરે છે અને બાળકને માર્ગદર્શન આપે છે. શિક્ષકની મંજૂરી મળ્યા બાદ તે બાળક પોતાની એ તૈયાર કરેલી નોંધ લઈને પહોંચે છે શાળાની બાળ સંસદ દ્વારા ચૂંટાયેલા 'કન્વીનર ટીચર' પાસે. આ બાળ સંસદના કન્વીનર ટીચર કોઈ વગ કે ભલામણ વગર એકદમ તટસ્થ રહીને દરેક બાળકની દૈનિક નોંધની ઝીણવટભરી ચકાસણી કરે છે અને જ્યારે તેમને લાગે કે બાળકે મહેનત કરીને ખૂબ જ સુંદર અને યોગ્ય આયોજન કર્યું છે, ત્યારે જ તેઓ મંજૂરીની મહોર મારે છે.

આ મંજૂરી મળ્યા પછી શરૂ થાય છે અસલી મજા, જ્યારે બાળકો પોતાના હાથે 'ટીચિંગ લર્નિંગ મટિરિયલ' એટલે કે શિક્ષણ સામગ્રી તૈયાર કરવા બેસે છે. રંગબેરંગી ચાર્ટ પેપર, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ અને જાતજાતના મોડેલ્સ બનાવીને વર્ગખંડને જીવંત બનાવવા માટેની તેમની મથામણ જોવા જેવી હોય છે. એ દિવસે ભલે બાળકોને એમ લાગતું હોય કે આજે તો અમે સાચા શિક્ષક બનીને આખા વર્ગને ભણાવી રહ્યા છીએ અને બધા પર આપણો વટ પડી રહ્યો છે, પણ હકીકત તો એ હોય છે કે પેલા બાળકો ભણાવવા કરતાયે કેટલુંય વધારે શીખી રહ્યા હોય છે. એક શિક્ષક વર્ગ કેવી રીતે સંભાળે છે, શિસ્ત કેવી રીતે જાળવે છે અને અવાજના ઉતાર-ચઢાવથી ધ્યાન કેવી રીતે ખેંચે છે તે તેઓ સ્ટેજ પર ઊભા રહીને શીખી જતા હોય છે.

આ સુંદર સફરનો અંત આવે છે ઉજવણી પૂરી થયા બાદ આપવામાં આવતા પ્રતિભાવો સાથે. દર વર્ષની જેમ આ વખતે પણ જ્યારે બાળકો પોતાના અનુભવો શેર કરવા બેઠા, ત્યારે તેમના ચહેરા પર એક અનોખો સંતોષ અને સાથેસાથે એક નવું જ વાસ્તવિકતાનું ભાન સ્પષ્ટ દેખાતું હતું. બાળકો જ્યારે પોતાના પ્રતિભાવો આપતા હોય છે, ત્યારે તેઓ દિલથી સ્વીકારે છે કે, "સાહેબ, બાળકોને ભણાવવું એ કોઈ રમત નથી, પણ ખૂબ જ મુશ્કેલ કામ છે!" એક જ દિવસના આ અનુભવે બાળકોની નજરમાં શિક્ષક પ્રત્યેનો આદર અને માન અનેકગણું વધારી દીધું. પુસ્તકોમાંથી જે વાત વર્ષો સુધી કોઈ સમજાવી ન શક્યું, તે એક દિવસના વ્યવહારુ અનુભવે બાળકોને શીખવી દીધું કે કાળા પાટિયા સામે ઊભા રહીને ભણાવવું એ અનહદ ધૈર્ય માંગી લેતું ખૂબ જ પવિત્ર કામ છે.

પરંતુ આ શિક્ષક દિનની સફર માત્ર બાળકો પૂરતી જ સીમિત નહોતી રહી; એ દિવસે અસલી શિક્ષકો એટલે કે અમારા માટે પણ આત્મમંથન અને શીખવાનો એક અનોખો અવસર બની રહ્યો. જ્યારે વર્ગની કમાન બાળકોના હાથમાં હતી, ત્યારે અમે સૌ શિક્ષકોએ એકાંતમાં ભેગા થઈને રોજબરોજના વર્ગખંડમાં નડતી મુશ્કેલીઓ અને તેના સરળ ઉકેલો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એક જ હતો—કોઈપણ ભોગ  બાળકો સરળતાથી અને આનંદ સાથે શીખતા રહેવા જોઈએ.

