December 28, 2025

ટીચિંગ લર્નિંગ મટિરિયલ - કોના માટે? કોના વડે?

ટીચિંગ લર્નિંગ મટિરિયલ - કોના માટે? કોના વડે?

સૌ જાણીએ છીએ કે બાળક જન્મ પૂર્વેથી જ શીખવાનું શરૂ કરે છે. જન્મ પછી તેની શીખવાની પ્રક્રિયામાં થોડો ફેરફાર થતો હશે (જેમ કે, ગર્ભમાં બાળક માટે શીખવાનો એકમાત્ર સ્ત્રોત કદાચ શ્રવણ-ઇન્દ્રિય જ હોય છે), પરંતુ તે પ્રક્રિયા ક્રમિક રહેતી હોય છે. “મારે શીખવું નથી” - એવું કહેનાર વ્યક્તિ પણ ક્યારેય શીખ્યા વિના રહી શકતી નથી. એટલે જ તો ઘણીવાર કોઈ અમને પૂછે કે, "જેને શીખવું જ નથી, તે વળી શું શીખતો હશે?" ત્યારે મજાકમાં અમે હકીકત કહેતા હોઈએ છીએ કે, શીખવું નથી એવું કહેનાર વ્યક્તિ પણ “શીખવાનું કેવી રીતે ટાળવું અથવા શીખવું કેવી રીતે નહીં” તે માટેની મથામણ કરતાં શીખે છે! એટલે જ માણસ સતત શીખતો રહે છે, એવું આપણે કહેતા હોઈએ છીએ.

ત્યારે હવે બાળકોને શીખવતી સંસ્થાઓ માટે એ પ્રશ્ન ઉદ્ભવવો સ્વાભાવિક છે કે - જો બાળક જાતે જ શીખે છે, તો પછી શાળા કે શિક્ષકે શું કરવાનું? ત્યારે જરાય મુંઝાયા વગર અમારો જવાબ હોય છે - “લર્નિંગ”, એટલે કે 'શીખવું કેવી રીતે' તે અમે શીખવીએ છીએ. બાળકોને "ભણાવવા" (Teach) શબ્દ હવે આધુનિક જમાનામાં આઉટડેટેડ થતો જાય છે, અથવા તો જ્યાં તેનો ઉપયોગ થાય છે ત્યાં તેની વ્યાખ્યા બદલાતી દેખાય છે. બાળકોને અત્યારે જે રીતે ટેક્નોલોજિકલ એક્સપોઝર મળી રહ્યું છે, તે જોતાં જો કોઈ તેમને 'ટીચ' (Teach) કરવાનો પ્રયત્ન કરે, તો બાળકોને તે 'ટીચવા' (પીટવા) જેવું લાગે છે! અને તેના કારણે જ બાળકની પોતાની શીખવાની પદ્ધતિ અને શિક્ષકની શીખવવાની પદ્ધતિ 'મિસમેચ' થઈ રહી છે.

આવા વર્ગખંડીય વાતાવરણમાં ફક્ત બે જ બાબતો છે જે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના આ 'મિસમેચ'ને હટાવી 'ફૂલ મેચિંગ' કરી શકે છે: એક છે બંને વચ્ચેનો સંવાદ અને બીજું છે ક્રિએટિવિટી (એટલે કે, બંનેએ સાથે મળીને કંઈક નવું કરવાની પ્રવૃત્તિ)!

અમારો વર્ષો જૂનો એક ડાયલોગ ફરીથી યાદ અપાવી દઉં કે - “ભણવું એ આ દુનિયાની સૌથી કંટાળાજનક પ્રવૃત્તિ છે, અને નવું જાણવું કે શીખવું એ બાળક માટે સૌથી આનંદદાયી પ્રવૃત્તિ છે.” આ બંને સમાન લાગતા છતાં વિરોધાભાસી વાક્યો ઘણું બધું સમજાવી જાય છે. બાળકને નવું શીખવું તો છે જ, પણ 'ટીચાઈ-ટીચાઈને' એટલે કે ફક્ત સાંભળીને નહીં, પણ વાતચીત કરતાં-કરતાં અને કંઈક નવું બનાવતાં-બનાવતાં! Like a touring with friends! હવે આવો માહોલ જો આપણે આપણા વર્ગખંડોમાં ઊભો કરી શકીએ, તો જ બાળકો પોતે જાતે શીખતા અને સમજતા થાય - જેને મૂળ શિક્ષણ એટલે કે 'કેળવણી' કહેવાય છે.

