May 05, 2019

અમાસની અજવાળી રાત ! 😍👍


😍 અમાસની અજવાળી રાત ! 😍 
કોઈક રિસાઈ જાય છે કારણકે કોઈક હમેશા મનાવે છે ! આ રીસામણા મનામણાં તો તમે જોયા જ હશે.... તે છેક ગ્રામોત્સવ સુધી ચાલ્યા... (પછી ય ચાલશે) ગ્રામોત્સવ હવે અમારા જીવનનો એક હિસ્સો થઇ ગયો છે. એ નવાનદીસરનો એક એવો કિસ્સો છે કે જે બીજા બધા કિસ્સાઓ પર ભારે પડે છે અને આખું વર્ષ એ માટે કૈકને કૈક ચર્ચા ચાલુ જ રહે છે.
આ વર્ષે ગામમાંથી દરેક ઘરે હિસ્સેદારી કરી. ગત વર્ષમાં કેટલાક ઘરને હજુ આ શાળામાં ભણતા બાળકો માટે કૈક કરે છે તેવી ફીલિંગ હતી... પણ આ વર્ષે સામે ચાલીને અને ઉત્સાહથી પોતાનાથી શક્ય તેટલી મદદ કરી. (ફંડ એકઠું કરતા છોકરાઓ બોલી ઉઠ્યા કે “માજી, દસ ચાલશે! છતાં વીણી વીણી ને બીજા પાંચ સિક્કા કાઢનાર પણ હતા... તો એક જ વખતમાં બધું પીવાનું પાણી/ફટાકડા/સાઉન્ડ/બાળકોને દૂધ જેવી બાબતો એકલા હાથે ઉપાડી લેનારા વ્યક્તિઓ પણ હતા.)  અહિયાં તેમની મદદનું કદ કરતાંયે સૌનું જોડાણ અગત્યનું હતું. સૌએ દોડાદોડ (પગ અને પૈડા પર) કરી બધો સામાન એકત્ર કર્યો.
ગ્રામોત્સવની આગલી રાત્રીએ સ્ટેજ બનાવવાનું શરૂ કર્યું એ પહેલા જેમણે નવાનદીસરને પોતાનું ગણી મદદ કરી છે એમના માટે “ફ્રેન્ડસ ઓફ નવાનદીસર” મોમેન્ટોની જાહેરાત કરી. તેમના વિષે વિગતે જણાવ્યું...📺 ↴
↪તેના પછી સૌ મળી વહેલી સવાર સુધી....મથ્યા... જયારે લાગે કે આ પરફેક્ટ છે ત્યારે કોઈક આવી તેને વધુ સારું કરવા માટે મથે... અને એમણે એમાં સવારના ચાર વાગ્યા..કેટલાક જમીનથી વીસ ફૂટ ઉંચે એન્ગલ પર ઊંઘ ખેંચી આવ્યા... તો કેટલાક નીચે ઓટલી પર આરામમાં ગબડ્યા.... એક નાનકડો વિરામ લઇ તે કામ આખો દિવસ ચાલ્યું.
અમારા સ્ટેજમાં આગળની રાત્રીની શ્યામલતા અને આખા દિવસની ઉજ્જવલતા બંને હતી અને એટલે જ એ અમાસની રાત નવાનદીસર માટે અજવાળી હતી.
પ્રાર્થના શરૂ કરી ત્યારે હજુ સૂરજ આથમ્યો નહોતો...ગામમાંથી માંડ પચાસેક માણસો આવી રહ્યા હશે. મનમાં થયું કે થોડોક સમય મોડો રાખ્યો હોત તો સારું..પણ પ્રાર્થના પૂરી થાય અને ભાષા સંગમનું એક ટ્રેલર પતે એટલા સમયમાં તો બધાને જરા ગોઠવાઈ ગોઠવાઈને બેસવા માટે વિનંતી કરવી પડી. યુટ્યુબ અને ફેસબુક લાઈવ પર સંખ્યામાં વધારો થતો હતો. સૌ તૈયાર હતા.... એ જ દિવસ ખાસ પ્રથમ ગીતમાં શિવલિંગને સજાવવા આવેલા રઘુભાઈ અને ભાલચંદ્રભાઈ પણ અમારા ઉત્સવના રંગમાં રંગાઈને બાળકોને આનંદિત કરી ગયા. કાર્યક્રમોમાં વિવિધતા રાખી હતી. તેમને જાતે જ પોતપોતાની આવડત અનુસાર ગીતોમાં ગોઠવાઈ જઈને આનંદ કરાવ્યો.
એ સતત પાંચ કલાક અને છ મિનીટ સુધી ચાલેલા ઉત્સવ વિષે કોઈ શબ્દો કામ નહિ જ લાગે...એના માટે તો તમારે અહિયાં રૂબરૂ થવું પડશે...📺 ↴
કેટલાક દ્રશ્યો જે કેમેરામાં નથી ઝીલાયા : એમાં ઝોંકા ખાતો કિશન અને છેલ્લી ઘડીએ કહે હું આ ગીતમાં નથી. શિક્ષિકા બહેન ઉંચો કરીને સ્ટેજ પર મૂકી આવ્યા પછી યાદ આવ્યું કે હા...હું તો આમાં હતો... તો પોતાના પહેલા પરફોર્મન્સ પછી કોઈકના ખોળામાં ઢબુરાઈ ગયેલા ફિરદૌસ અને અંકુ ! ફિરદૌસ આવતા જુનમાં દાખલ થશે અને અંકુબેન તો હજુ બીજા ત્રણ વર્ષ પછી પણ એમણે ય આ ઉત્સવનો હિસ્સો બનવું હતું...એક ગીત જે પહેલા આવ્યું એમાં તો આવ્યા...પણ પ્રિયાના સપોર્ટીંગ રોલ માટે જરૂર પડી તો એ તો ઊંઘે ! અને આટલા બધા પબ્લિકમાં તેમને શિક્ષકો સાથે તાલમેલ કરી ખાલી કાર્યક્રમ જોવા આવેલી એક દીકરીને સ્ટેજ પર લઇ ગયા...અને નવાઈ એ કે કોઈને ખબર પણ ના પડવા દીધી કે આ આજે સીધા પરફોર્મ કરી રહ્યા છે.
આ બધા આનંદ સાથે નવાનદીસરને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું એ લોકોને આભાર વ્યક્ત કરાયો. 📺 ↴
 જેને મળેલા નેશનલ એવોર્ડની રકમમાંથી પુસ્તકો આવ્યા એવી નાઝમીન અને જેમને દેખરેખ રાખવાની છે એવા સાવિત્રીબેનના હસ્તે  પુસ્તકાલયનું વિધિવત ઉદઘાટન થયું. માતૃભાષા અભિયાનનો પણ ખાસ આભાર માનવામાં આવ્યો કે એક નાનકડા ગામને પુસ્તકોની મદદ કરી. અમે મળીએ છીએ એટલે કૈંક તો નવું કરીએ જ... 📺 ↴

