July 31, 2017

શાળા સંચાલનમાં સફળતા



બાળકો ની ઑનરશીપ - શાળા સંચાલનમાં સફળતા

શાળા સંચાલન એક કૌશલ્ય છે – ઘરે કોઈ નાનો પ્રસંગ હોય અને જેટલી ધમાલ /દોડાદોડી હોય તેટલી જ દોડાદોડી અને ધમાલ  શાળા સંચાલનમાં જોવા મળે છે . પરિણામે,  ઘણીવાર શાળા વહીવટકર્તાઓને લાગતું હોય છે કે જાણે કેટકેટલું કરીએ ; કામ ઓછાં થતાં જ નથી. આવી જ રોજીંદી ધમાલ વહીવટકર્તાને ચીડિયો અથવા તો હતાશ બનાવી દે છે, પરિણામે સદાય કામનો બોજો માથા પર પડેલો હોય તેવો અહેસાસ થયા કરે છે. આવા સંજોગોમાં તેઓ જ સફળ બની શકે છે જેઓ કાર્યભારને ટીમમાં વહેંચી શકે છે. પરંતુ કેટલીકવાર આપણને લીડરો દ્વારા  એવું પણ સાંભળવા મળે છે કે ટીમના સભ્યો જવાબદારી નિભાવવા તૈયાર જ નથી ને ! ત્યારે પ્રશ્ન થાય કે જયારે શાળામાં એક ટીમ બનીને કામ કરવાનું હોય અને સૌને મુખે “મારી શાળા” એવું સાંભળવા પણ મળતું હોય તો એવો કયો અભાવ છે કે ટીમવર્કમાં અવરોધરૂપ બની રહ્યો છે ? સફળ સંચાલન માટેની પહેલી શરત એ છે કે સંસ્થામાં આવતી તમામ વ્યક્તિઓમાં તે સંસ્થા પ્રત્યેની ઑનરશીપ ઉભી થાય! હવે માલિકીપણાનો ભાવ પેદા કરવા માટે દરેકને અલગ અલગ કાર્યોમાં જોડવા, તેમનાં મંતવ્યો લેવાં, દરેકને સ્પેસ આપવી. તેમની  રસરૂચિ અને જે તે વિષયની તેમની માસ્ટરીનો સંસ્થામાં ઉપયોગ કરાવવો. શાળામાં ફક્ત સંચાલક તરીકે આચાર્ય કે શાળા સ્ટાફ જ સુંદર શાળા ઉભી કરી શકે છે તે ફક્ત માન્યતા છે. તમને ખ્યાલ હશે કે બાળકોની મોટા પ્રમાણમાં સહભાગીદારીથી જ શાળા સ્વચ્છ રહે છે, બાળકોની મોટા પ્રમાણમાં ભાગીદારીથી જ વર્ગખંડોનું સંચાલન કે સાંસ્કૃતિક કાર્યક્રમોનું સંચાલન શક્ય છે. તો પછી શાળામાં જે બહુમતિવાળો વર્ગ એટલે કે બાળકો છે તેઓની ભાગીદારી, પરંપરાગત બની, અમુક ક્ષેત્રો પુરતો સીમિત કરી રાખી આપણે શું શાળાને સફળ સંસ્થા બનાવી શકીએ ખરા ? વિચારીએ કે ૩૦૦ બાળકોની સામે ૧૦ શિક્ષક “મારી શાળા” એવા  માલિકીપણાના ભાવથી મહેનત કરે તો તે શાળાના રંગરૂપમાં બદલાવ લાવી શકાતો હોય તો ૩૦૦ બાળકોમાં ઑનરશીપ ઉભી કરવા થોડો પ્રયત્ન કરવામાં આવે અને તે શાળા માટે ૧૦ + ૩૦૦ "મારી શાળા" ના અહોભાવથી શાળા પટાંગણને જોતાં થઇ જાય તો ? – શાળા તો રળિયામણી બની જ જાય ! – કહેવત છે ને “ ઝાઝા હાથ રળિયામણા”  બાળકોમાં ઉભી થયેલી "મારી શાળા" ની ભાવનાને લીધે જ બાળકની શાળાની વસ્તુ ઘરે લઇ જવાની વૃત્તિ છૂટી ઘરે લાવેલ કોઈ નવીન વસ્તુઓ શાળાના ઉપયોગ માટે લાવતો થાય છે, મિત્રો આટલાં વર્ષો પછી પણ અમે બધાં જ બાળકોમાં સંપૂર્ણપણે આ ભાવ નથી પેદા કરી શક્યા અમે પણ હજુ અડધે જ છીએ, કારણ આ પ્રક્રિયા ખુબ લાંબી છે, આજે ને આજે બે ચાર બોધ કથાઓ કે સુવિચારો કહેવાથી વાત નહિ બને... પરંતુ જેટલું કરી શક્યા તેનો શાળાને ખુબ જ ફાયદો થયો છે ,એટલે જ તો ઘરે શાકભાજી કરવા લાવેલ વાલોળપાપડીના બીજ ની થેલીમાંથી બે ચાર બીજ અમારો રોહિત તેના પપ્પા પાસેથી માંગીને શાળાના “કિચનગાર્ડન” માટે લેતો આવે છે.

