April 30, 2019

વર્ગખંડમાંની વ્યક્તિગત દરકાર !



વર્ગખંડમાંની વ્યક્તિગત દરકાર !
  કાલ્પનિક ઘટના....[૧]
એક શાળામાંથી બાળકો પ્રવાસે ગયા છે. તેમની દેખરેખ અને  દરકાર માટે શાળાના શિક્ષકો પણ તેમની સાથે ને સાથે બસમાં પ્રવાસ કરી રહ્યાં છે. બાળકો અને સૌ શિક્ષકો એક સ્થળે થી બીજા સ્થળે ફરી ફરી પ્રવાસની મોજ માણી રહ્યા છે. પ્રવાસના એક સ્થળે ખબર પડે છે કે એકાદ બે બાળકો જે આપણા સાથે પ્રવાસે નીકળ્યાં હતાં તે અધવચ્ચે છૂટી ગયાં છે. ત્યારે ? પૃથ્વી પરનો કોઈ શિક્ષક એવો નહિ હોય કે આ જાણ્યા પછી હૃદયનો એક ધબકારો ચૂકી ન જાય ? કારણ ?
   વિચારીએ બાળકો સાથેના વર્ગખંડના શૈક્ષણિક પ્રવાસની ઘટના..[૨]
આખું વર્ષ ભણાવ્યા પછી વર્ષાન્તે કસોટીના પરિણામ બાદ આપણને ખ્યાલ આવે છે કે ફલાણા ધોરણના આપણી સાથે શૈક્ષણિક પ્રવાસે નીકળેલા આપણા ધોરણના બાળકો પૈકી કેટલાંક બાળકો અભ્યાસક્રમમાં પૂરું શીખવાને બદલે વચ્ચેથી છૂટી ગયાં છે. ત્યારે ? ત્યારે આપણો ધબકારો ચુકે છે ખરો ? કારણ ?
ઉપરોક્ત ઘટનાઓ જોઈએ તો પ્રક્રિયાઓ સરખી જ થાય છે. એકમાં બાળક જાતે છૂટી જાય છે અને બીજી ઘટનામાં તેનું શિક્ષણ કે જેનું જીવનમાં મહત્વનું સ્થાન છે તે, છુટી જાય. છે  પરંતુ બંનેમાં ચિંતાનું પ્રમાણ વધઘટ જણાય છે. તેનું કારણ છે જે તે સમયની બાળકોની “વ્યક્તિગત દરકાર”! પ્રવાસ સમયમાં તમે જોશો કે બાળકો પ્રત્યેની આપણી વ્યક્તિગત દરકાર ચરમસીમાએ હોય છે.તે સમયે આપણા માટે  તે ટોળાનો એક ભાગ ન હોતા વ્યક્તિગત પ્રવાસી હોય છે. તેથી દરેક બાળક પ્રવાસમાં સાથે અને  સામે રહે તે માટે ચિંતિત હોઈએ છીએ. અને તે જ કારણે તેના પ્રત્યેની વ્યક્તિગત જવાબદારી આપણે વહન કરતાં હોઈએ છીએ. આપણો એક ધબકારો ચૂકવો એ આપણી તેના પ્રત્યેની દરકાર દર્શાવે છે.
શિક્ષક તરીકે જોઈએ તો આપણે સૌ જાણીએ છીએ જ કે, શિક્ષણ પણ બાળકના જીવનની એટલી જ મહત્વની બાબત છે જેટલી પ્રવાસમાં આપણા માટે બાળકની દરકાર ! તો આવા શૈક્ષણિક પ્રવાસમાં આપણાથી પાછળ રહી જનાર માટે પણ આપણી ચિંતા એટલી જ હોવી ઘટે !
માટે જ, આખા વર્ગખંડમાં બે ચાર તો હોય જ વાળો ડાયલોગ છોડી તેઓની પણ દરકાર શરુ કરીએ કારણ કે આપણા માટે ભલે તે બે ચાર હશે પણ હકીકતમાં તો તે બે ચાર કુટુંબનું ભવિષ્ય છે !

