સર્વે ભવન્તુ સુખિન: જ્યારે જીવંત બને છે!
ધોરણ - 8ની આ બેચ એવી કે જેનામાં શાળાનો મંત્ર 'સર્વે
ભવન્તુ સુખિન' સાકાર થયેલો જોઈ શકાય. એકબીજા પ્રત્યે ઈર્ષા કે
સ્પર્ધાનો કોઈ ભાવ નહીં !. કોઈ એકને ન આવડે તો બીજાને પણ નથી આવડતું એવો ભાવ
રાખીને મદદ કરવા તૂટી પડવું એ આ ટીમનો મૂળ મંત્ર હતો. શાળામાં નાગરિક ઉઘડતર અંતર્ગત
વર્ગખંડમાં જાતે શીખવાનો જે ટ્રેન્ડ ઊભો થયો, તેની સૌથી વધુ ક્રેડિટ આ ટીમને જાય છે. શાળાનું
રેડિયો સ્ટેશન હોય કે પીએમશ્રીની ટેગ હોય, વિદ્યા સંગમ હોય કે રાત્રિ રોકાણ હોય તમે એક
મજેદાર લીડરશીપ કરી છે. ધોરણ પાંચથી જ તમારામાં શીખવાની મજા દેખાવા માંડી
હતી. તેઓ પહેલેથી જ છોટે રાજા બનીને નાચતા-કૂદતા ભણતા. ધોરણ પાંચમાં આવતા જ તેમની
શક્તિઓ સૌ જોઈ શકે તેવી સ્થિતિમાં આવી. નિર્જલા પાંચમા ધોરણમાં શાળાની ઉપપ્રમુખ
બની અને આઠમા સુધીમાં તો ઈસરોમાં જઈને વર્કશોપમાં ભાગ લઈ આવી. તેની કરડી નજરથી
વિદ્યાર્થીઓ જ નહીં, પણ શિક્ષકોએ પણ બચીને ચાલવું પડતું. નવા આવેલા
નેહા અને સંગીતાબેન જેવા શિક્ષકો તો બે-ચાર વાર રડી પણ પડ્યા. ભણવું, રમવું, દોરવું, ચીતરવું
કે રીસાવું, આ
બધું જ આ ટીમમાં જોવા મળતું. પાક્કી દુશ્મન અને પાક્કી બહેનપણી હોવાનો અહેસાસ નિર્જલાએ કરાવ્યો છે એવી પ્રિન્સી મોડેથી જોડાઈ હોવા છતાં બધાની લાડકી બની.
ક્લાસ હેન્ડલિંગના તેના આઈડિયાઝ તેને વર્ગની ખરેખરી રાજકુમારી બનાવે છે. શાળાની
મુખ્ય શિક્ષણ સચિવ છાયાનું
લાગણીશીલ પાસું ક્યારેય તે બોલીને વ્યક્ત નથી કરતી પણ તેના લખાણમાં હંમેશા જણાયું છે.
તોરણ અને ઝુમ્મરની કારીગરી કરતી નિશા
અને અંજલિ
તમે સૌ શાળામાં શોભાયમાન રહેશો. શિક્ષક જેને વાંદરો કહે તો એ શિક્ષકને ગધેડો કહે
અને જો એને ગધેડો કહે તો એ શિક્ષકને વાંદરો કહે, એવી આપણી વાંદરા-ગધેડા વાળી મસ્તી હિમાંશી તું મોટી
થઈને પણ ચાલુ રાખજે. જેણે નવાનદીસરમાં સૌથી વધુ સમય શીખવામાં વિતાવ્યો છે તે ધનુષ શાળામાં જ ચાલતા, બોલતા, હાર્મોનિયમ-તબલા
વગાડતા, લખતા, વાંચતા, કબડ્ડી
રમતા અને મુખ્ય સચિવ બનીને શાળાનું સંચાલન કરતા શીખ્યો છે. હા, બધું
શીખ્યા પછી હજુ તારે શાક ખાવાનું શીખવાનું બાકી છે, શીખી જા એટલે કહેજે. ધનુષ સાથે જોડાયેલું બીજું
નામ રિતેશ, અમારો
છોટે રાજા. બચપણથી જ શાળામાં નાચતો-ગાતો આવે અને શિક્ષકને ગળે વળગી પડે. આજે
શિક્ષક કરતા વધુ ઊંચાઈ ધરાવતો થયો છે. શાળાના પ્રમુખ તરીકે છેલ્લા એક વર્ષમાં તેણે
બતાવેલી મેચ્યોરિટી આશ્ચર્યજનક છે. ગૂંચવણભરી સ્થિતિમાં પણ તે નવા ઉકેલ અને
મેનેજમેન્ટ વડે સ્થિર રહી શકે છે. હા, ઘણીવાર તેનો ફાટી ગયેલો બાટલો અને બૂમાબૂમ પણ
