June 30, 2017

સિંહાવલોકન – સ્મૃતિધારા !


સિંહાવલોકન – સ્મૃતિધારા

નવી જગ્યાએ રહેઠાણ ગોઠવવું અને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત કરવી બંને ઉત્સાહજનક અને ગુંચવણ ઉભી કરનારા હોય ! લાંબા વેકેશનમાં જુદી રીતે ઠરી ગયેલી દૈનિક ઘટમાળને ફરી નવું શીખવા માટે બદલવાનો આ સમય ખુબ અગત્યનો હોય છે. કેટલાક બાળકો હજુ મામાને ઘરે હોય – તો કેટલાક અહી, મામાને ઘરે ભણવા આવી ના પહોચ્યા હોય ! સ્કૂલ બદલાતી હોય – શાળા પરિવારમાં નવા સભ્યો ઉમેરાતા હોય – આવામાં કોઈક અ-સરકારી આયોજન જરૂરી હોય છે. બે વર્ષથી સ્મૃતિધારા એ થીજેલી ઘટમાળને પ્રવાહીમાં પલટાવાનું કાર્ય કરે છે.
        આયોજન ગત વર્ષ જેવું જ હતું, પણ અમલ કરનાર આપણા પક્ષે ૬ થી ૮ માં હવે ચાર શિક્ષકો છે. એટલે પહેલો ફેરફાર એક માસ્ટર ક્લાસ કે જેમાં ૬ થી ૮ ના મિશ્ર વિદ્યાર્થીઓ હશે જેમણે ગત વર્ષનું જ નહિ ગત બે-ત્રણ વર્ષનું કાર્ય કરાવવું પડે. દરેકે પોતાની રીતે અલગ આયોજન તૈયાર કર્યું કે આપણને ગયા વર્ષ આખામાં એવા કયા કયા મુદ્દા હતા જે ના આવડવાને કારણે મુશ્કેલી પડી. દરેક એકમને એનાથી વધુ માઈક્રો બનાવવાનો પ્રયત્ન થયો – જેમ કે ગુણાકાર – એમ નહિ – ગુણાકારમાં એક અંકની સંખ્યા ગુણ્યા એક અંકની સંખ્યા, બે અંકની સંખ્યા ગુણ્યા એક અંક (વદ્દી વગર –વદ્દી સાથે) બે અંક ગુણ્યા બે અંક – એમ ત્રણ-ચાર અંક સુધી !
        ભાષામાં એક જ વાર્તા લઇ તેને આધારે શબ્દો – તેના પરથી વાક્યો – બીજે દિવસ એ જ વાર્તા હિન્દીમાં અને તેના પરથી શબ્દો અને વાક્યો – એમ ઉપક્રમ ! શિક્ષકે એક દિવસ પૂછ્યું કે કાલે ચોથા ધોરણનું કયું ગીત ગાઈશું ? એની ચર્ચામાં વળી વર્ગમાં ચાર ચાર બંગડી ગુંજી – એક કાવ્ય આધારે જેમ અર્થગ્રહણની પ્રવૃત્તિ થાય એમ એ ગીત ગાવાનું અને તેને આધારે પ્રશ્નોત્તરી – ખરા ખોટા- સમાન અર્થવાળો શબ્દ શોધો – એમ ધાર્યા કરતાં જુદી પણ બાળકોને મજા પડે એવી પ્રવૃતિઓ પણ યોજાઈ. પ્રાર્થનાઓ ગાવી તે ય વર્ગમાં – એટલે એ તેમનામાં સહજતા લાવે અને તેઓ કાવ્યગાન અને તેના રસાસ્વાદ માટે તૈયાર થાય ! આઠમા ધોરણના વિદ્યાર્થીઓ મોડ્યુલમાં વાંચી ગયા કે “પર ગ્રહવાસી” આવતા હોય તેવી ફિલ્મ – અને શિક્ષિકાએ કેટલીક ફિલ્મો ‘કોઈ મિલ ગયા, અવતાર’ જેવા નામ કહ્યા તો એમણે છણકો કર્યો કે તમે એવું તો કઈ બતાવ્યું નહિ – હમણાં તો છટક્યા કે મોર્નિંગ સ્કૂલમાં એવો સમય નહિ અપાય – પણ બતાવવી તો પડશે જ ! ( કઈ મૂવી બતાવી શકાય? )
      સ્મૃતિધારા બીજી એક રીતે શિક્ષકોમાં એ સમજ ઉત્પન્ન કરે છે કે વિષયની બાઉન્ડ્રી પાઠ્યપુસ્તક બાંધે છે- ખરેખર શીખવા માટે કોઈ પણ વિષય ફ્રેમ વગરનો જ હોય ! ભાષાના ગીત પરથી વિજ્ઞાન અને તેના પરથી ગણિત એમ બધું અરસ પરસ જઈ શકે.
ગત વર્ષના અમારા અનુભવો આ રહ્યા >>> याद करके आगे बढे !!
આમ જ હરેક વર્ષ તેમના મો પર સ્મિત લાવવાના કામમાં આવે એ વાત સ્મૃતિમાં રહે તોય ઘણું ! 