April 21, 2019

જયારે સૌના હૈયે વસે “બાળક” અને તેનું “શિક્ષણ” 🙏



🙏જયારે સૌના હૈયે વસે “બાળક” અને તેનું “શિક્ષણ🙏
શાળાએ એવા ય વર્ષો જોયા છે જયારે વાલીને તેના પોતાના બાળકનું ય નામ ખબર ના હોય. જો જરૂર પડે અને ઘરે (!) જઈને પૂછીએ કે તમારી ગંગા કેમ શાળાએ આવતી નથી ? તો સામો સવાલ મળતો ? “સાયબ એ કઈ ?” એટલામાં જો એ છોકરી જોવા મળે ને આપણે કહીએ કે “આ ગંગા !” તો કહે... “હ...”આ ટીની....!” (મનમાં થતું કે જેનું નામ એની મા એ શાળામાં આવીને લખાવેલું એનું સાચું નામ એના બાપને ય ખબર નથી ! ) પછીનો એક સમય એવો ય આવ્યો કે નામ ખબર છે પણ પોતાનું પાલ્ય કયા ધોરણમાં છે એ ના ખબર હોય ! (જો કે હજુ અમારી પાસે એવા કેટલાક કુટુંબો છે જેમાં આ સ્થિતિ યથાવત છે !)
આ સમયની સાપેક્ષમાં જયારે ગામમાંથી કોઈ વાલી આવે અને કહે “સર (હા, આ આપણી શાળાનો અ-ભૂતપૂર્વ વિદ્યાર્થી એટલે આવા સંબોધન હવે મળે છે !) સર... આ એક ગેમ લાવ્યો છું સ્કૂલ માટે ! ફેરિયો વેચતો એ જોયું ને ગમી ગઈ..થયું કે આપણા સાતમાં અને આઠમા ધોરણના છોકરાંને કામ લાગે એવી છે ! (એનું પોતાનું બાળક તો હજુ ઘોડિયામાં છે, અને એના ભાઈના બાળકો હજુ બીજા ધોરણમાં !) એવા સમયમાં એને ક્યાંક સાતમાં કે આઠમા ધોરણમાં ઉપયોગી એવી વિશ્વના નકશાની ગેમ જોઈ ખરીદી લેવાનું મન થાય એ દર્શાવે છે કે તેના મનમાં હવે ગામના બધા બાળકોને ઉપયોગી થાય તેવું કૈક લાવવાનું ગમે છે. અને ખાસ તો એ કે તેને એ સમયે ય બાળકોનું શિક્ષણ યાદ છે. આ પહેલા ય એક વાલી છેક વાપી – વલસાડથી શાળાના બાગ માટે મહેંદી લાવવાની જહેમત ઉઠાવી હતી. ગામમાં બનતા તમામ સારા પ્રસંગે દરેકને બાળકો યાદ આવે છે.......સૌના હ્રદયમાં સદાય શાળા છે, બાળકો છે, શિક્ષણ છે...
બાજુના એક ગામાંમથી એક વાલી ગયા વર્ષે તેમના બાળકોને ખાનગી શાળામાંથી આપણી શાળામાં દાખલ કરી ગયા હતા. શરૂઆતમાં મૂકવા આવતી વખત રોજ અમારી સાથે વાત કરે...”સર...આવડી જશે ને ? આમને ત્યાં ખુબ ટોર્ચર થવાય તેવું હોમવર્ક આપતા.... તેમનામાં સ્ફૂર્તિ દેખાતી નથી. થોડું બોલચાલ વધારે એવું થઇ જશે ને ?” આ ક્રમ ધીમે ધીમે ઓછો થયો... હમણાં સત્ર પૂરું થવાના નજીકમાં આવ્યા...”સર...મારી ઈચ્છાથી એક ગીફ્ટ લાવ્યો છું ! ના, ન કહેતા...મને આનંદ છે.... મારા બાળકોને જોઈ હવે મને સંતોષ છે...અને મારી ખુશી માટે આ ગીફ્ટ સ્વીકારી લો...” થોડીવાર મનમાં થયું કે આ વાલીએ ત્યાં ખાનગી શાળામાં ફી માટે તેના સંચાલક સાથે ભાવતાલ કર્યા હશે...કે આ ફી વધુ છે...એ ઓછી કરો...આ પૈસા તમે કેવી રીતે માગી શકો ? વગેરે વગેરે....અને એ વાલી શાળા માટે ખર્ચ કરીને કોઈ વસ્તુ આપી રહ્યો છે ! અમે સ્વીકારી લીધી ભેટ....પણ હજુ ય એ શબ્દો ગુંજે છે... “મારી ખુશીથી...મને સંતોષ છે,,,,” વાલીને ક્યાં ખબર છે કે તેમને અમને આપેલી સૌથી મોટી ભેટ તો એમના આ શબ્દો છે !
આમ, જયારે વાલીઓ પોતાના બાળક માટે નહિ, શાળાના બધા બાળકોને પોતાના માની...જ્યાં હોય ત્યાં...પોતાનાથી થઇ શકે એમ મદદ માટે તૈયાર છે... અને અમે પણ તૈયાર રહીએ છીએ તેમના પ્રેમનો પ્રતિસાદ આપવા !

