કોઈ નાનો કોઈ મોટો, એ ખ્યાલ જગતનો ખોટો !
ક્યારેય કોઈ પ્રયત્ન નાનો નથી હોતો !
દુનિયામાં સૌથી વધુ મહત્વ ધરાવતી કોઈ વ્યક્તિ હોય તો તે બાળકો છે. એટલે જ તો કોરોના કાળમાં જ્યારે શાળાઓ ખોલવાની વાત આવે છે ત્યારે આપણે સૌ ખૂબ જ વિચારીને નિર્ણય કરવા માટેનો આગ્રહ રાખી છીએ. કોરોના પૂર્વે પણ બાળકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે આપણે સૌ ચિંતિત બની ઘણું બધુ કરતાં રહ્યા છીએ. શાળામાં ફાયર સેફ્ટીની વાત હોય કે પછી બાળ સ્વાસ્થ્ય ચકાસણી વડે તેની તંદુરસ્તીનું ધ્યાન રાખવાની વાત હોય. આપણે સૌએ સતત બાળકોની ચિંતા કરી છે. બાળકોનું પરિવારમાં પણ આવું જ મહત્વ હોવાને કારણે આપણે સમાજ ઘડતર માટેની ચાવી બાળકોમાં શોધી છીએ. બાળક દ્વારા કહેવાયેલું વાક્ય ઘરના સૌ માટે સંદેશાની અસરકારક્તા વધારનારું હોય છે. મોટાભાગે ઘરમાં બે સભ્યોની વાત વધુ મનાતી હોય છે. એક ઘરના વડીલની અને બીજી ઘરના બાળકની. વડીલની વાત અનુભવસભર હોય છે. અને બાળકની વાત લાગણીસભર હોય છે. એટલે જ તો આવા બાળકો સાથે કામ કરવાની નોકરીને માસ્તર કહી સન્માનવામાં આવે છે. કારણ એ જ છે કે કોઈપણ વ્યક્તિ આખો દિવસ બાળકો સાથે ગાળે એટલે બાળકો તેને મા નો દરજ્જો આપી જ દે. એટલે ખરી રીતે કહીએ તો બાળકો જ આપણ સૌને માસ્તર બનવાનું સમ્માન આપતા હોય છે.
આવા માના સ્તરે હોઈએ ત્યારે આપણા બાળકો આપણી સાથે હોય કે એમના માં બાપ સાથે. તેમનો આનંદ જળવાયેલો રહે તે જરૂરી છે. ઓનલાઈન કામોમાં વધુ એક કામ “ફિટ ઈન્ડિયા” આવ્યું તે વાંચી પહેલો પ્રતિભાવ જન્મ્યો કે આ તો કેવી રીતે થાય? પણ પ્રથા મુજબ બાળકો વચ્ચે વાત મુકાઇ અને પછી આખા કાર્યક્રમની બીજી ઊજળી બાજુ નજરે પડી. અમે તો આ સ્ક્રીન પર જોઈને કસરત કરાવતા હતા, તેના વિષેની વાતચીત કરતાં હતા.. અહી અમારા સ્ક્રીન પર માત્ર બાળકોના ચહેરા હતા પણ એ સ્ક્રીનને પેલે પાર તો આખું ઘર હતું ને ! તેમણે રચેલી કવિતાઓ, ચિત્રો, સૂત્રો એ બધાની વાતોમાં એમના માતા પિતા કે મોટા ભાઈ બહેનનું યોગદાન વિષે સાંભળી થયું કે આપણને નગણ્ય લગતી બાબતોમાં બાળકો જોડાઈ જાય પછી એ મોટી અસર કરી જ શકે છે.


1 comment:
ખુબ સરસ
Post a Comment