શાળામાં કાર્યરત 'ક્લાસ નેવિગેટર' અંગે ખૂબ જ સાર્થક અને ગહન ચિંતન થયું. 'રીકનેક્ટ' (Reconnect) થી માંડીને 'રીફ્લેક્શન' (Reflection) સુધીની આખી સફર અને 'હોમવર્ક' (ગૃહકાર્ય) આપવાની પદ્ધતિઓ પર ખુલ્લા મને વાતો થઈ. વર્ગની શરૂઆતમાં બાળકો સાથે ભાવનાત્મક રીતે કેવી રીતે જોડાવું, ક્લાસ નેવિગેટરના ચરણો મુજબ વર્ગખંડમાં નેવિગેટ કરતી વખતે ક્યાં અડચણો આવે છે, અને આખા દિવસના અંતે શિક્ષક અને વિદ્યાર્થી બંને માટે 'રીફ્લેક્શન' (ચિંતન) કેટલું જરૂરી છે તે તમામ બાબતો પર મંથન થયું. એકબીજાના અનુભવોની આપ-લે કરી અને જૂની પદ્ધતિઓની 'ધૂળ ખંખેરીને' નવા સમય પ્રમાણે વર્ગખંડને વધુ પ્રભાવશાળી કેમ બનાવવો તેની ઘણી બધી નવી બાબતો અમે શીખ્યા.


આ પ્રકારે, એક તરફ બાળકો શિક્ષક બનવાની મથામણમાં જીવનના સૌથી મોટા પાઠ ભણી રહ્યા હતા, તો બીજી તરફ અમે શિક્ષકો પણ એકબીજાના સહારે શિક્ષણક્ષેત્રની નવી દિશાઓ શોધીને વધુ મજબૂત બની રહ્યા હતા. આ અરસપરસની ચર્ચાઓ અને અનોખા અનુભવોએ આ શિક્ષક દિનને વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે હંમેશાં યાદગાર અને પ્રેરણાદાયી બનાવી દીધો.



























રીડિંગ રીલ્સ

શિક્ષણ એ માત્ર એક તરફી પ્રક્રિયા નથી, પરંતુ તે વિદ્યાર્થી અને શિક્ષક બંને માટે એકબીજાના સહારે સતત વિકસવાની એક જીવંત યાત્રા છે.


September 05, 2024

“શિક્ષક” અનુભવ દિવસ !

“શિક્ષક” અનુભવ દિવસ !

શિક્ષણ વ્યવસ્થામાં શાળા એક એવી જગ્યા છે જ્યાં શિક્ષક ભણાવવા અને બાળકો ભણવા આવે છે. બંનેમાં કોમન જો કોઈ વાત હોય તો તે છે અધ્યયન નિષ્પત્તિ ! એટલે કે લર્નિંગ આઉટકમ.  

આ પ્રક્રિયા શા માટે કરવી તેની જાણ અધ્યયન નિષ્પત્તિ આધારે નક્કી થતી હોય છે. તેવી જ રીતે બાળકે પોતે આ શા માટે શીખવું જોઈએ - એટલે કે આ શીખવાથી શું કરી શકશે…. તે પણ બાળક પોતે જે તે લર્નિંગ આઉટકમને આધારે જાણી શકે છે. શિક્ષક વર્ગખંડમાં જે જે તે વિષયવસ્તુ શિખવવાની પ્રક્રિયા હાથ ધરે તે પહેલાં તે પોતે જે તે વિષયવસ્તુ ક્યા લર્નિંગ આઉટકમ માટે છે તેનાથી વાકેફ હોય તે ખૂબ ઉત્તમ સ્થિતિ છે. કારણ કે ક્યાં પહોંચવાનું છે તે લર્નિંગ આઉટકમ્સ છે. અને કેવી રીતે પહોંચશો તે માટે ટૂલ્સ તરીકે પુસ્તક તેમજ અન્ય સામગ્રી  છે. ટાર્ગેટની જાણ વગરના ટૂલ્સ કોઈ કામના નથી. માટે જ  લર્નિંગ આઉટકમ્સ સાથે કામ કરનાર શિક્ષક ઉત્તમ ગણાયો છે. 

          જ્યારે “નાગરિક ઊઘડતર” અંતર્ગત ઑફિસની વ્યવસ્થા સંભાળતા ગ્રૂપની કામગીરીમાં “શિક્ષકોની દૈનિક નોંધપોથી ચકાસવી” - એવું   વિધાન ઉમેરાયું.  અમારા સૌની દૈનિકમાં પાડેલ વિભાગમાં - શું ? [ મુદ્દો ] કેવી રીતે ? [ મુદ્દો ભણાવવાની અધ્યયન પ્રક્રિયા ] અને શા માટે ? [ લર્નિંગ આઉટકમ્સ એટલે કે તે શા માટે શીખવાનું ? ] વગેરે વિશે તેઓ ચર્ચા કરી સમજતા ગયા.

      પરંતુ જેમ જેમ આ કામગીરી સંભાળનાર ગ્રૂપ બદલાતાં ગયાં, સમય પસાર થતો ગયો એમ બાળકોનું વધુ ધ્યાન આયોજનની સાથે સાથે લર્નિંગ આઉટકમ્સ એટલે કે અધ્યયન નિષ્પત્તિ તરફ જતું ગયું ! પરિણામે પ્રક્રિયામાં જોડાયેલ બંને - શિખવનાર અને શીખનાર બંને ધ્યેયથી અવગત થયેલ છે. આવી સ્થિતિમાં પ્રક્રિયા સાચી દિશામાં થવાની પૂરી ગેરંટી હોય છે. તેનો શાળાને શિક્ષકદિને અનુભવ થયો ! 

દર વખતની જેમ આ વર્ષે પણ શિક્ષક બનવા લાઇન લાગતાં શાળા શિક્ષણસચિવો મુશ્કેલીમાં મુકાયા. હા,  બધાં જ બાળકોને તક મળે ન મળે, પણ વધુમાં વધુ બાળકોને અધ્યયન માટેના મુદ્દા મળે - તે મુખ્ય કામ હતું એટલે જ દરેકને પોતે ભણાવવાના મુદ્દાનું લર્નિંગ આઉટકમ્સ સાથેનું આયોજન શાળા પ્રમુખને સોંપવાનું અને તેને આધારે શિક્ષણસચિવ સાથે મળી નક્કી થશે. એના કારણે સચિવોએ રિજેક્ટ કરેલ કિંજલ જેવાં ઘણાં ‘શિક્ષકો’ની આંખોમાં પાણી જોવા મળ્યું. પરંતુ આનંદ એ પણ હતો કે આ થયેલ સ્ક્રૂટીની જ સાબિતી આપે છે કે ઉત્તમ આયોજન એટલે શું શું ? કેવી રીતે ? અને શા માટે? તેઓ ખૂબ સારી રીતે જાણે છે. 

આનંદ સાથે ઉજવાયેલ આ દિવસના અંતે તે દિવસના શિક્ષકોના અનુભવો લીધા. અરે ! આ તો કશું સાંભળતા જ નથી ? હખણાં રે’તાં જ નથી ? વારેવારે બહાર નીકળી જાય છે? આવા કેટલાય કંટાળા તેમને રજૂ કર્યા ! એમનો આ કંટાળો અમારામાં આનંદ પેદા કરનારો હતો કે ચાલો આ પીડાના પીડિત વર્ગખંડમાં હવે ફક્ત હું એટલે કે એક વ્યક્તિ નહીં, હવે બે ચાર થયા છીએ !  અંતે -  હા, પણ ‘મજા આવી!’   એવું કહેનારાં બધાં જ હતાં. અને આ મજા સાથે સાથે એમનું આયોજન જણાવતાં વિડિયોને પણ માણવાનું ભૂલતા નહીં હોં !



November 09, 2023

“જવાબવહીઓ” બોલે તો?

“જવાબવહીઓ” બોલે તો?

શાળાઓમાં પ્રથમ સત્રનો અંત ચાલી રહ્યો છે. સત્રના અંતે સત્રાંત કસોટીઓનું વાતાવરણ બની ગયું છે. સરસ વાત એ પરીક્ષા સમયે પહેલાંનાં વર્ષો જેવુ બાળકો માટેનું ડરામણું વાતાવરણ હવે મોટાભાગે ક્યાંય જોવા મળતું નથી. 

અગાઉના અંકો અથવા તો શાળાનો બ્લોગ વાંચશો તો ખ્યાલ આવશે કે અગાઉ પણ પરીક્ષા અંગેની ચર્ચામાં કહ્યું છે કે પરીક્ષા એ આપણું એજ્યુકેશનલ ઓડિટ છે. પરીક્ષા આમ તો શિક્ષણ વ્યવસ્થાનો સૌથી મોટો તહેવાર છે. એને માણવો કેવી રીતે તે દરેકની પોતાની રીતિ-નીતિ પર નિર્ભર છે.

શિક્ષણની પ્રક્રિયા ખેતી સાથે શબ્દશ: જોડાય છે. તેવી જ રીતે ખેડૂતનું  જીવન પણ શિક્ષકની જીવનશૈલી જેવું જ રહ્યું છે ! બંને એટલે કે ખેડૂત અને શિક્ષક એ માનવજાતને કુદરત તરફથી મળેલ સૌથી મોટી અમૂલ્ય ભેટ સાથે કામ કરવાનું હોય છે. માનવ સમાજ માટે બાળ એટલો જ મહત્ત્વનો છે, જેટલો પૃથ્વી પરના પર્યાવરણ માટે છોડ ! બીજી એક બંને સાથે થનારી પ્રક્રિયામાં પણ મોટું સામ્ય છે. વાવણીથી લઈને લણણી સુધીની પ્રક્રિયામાં દરેક સમયે ખેડૂત પોતાનું બેસ્ટ આપવા સતત પ્રયત્નશીલ હોય છે ! કારણ એ જ કે ખેડૂત પોતે પણ જાણે છે કે લણણીમાં સમૃદ્ધિ ત્યારે જ દેખાશે જ્યારે વાવણીથી શરૂ થઈને દરેક પ્રક્રિયામાં જરૂરિયાત મુજબની સારસંભાળ સાથેની મહેનત કરીશું. શિક્ષણ પ્રક્રિયામાં પણ આ બાબત ખૂબ જ અસરકારક બનતી હોય છે. બાળકોને શાળા સાથે જોડવાની પ્રક્રિયાને વાવણી સાથે સરખાવી પરીક્ષાના પરિણામ ને લણણી માનીએ તો તેની વચ્ચે આવતી દરેક પ્રક્રિયાઓ એટલી જ મહત્ત્વની જેટલું મહત્ત્વ ખેતીમાં ઉત્પાદનનું  અને શિક્ષણમાં મેળવેલ અધ્યયન નિષ્પત્તિનું હોય !   

બીજું એક સામ્ય એ પણ છે કે ખેતીમાં છોડ ઉપર જેટલાં પરિબળ અસર કરતાં હોય છે, તેટલી જ સંખ્યામાં બાળક પર પણ અસરકર્તા હોય છે. એટલે જ બંનેમાં ચેલેન્જ વધુ જોવા મળે છે. એવામાં આપણે સૌએ પણ પેલા ખેડૂતની જેમ જ પ્રક્રિયામાં આપણું બેસ્ટ આપવા જ પ્રયત્ન કરવો રહ્યો. પરીક્ષા અંતે મળતું પરિણામ પણ આપણે બાળકમાં કેટલું પોષી શક્યા તે જ બતાવે છે. અલગ અલગ છોડની અલગ અલગ મુશ્કેલીઓ  અને તે મુજબના ભિન્ન ભિન્ન ઉપાયો જ આપણને સારું પરિણામ અપાવે છે. અને તે માટે દરેક બાળકને જાણવું – સમજવું અને તે દરેકને જરૂરિયાત મુજબનું પોષણ મળે તે મુજબ કરવું એ જ શિક્ષણકાર્ય પદ્ધતિ છે ! અને બાળમાવજત પદ્ધતિ પણ !

થ્રી ઈડિયટ – માં જ્યારે રેન્ચોને પ્રોફેસર પૂછે છે કે अब तू मुझे इंजिनीयरिंग सीखाएगा ?  ત્યારે રેન્ચોનો જવાબ હોય છે – नहीं ! वो तो आप हमसे भी ज्यादा जानते हैं , मैं तो ये बता रहा हूँ कि पढ़ाते कैसे हैं !  આ એક ડાયલોગ શિક્ષણ જગત માટે ઘણું બધું કહી જાય છે. હાલ ચાલતી પરીક્ષામાં આવનારાં પરિણામ પત્રકોમાં એક એક બાળકના ગુણ જોતાં જઈશું ત્યારે બાળકોની જવાબવહીઓ સૌને બૂમો પાડી પાડીને કહેતી હશે કે..  – અઢળક માહિતી અને જ્ઞાનથી તમે ભલે ભરેલાં હશો  “ मगर पढ़ाते कैसे हैं ? – એ હું તમને સમજાવું છું !   > ચાલો ક્લિક કરી શાળા બ્લોગ પર પરીક્ષા અંગેની ચર્ચાને વાંચીએ >  પરીક્ષા ??