April 01, 2019

“There are should be more मस्ती की पाठशाला-ए!



 There are should be more मस्ती की पाठशाला-!
ભલે ક્યાંક એક ખૂણામાં, ઝાડી ઝાંખરામાં જો કોઈ સુવાસિત ફૂલ ખીલે તો એ ઝાડી ઝાંખરા ફૂલને ઢાંકી શકે, સુગંધને નહિ ! એવું જ નાના ગામડાઓની શાળાઓના કાર્યોનું ! જો તમે સરકારી શાળાઓના સીધા સંપર્કમાં ના હો તો પણ તમને એકાદ બે સારી શાળાઓ જોવા મળી જશે. (જેના વિષે જાણીને તમને થશે કે કાશ, આપણને પણ આવી શાળા મળી હોત !) શાળાઓમાં ફેરફારના ઘણા પાસાઓ છે પણ સૌથી વધુ ઝડપથી બદલાઈ રહ્યું છે; શિક્ષક – વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ. શિક્ષક સામે સવાલ કરવા, પોતાને જરૂરી સગવડ માટે શિક્ષક સામે દલીલ કરવી. પોતાના હક માંગવા. “સાહેબ, તમારો તાસ છે....ચાલો વર્ગમાં...” “મારો આ દાખલો સાચો જ છે, તમે કેમ એક માર્ક ઓછો આપ્યો ?” “ સાહેબ, આ રીતે નકામું ધમકાવાનું નહિ..” “આમાં તો ના સમજ પડી !” જેવા વિધાનો હવે પ્રાથમિક શાળાઓમાં સાંભળી શકાય છે. સાથે સાથે “સર, કેમ આજે મૂડ નથી કે શું ? “ ના, રહેવા દે યાર બેનને નહિ ગમે !” જેવા શિક્ષક પ્રત્યે લાગણી દર્શાવતા વાક્યો પણ સંભળાય છે. બાળકોને શિક્ષક પ્રત્યે હવે માત્ર માન નહિ, પ્રેમ પણ છે. અને શિક્ષક પણ બાળકોને ભણાવવા માટેના મશીનને બદલે માણસ તરીકે જોતો થયો છે. (પહેલા પણ ઘણા શિક્ષકો જોતા જ હશે, જેમ આજે કેટલાક નહિ જોતા હોય એમ !) છતાં સહજ શાળામાં એવી હવા તો છે જ –
શાળાઓ અને એસ.એમ.સી.  જયારે આપણી નવા નદીસરની મુલાકાત લે છે ત્યારે અમે ભારપૂર્વક એક જ વાત કહીએ છીએ કે “આ બધું જેના માટે છે, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ...એને પોતાની જાતે કરી જોવાનો મોકો મળવો જોઈએ...બાળકને વિદ્યાર્થિની જેમ ટ્રીટ કરવાને બદલે માણસની જેમ ટ્રીટ કરવો જોઈએ...” તેઓ સૌ આપણી શાળામાં એવું અનુભવે છે. તેમની શાળામાં એ અનુભવવા માટે મથે છે. અને કોઈક કોઈક શાળાઓ પ્રતિભાવ પણ આપે છે કે “હવે અમને ય શાળામાં જતા હોય એવું લાગવાને બદલે બીજા ઘરમાં હોઇએ એમ લાગે છે.” “હવે આમારા બાળકો પણ શાળા સંચાલનમાં સહભાગી થઇ રહ્યા છે.” “અમારા ગામના લોકો પણ હવે શાળાની ખાસ દેખરેખ રાખે છે.” અને આવા પ્રતિભાવ અમને વધુ મજબુત રીતે અમારું કાર્ય કરવામાં પ્રેરણા રૂપ બને છે. માટે જ એક વખત પ્રો. અનીલ ગુપ્તા સરે લખ્યું હતું, “There  should be more Masti Ki Pathshalas”  આવા પ્રતિભાવો સરની એ ઈચ્છાનો પડઘો છે કે There are should be more Masti Ki Pathshalas”
તમે પણ જો શાળાની રૂબરૂ અથવા વર્ચ્યુઅલ મુલાકાત કરી હોય તો તમને નવા નદીસર પ્રાથમિક શાળાની કઈ પ્રવૃત્તિ સૌથી વધુ ગમી ? અથવા આપને તે તમારા ત્યાં કરવા માટે યોગ્ય લાગી તે તમે આ લિંકમાં પર ક્લિક કરી ખૂલેલ ગુગલ ફોર્મમાં જણાવશો >> ક્લિક > અભિપ્રાય


