December 31, 2020

લર્નિંગ ફાઉંડ પોઝિટિવ !

લર્નિંગ ફાઉંડ પોઝિટિવ !


👤 શિક્ષક : અદિતિ, આજનું લેશન લખ્યું.

🙋 અદિતિ : એમાં તો બધુ ના આવડે એવું જ છે.

👤 શિક્ષક : શું ?

🙋 અદિતિ : (ઊભા રહો, ચોપડીમાં બતાવી) આમાં રાધા તેની મમ્મીને કહે છે તેને ખાંડ _____ ગોળ આપ. તો એમાં શું લખું ?

👤શિક્ષક : તને દવા કડવી લાગે તો તું મમ્મી પાસે કેવી રીતે ખાંડ ગોળ માંગે? અને બન્નેમાંથી એક માગવાનું હોય તો શું કહે?

🙋 અદિતિ : ખાંડ એટલે ?

👤શિક્ષક : અરે... ખાંડ... રસોડામાં..ચામાં નાખીએ...

🙋 અદિતિ : અચ્છા શક્કર તો હું કહું મમ્મી મને શક્કર અને ગોળ આપ.

👤 શિક્ષક : બંને ?

🙋 અદિતિ : હા. કેમ ? ના ખવાય ?

👤શિક્ષક :ખવાય, પણ એક જ માંગવાનુ હોય તો ! (અહિયાં સ્ક્રીપ્ટની ડિમાન્ડ એક માગે એવી હતી.)

🙋 અદિતિ : તો.. એ તો હું પછી વિચારીને લખી લઇશ.

( રૂબરૂ મૂલકાત પૂરી )

Ø પણ બે બાબતો ધ્યાનમાં આવી કે

. આપણે જે કહીએ છીએ/ઈચ્છીએ છીએ એના એ જ અર્થો બાળકોના મગજમાં આવતા નથી. તેઓ માટે તેમની પોતાની દુનિયા હોય છે.

. શિક્ષક તરીકે આપણે ટીચિંગના બદલે તેમના આવા અર્થો બહાર આવે તેવા આયોજનો કરવા જોઈએ.

જે આપણા માટે સાવ સહેલું લાગતું હોય તે એમના માટે ખૂબ મુશ્કેલ પણ હોય શકે. અહિયાં, અદિતી માટે અને, કે, છતાં, અથવા, તો પણ એવા સંયોજકોનો ઉપયોગ કરવો આપણે મન સહેલી વાત છે કારણકે આપણે જાણીએ (માનીએ) છીએ કે તેઓ પોતાના રોજબરોજન જીવનમાં તેનો ઉપયોગ કરે જ છે. હવે તો માત્ર તેનું લિખિત સ્વરૂપ જ કરાવવાનું છે. પરંતુ એ વિચારવામાં તેમના જીવનમાં આવી શક્કર અને ગોળ બંને ખાવા હોય તેવી તેમની ઈચ્છાઓ અને તેના કારણે તેમનામાં ઊભી થતી અવઢવ તરફ ધ્યાન આપવાનું ચુકાઈ જાય. સંયોજક કયું વાપરે એ તો સમજે; પણ શક્કર અને ગોળ બંને ખાવા કે એક જ ખાવું તે નક્કી કરવા માટે સમય જોઈએ ને !

અમને સમજાઈ ગયું કે આ અઘરું પડશે કે સહેલું રહેશે  એ માટે તેઓ તેને કેવી રીતે જોશે, અનુભવશે તે જોતા શીખવું પડશે.

તમને સમજાયું ને કે શીર્ષકમાંલર્નિંગ ફાઉંડ પોઝિટિવલખેલું એમાં લર્નિંગ કોનું હતું ?

ક્યારેય કોઈ પ્રયત્ન નાનો નથી હોતો !

કોઈ નાનો કોઈ મોટો, એ ખ્યાલ જગતનો ખોટો !  

ક્યારેય કોઈ પ્રયત્ન નાનો નથી હોતો !