અમે સાંભળી છે. તેના અખંડ સાથીદારો ધ્રુવીલ, તેજસ, ચિન્ટુ, અશ્વિન
અને તેની આખી પર્યાવરણની
ટીમ, જીગો, વનરાજ, તમે સૌએ ઉછેરેલા વૃક્ષોમાં અને તેના ફળોમાં
સદાય અમારી સાથે રહેશો. જેનું કૌશલ્ય ધીમેથી ખીલ્યું પણ છેલ્લે વૈશાલી વાયરામાં
ધમાકેદાર પરફોર્મન્સ કર્યું, એવો અમારો તરબૂચ ઉર્ફે સૌનો લાલો, તું
એ નામ સાથે સદાય શાળામાં રહીશ. અવનવી મુશ્કેલીઓમાં પણ શાળામાં આવતો સુનીલ અને સૌથી મોડું; ચોથા-પાંચમા
ધોરણમાં વાંચતા શીખેલો પ્રિતેશ, તારી લીડરશીપની કળા જીવંત રાખજે. બધા કરતા
ઊંચાઈ વધારે, ગણિતમાં
૧૨ વાગી જાય પણ અંગ્રેજીમાં એક્કો, તેવો સાગર ! મોહિતને ક્યારેય મોહિત કહેવાને બદલે રેખા મોદી કહેતો હિતેશ, બધાને
ખડખડાટ હસાવી વિજ્ઞાનના પ્રયોગો કરતો મોહિત - ધ સાયન્ટિસ્ટ તારા એ પ્રયોગો ચાલુ
રાખજે. છેલ્લે છેલ્લે શીખવાની ટ્રેનમાં જોડાયેલા વિપુલ અને સ્વામી પાર્થ, તમે પણ તમારી સારપથી યાદ રહેશો. મને સાહેબ
ભાઈબંધોની યાદ આવે તો રડવું આવે એવું થાય એ કેમ થાય જેવા સવાલ પૂછવા માટે જેનું
હૃદય હજુ ય દોસ્તીથી છલોછલ છે એવો કિશન; આજે તને કહીયે કે દોસ્તીમાં એવું થાય અને એ થાય
એનો આનંદ રાખજે !
આ ધોરણે શીખવ્યું કે રાગ-દ્વેષ વગર, એકબીજાની
ઈચ્છાઓનો આદર કરીને હળીમળીને કેવી રીતે કામ કરવું. આયુષ, કાર્તિક, રીતિક
તમે પોતાની દુનિયામાં વ્યસ્ત રહેતા. શાળાએ આવવું કે ન આવવું તે આ ત્રણેય સાથે જ
નક્કી કરતા. ક્લાસમાં જાઓ એટલે ખબર પડી જાય કે ચિરાગના નામની મારામારી થતી હશે. ચિરાગ ફક્કડ અને
ટેન્શન વગર જીવનારો છોકરો. દર્શન
અને મેહુલ હંમેશા
એકબીજાના મદદગાર બનીને જોવા મળતા. ધ્રુવીલ, મોહિત, સાગર, આ ત્રણેયે આખા શાળા જીવન દરમિયાન જેટલી મજા નથી
કરી એટલી આ ધોરણ ૮માં કરી છે. ધ્રુવીલનું નામ બોર્ડ પર લખાય એટલે તરત બીજાનું નામ
લખાવવા આવી જાય. રિતેશ અને સાગરના નામ હંમેશા કમ્બાઈન હોય, એટલે
જ બધા તેમને સાગરીતા કહીને ખીજવતા. અશ્વિન સવારે ઘરે વાસણ માંજીને શાળાએ આવતો પણ આવે જરૂર. કિશનજી એકદમ બિન્દાસ, કાયમી
શાળાએ મોડા જ આવવાનું અને મસ્ત રહેવાનું. પિયુષ, કૃષ્ણ, જીગ્નેશ, વનરાજ
અને કલ્પેશ તમે
પ્રાકૃતિક ખેતીનો નવો દાખલો ગણીને બતાવ્યો. દેવેન્દ્ર તે સ્પોર્ટ્સ સચિવ તરીકે તૈયાર કરેલો
અલંકાર વર્ગ અને કરેલી ગોઠવણી શાળાનો હિસ્સો બનીને રહેશે. હિતેશ અને ભાવિન તમે છો એનાથી વધુ નીડર બનો તેવી કામના. આર્યમાનસિંહ ઉર્ફે લેડી:
કામ માટે હંમેશા રેડી. દક્ષરાજ
છોટા પેકેટ બડા ધમાકા! રાત્રિ રોકાણમાં બધાએ તારી કાળજી લીધી છે, એ
કાળજી તારા સ્મરણમાં રાખજે - એ તને મળેલી મોટી સોગાત છે. રાજવીર તારા તોફાનો અને તાકાત બંને જાળવી
રાખજે.