આપણી સમસ્યાઓ અને તેને જોવાની દૃષ્ટિ !



આપણી સમસ્યાઓ અને તેને જોવાની દૃષ્ટિ !

દરેક વ્યવસાય સમસ્યાઓથી ભરેલો છે. અને દરેક વ્યવસાયી તેને ઉકેલવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. પછી તે કોઈ સામાન્ય સંસ્થા કે નામાંકિત કંપની કેમ ન હોય? – તે સૌ પોતાની પ્રૉડક્ટની બજાર માંગ વધારવા અથવા તેને ટકાવી રાખવા સતત પ્રયત્ન કરતી રહે છે. માર્કેટ વ્યૂ નો સતત ખ્યાલ રાખી, અભ્યાસ કરતા રહેવો  અને તેના ધ્વારા પોતાની પ્રૉડક્ટમાં બદલાવ લાવી બજારમા ટકી રહેવા પલ-હરપલ સતત ગ્રાહકોનો સંપર્ક અને ગમા અણગમાનો અભ્યાસ ચાલતો હોય છે. સામાન્ય નિયમ છે કે સમયાંતરે બદલાવ લાવે તે જ બચે, ના બદલાય તે નામશેષ થાય !
આપણો શિક્ષકનો વ્યવસાય પણ તે પૈકી એક છે. આપણું નસીબ છે કે “શિક્ષક” – એ ખૂબ પવિત્ર વ્યવસાયના લીસ્ટમાં સામેલ છે. પરંતુ બદલાવ અને આધુનિકતા એ દરેક વ્યવસાયની આવશ્યકતા છે, તેમાં આપણો વ્યવસાય પણ બાકાત ન હોઈ શકે ! આપણો વર્ગખંડ બાળકોની કીલકીલારીઓની અને સાથે-સાથે ઘણી ચેલેન્જીઝ સહિત આપણી રાહ જોતો ઉભો હોય છે. ત્યારે આપણી તેના પ્રત્યેની દ્રષ્ટિ તેમાં મહત્વનો ભાગ ભજવતી હોય છે. બાળકો સાથેનો લગાવ આપણને તેમાં સૌથી વધારે મદદરૂપ થતો હોય છે. એક વ્યવસાયિક શિક્ષક તરીકે વર્ગખંડમાં પ્રવેશીએ ત્યારે બાળકો પ્રત્યે ગ્રાહકની જ દ્રષ્ટિ જ ઉભી થાય છે. પરિણામે બાળકોના અભ્યાસ માટેના વિઘ્નો એટલે કે સમસ્યાઓને પણ આપણે એ જ દ્રષ્ટીએ જોયા કરીએ છીએ. જેમાં ઉકેલ આપણા હાથની વાત ન હોય તેમાં આપણાથી થાય તેટલો પ્રયત્ન પણ ન કરી આખું વર્ષ સમસ્યાઓ વાગોળવામાં આપણી એનર્જી વપરાઈ જતી હોય છે. કેટલાંક કેસમાં તો આપણને પણ ખબર હોય છે કે આ વાલી તો ક્યારેય બાળકને ચાહીને નહિ ભણાવે, ત્યારે આપણે મગજમાં વાલીને ધ્યાને રાખી બાળક સાથે ડીલ કરતાં હોઈએ છીએ. પરંતુ એકવાર એ ડીલને બાજુએ રાખી દિલને વચ્ચે લાવીએ. વ્યવસાયી શિક્ષક ને બદલે માં-સ્તર બની બાળક તરફ મમતાભરી નજર નાખીએ તો અનુભવાશે કે વાલીના વાંકે તેના બાળકને સમાજમાં નિરક્ષર રહેવા માટે ન છોડી શકાય. [ કારણ > આપણી જવાબદારી કેટલી ? ] આવા કિસ્સામાં દિમાગ ને બદલે દિલથી એટલું જ વિચારાય કે આપણે આપણે તેની માં-સ્તર હોવાનાં નાતે વધુમાં વધુ કેટલું ભલું કરી શકીએ છીએ. જો દિમાગ સાથે વર્ગખંડમાં પ્રવેશીશું તો સમસ્યાઓની ભરમાર જ પહેલી નજરે પડશે, જો દિલથી પ્રવેશીશું તો બાળકોનો પ્રેમ નજરે પડશે – અને જો દિલ અને દિમાગ સાથે વર્ગખંડમાં પ્રવેશીશું તો – બાળકોનો પ્રેમ અને સમસ્યાઓના ઉકેલ નજરે પડશે. કારણ અમે પહેલાં પણ કહ્યું છે કે .. જ્યાં પ્રેમ છે ત્યાં બધા જ ઉકેલ નીકળી આવે છે. અને પ્રેમ ત્યાં જ થાય છે જ્યાં સંવાદનું અસ્તિત્વ છે. આપણે આપણા વર્ગખંડોમાં કેટલાં બાળકો સાથે રોજેરોજ અનૌપચારિક સંવાદ કરીએ છીએ? વિચારશો તો ખ્યાલ આવશે કે જે બાળક  સાથે ઓછો સંવાદ કર્યો છે તેના વાલીનો સંપર્ક વધારે કરવો પડ્યો હશે ! માટે જ ચાલો નિશ્ચય કરીએ કે છેલ્લી પાટલી સુધીના બાળકો સાથે સંવાદ કેળવીશું. અને તો જ દરેક બાળકો સાથે પ્રેમ થશે – અને એકવાર બાળકો સાથે પ્રેમ થઇ જશે પછી વર્ગખંડોમાં જીવાવાનું શરુ ન થાય તો કહેજો !!!