April 29, 2017

“ જવાબદાર સમાજ “ ના ઘડતરની જવાબદારી કોની ?


“ જવાબદાર સમાજ “ ના ઘડતરની જવાબદારી કોની ?   

પ્રાથમિક શિક્ષણ ના સમતોલન માટે મહત્વના પાયાઓમાં વાલી એટલે કે સમાજ એ પણ વિદ્યાર્થી અને શિક્ષક જેટલું જ મહત્વ ધરાવે છે. બાળકોના શિક્ષણ માટે ફકતને ફક્ત શાળા કે શિક્ષક જ મથતો રહે તો બાળકના શિક્ષણની ગતિ ગોકળગાયની ગતિએ વધતી રહે અને તેનાં પરિણામો પણ ખુબ જ લાંબો સમયગાળો માગી લેતાં હોય છે. ગ્રામીણ કક્ષાએ બાળકોના શિક્ષણ પ્રત્યે વાલીઓની નીરસતા અને શાળા સંસ્થાનો પ્રત્યે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અરુચિ બહોળા પ્રમાણમાં જોવા મળે છે અને ઘણા કારણમાં આ પણ એક મોટું કારણ શિક્ષણના પરિણામમાં અસંતોષ માટેનું જોઈ શકાય છે. ઘણી જગ્યાએ સમાજની શિક્ષણ પ્રત્યેની ફક્ત બેજવાબદારી પુરતું ન રહેતાં બાળકોને શાળાની હાજરીમાં પણ અવરોધો ઉભા કરતાં જોઈ શકાય છે અને પરિણામ એ આવે છે કે જ્યાં શાળા અને સમાજ ભેગા મળી મહેનત કરે છે અને જેટલું પરિણામ મળે છે તેટલું  પરિણામ મેળવવા શિક્ષક મથતો જોવા મળી રહે છે. કહેવાય છે કે એક હાથે તાળી ન પડે ! – સમાજ અને શિક્ષક સાથે મળી જો પ્રયત્ન કરે તો જ બાળકમાં શિક્ષણ અસરકારક બની શકે. અજાગૃત વાલીના બાળક ને શાળા સુધી લાવવા માટે શિક્ષકે એટલો પ્રયત્ન કરવો પડે છે જેટલો ફૂટબોલની રમતમાં એક ખેલાડીએ ગોલ કરવા માટે કરવો પડે છે, અને વાલી પણ એટલો જ પ્રયત્ન શિક્ષકને ગોલ ન કરવા દેવા માટેના પ્રયત્નોમાં હોય છે. આવા પ્રયત્નો શિક્ષકે ફકતને ફક્ત એકવાર નહિ પણ તે બાળક માટે સમયાંતરે અને કોઈકને કોઈક બાળક માટે રોજેરોજ કરતા રહેવો પડે છે. પરિણામે આવા બાળકને  વર્ગખંડ સુધી લાવવામાં જ  શિક્ષકની મોટાભાગની એનર્જી વપરાઈ જતી જોવા મળે છે. અને તેની અસર શિક્ષકના શિક્ષણકાર્ય પર અને તેને કારણે સ્વાભાવિકપણે શૈક્ષણિક પરિણામો જોવા મળે છે જે કેટલીકવાર નિરાશા અને હતાશા જન્માવે છે. ત્યારે મનમાં પ્રશ્ન ઉભો થાય છે કે બાળકના શિક્ષણમાં સમાજની જવાબદારી કેટલી ?
                    ગ્રામીણ કક્ષાએ શિક્ષણનું સ્તર નીચું આવવામાં વાલીઓની અજાગૃતતા એ કારણને મોટું ગણવામાં આવે છે. ફરિયાદ છે કે વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ પ્રત્યેની જવાબદારીથી દૂર રહે છે અથવા તો અજાગૃતતા બેજવાબદારીભર્યુ વલણ ઉભું કરે છે. એનો સીધો સાદો અર્થ આવા સમાજને બેજવાબદાર ગણાવે છે કે જેઓ પોતાના બાળક પ્રત્યેની જવાબદારીઓથી ભાગી રહ્યો છે. તે ઘણા અંશે વ્યાજબી પણ છે. પરંતુ મિત્રો આપણે કેટલીક શાળાઓમાં દિવાલોસૂત્રોમાં એક સૂત્ર આ પણ વાંચીએ છીએ કે “ શાળા એ સમાજનું ઘડતર કરે છે “ – જો એ સૂત્રને સાચું માનીએ તો અત્યારનો આપણા માટે લાગતો આ બે/જવાબદાર સમાજ એ પણ આપણા  વ્યવસાયિક પૂર્વજોની દેણ છે તે સ્વીકારવું જ રહ્યું. હવે આ સ્થિતિમાં શું થઇ શકે તે બાબતમાં વિચારવું રહ્યું – સરકાર આ માટે કઈંક કરી શકે તે તો તેણે  સમાજમાં શિક્ષણ અને તેના ધ્વારા કેળવણી આવે તે માટે શિક્ષક તરીકે નિમણુંક કરી અને શૈક્ષણિક સંસ્થાનો ઉભા કર્યા. આપણે જયારે આજના વાલીની  તરફ કોઈ ફરિયાદ ફેંકીએ છીએ ત્યારે પ્રશ્ન આપણા વ્યવસાયિક પૂર્વજો તરફ પણ ડોકિયું કરે છે. વિચારો કે આપણી જ બે ચાર પેઢી પાછા જઈ ડોકિયું કરશું તો આપણી પેઢી પહેલાંથી આવી કેળવાયેલી નહોતી ત્યારે કોઈક એવી વ્યક્તિ તો હશે જ કે જેણે આપણી એક પેઢીની કેળવણી પાછળ નોધપાત્ર પ્રયત્ન કર્યો હશે – જેની ફલશ્રુતિરૂપે આજે આપણે કેળવાયેલ વ્યક્તિ તરીકે ગણના થાય છે. 
 આપણે ગ્રામ્યકક્ષાએ જમીની કક્ષાએ કાર્ય કરતાં હોઈ, જે તે સમાજની વચ્ચે રહેતાં હોઈ આપણે જ મુશ્કેલીને અનુભવતાં હોઈ શિક્ષણમાં સમાજની શાળા કે શિક્ષણ પ્રત્યેની અરુચિ અને અરસિકતા દુર કરવા માટે આપણે સરકાર કરતાં પણ વધુ અસરકારક વ્યક્તિ છીએ તે હકીકત આપણે  સ્વીકારવી એ તેનો પ્રથમ ઉકેલ છે. બીજા પ્રયત્નોમાં....
·         સમાજ સાથે સંવાદ ઉભો થાય તેવી તકો ઝડપવી...
·         શિક્ષણ માટે સક્રિય વાલીઓનો ઉપયોગ સામાજિક જાગૃતિ માટે કરવો...
·         વર્ગખંડોમાંની મહેનત વાલીઓ સુધી પહોંચાડવા સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવો... શાળા – ગામનું વોટ્સ અપ ગ્રુપ
·         શાળાકીય પ્રવૃતીઓને ડિસ્પ્લે કરવા ગામના શેરી મહોલ્લાને પ્લેટફોર્મ બનાવવું જેમ કે મહોલ્લા પ્રાર્થના સમાંરભ
·         સ્થાનિક સામાજિક – સાંસ્કૃતિક પ્રસંગોમાં અને સામુહિક કાર્યક્રમોમાં યોગદાન આપી પોતાની હાજરીની / ભાગીદારીની નોંધ લેવડાવવી -
·         વર્ગખંડના દરેક બાળકના વાલીની વ્યવસાયિક પ્રવૃત્તિથી વાકેફતા કેળવવી જેથી બાળકની ગેરહાજરી નિવારવાના ઉકેલો વિશે કોઈ વચલો માર્ગ શોધી વાલીને માર્ગદર્શિત કરી શકાય
આ બધા જ પ્રયત્નો ધ્વારા આપણે ૧૦૦% સફળ થઈશું – બતોર શરત એક કે વિલ થી અને દિલથી લાગી જવું પડશે 


3 comments:

Mamata Sharma said...

અમલમાં મૂકવા જેવા સૂચનો છે આપના. આભાર.

Laxmanpura Primary School said...

Khare khar vali ni javabdari nakki karvi joie
ajagrukt fakt school mate

jagruti pandya said...

Nice nd. Right 👌