બાળકો સાથે કોઈ એક વિષયવસ્તુ પર ચર્ચા થાય (Teaching), અને તેને શીખવા-સમજવા માટે જ્યારે ક્રિએટિવિટીનો સહારો લેવાય, એટલે કે બાળક સાથે મળીને તે સાધનનું નિર્માણ કરીએ - તેવી તક આપતી એક પ્રવૃત્તિ શાળામાં કરવામાં આવી. જોકે, આને 'પ્રવૃત્તિ કરવામાં આવી' તેના બદલે 'ઉજવવામાં આવી' એમ કહેવું વધારે યોગ્ય ગણાશે. કારણ કે, કોઈ તહેવારની જેમ આજે કંઈક નવું અને વિશેષ કરી રહ્યાનો આનંદ તેમના ચહેરા પર સ્પષ્ટ નીતરી આવતો હતો. અને હા, હજુ તો મટિરિયલ પૂરું બન્યું પણ નહોતું, ત્યાં તો આખું ગ્રુપ તે બનાવતાં-બનાવતાં જ વિષયવસ્તુ શીખી ગયું! આ આશ્ચર્ય અમારા સૌના મનમાં ઊભરી આવતું હતું.

ચાલો, તમારે પણ જાણવું હશે ને કે આટલો બધો આનંદ આપનાર એ તહેવારનું નામ શું છે? અરે સાહેબ! "નામ મેં ક્યા રખા હૈ, માહોલ દેખો યારો!" - ક્લિક કરી પહોંચીએ એ ટીચિંગ-લર્નિંગની દુનિયામાં, જ્યાં મળે છે ત્રણ યાર:

 ટીચર, બચ્ચે ઔર સાથ મેં મટિરિયલ!

રીડિંગ રીલ્સ

શિક્ષક અને વિદ્યાર્થી સાથે મળીને શીખવા માટેના સાધનો બનાવે છે. મટિરિયલ તૈયાર થાય તે પહેલાં જ બાળકો વિષય વસ્તુ શીખી જાય છે.





December 21, 2025

વર્ગખંડનું સૈન્ય અને શિક્ષકનું 'રાજ' !


વર્ગખંડનું સૈન્ય અને શિક્ષકનું 'રાજ' !

“કોઈ ક્યાંકથી ચોક લઈ આવો” - વર્ગખંડમાં આપણો આ ડાયલોગ પૂરો થાય ન થાય, ત્યાં તો સામે બેઠેલા સૈન્યમાંથી (હા, આપણાં બાળકો જ ને!) બે-ચાર અને ક્યારેક તો આઠ-દસ સૈનિકો દોટ મૂકે છે. શિક્ષક તરીકેના આપણા અવતરણ પછીનો આ રોજનો અનુભવ છે. Feel like a small kingdom - જાણે કે કોઈ રાજા આદેશ કરે અને તેની ટીમ તરત કામે લાગે!

પરંતુ વિચારો કે, ખરેખર તે સમયે આપણે પોતાને રાજા જેવું 'ફીલ' થવા દઈએ છીએ ખરા? કે પછી કંટાળો વ્યક્ત કરતા ડાયલોગ મારીએ છીએ - "અલ્યા ઊભા રહો, એક જાય, બાકીના પાછા આવો, બેસી જાઓ!" રોજબરોજની આ ઘટના પ્રત્યે જો બારીકાઈથી વિચાર કરીએ તો બે બાબતો સમજાશે:

1.બાળકોને આપણા વર્ગખંડમાં જકડાઈ રહેવું ગમતું નથી. તેમને કંઈક બહાનું મળે કે તરત જ બહાર નીકળવું હોય છે.

2.બાળકોને આપણે કહીએ તેમ કરવું ગમે છે; તેમને બસ બેસી રહીને આપણને સાંભળતા રહેવું ગમતું નથી.

હવે “એકને કહેતા આઠ દોડે” તેવી ઘટનામાં અકળાઈ જવાને બદલે, થોડી દ્રષ્ટિ બદલીને ગૌરવભેર 'રાજા' બની આ ઘટનાને માણીએ તો ખ્યાલ આવશે કે આપણી પાસે કેટલો 'એનર્જેટિક ફોર્સ' (ઊર્જાવાન સૈન્ય) છે.