July 30, 2017

આપણી સમજણ, આપણી સુરક્ષા !


આપણી સમજણ, આપણી સુરક્ષા !


પૂરને પૂરું થયા પછી નહિ પૂર શરૂ થતા પહેલા સંભાળવું પડે !
હમણાં જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણી અને તેનાથી થયેલી તારાજીથી – એ મુદ્દો ટોક ઓફ એવરી કોર્નર બન્યો છે ! આ સમયમાં કેટલાને સ્વાઈન ફ્લુ યાદ છે ? આપણે ઘડાયા જ એવી રીતે છીએ કે જે સમયે જે મુશ્કેલી આવી અને જાય પછી – “આમ, કર્યું હોત તો આમ ના થાત – આમ કરી જ દેવું જોઈએ –  જેવી સલાહો પોતાને અને અન્યને આપ્યા કરીએ છીએ. પરંતુ તેમાંથી શીખીને લાંબા ગાળાનું રોકાણ કરતા નથી.
             શાળા જો આ બધા મુદ્દાઓને બચપણથી તેમની સામે મુકતી થાય – અલબત્ત તેની માહિતી અને સ્વરૂપ તેમની ઉમરને અનુરૂપ હોવું જોઈએ ! તો આજના બાળકોની સમજના આપણા જેવી કાચી ના રહે –
           આ વર્ષે શાળામાં “સુરક્ષા સેતુ” કાર્યક્રમમાં આ બાબતે વધુ ગંભીરતાથી ચર્ચા થઇ. બાળકો સાથે ચર્ચા કરતા – સરકારી પત્ર કરતા એમનું આયોજન જુદું નીકળ્યું. તેમણે જુદી જુદી આપત્તિઓ પર પ્રોજેક્ટ યોજવાનું વિચાર્યું ! સાત જૂથને સાત આપત્તિઓની વહેચણી એમની પહેલી જૂથ મીટીંગમાં જ કરી દેવી –
        કન્વીનર શિક્ષક ઉપરાંત તેમણે ઇન્ટરનેટ માટે પીન્ટુભાઈનું માથું ખાધું – ઘરે જઈ. તેમની આજુબાજુમાં જેની પણ પાસે ફોનમાં નેટ ઉપલબ્ધ હતું તેની પર શોધ ખોળ. કરી. હવે માહિતી મળી – બીજું પગથીયું – ડોક્યુમેન્ટ કરો – અમે કેટલાક રસ્તાઓ આપ્યા – જેમ કે તેને આધારિત ચિત્ર દોરો- સુચના-સ્લોગન તૈયાર કરો – Dos’ અને Don’ts’ લખો અને બધા ને સમજાવો ! ચાર્ટ્સ બનાવો – ચર્ચા કરતો નિબંધ લખો- કઈ પણ અંતે તમારે બધા સમક્ષ એ વાત સ્પષ્ટ કરવાની છે કે આપત્તિ આવવાના કારણો શું છે ? તેનાથી નુકશાન કયા કયા થાય છે ? તે આપત્તિઓને રોકવાના અને રોકી ના શકાય એવી આપત્તિઓમાંથી બચવાના ઉપાયો શું છે ?
        પરિણામ ? આપણી વિચાર શક્તિ જ્યાંથી ખતમ થાય ત્યાંથી એમનું વિચારવાનું શરૂ થાય ! તેમણે ચાર્ટ્સ, પેપર્સ, ચિત્રો ની સાથે વિવિધ આપત્તિઓને સમજાવવા માટે ડ્રામા પણ તૈયાર કર્યા – અલબત્ત રજૂઆત તેમણે સ્ક્રીપ્ટ હાથમાં રાખી કરી. અમારા માટે તો મળ્યું એટલો નફો હતો – આ પ્રોજેક્ટ કરવામાં એમને ધોરણના વાડા તોડીને એક બીજાના પુસ્તકો રીફર કર્યા અને શું કરીશું ? કેવી રીતે કરીશું ? – ની જે મથામણ કરી એ બધું જ અમારા માટે ‘સુરક્ષા’ સમાન !

July 23, 2017

બે મુલાકાત - ધરમપુર અને અમેરિકા !



