વર્ગખંડનું સૈન્ય અને શિક્ષકનું 'રાજ' !
“કોઈ ક્યાંકથી ચોક લઈ આવો” - વર્ગખંડમાં આપણો
આ ડાયલોગ પૂરો થાય ન થાય, ત્યાં તો સામે બેઠેલા સૈન્યમાંથી (હા, આપણાં બાળકો જ ને!)
બે-ચાર અને ક્યારેક તો આઠ-દસ સૈનિકો દોટ મૂકે છે. શિક્ષક તરીકેના આપણા અવતરણ પછીનો
આ રોજનો અનુભવ છે. Feel like a small kingdom - જાણે કે કોઈ રાજા આદેશ કરે અને તેની ટીમ તરત
કામે લાગે!
પરંતુ વિચારો કે, ખરેખર તે સમયે આપણે પોતાને રાજા જેવું 'ફીલ' થવા દઈએ છીએ ખરા? કે પછી કંટાળો
વ્યક્ત કરતા ડાયલોગ મારીએ છીએ - "અલ્યા ઊભા રહો, એક જાય, બાકીના પાછા આવો, બેસી જાઓ!"
રોજબરોજની આ ઘટના પ્રત્યે જો બારીકાઈથી વિચાર કરીએ તો બે બાબતો સમજાશે:
1.બાળકોને આપણા વર્ગખંડમાં જકડાઈ રહેવું ગમતું
નથી. તેમને કંઈક બહાનું મળે કે તરત જ બહાર નીકળવું હોય છે.
2.બાળકોને આપણે કહીએ તેમ કરવું ગમે છે; તેમને બસ બેસી રહીને આપણને સાંભળતા રહેવું ગમતું નથી.
હવે “એકને કહેતા આઠ દોડે” તેવી ઘટનામાં અકળાઈ
જવાને બદલે, થોડી દ્રષ્ટિ બદલીને ગૌરવભેર 'રાજા' બની આ ઘટનાને માણીએ
તો ખ્યાલ આવશે કે આપણી પાસે કેટલો 'એનર્જેટિક ફોર્સ' (ઊર્જાવાન સૈન્ય) છે.
બીજી તરફ, આપણે આપણી માન્યતાને (માન્યતા એટલા માટે કે
માનીએ છીએ ખરાં, પણ હજુ તેને માણતા નથી) યાદ કરીએ - જેમાં આપણે સૌ માનીએ છીએ
કે, “વર્ગખંડમાં સતત બોલવાને બદલે બાળક સાથે સંવાદ કરીએ અને
બાળકોને જાતે કંઈક કરવા દઈએ તો તેઓ વધુ ઝડપથી અને આનંદથી શીખે છે.” પરંતુ, આપણા માનવસહજ
સ્વભાવને કારણે આપણે ઘણીવાર કંટાળો અનુભવીએ છીએ અને બહાના આપીએ છીએ કે - "આ
બધું ક્યારે કરીએ? કોણ કરે? જો પ્રવૃત્તિ જ કરવા રહીએ તો અભ્યાસક્રમનું શું?"
"આ કોણ કરે?" તેનો જવાબ એ જ
રાજાની સેના છે જે તમારા એક બોલ પર દોડી જાય છે. આપણી પાસે રહેલી આ તાકાતનો જો
આપણે માહિતીસભર ઉપયોગ કરીએ, તો આ બાળકો આપણો પડ્યો બોલ ઝીલવા તૈયાર જ હોય છે.
"ક્યારે કરીએ?" તેનો જવાબ આપણી માન્યતામાં જ છે - વર્ગખંડમાં 'ટીચિંગ'ને નામે 'ટીચવા' (પીટવા) લાગીએ તેના કરતાં, બાળકો પોતે કરેલી પ્રવૃત્તિ વડે વધુ સારું શીખે છે!
વર્ગખંડમાં આપણો બોલવાનો સમય ઘટાડીને તે સમય બાળકોને આપી દઈએ તો કેવું? આવો જ એક પ્રયત્ન
આપણી શાળાના શિક્ષક મધુરે કર્યો! સમજીએ તેમણે શું કર્યું, તેમના જ શબ્દોમાં...
