September 29, 2019

નવું શીખવાનો આનંદ અને નવું શીખવવાનો આનંદ !



નવું શીખવાનો આનંદ અને નવું શીખવવાનો આનંદ !
નવું જાણવું એ મજા આપનારું હોય છે. આપણો સ્વભાવ જ એવો રહ્યો છે કે નવું જાણવાની – શીખવાની અને સમજવાની આતુરતા એ સહજ હોય છે. પરંતુ જો તેમાં પણ જો ટ્વીસ્ટ હોય તો તે આતુરતા અધીરાઈમાં પરિણમતી હોય છે. કેટલીક બાબત તો આપણે જાણતાં હોઇએ છીએ તો પણ જણાવનારની ‘જણાવવાની રીત’ ને કારણે જાણે પહેલીવાર જાણતા હોય એવો આનંદ આવતો હોય છે. જેમ કે તમારા કોઇ આદર્શ અથવા તો તમારી ફેવરીટ મૂવી કે જાદુગરના જાદુના ખેલ. આપણે પહેલા જોયેલા હોય – આવું તો શક્ય જ નથી એ સમજતા હોઇએ તો પણ જોવાની એટલી જ અધીરાઇ હોય છે. તેનુ કારણ માનવ સહજ સ્વભાવ -  નવું જાણીને સમજવાની ઉત્સુકતા !
હવે એક કોયડો - એક જગ્યા એવી છે કે જ્યાં રોજ નવું શીખવાય છે અને રોજ નવું શીખાય છે પણ એ નવું શીખ્યાની ફિલિંગ અદ્રશ્ય છે ! બોલો ક્યાં?
હવે જઇએ શાળા કેમ્પસમાં ! વાત ગમે ત્યાંથી શરૂ ભલે થાય, અટકશે તો વર્ગખંડોમા જઇને જ ! જો વર્ગખંડોની વાત કરીએ તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતી શૈક્ષણિક પ્રક્રિયાઓમાં અને  ઉપરોક્ત બાબતો વચ્ચે ઘણી સામ્યતાઓ છે – જેમ કે બાળકનો સ્વભાવ પણ નવું જાણવાની આતુરતા વાળો છે એને પણ આ કેવી રીતે થાય ? જાણીને સમજવાની ઉત્સુકતા હોય છે વર્ગખંડની પ્રક્રિયાનો બારીકાઇથી અભ્યાસ કરીએ તો બાળક શાળામાં આવી રોજેરોજ જે જાણે છે તે તેના માટે નવુ હોય છે – તો પછી શું શાળાએથી ઘરે જતા બાળકના ચહેરા પર આજે કંઇક નવું મેળવ્યાની  ફિલિંગ દેખાય છે ચાલો બાળકોમાં એ ફીલ થાય ન થાય એ પક્ષે ચર્ચા છોડી આપણા પક્ષની વાત કરીએ તો શિક્ષક તરીકે આપણે બાળકોને જે રોજ જણાવીએ છીએ – શીખવીએ છીએ કે સમજાવીએ છીએ તેની નવીનતા વાળી ફિલિંગ શાળા છોડતાં સમયે આપણા ચહેરા પર કે દિલમાં હોય છે ખરી? એ છોડો તમે તમારા તાસ દરમ્યાન આજે જે વિષય વસ્તુ પીરસવાના છો તે જો બાળકો જાણે જ છે – તો પછી બાળકોને તે જ વિષયવસ્તુ  તમારા થકી સાંભળવાની આતુરતા ઉભી થાય તેવી રજુઆત કરી શકો  છો ? અથવા તો એમ પૂછું કે  તે માટે એક જાદુગર જેવુ કૌશલ્ય તમે તમારા શિક્ષક તરીકેના માનસમા ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કર્યુ છે ખરું ? ન કર્યુ હોય વર્ગખંડમાં ભલે તમે એન્ટ્રી લઇ લેશો બાળકોનું  માનસ તો “નો એન્ટ્રી” નું જ બોર્ડ દેખાડશે.
માટે આજે જ બાળકોમાં આતુરતા ઉભી કરવા માટેનું શિક્ષકનું કૌશલ્ય આપણા માનસમાં ડાઉનલોડ   કરી લો જેથી જેટલી આતુરતા બાળકોના ચહેરા પર જાદુગરને સાંભળવાની અને જોવાની હોય છે તેવા જ ચહેરા સાથે તમારી પ્રતિક્ષા કરતા થાય નહી તો પછી પેલી ફરિયાદ કાયમ રહેશે કે બાળકોને ને જાણવામાં રસ નથી [પણ હકીકત તો એ છે કે બાળકોને જાણવામાં તો રસ છે પણ આપણી નબળી રજૂઆત ને કારણે બાળકોને આપણા પાસેથી નહિ..... હા..હા,.હા.. એમ બાળકોને ભણવામાં પણ રસ છે જ પણ.... !] 

September 28, 2019

મગજને કસવાની કસરતો !



મગજને કસવાની કસરતો !

શિક્ષણ શું છે જો બારીકાઈથી વિચારવામાં આવે તો એક માનસિક પ્રક્રિયા મજબૂત કરવા માટે અથવા તો એમ કહી શકાય કે એક બાળકની વિચારશક્તિ - સર્જનશક્તિને મજબૂત કરવા માટેના પાયાની પ્રક્રિયા એટલે શૈક્ષણિક પ્રક્રિયા. કેટલીક જગ્યાએ આપણને એવું સાંભળવા મળે છે કે પાઠ્યક્રમના કેટલાક મુદ્દાઓ એવા હોય છે કે જે આપણને આખી જિંદગી કામ લાગતા નથી હોતા. તો પછી તેને ભણવાનું શા માટે ? ખાસ કરીને કેટલાક વિદ્વાનો બીજ ગણિત નું ઉદાહરણ વધુ પડતું આપતા હોય છે. બીજગણિતના સમીકરણનું આપણા જીવનમાં શું કામ છે? ભણ્યા પછી ક્યારેય આપણા જીવનની રોજીંદી ક્રિયાઓમાં કામ નથી લાગ્યું. એવી પ્રક્રિયાઓ કરી અથવા તો એવી પ્રક્રિયા શીખીને શું કામ ? તેના કરતાં બીજી કોઈ પ્રક્રિયા ઉપર વધુ ભાર મૂકીને વધુ સારી રીતે રાખી શકાય કે જે આપણને કામ લાગે છે. આવી ગણતરીઓ સાથે અપાતા ઉદાહરણો આપણને પણ ક્યારેક વિચારમાં મૂકી દેશે કે ખરેખર આપણે શિક્ષક તરીકે બાળકની કહીશ કે કયા વિષયવસ્તુ પર વધારે ફોકસ કરવું જોઈએ. બહારના અથવા તો શિક્ષણ સાથે જેને લેવાદેવા નથી તે વ્યક્તિઓ કદાચ આવા વાક્ય બોલી શકે પણ આપણે દરેક તબક્કે વિષય વસ્તુ અને તેની પ્રક્રિયામાં બાળકના મગજમાં થતી કસરતને ધ્યાનમાં રાખવી જોઈએ.
સમાજ તો શૈક્ષણિક પ્રક્રિયાને અને રમતગમતને અલગ અલગ દ્રષ્ટિએ જોશે. પુસ્તકાલય અને પાઠ્યપુસ્તકો ને અલગ અલગ આંખે જોશે. એક શાળા તરીકે અથવા તો એક શિક્ષક તરીકે આપણું કામ બાળકને ઘડવાનું એટલે તેમાં સામાજિકતા લાવવાનું છે. સામાજિકતા કહીએ છીએ ત્યારે એનો અર્થ  બાળકમાં તમામ પ્રકારના કૌશલ્યનો વિકાસ કરવાનો છે.  જેથી  તે ભવિષ્યમાં સમાજની વચ્ચે જઈને તે સામાજીક જીવન જીવી શકે. સામાજિક જીવનમાં આવતા પ્રશ્નોનો ઉકેલ લાવી યોગ્ય નિર્ણય કરી શકે. આ બધા માટે તેની તમામ પ્રકારની સમજણ એ ખુબ મહત્વનું પાસું છે. જેમ કબડ્ડી એ માત્ર રમતગમત સાથે ન જોડતાં નિર્ણય શક્તિ નો વિકાસ કરે છે તેવું જ શાળા કેમ્પસમાં સમાયેલી તમામ પ્રવૃત્તિઓનું છે. લાયબ્રેરીના પુસ્તકો કરતાં પાઠ્યપુસ્તક વાંચવું એવું કહેનારા નથી જાણતા કે પુસ્તકાલયના પુસ્તકો વડે તેમનું જે ઘડતર થાય છે એ આપણી બક બક ક્યારેય નહિ કરી શકે !
        આ આખી બાબત આંખ સામે બનતી જોઈ શક્યા....આ વખતે ઈન્સ્પાયર એવોર્ડ માટેના આઇડિયા કલેકશનમાં અને વિજ્ઞાનનું મોડેલ બનાવવામાં.
રોજ નવા આઇડિયા લઈને આવે. આજે જો ફ્લોર વોશિંગ મશીનનું વિચારે તો કાલે આવીને નાની મોટર્સની માગણી કરે...કેમ પૂછીએ તો કહે..ફાયર એન્જીન બનાવવું છે. વળી, કોઈકને પ્રદૂષણ વિષે સાંભળી થાય કે બધાને ખબર છે કે નુકસાન કરે છે તોય કોઈ કઈ કરતું કેમ નથી ? અમે કહ્યું એમ નથી, જો ને આપણે પ્રયત્ન કરીએ જ છીએ ને ? તો જવાબ મળે કે એ તો આપણે...બધા કેમ નથી લડતા ? અમને સુઝ્યું એમ કહ્યું કે એના માટે બધાને નરી આંખે દેખાવું જોઈએ કે આ નુકસાન કરે છે. તો ત્રણ ચાર દિવસ એની માથાકૂટ ચાલી. ગામ આખું અમારી આ વાતોમાં વોટ્સેપ ગૃપથી જોડાયેલું. આખા ગામને (૧૧૪ જેટલા સભ્યો છે...એટલે મોટાભાગના ઘરમાં/ફળિયામાં વાતો પહોંચે.) રોજરોજ ખબર પડે. દેવ, અમરદીપ, રાજ, પ્રિયા, સંદીપ, ફિરદૌસ એ બધા તો ઘરે પણ ખણખોદ કરતા હોય. મનહર અને તેના ભાઈ તો ખાસ ત્રણેક કલાક બાળકોએ કહ્યું એમ વેલ્ડિંગ કરી કાર બનાવી આપી. અને ફિરદૌસના લાઈ ફાઈથી તો હવે કોણ અપરિચિત હશે !
સી.આર.સી. કક્ષાએથી ત્રણ મોડેલ્સ તાલુકામાં અને ત્યાંથી આપણી ટેણી તો જીલ્લાના વિજ્ઞાન પ્રદર્શનમાં પહોંચી ગઈ.
હવે, આ બધા માટે તેમને પોતાના ઘરે અને શાળામાં કેટલો સમય...આપ્યો હશે એનો અંદાજ લગાવીએ તો થાય કે જો કોઈકે કહ્યું હોત કે આ બધું પરીક્ષામાં નથી આવવાનું – છાનામાના એ વાંચો તો શું થાત ?







September 15, 2019

અરે, ભાઈ કહેના ક્યા ચાહતે હો ?”



અરે, ભાઈ કહેના ક્યા ચાહતે હો ?”

ઘરમાં કોઈની કંકોત્રી આવે. આપણને આવડે છે – ઉકેલતા આવડે એવી જ લીપીમાં છે, આપણને વાંચતા પણ આવડે છે. છતાં પ્રશ્નો થાય કે, આ શું કહેવા માંગે છે? કઈ તારીખે લગ્ન છે ? ગ્રહશાંતિ ક્યારે છે ? ભોજન સમારંભ વિષે પણ ગૂંચવણ થાય...તો સમજી લેજો કે તમને વાંચતા આવડે છે એવું તમે માનો છો પણ વાંચતા આવડતું નથી. કારણકે વાંચવાનું ચક્ર – કોઈકના મગજની બાબતને કાગળ પર અંકિત થયેલી ફરી એ જ સ્વરૂપમાં સમજવાથી પૂરું થાય છે.અને આપણે અટકી ગયા–
જેને કંકોત્રીમાં સમજાઈ જતું હશે એ શાળા/ઓફીસના પત્રોમાં આ રીતે અટવાતા હશે. કેટલાકને WhatsApp ના મેસેજમાં ય આવું થાય છે – “અરે, ભાઈ કહેના ક્યા ચાહતે હો ?” કોઈકવાર લખનારે વિચારોને ક્રમબદ્ધ રીતે ના મુક્યા હોય ને એવું થાય એ જુદો મુદ્દો છે. પણ બીજી ઓક્ટોબર અને ગાંધી જયંતીએ શાળા કોલેજોની રજા રદ્દ કરવામાં આવી છે. એવું વાંચ્યા પછી ય કોઈકને ફોન કરી પૂછવું પડે કે – એટલે આપણે શાળાએ/ઓફિસે જવાનું ? હવે રજા હતી તો નહોતું જવાનું અને રજા રદ્દ થઇ એટલે જવાનું. – એટલી સાદી વાત પણ મૂંઝવણ પેદા કરે છે. જેમ જેમ આપણે વાંચવાનું છોડી વિડીયો જોઇને સમજતા વધુ થયા એટલે આપણા સૌની વાંચીને સમજવાની ક્ષમતા ઘટી રહી છે.
વાર્તાઓ સાંભળવી કે વાંચવી એ જાણે ઓલ્ડ ફેશન લાગે છે. તમે ભણ્યા તે વખતના તમારા ભાષા શિક્ષકના મુખ્ય હથિયાર શું હતા ? (હવે આમાં હથિયારનો યોગ્ય અર્થ લેજો.) વાર્તા કહેવી, વાતચીત કરવી, શબ્દો શોધાવવા, વર્ગમાં વારાફરતી ઉભા કરી મોટેથી વંચાવવું. ગાઈડવિહીન એ અવસ્થા કેટલી સમજણવાળી હતી. જેમાં આપણે પ્રશ્ન વાંચતા અને જાતે વાર્તામાંથી જાવાબ શોધતા. હવે જુદી પ્રેકટીસ છે, જો માબાપ આર્થિક રીતે સધ્ધર હોય તો અધ્ધર જવાબો ગાઈડ આપી દે. જો માતા પિતા સક્ષમ ના હોય તો શિક્ષકો આપણને ‘અક્ષમ’ બનાવવા માટે ‘સક્ષમ’ છે જ. એ જ લખાવી દેશે કે પહેલા પ્રશ્નનો જવાબ આમ હોય...બીજી ખાલી જગ્યામાં આ જવાબ આવે.... વગેરે...
આવું કરવા માટે તેમની પાસે યોગ્ય દલીલ પણ છે. “હવે બાળકોને જાતે જવાબ શોધતા જ ના આવડે તો લખાવી જ દેવા પડે...અથવા ગાઈડ તો લઇ આપવી જ પડે ને ? તેમને જાતે શોધીને, વાંચીને જવાબ આપતા આવડી જશે એટલે અમે નહિ લખાવીએ.”
સાચું.
કોઈ કહે કે હજુ મારા દીકરા/દીકરીને સાઈકલ નથી આવડતી એટલે તેને સાઈકલ ચલાવવા આપતો નથી અને તેના બદલે હું ચલાવી લઉં છું. તો આ ઘટનામાં સાઈકલ ક્યારે આવડશે ? બંને એકબીજાની સામેસામે દેખાય છે પણ એ સાથેસાથે છે કે જો સાઈકલ ચલાવશે તો આવડશે. એમ જાતે શોધીને જવાબ વિચારશે તો સમજતો થશે.
.           તમે મોકો આપશો તો જ તેઓ પ્રયત્ન કરતા થશે અને તમારી હાજરીમાં તમારી થોડી થોડી મદદ વડે થયેલા પ્રયત્નો તેમને સમજતા શીખવી દેશે.
બાકી આખી જીંદગી સાઈકલ ચલાવ્યે રાખજો –
આટલું વિચાર્યા પછી કહો [comments 📌 ]– 
આપણી શીખવવાની પદ્ધતિમાં કયા-કયા બદલાવ આવવા જોઈએ? 

September 13, 2019

Dr.Vikram Sarabhai Science maths and Environment Exhibition 2019 !



"હવા થી જમીન" સુધી કૃતિ ને ગોધરા તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં તૃતિય સ્થાન..
પોતાના પ્રોજેક્ટ અંતર્ગત વિગતો સમજાવતાં રાજ અને પ્રિયંકા








સૌથી નાની વયે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લઈ નિર્ણાયકો ને મતે તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર અમારો મહંમદ
અને સાથે
સૌને Lifiટેક્નોલોજી નો ઉપયોગ અને મહત્વ સમજાવવા માં વ્યસ્ત તેની ટીમ ની ક્લિક..

 




તાલુકા કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં તૃતિય સ્થાને આપણો અમરદીપ