બીજી તરફ, આપણે આપણી માન્યતાને (માન્યતા એટલા માટે કે માનીએ છીએ ખરાં, પણ હજુ તેને માણતા નથી) યાદ કરીએ - જેમાં આપણે સૌ માનીએ છીએ કે, “વર્ગખંડમાં સતત બોલવાને બદલે બાળક સાથે સંવાદ કરીએ અને બાળકોને જાતે કંઈક કરવા દઈએ તો તેઓ વધુ ઝડપથી અને આનંદથી શીખે છે.” પરંતુ, આપણા માનવસહજ સ્વભાવને કારણે આપણે ઘણીવાર કંટાળો અનુભવીએ છીએ અને બહાના આપીએ છીએ કે - "આ બધું ક્યારે કરીએ? કોણ કરે? જો પ્રવૃત્તિ જ કરવા રહીએ તો અભ્યાસક્રમનું શું?"

"આ કોણ કરે?" તેનો જવાબ એ જ રાજાની સેના છે જે તમારા એક બોલ પર દોડી જાય છે. આપણી પાસે રહેલી આ તાકાતનો જો આપણે માહિતીસભર ઉપયોગ કરીએ, તો આ બાળકો આપણો પડ્યો બોલ ઝીલવા તૈયાર જ હોય છે. "ક્યારે કરીએ?" તેનો જવાબ આપણી માન્યતામાં જ છે - વર્ગખંડમાં 'ટીચિંગ'ને નામે 'ટીચવા' (પીટવા) લાગીએ તેના કરતાં, બાળકો પોતે કરેલી પ્રવૃત્તિ વડે વધુ સારું શીખે છે! વર્ગખંડમાં આપણો બોલવાનો સમય ઘટાડીને તે સમય બાળકોને આપી દઈએ તો કેવું? આવો જ એક પ્રયત્ન આપણી શાળાના શિક્ષક મધુરે કર્યો! સમજીએ તેમણે શું કર્યું, તેમના જ શબ્દોમાં... ચોપડીના પાનામાંથી ચોગાનમાં: જાતે બનાવ્યું 'હનીબી ટ્રેપ'!

ધોરણ-7 ના અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ છે - 'Honeybee Trap' (મધમાખી/માખી પકડવાનું સાધન) બનાવવાની. મેં બાળકોને અંગ્રેજીમાં આપેલી સૂચનાઓ વાંચીને જાતે જ આ સાધન બનાવવા કહ્યું. મજાની વાત એ હતી કે બાળકોને ખબર જ નહોતી કે અંતે તેઓ શું બનાવવા જઈ રહ્યા છે!

જ્યારે જરૂરી વસ્તુઓ મંગાવવામાં આવી, ત્યારે જ વિદ્યાર્થીઓના પ્રશ્નોની વણઝાર શરૂ થઈ ગઈ:

      "સાહેબ, ખાટા બોર ચાલશે?"

      "સફરજન બગડેલું હોય તો ચાલે?"

      "જામફળનો આમાં શું ઉપયોગ હશે?"

મેં માત્ર એટલું જ કહ્યું, "બસ, અત્યારે આ વસ્તુઓ ભેગી કરો, શું બનશે એ પછી જોઈશું!" દરેક ગ્રુપના લીડર અને સભ્યોએ પાઠ્યપુસ્તકની અંગ્રેજી સૂચનાઓ જાતે વાંચી, સમજી અને સ્ટેપ-બાય-સ્ટેપ અમલ શરૂ કર્યો. પરસ્પર ચર્ચા દ્વારા તેઓ અંગ્રેજીના અઘરા શબ્દો ઉકેલતા ગયા અને પ્રવૃત્તિ આગળ વધી. બાળકોએ જોયું કે: પ્લાસ્ટિકની બોટલને કાપીને તેને ઊંધી ગોઠવવામાં આવી. તેમાં પાણી, ખાંડ, લીંબુનો રસ અને જામફળ-સફરજનના ટુકડા નાખવામાં આવ્યા. જ્યારે આ બધું મિશ્રિત થયું ત્યારે એક ચીકણું અને સુગંધિત પ્રવાહી તૈયાર થયું.

જ્યારે આખું મોડલ તૈયાર થઈ ગયું અને મેં તેની કાર્યપદ્ધતિ સમજાવી ત્યારે બાળકોના ચહેરા પરની ખુશી અદભૂત હતી! તેમને સમજાયું કે ફળોની સુગંધથી આકર્ષાઈને માખી-મચ્છરો અંદર જાય છે અને પેલા ચીકણા પ્રવાહીમાં ફસાઈ જાય છે. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ માત્ર અંગ્રેજી વાંચતા અને સમજતા જ ન શીખ્યા, પરંતુ 'જાતે કરીને શીખવાનો' (Learning by doing) આનંદ માણ્યો.