ચોપડીના પાનામાંથી ચોગાનમાં: જાતે બનાવ્યું 'હનીબી ટ્રેપ'!
ધોરણ-7 ના અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં એક
પ્રવૃત્તિ છે - 'Honeybee Trap' (મધમાખી/માખી પકડવાનું સાધન) બનાવવાની. મેં બાળકોને
અંગ્રેજીમાં આપેલી સૂચનાઓ વાંચીને જાતે જ આ સાધન બનાવવા કહ્યું. મજાની વાત એ હતી
કે બાળકોને ખબર જ નહોતી કે અંતે તેઓ શું બનાવવા જઈ રહ્યા છે!
જ્યારે જરૂરી વસ્તુઓ મંગાવવામાં આવી, ત્યારે જ
વિદ્યાર્થીઓના પ્રશ્નોની વણઝાર શરૂ થઈ ગઈ:
● "સાહેબ, ખાટા બોર ચાલશે?"
● "સફરજન બગડેલું હોય તો ચાલે?"
● "જામફળનો આમાં શું ઉપયોગ હશે?"
મેં માત્ર એટલું જ કહ્યું, "બસ, અત્યારે આ વસ્તુઓ ભેગી કરો, શું બનશે એ પછી જોઈશું!" દરેક ગ્રુપના
લીડર અને સભ્યોએ પાઠ્યપુસ્તકની અંગ્રેજી સૂચનાઓ જાતે વાંચી, સમજી અને
સ્ટેપ-બાય-સ્ટેપ અમલ શરૂ કર્યો. પરસ્પર ચર્ચા દ્વારા તેઓ અંગ્રેજીના અઘરા શબ્દો ઉકેલતા
ગયા અને પ્રવૃત્તિ આગળ વધી. બાળકોએ જોયું કે: પ્લાસ્ટિકની બોટલને કાપીને તેને ઊંધી
ગોઠવવામાં આવી. તેમાં પાણી, ખાંડ, લીંબુનો રસ અને જામફળ-સફરજનના ટુકડા નાખવામાં આવ્યા. જ્યારે
આ બધું મિશ્રિત થયું ત્યારે એક ચીકણું અને સુગંધિત પ્રવાહી તૈયાર થયું.
જ્યારે આખું મોડલ તૈયાર થઈ ગયું અને મેં તેની
કાર્યપદ્ધતિ સમજાવી ત્યારે બાળકોના ચહેરા પરની ખુશી અદભૂત હતી! તેમને સમજાયું કે
ફળોની સુગંધથી આકર્ષાઈને માખી-મચ્છરો અંદર જાય છે અને પેલા ચીકણા પ્રવાહીમાં ફસાઈ
જાય છે. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ માત્ર અંગ્રેજી વાંચતા અને સમજતા જ ન
શીખ્યા, પરંતુ 'જાતે કરીને શીખવાનો' (Learning by doing) આનંદ માણ્યો.
- મધુર નવાનદીસર, ભાષા શિક્ષક
મધુરનો અનુભવ આપણી સામે છે અને આપણો પોતાનો
વર્ગખંડ પણ! હવે આપણે જ વિચારવાનું છે કે આપણા એ સૈન્યને વર્ગખંડમાં બેસાડી રાખીને
'ટીચિંગ'ના નામે કંટાળો આપવો છે, કે પછી રાજાની જેમ માર્ગદર્શક બની તેમની અંદર
રહેલી ઊર્જાનો ઉપયોગ કરી, તેમને દોડાવીને આનંદ સાથે શીખતા કરવા છે!
ચોઈસ તમારી છે! ત્યાં સુધી આ ફોટાઓ દ્વારા
માણો બાળકોની એનર્જીને!
રીડિંગ રિલસ -
પ્રેક્ટિકલ
પેડાગોજી : શિક્ષકે વર્ગખંડમાં 'રાજા' કે 'સરમુખત્યાર' બનવાને બદલે એક માર્ગદર્શક
(Facilitator) બનવું જોઈએ. બાળકોમાં રહેલી અખૂટ
ઉર્જાને નકારાત્મક શિસ્તમાં વેડફવાને બદલે રચનાત્મક કાર્યોમાં વાળવી જોઈએ.

No comments:
Post a Comment