બે મુલાકાત - ધરમપુર અને અમેરિકા ! 
શાળાના બ્લોગ અને સોશિયલ મીડિયાના નિરીક્ષકો શાળાની મુલાકાતે આવે અને અમે આયોજન કરીએ કે જુએ, સૂચનો આપે સાથે આપણા બાળકોને એમના વિષે જણાવે એટલે નાનકડા ગામના બાળકોને ઘેર બેઠા ગંગાની જેમ અવનવા વ્યક્તિઓ સાથે વાતો કરવાનો મોકો મળે !
ü પહેલી મુલાકાત.....
            આ કડીમાં પહેલી મુલાકાત લીધી ધરમપુર, વલસાડના આશ્રમ શાળાના શિક્ષકોએ ! વરસાદી વાતાવરણ અને બાળકોનું મેનેજમેન્ટ બંને જોઈ એમની પ્રતિક્રિયાખરેખર, ઘણીવાર આપણે બાળકોને સક્ષમ ના ગણીને ભૂલ કરીએ છીએ ! જો એમના પર ભરોષો કરીએ તો આપણાથી ના થઇ શકે તેવા કાર્યો પણ સુપેરે પાર પાડી શકે છે !” આપણા સુનીલ અને પીન્ટુ હમણાં કુટુંબ સાથે નવસારી બાજુ કામ અર્થે ગયા હતા તેમણે પોતાના અનુભવો કહ્યા અને તેમની સાથે આસપાસના સ્થળો વિષે જાણ્યું ! ફરી બાજુ આવવાનું અને રહેવાનું થાય તો એમને આમંત્રણ પણ મળ્યું કે વધુ રોકાવાનું હોય તો તમારા માટે ત્યાં સ્કૂલ ગોઠવી દઈશું ! શાળાની વિવિધ પ્રવૃતિઓ જોઈ- બાળકો સાથે રીસેસ દરમ્યાન પણ વાતો કરી. શિક્ષકો સાથે સંવાદ કર્યો અને બાળકોને ભેટ પણ આપી.....
ü બીજી મુલાકાત..... 
             બીજી મુલાકાત ન્યુયોર્કના ગ્રેગ મીમ્મ્સ, વાઈસ પ્રેસિડેન્ટ,  .એચ.એસ. એન્ડ સસ્ટેનેબિલીટી અને તેમની સાથે શાળાને એકવા ટાવર ફીટ કરનાર ઝાયલેમ કંપનીની ટીમે લીધી ! ઔપચારિક આવકાર, વૃક્ષારોપણ અને આપણી મનીષાએ એકવા ટાવર માટે એક થેંક યુ સ્પીચ આપી. ખરી મજા ધોરણ આઠમાં આવી- ત્યાં ગ્રેગ પોતાની દીકરીઓ, તેમના અભ્યાસ અને તેમના ત્યાંની શિક્ષણ વ્યવસ્થા અંગે વાતો કરી. બધા મો ખુલ્લું રાખી સાંભળતા હતા. કેટલાને - કેટલું સમજાયું તો પછી ખબર પડી. પણ આનંદ વાતનો કે હવે આપણા બાળકોને કોઈની નવાઈ નથી વિદેશથી આવેલ મહેમાનના જુદા રંગની કે એમના ના સમજાય તેવા અંગ્રેજીના ઉચ્ચારોની ! ગ્રેગ અને એમની સાથે આવેલ સ્વીઝરલેન્ડના લેડીએ શાળાના વાતાવરણ અને મેનેજમેન્ટની પ્રસંશા કરી ! સામાન્ય સ્થિતિમાં તેમના માટે પગરખા કાઢવા સહજ ના હોય છતાં શાળા ઈમારતના નો શૂઝ, નો ચેર ના નિયમ મુજબ પગરખા ઉતાર્યા સ્વાભાવિકતા પણ પ્રેરણાદાયી છે !
ઝાયલમમાંથી આવેલ સભ્યો પૈકી એક ગુજરાતના હતા એમણે સ્વીકાર્યું કે બાળકોને મળી અને શાળા જોઈ તેમની સરકારી શાળા અંગેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો એમને સહજ ભાવે સ્વીકાર્યું કે એમને નવાઈ લાગી કે બાળકો ગ્રેગની વાતો ધ્યાનથી સાંભળતા હતા અને વધુ નવાઈ લાગી કે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક આટલી સહજતાથી અંગ્રેજી બોલી શકે છે !
      બંને મુલાકાતોની ફ્લેવર જુદી જુદી હતી- એકમાં પોતાના જેવા ગામડાની સુગંધ હતી તો બીજામાં કૈક સાવ જુદી વ્યવસ્થા જો કે તેમણે કહ્યું એમ આપણે વિષય ખંડો બનાવ્યા છે પણ હજુ લાંબી મજલ કાપવાની બાકી છે !