- મધુર નવાનદીસર, ભાષા શિક્ષક

મધુરનો અનુભવ આપણી સામે છે અને આપણો પોતાનો વર્ગખંડ પણ! હવે આપણે જ વિચારવાનું છે કે આપણા એ સૈન્યને વર્ગખંડમાં બેસાડી રાખીને 'ટીચિંગ'ના નામે કંટાળો આપવો છે, કે પછી રાજાની જેમ માર્ગદર્શક બની તેમની અંદર રહેલી ઊર્જાનો ઉપયોગ કરી, તેમને દોડાવીને આનંદ સાથે શીખતા કરવા છે!

ચોઈસ તમારી છે! ત્યાં સુધી આ ફોટાઓ દ્વારા માણો બાળકોની એનર્જીને!

રીડિંગ રિલસ -

પ્રેક્ટિકલ પેડાગોજી : શિક્ષકે વર્ગખંડમાં 'રાજા' કે 'સરમુખત્યાર' બનવાને બદલે એક માર્ગદર્શક (Facilitator) બનવું જોઈએ. બાળકોમાં રહેલી અખૂટ ઉર્જાને નકારાત્મક શિસ્તમાં વેડફવાને બદલે રચનાત્મક કાર્યોમાં વાળવી જોઈએ.












December 14, 2025

વર્ગખંડની બહાર, પ્રકૃતિના દ્વાર !

વર્ગખંડની બહાર, પ્રકૃતિના દ્વાર !

બાળકોને સૌથી વધુ મજા આપનાર વિષય હોય તો તે “પર્યાવરણ” છે! આવું અમે નહીં, અમારા અનુભવો કહે છે. પર્યાવરણ જ કેમ? એવો જો તમારો પ્રશ્ન હોય તો અહીં આપણે તેને સમજવા કેટલીક મથામણ કરવાની છે! ચાલો સમજીએ, પર્યાવરણ જ કેમ?

કેટલાંક કારણો પૈકીનું એક કારણ જે અમારા ધ્યાને આવ્યું છે તે એ છે કે, બાળકોને તેમની આસપાસનું જાણવામાં ખૂબ રસ હોય છે! હોય પણ ખરો ને - આખરે આપણા સૌમાં પ્રકૃતિ સાથે સહવાસ કરવાનો સ્વભાવ રહેલો જ છે. એટલે બાળકો તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સાહિત હોય છે.

બીજું એક કારણ છે, પર્યાવરણ એ વર્ગખંડની બહાર રહીને શીખવાનો વિષય છે. જેમાં બાળકોને વારંવાર ખુલ્લા વાતાવરણમાં ટહેલવા મળે છે. ફક્ત સાંભળીને કાન પકવવાને બદલે તમામ ઇન્દ્રિયો શીખવાના આનંદને માણતી હોય છે!

ત્રીજું એક કારણ છે - પર્યાવરણનો શિક્ષક 'લેક્ચરર' બનવાને બદલે 'ફેસિલિટેટર' (માર્ગદર્શક) બની રહે તેવો આ વિષય છે. કેટલાક વિષયવસ્તુ તો એવા હોય છે કે જેમાં બાળકોનું પૂર્વજ્ઞાન આપણા સૌ કરતાં પણ વધારે ધારદાર હોય છે. તેવામાં તો શિક્ષક તરીકે સાથે ન હોઈએ તો પણ વધુ મજાથી તેઓ શીખતા-સમજતા હોય છે!

પર્યાવરણ એ ફક્ત વિષય નથી, પરંતુ તેમાં આવતાં 'લર્નિંગ આઉટકમ્સ' (શીખવાના નિષ્કર્ષો) દ્વારા સંસ્થાઓનો “બાળકને પ્રકૃતિ સાથે હોવાનો અહેસાસ કરાવવાનો પ્રયત્ન” હોય છે. પ્રકૃતિ સાથેનો સહવાસ ત્યારે જ શક્ય છે જ્યારે બાળક તેના વિશે પૂરું જાણતું અને સમજતું હોય! બાળકને બાળપણથી સામાજિકતાનો અહેસાસ જેમ સમાજ કરાવે છે, તેમ પ્રકૃતિનો અહેસાસ કરાવવાનું કામ શાળા તરીકે આપણું છે.