June 18, 2017

થેંક્યું પી.કે.


થેંક્યું પી.કે.

                 આ પ્રવેશોત્સવમાં જ્યારે દેવ, નાઝમીન, સેજલ, હિમાલી અને નિકિતા યોગ નિદર્શન કરતાં હતાં ત્યારે તેમનું વિડીયો શૂટિંગ કરનાર હિતેશ એ આપણી શાળાનો પહેલો વિદ્યાર્થી કે જે જીલ્લા કક્ષા સુધી યોગની સ્પર્ધામાં પહોચ્યો હોય ! – એ વાતને આજે ૧૦ થી વધુ વર્ષ થઇ ગયાં. શાળામાં યોગનો પાયો નાખનાર પ્રકાશભાઈ (પી.કે) અત્યારે અન્ય શાળામાં ફરજ બજાવે છે, પરંતુ તેમણે ઉભી કરેલી એ ધરોહરથી દર વર્ષે અલગ અલગ વિદ્યાર્થી તાલુકા/જીલ્લા સુધી તો પહોંચી જ જાય છે.
        એમણે શાળાના મિજાજને અનુરૂપ યોગનું ડ્રાઈવિંગ પણ બાળકોના હાથમાં આપી દીધું. અને પ્રાર્થના સંમેલનમાં સમય મર્યાદામાં યોગ, પ્રાણાયામ અને મુદ્રા કરાવવાનું લેખિત તૈયાર કર્યું, અને તે લેખિત  બાળકોને આપ્યું.... તે મુજબ પ્રાર્થનામાં દરરોજ યોગાસન, મુદ્રા અને પ્રાણાયામ થવા લાગ્યા. અને તેની અસરમાં જ હવે યોગાસન એ આપણા બાળકો માટે આસાન બાબત છે.
         દરરોજના યોગ માટેની સૂચનાઓ અને શાળાના બાળકો વડે તેનું સરળતાથી નીદર્શન કરી શકે તેવા આયોજનના આ ઉમંગને સૌ સુધી વહેંચવા માટે પ્રકાશભાઈ – પી.કે. એ તૈયાર કરેલી સામગ્રીને ડીઝીટલ બનાવી તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ. તે માટેની આ રહી એક લીંક... 
આ વિશ્વ યોગ દિવસ “એક દિવસ યોગ ” નહિ “દરેક દિવસ યોગ” બનાવીએ – સ્વસ્થ ભારત માટે પ્રયત્ન કરીએ !























June 09, 2017

નવા ફૂલ ખીલવવાની મોસમ !


નવા ફૂલ ખીલવવાની મોસમ !