દુનિયામાં સૌથી વધુ મહત્વ ધરાવતી કોઈ વ્યક્તિ હોય તો તે બાળકો છે. એટલે જ તો કોરોના કાળમાં જ્યારે શાળાઓ ખોલવાની વાત આવે છે ત્યારે આપણે સૌ ખૂબ જ વિચારીને નિર્ણય કરવા માટેનો આગ્રહ રાખી છીએ. કોરોના પૂર્વે પણ બાળકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે આપણે સૌ ચિંતિત બની ઘણું બધુ કરતાં રહ્યા છીએ. શાળામાં ફાયર સેફ્ટીની વાત હોય કે પછી બાળ સ્વાસ્થ્ય ચકાસણી વડે તેની તંદુરસ્તીનું ધ્યાન રાખવાની વાત  હોય. આપણે સૌએ સતત બાળકોની ચિંતા કરી છે. બાળકોનું પરિવારમાં પણ આવું જ મહત્વ હોવાને કારણે આપણે સમાજ ઘડતર માટેની ચાવી બાળકોમાં શોધી છીએ. બાળક દ્વારા કહેવાયેલું વાક્ય ઘરના સૌ માટે સંદેશાની અસરકારક્તા વધારનારું હોય છે. મોટાભાગે ઘરમાં બે સભ્યોની વાત વધુ મનાતી હોય છે. એક ઘરના વડીલની અને બીજી ઘરના બાળકની. વડીલની વાત અનુભવસભર હોય છે. અને બાળકની વાત લાગણીસભર હોય છે. એટલે જ તો આવા બાળકો સાથે કામ કરવાની નોકરીને માસ્તર કહી સન્માનવામાં આવે છે. કારણ એ જ  છે  કે કોઈપણ વ્યક્તિ આખો દિવસ બાળકો સાથે ગાળે એટલે બાળકો તેને મા નો દરજ્જો આપી જ દે. એટલે ખરી રીતે કહીએ તો બાળકો જ  આપણ સૌને માસ્તર બનવાનું સમ્માન આપતા હોય છે.   

આવા માના સ્તરે હોઈએ ત્યારે આપણા બાળકો આપણી સાથે હોય કે એમના માં બાપ સાથે. તેમનો આનંદ જળવાયેલો રહે તે જરૂરી છે. ઓનલાઈન કામોમાં વધુ એક કામ ફિટ ઈન્ડિયાઆવ્યું તે વાંચી પહેલો પ્રતિભાવ જન્મ્યો કે આ તો કેવી રીતે થાય? પણ પ્રથા મુજબ બાળકો વચ્ચે વાત મુકાઇ અને પછી આખા કાર્યક્રમની બીજી ઊજળી બાજુ નજરે પડી. અમે તો આ સ્ક્રીન પર જોઈને કસરત કરાવતા હતા, તેના વિષેની વાતચીત કરતાં હતા.. અહી અમારા સ્ક્રીન પર માત્ર બાળકોના ચહેરા હતા પણ એ સ્ક્રીનને પેલે પાર તો આખું ઘર હતું ને ! તેમણે રચેલી કવિતાઓ, ચિત્રો, સૂત્રો એ બધાની વાતોમાં એમના માતા પિતા કે મોટા ભાઈ બહેનનું યોગદાન વિષે સાંભળી થયું કે આપણને નગણ્ય લગતી બાબતોમાં બાળકો જોડાઈ જાય પછી એ મોટી અસર કરી જ શકે છે




           












December 19, 2020

શિક્ષણની પ્રક્રિયામાં > જો હો જાયે શુરુ, વો હી ગુરુ !

શિક્ષણની પ્રક્રિયામાં> જો હો જાયે શુરુ,વો હી ગુરુ!