ધોરણ-4 માં પર્યાવરણમાં પક્ષીઓ વિશે જાણવા-સમજવાના લક્ષ્ય સાથે આપેલી એક પ્રવૃત્તિને અમારા પર્યાવરણ શિક્ષક શાંતિલાલ નવાનદી સરે કરાવી, તેને માણીએ તેમના જ શબ્દોમાં...

"પર્યાવરણ વિષય ભણવો એટલે આંખ, કાન, નાક, ચામડી અને જીભ - આ પાંચેય ઇન્દ્રિયોને ખુલ્લી રાખીને અનુભવ કરવો. સંવેદના અનુભવવી અને અવલોકન કરવા જેવાં કૌશલ્યો કેળવવાં. અમે ધોરણ-4 માં આવતા એકમ 'કામનો મહિનો' માં પક્ષીઓ માળા ક્યાં બનાવે છે? કેવી રીતે બનાવે છે? માળો બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે? જેવા મુદ્દાઓ વિશે બાળકોના અવલોકનો અને અનુભવોની ચર્ચા કરી.

પાઠને અનુરૂપ જુદા જુદા પક્ષીઓના માળા બનાવવાની પ્રવૃત્તિનું આયોજન કર્યું. વર્ગના ચાર ગ્રુપ - વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વીને માળો બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે તેની યાદી તૈયાર કરાવી. વાયુ ગ્રુપ = દરજીડો, જળ ગ્રુપ = ચકલી, અગ્નિ ગ્રુપ = સુગરી અને પૃથ્વી ગ્રુપ = કબૂતરનો માળો બનાવવા માટેની સામગ્રી ઘરેથી લાવશે તેવું આયોજન કર્યું.

બીજા દિવસે ચારેય ગ્રુપ મેદાનમાં જુદી જુદી જગ્યાએ માળો બનાવવા બેસી ગયા. બધા બાળકો સળીઓ, પાંદડાં, દોરા, રૂ, તાર જેવી સામગ્રી વીણી લાવ્યા હતા. બધા જ ગ્રુપમાં બાળકો પોતપોતાના અનુભવ અને અવલોકન પ્રમાણે કામ કરી રહ્યા હતા. મજા તો એ વાતની આવી કે સુગરીનો માળો બનતો જ નહોતો! દરજીડાનો માળો આબેહૂબ બની શક્યો. કબૂતરનો માળો બનાવી તેમાં રૂનાં ઈંડાં બનાવીને મૂક્યાં!

આ પ્રવૃત્તિથી બાળકોની અવલોકન કરવાની દ્રષ્ટિ કેળવાઈ અને તેઓ પ્રત્યક્ષ અનુભવ મેળવી શક્યા. પ્રવૃત્તિ દરમિયાન સંવાદ કરતાં પૂછ્યું કે - 'માળામાં રૂ, વાળ, દોરા, કપડાં કેમ મૂક્યાં છે?' તો તેમનો જવાબ હતો - 'માળો મુલાયમ અને હૂંફાળો રહે તે માટે!'"

આપણે વિચારી શકીએ છીએ કે પક્ષીઓ માત્ર ચાંચ વડે કેવું સુંદર ઘર બનાવે છે! આપણે ભેગા મળીને પ્રયત્ન કરીએ તો પણ દરજીડા જેવો માળો બનાવી શકતા નથી.

- શાંતિલાલ નવાનદીસર, પર્યાવરણ ફેસિલિટેટર

આશાસ્પદ છીએ કે સંસ્થા તરીકે બાળકના મનપસંદ વિષયને પ્રવૃત્તિસભર બનાવવાના પ્રયત્નો દ્વારા જ બાળકો જાણશે કે - “અલ્યા, માળો બનાવવો કેટલું અઘરું કામ છે!” અને કોઈ માળાને નુકસાન કરતા પહેલાં તેમને આ પ્રવૃત્તિ ચોક્કસ યાદ અપાવશે કે - “રુકો જરા, સબર કરો - અને વિચારો - કે આ પક્ષી જેવો માળો તું ફરી બનાવી શકીશ ખરો?”

રીડિંગ રીલ્સ

ઇન્દ્રિયજન્ય શિક્ષણ : પર્યાવરણ શિક્ષણ એ માત્ર વર્ગખંડમાં સાંભળવાનો વિષય નથી, પણ પાંચેય ઇન્દ્રિયો દ્વારા અનુભવવાનો વિષય છે.