                   .....અને આ વર્ષે શાળા પ્રવેશોત્સવના દિવસે બાળમેળો આયોજિત કરવાનું કહ્યું – ને આપણો વર્ષોથી થીજી ગયેલો કમ્ફર્ટ ઝોન તૂટ્યો ! સોશિયલ મીડિયા પર “આમ તે કઈ ચાલે ?” “આ તો શક્ય જ નથી !” થી લઇ ને “વાહ, શાળામાં પગ મુકતા બાળકોને શાળા વર્ગમાં હાર બંધ ગોઠવાયેલી નહિ પણ ‘મસ્તી’ ના મૂડમાં જોવા મળશે !” જેવા પ્રતિભાવો જોવા મળ્યા !
             આપણી શાળાને તો ભાવતું’તુ ને વૈદે કીધું ! દર વર્ષે આયોજન થઇ જતું એમ આયોજન કર્યું– પણ આ વખત સંગીત અને થીયેટર એવા બે સ્ટોલ રદ્દ કર્યા. પાંચ સ્ટોલ નક્કી થયા. બીજા દિવસે આયોજન મળ્યું એમાં સમય સવારનો હતો એટલે ફરી ફેરફાર થયો કે જો પ્રવેશોત્સવ પછી બાળમેળો હોય તો સાત જૂથના સાત સ્ટોલ જ રાખીએ. સૌએ શક્ય તેટલી બધી શક્યતાઓ ચકાસી લીધી. શિક્ષકો અને જૂથ નેતાઓને એક જ વાતની મીઠી ફિકર કે દર વર્ષે પરફેક્ટ કરીએ ત્યારે કોઈ મુલાકાતી હોતા નથી. હવે જયારે આવતીકાલે જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને અન્ય મહેમાનો આવે ત્યારે જો આપણું પ્રદર્શન દર વર્ષ જેવું ના હોય તો “દશેરાના દિવસે ઘોડું ના દોડ્યું” એ કહેવત આપણને લાગુ પડી જાય.
          પ્રવેશોત્સવમાં બાળકો માટે પીન્ટુભાઈ એનર્જીથી ભરપૂર એવું.. “મેરે દિલ સે આ રહી આવાઝ... સ્વચ્છ ભારત હો જિસ પે હો હમ કો નાઝ” લઈને આવ્યા હતા. અમૃત વચન માટે અઘોષિત હરીફાઈ થઇ ગઈ અને હાર્દિકને ચાન્સ મળ્યો. જગદીશ અને વૈભવ એના હરીફ મટી એનું નામ નક્કી થતા જ સહયોગી બની ગયા ! બીજું કોઈ નૃત્ય રાખવું છે? એના જવાબથી ખબર પડી કે “ચાર ચાર બંગડીનો ફીવર હજુ અકબંધ છે !” (એ અલગ વાત છે કે માત્ર બે દિવસ અને અડધા અડધા કલાકની પ્રેકટીસથી એમના સ્ટેપ્સમાં પરફેક્શન ના આવ્યું અને એ ગીત મહેમાનોના આવતા પહેલા રજુ કરી દેવાનું ઠરાવ્યું. યોગાસન માટે તો એક કહેતા ચાર વિદ્યાર્થીઓ તૈયાર જ હોય.
                બીજી બાજુ ઓફિસમાં કયા કયા વિદ્યાર્થીઓનું સન્માન હોય તેની ચર્ચામાં – પરિપત્ર મુજબ ૩ થી ૮ ના અને એન.એમ.એમ.એસ.માં મેરીટમાં આવેલા પાંચ તો ફાઈનલ હતા જ. સાથે આ વખતની એસ.એસ.સી.ની પરીક્ષામાં નદીસર હાઈસ્કૂલ કે જ્યાં આજુ બાજુના ૧૦-૧૨ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે બધામાં અમારો રવિ ૮૩% સાથે કુમારમાં પ્રથમ અને સોનલ ૭૪% સાથે છોકરીઓમાં પ્રથમ આવ્યા હતા. એ ગામ માટે ગૌરવ જ હતું. વળી, સોનલ તો ભરવાડ સમાજમાંથી દસ પાસ કરનારી પ્રથમ છોકરી હતી. એટલે એમનું સન્માન નક્કી થયું. ઊંડે ઊંડે થતું કે આ બધું જ પરીક્ષાના પ્રદર્શન પર આધારિત હતું તો એમાં “ગત શૈક્ષણિક વર્ષ દરમ્યાન ખેલ મહાકુંભમાં જીલ્લા કક્ષા સુધી પહોચનાર નાયક હંસા અને પરમાર સેજલનું સન્માન નક્કી થયું. હવે બાકી રહેતી કળાઓ - તો કલા ઉત્સવમાં તાલુકામાં વિજેતા થયેલા ત્રણેય વિદ્યાર્થીઓને પણ સાંકળી લેવાયા !
           આયોજનો પૂરાં થયાં અને – નવમી જુનની સવારથી શાળા એક ઉત્સવ માટે તૈયાર હતી. ધીમે ધીમે ગામમાંથી અને આજુ બાજુના ગામમાંથી માણસોનું આગમન સાથે શાળાના પાડોશી નટુભાઈએ સેટ કરેલી મ્યુઝીકની વ્યવસ્થા ઉત્સાહ વધારતી હતી. નગીનભાઈ સામેથી પૂછીને ખાસ ખુરશી, સ્ટેજની વ્યવસ્થા કરી ચુક્યા હતા. (અને બંને વ્યવસ્થાઓ માટે તેઓએ અમારી પાસેથી વિનંતી છતાં કોઈ આર્થીક વળતર લીધું નહિ. – બસ – એક જ વાત – તમે આટલું કરો છો તો અમારાથી જેટલું થઇ શકે એટલું તો અમે કરીએ !)
                    શ્રી કે.બી.ઝવેરી, જીલ્લા વિકાસ અધિકારી સાહેબ, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ગોપાલભાઈ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભાથીભાઇ, ગામના સરપંચ બહેન રેખાબેન, પોતાનાં કામ પડતાં મૂકી અમારી સાથે જોડાયેલા ગ્રામજનો સાથે અમે અમારા આયોજનને સાકાર કર્યું. નવા ખીલું ખીલું થયેલા ચહેરાઓ સ્ટેજ પર જઈ સરપંચશ્રી તથા ગામલોકો દ્વારા અપાયેલી કીટ લઇ હસતા હસતા – અંદર શું હશે તેના આશ્ચર્ય સાથે એક બીજાના મોં તાકતા – અમારા ભાગે મલકાટ એ જ કે “સેજલ, નાઝમીન,દેવની ટીમના યોગાસન” “સ્વચ્છ ભારતનું નૃત્ય” અને હાર્દિકની ધમાકેદાર સ્પીચ - તમામે ખુબ તાળીઓ ઉઘરાવી !
             ઝવેરી સાહેબનું પ્રાસંગિક ઉદબોધન એ માત્ર પ્રાસંગિક ના રહેતાં જાણે અમારા માટે ઉત્સાહનું ટોનિક બની ગયું. એમના વક્તવ્યને એમણે એ દિવસ પૂરતું મર્યાદિત ના રાખ્યું – એક અધિકારી કેવી રીતે આખી ટીમને મોટીવેટ કરી શકે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમના સ્ટેજ પરથી બોલાયેલા શબ્દો અને તેમણે શાળા જોતાં જોતાં “અમારા બાળકોના આત્મ વિશ્વાસ, નિર્ભયતા અને કાર્યક્રમમાં બાળકોને કેન્દ્રમાં રાખ્યા ! વગેરે ચર્ચા કરી અમને જે ગૌરવ મહેસુસ કરાવ્યું; એ અમને આ નવા ફૂલડાંઓની માવજતમાં પ્રેરણા આપશે જ !
        હા, બાળમેળામાં પહેલા ધોરણના બાળકો માટે મજા હતી પણ બધા બાળકો બધા સ્ટોલ પર દર વર્ષની જેમ જઈ શક્યા નહિ. સમયની મર્યાદા નડી.  જમ્યા પછી બધા જુથે પોતે શું કર્યું તેનો મૌખિક અહેવાલ ટૂંકમાં કહ્યો અને સૌ – ગૌરવ અને આનંદ સાથે – નવા ફૂલને સાચવવાના મુક કોલ સાથે છુટા પડ્યા ! 
 


કાર્યક્રમોના સંચાલક - મનીષા ધોરણ -8
મનુષ્ય તું બડા મહાન હૈ....



 

સ્વછતાં નું મહત્વ
યોગ 


 

સ્વછતાં અને આપણે-: અમારો હાર્દિક 







શ્રી ઝવેરી સાહેબ [IAS]  જીલ્લા વિકાસ અધિકારીશ્રી , પંચમહાલ 




પક્ષીચણ નાખી અક્ષયપાત્રનું ઉદઘાટન કરતાં સાહેબશ્રી  










અમારા ગતવર્ષોના “પ્રવેશોત્સવ”