સૌએ આ પુસ્તકાલય માટે ગામની વચ્ચે રૂમની વ્યવસ્થા કરવાનું પણ નક્કી કર્યું. હૈયું ભરાઈ જાય એવી ઘટનાઓ હતી. એક ગામ કે જ્યાં વાલીઓને પોતાના બાળકોના નામ નહોતા ખબર એ ગામ અત્યારે આ રીતે પોતાના બાળકોના ભવિષ્ય માટે આટલું સજાગ થયું છે એ જોઈ !
પણ, ખૈર અમે તો ભાવુક થઈએ તોય નાચીએ....કાર્યક્રમ સ્ટેજ પર પૂરો થયા પછી આવેલા તમામમાં એ ઊર્જા ફરી વળી...ને સૌ નાચ્યા... કેટલાક તો ક્યારેય ના નાચ્યા હોય એમના ય પગ આજે થીરકવા લાગ્યા !📺 ↴ 

 ગામ આખાને ઘર ઘર પહોચાડતા પહોચાડતા રાતના અઢી વાગ્યા ! અને પછી ય બધાને ઊંઘ ના આવી આવ્યા “નૂતન નવાનદીસરના સપના” !

 ફોટોગ્રાફ્સ > એટલેકે તૈયારી સમયની યાદગાર પળોની ક્લિક




















 



 


 










 




 

શરૂઆત થી અંત સુધીનો LIVE  VIDEO- 📼 




No comments: