December 31, 2020

લર્નિંગ ફાઉંડ પોઝિટિવ !

લર્નિંગ ફાઉંડ પોઝિટિવ !


👤 શિક્ષક : અદિતિ, આજનું લેશન લખ્યું.

🙋 અદિતિ : એમાં તો બધુ ના આવડે એવું જ છે.

👤 શિક્ષક : શું ?

🙋 અદિતિ : (ઊભા રહો, ચોપડીમાં બતાવી) આમાં રાધા તેની મમ્મીને કહે છે તેને ખાંડ _____ ગોળ આપ. તો એમાં શું લખું ?

👤શિક્ષક : તને દવા કડવી લાગે તો તું મમ્મી પાસે કેવી રીતે ખાંડ ગોળ માંગે? અને બન્નેમાંથી એક માગવાનું હોય તો શું કહે?

🙋 અદિતિ : ખાંડ એટલે ?

👤શિક્ષક : અરે... ખાંડ... રસોડામાં..ચામાં નાખીએ...

🙋 અદિતિ : અચ્છા શક્કર તો હું કહું મમ્મી મને શક્કર અને ગોળ આપ.

👤 શિક્ષક : બંને ?

🙋 અદિતિ : હા. કેમ ? ના ખવાય ?

👤શિક્ષક :ખવાય, પણ એક જ માંગવાનુ હોય તો ! (અહિયાં સ્ક્રીપ્ટની ડિમાન્ડ એક માગે એવી હતી.)

🙋 અદિતિ : તો.. એ તો હું પછી વિચારીને લખી લઇશ.

( રૂબરૂ મૂલકાત પૂરી )

Ø પણ બે બાબતો ધ્યાનમાં આવી કે

. આપણે જે કહીએ છીએ/ઈચ્છીએ છીએ એના એ જ અર્થો બાળકોના મગજમાં આવતા નથી. તેઓ માટે તેમની પોતાની દુનિયા હોય છે.

. શિક્ષક તરીકે આપણે ટીચિંગના બદલે તેમના આવા અર્થો બહાર આવે તેવા આયોજનો કરવા જોઈએ.

જે આપણા માટે સાવ સહેલું લાગતું હોય તે એમના માટે ખૂબ મુશ્કેલ પણ હોય શકે. અહિયાં, અદિતી માટે અને, કે, છતાં, અથવા, તો પણ એવા સંયોજકોનો ઉપયોગ કરવો આપણે મન સહેલી વાત છે કારણકે આપણે જાણીએ (માનીએ) છીએ કે તેઓ પોતાના રોજબરોજન જીવનમાં તેનો ઉપયોગ કરે જ છે. હવે તો માત્ર તેનું લિખિત સ્વરૂપ જ કરાવવાનું છે. પરંતુ એ વિચારવામાં તેમના જીવનમાં આવી શક્કર અને ગોળ બંને ખાવા હોય તેવી તેમની ઈચ્છાઓ અને તેના કારણે તેમનામાં ઊભી થતી અવઢવ તરફ ધ્યાન આપવાનું ચુકાઈ જાય. સંયોજક કયું વાપરે એ તો સમજે; પણ શક્કર અને ગોળ બંને ખાવા કે એક જ ખાવું તે નક્કી કરવા માટે સમય જોઈએ ને !

અમને સમજાઈ ગયું કે આ અઘરું પડશે કે સહેલું રહેશે  એ માટે તેઓ તેને કેવી રીતે જોશે, અનુભવશે તે જોતા શીખવું પડશે.

તમને સમજાયું ને કે શીર્ષકમાંલર્નિંગ ફાઉંડ પોઝિટિવલખેલું એમાં લર્નિંગ કોનું હતું ?

No comments: