બે મુલાકાત - ધરમપુર અને અમેરિકા !
શાળાના બ્લોગ અને સોશિયલ મીડિયાના નિરીક્ષકો શાળાની મુલાકાતે આવે અને અમે આયોજન કરીએ કે એ જુએ, સૂચનો આપે સાથે આપણા બાળકોને એમના વિષે જણાવે – એટલે નાનકડા ગામના આ બાળકોને ઘેર બેઠા ગંગાની જેમ – અવનવા વ્યક્તિઓ સાથે વાતો કરવાનો મોકો મળે !
ü પહેલી મુલાકાત.....
આ કડીમાં પહેલી મુલાકાત લીધી ધરમપુર, વલસાડના આશ્રમ શાળાના શિક્ષકોએ ! વરસાદી વાતાવરણ અને બાળકોનું મેનેજમેન્ટ બંને જોઈ એમની પ્રતિક્રિયા “ખરેખર, ઘણીવાર આપણે બાળકોને સક્ષમ ના ગણીને જ ભૂલ કરીએ છીએ ! જો એમના પર ભરોષો કરીએ તો એ આપણાથી ના થઇ શકે તેવા કાર્યો પણ સુપેરે પાર પાડી જ શકે છે !” આપણા સુનીલ અને પીન્ટુ હમણાં જ કુટુંબ સાથે નવસારી બાજુ કામ અર્થે ગયા હતા – તેમણે પોતાના અનુભવો કહ્યા અને તેમની સાથે આસપાસના સ્થળો વિષે જાણ્યું ! ફરી એ બાજુ આવવાનું અને રહેવાનું થાય તો એમને આમંત્રણ પણ મળ્યું કે વધુ રોકાવાનું હોય તો તમારા માટે ત્યાં સ્કૂલ ગોઠવી દઈશું ! શાળાની વિવિધ પ્રવૃતિઓ જોઈ- બાળકો સાથે રીસેસ દરમ્યાન પણ વાતો કરી. શિક્ષકો સાથે સંવાદ કર્યો – અને બાળકોને ભેટ પણ આપી.....
ü બીજી મુલાકાત.....
બીજી મુલાકાત ન્યુયોર્કના ગ્રેગ મીમ્મ્સ, વાઈસ પ્રેસિડેન્ટ, એ.એચ.એસ. એન્ડ સસ્ટેનેબિલીટી અને તેમની સાથે શાળાને એકવા ટાવર ફીટ કરનાર ઝાયલેમ કંપનીની ટીમે લીધી ! ઔપચારિક આવકાર, વૃક્ષારોપણ અને આપણી મનીષાએ એકવા ટાવર માટે એક થેંક યુ સ્પીચ આપી. ખરી મજા ધોરણ આઠમાં આવી- ત્યાં ગ્રેગ એ પોતાની દીકરીઓ, તેમના અભ્યાસ અને તેમના ત્યાંની શિક્ષણ વ્યવસ્થા અંગે વાતો કરી. બધા મો ખુલ્લું રાખી સાંભળતા હતા. કેટલાને - કેટલું સમજાયું એ તો પછી ખબર પડી. પણ આનંદ એ વાતનો કે હવે આપણા આ બાળકોને કોઈની નવાઈ નથી – વિદેશથી આવેલ એ મહેમાનના જુદા રંગની કે એમના ના સમજાય તેવા અંગ્રેજીના ઉચ્ચારોની ! ગ્રેગ અને એમની સાથે આવેલ સ્વીઝરલેન્ડના લેડીએ શાળાના વાતાવરણ અને મેનેજમેન્ટની પ્રસંશા કરી ! સામાન્ય સ્થિતિમાં તેમના માટે પગરખા કાઢવા એ સહજ ના જ હોય છતાં શાળા ઈમારતના “નો શૂઝ, નો ચેર” ના નિયમ મુજબ પગરખા ઉતાર્યા એ સ્વાભાવિકતા પણ પ્રેરણાદાયી છે !
ઝાયલમમાંથી આવેલ સભ્યો પૈકી એક ગુજરાતના હતા – એમણે સ્વીકાર્યું કે આ બાળકોને મળી અને આ શાળા જોઈ તેમની સરકારી શાળા અંગેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો – એમને સહજ ભાવે સ્વીકાર્યું કે એમને નવાઈ લાગી કે બાળકો ગ્રેગની વાતો ધ્યાનથી સાંભળતા હતા અને વધુ નવાઈ એ લાગી કે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક આટલી સહજતાથી અંગ્રેજી બોલી શકે છે !
બંને મુલાકાતોની ફ્લેવર જુદી જુદી હતી- એકમાં પોતાના જેવા ગામડાની સુગંધ હતી તો બીજામાં કૈક સાવ જુદી વ્યવસ્થા – જો કે તેમણે કહ્યું એમ આપણે ય વિષય ખંડો બનાવ્યા જ છે – પણ હજુ લાંબી મજલ કાપવાની બાકી છે !
No comments:
Post a Comment