અદિતિના
હાથનો માર બધા છોકરાઓએ જ નહીં સૌ શિક્ષકોએ પણ ખાધો હશે. તારી નોટ્સ બનાવવાની કલા
નિખારતી રહેજે. હર્ષિદા
સાવ ટૂંકું ભણવા આવી, ટૂંકું જ સ્તો - એક વર્ષ !
પણ એમાય તે આપેલો અનુભવ અમારી સાથે રહેશે. દૃષ્ટિ અને
ક્રિષ્ના તમારી જુગલ
જોડી શાળામાં જ નહીં, તમારા ઘર સુધી પ્રખ્યાત થઈ ગયેલી. જુદા જુદા
ગામ અને જુદા જુદા પરિવેશમાંથી આવીને ય દોસ્તી શું હોય એ આપણા સૌનો મિજાજ તમારા
બંનેમાં જોઈ જ શકાશે. દોસ્તી જાળવી રાખજો. અલ્પિતા શાંત, સરળ અને સોંપેલું કામ કરનાર. ભાવની, કાજલ
અને ખુશી આઠમા
ધોરણમાં ત્રણેયની જોડી જબરી જામી. NMMSની હોલ ટિકિટ ન મળતા ખુશીનું રડવું એ શિક્ષક
તરીકે હંમેશા યાદગાર રહેશે. કાજલ ધ રિયલ વોરિયર તરીકે ઘડાઈ છું. તારી અને નિર્જલા
વચ્ચે કામકાજને લઈને થયેલી બોલાચાલીમાં પહેલી વાર નિર્જલાની બોલતી બંધ થઈ હતી. પછી
ભલે તું ધ્રૂસકે
રડવા લાગી પણ તારી લડાયક શક્તિ જાગી ગઈ. નેહાએ પોતાના
અવાજથી શાળાનું નામ તાલુકામાં રોશન કર્યું. મિત્તલ, કામિની, જાનકી, દિવ્યા અને અંજલિ - ધ ગર્લ્સ ટીમ હંમેશા સાથે
રહેતી. ભાવના અને મનીષા મુશ્કેલ પરિસ્થિતિ સામે લડીને ભણનારી દીકરીઓ! દિપાલીએ
ગામના લોકોને બાળકના જન્મ વિશે વૈજ્ઞાનિક સમજણ આપી તે દ્રશ્ય
અવિસ્મરણીય છે. નિયતિ (કોરિયન - કોરિયન ) તારું જોતાવેત અપાતું સ્મિત અને ગળે
વળગવું અમારા માટે ટોનિક છે અને રહેશે.
શાળાના વૃક્ષ પર ફૂલ હજુ ય ખીલશે પણ તમે સૌએ
ફેલાવેલી સુગંધ અમારા સૌના હૃદયમાં હંમેશા રહેવાની છે. અમારે પ્રયત્ન કરવો પડશે કે
હવે આવનારા બાળકો સામે તમારા ઉદાહરણ વારંવાર ન આપીએ…. તમે પણ શાળામાં આવીને ટહુકા
કરતા રહેજો. ડાળી છૂટી છે, પણ એક નવી ઉડાન માટે એ ન ભૂલશો ! પ્રેમ - પ્રેમ
અને બસ પ્રેમ : આપણને જોડીને રાખનારા આ પ્રેમ રસાયણને સુકાવા નહીં દઈએ, હે
ને ?!
|
રીડિંગ રીલ્સ ·
'સર્વે ભવન્તુ સુખિન:' ના મંત્ર સાથે
ધોરણ-૮ની આ બેચે સ્પર્ધા મુક્ત વાતાવરણ ઊભું કર્યું, જ્યાં એકની
નબળાઈ એ આખી ટીમની જવાબદારી બની અને પરસ્પર સહયોગથી દરેક મુશ્કેલ પ્રવૃત્તિ સરળ
બની ગઈ. ·
શાળાના રેડિયો સ્ટેશન, પીએમશ્રી ટેગ, ખેતી અને
રાત્રિ રોકાણ જેવા પ્રકલ્પો દ્વારા બાળકોમાં નિર્ણયશક્તિ અને વ્યવસ્થાપન જેવા
૨૧મી સદીના કૌશલ્યો સહજતાથી ખીલ્યા. |
ધોરણ – ૮ના બાળકો અને શાળા – ક્લિક
આ ૪૦ મિનિટનો વીડિયો આ ટીમે કેટલી મજાથી શીખ્યું તેનો પુરાવો છે: ક્લિક > £¥ZÒ

No comments:
Post a Comment