કોઈને સલાહ આપવી સહેલી છે, પરંતુ કોઇની આપેલી સલાહ માનવી મુશ્કેલ છે. – આ વાત આપણે સૌએ સાંભળેલી, અનુભવેલી છે. આવું કેમ બને છે?. શાળાના અમારા અનુભવો કહે છે કે : આપણ સૌને કોઈને કોઈ વાતમાં અન્ય વ્યક્તિને સલાહ આપવાની ટેવ પડેલી હોય છે આ વાત સાબિત કરે છે કે દરેક વ્યક્તિનામાં શીખવવાપણું એટલે કે શિક્ષકપણું જન્મજાત રહેલું હોય છે પરંતુ કોઇની આપેલી સલાહ આપણે સૌ જલ્દીથી માનતા નથી -  એ સાબિત કરે છે કે દરેક વ્યક્તિનામાં વિદ્યાર્થીપણું પણ જન્મજાત રહેલું હોય છે ! એટલે જ તો આપણા સૌની ફરિયાદ રહેલી હોય છે કે  બાળકો જલ્દી આપણું માનતા નથી. શીખવવું સહેલું નથી તેમ શીખવું એ પણ સહેલી પ્રક્રિયા નથીઅને ખરેખર વધારે મજબૂતાઈથી કહું તો શીખવું એ વધારે મુશ્કેલ વસ્તુ છે. શીખવવામાં ફક્ત બોલી કે બતાવી દેવાની પ્રક્રિયા હોય છે, જ્યારે શીખવાની બાબતમાં સાંભળેલું કે જોયેલું સમજવાની પ્રક્રિયા કરવાની હોય છે. અને માનવ મગજ ઉપર સ્ટ્રેસ ઊભા કરતી હોય તે સમજવા માટેની પ્રક્રિયા છે. આવા સ્ટ્રેસ સાથેની કસરત જ મગજમાં સમજણ અંગેના કોષ પેદા કરી મગજને કેળવતી હોય છે. શીખવવા માટે એટલો બધો સ્ટ્રેસ મગજ પર આવતો નથી કેમ કે શિખવાનાર એ પ્રક્રિયામાંથી નીકળી ચૂક્યો હોય છે. વર્ગખંડોની પ્રક્રિયાઓને બારીકાઈથી જોઈએ તો તેમાં બે ટીમ કામ કરતી હોય છે. જેમાં એક ટીમ આપણી કે જેઓ શીખવવા મથે છે સામે બાળકોની ટીમ કે જેઓ આપણે સમજાવેલ બાબતોને સમજવવા મથતાં હોય છે. આવી પ્રક્રિયાઓમાં બંને બાજુ મથામણ ચાલતી હોય છે. આવામાં કેટલીકવાર શિક્ષક તરીકેની આપણી આગવી કુનેહ વડે જો વર્ગખંડની પ્રક્રિયામાં નાનકડા ફેરફાર વડે નાની નાની એવી તક ઝડપી લેવામાં આવે કે જેમાં સામેની ટીમમાંથી કોઈ બાળક આપણા સ્થાને આવી એટલે કે શિક્ષક બની વિષય વસ્તુને સમજાવવા લાગી જાય!

તેના બે ઉદાહરણ શાળાના અનુભવો પરથી આપી શકાય તો પહેલું અમારો દીકરો હરેશ.. >

પહેલા અને બીજાના ધોરણના બાળકોને સ્વધ્યયનપોથી ઘરે આપવાની વાત થઈ ત્યારે ફળિયાદીઠ હાઇસ્કૂલમાં ભણતાં બાળકોને નાના બાળકોના લીસ્ટ સાથેની જવાબદારી સોંપવામાં આવી. તેમાં નાના બાળકો ફળિયામાં હરેશના ઘરે આવી રોજે રોજ શાળામાંથી મોકલેલ ઘરકામ વાળા પાન નંબરનું લેખન અને વાંચન કાર્ય કરવાનું સોંપ્યું. સમયાંતરે શિક્ષકની મુલાકાત વખતે હરેશનું વર્તન શિક્ષક જેવુ જ  અને પ્રક્રિયા વર્ગખંડ જેવી જ લાગી. [ સાચું કહું તો ઈર્ષા પણ આવી ] બાળકોની તેની આસપાસ ઊભા રહી સમજવા માટેની મથામણ એ જ અમારો આનંદ હતો.

બીજો પ્રસંગ ઓનલાઇન ક્લાસમાં ધોરણ પાંચમાં પર્યાવરણ વિષય અંતર્ગત રાજુનું ઘર એકમ માં તંબુમાં રહેવાના અનુભવો વિશે ગૂગલ ગુરુના અનુભવો ચંદુ સાહેબ બાળકો સાથે શેર કરતા હતા, તેવામાં જ દિશા દીકરીનો વિડીયો ચાલુ થયો અને બૂમ પડી સાહેબ અત્યારે હું તંબુમાં જ રહું છું, મને અનુભવ છે હું બધાને કહું ? આવી બાળકોને શિખવવાની તક કેવી રીત જવા દેવાય ગૂગલ અને ચંદુ ગુરુ કરતાં પણ દિશા ગુરુએ બાળકોની ભાષામાં મજાની રીતથી પોતાના અનુભવો શેર કર્યા ! બાળકો પ્રક્રિયામાં સામેલ થાય પછી તો પૂછવું જ શું ? – દિશા ગુરુની વાતો સાંભળી અને તેનો તંબુ જોઈને આનંદ અને આશ્ચર્ય બંને થશે > ચાલો ફોટો પર ક્લિક કરી વિડીયો વડે દિશાએ તાણેલા તંબૂમાં જઈએ !