June 09, 2017

નવા ફૂલ ખીલવવાની મોસમ !


નવા ફૂલ ખીલવવાની મોસમ !

                   .....અને આ વર્ષે શાળા પ્રવેશોત્સવના દિવસે બાળમેળો આયોજિત કરવાનું કહ્યું – ને આપણો વર્ષોથી થીજી ગયેલો કમ્ફર્ટ ઝોન તૂટ્યો ! સોશિયલ મીડિયા પર “આમ તે કઈ ચાલે ?” “આ તો શક્ય જ નથી !” થી લઇ ને “વાહ, શાળામાં પગ મુકતા બાળકોને શાળા વર્ગમાં હાર બંધ ગોઠવાયેલી નહિ પણ ‘મસ્તી’ ના મૂડમાં જોવા મળશે !” જેવા પ્રતિભાવો જોવા મળ્યા !
             આપણી શાળાને તો ભાવતું’તુ ને વૈદે કીધું ! દર વર્ષે આયોજન થઇ જતું એમ આયોજન કર્યું– પણ આ વખત સંગીત અને થીયેટર એવા બે સ્ટોલ રદ્દ કર્યા. પાંચ સ્ટોલ નક્કી થયા. બીજા દિવસે આયોજન મળ્યું એમાં સમય સવારનો હતો એટલે ફરી ફેરફાર થયો કે જો પ્રવેશોત્સવ પછી બાળમેળો હોય તો સાત જૂથના સાત સ્ટોલ જ રાખીએ. સૌએ શક્ય તેટલી બધી શક્યતાઓ ચકાસી લીધી. શિક્ષકો અને જૂથ નેતાઓને એક જ વાતની મીઠી ફિકર કે દર વર્ષે પરફેક્ટ કરીએ ત્યારે કોઈ મુલાકાતી હોતા નથી. હવે જયારે આવતીકાલે જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને અન્ય મહેમાનો આવે ત્યારે જો આપણું પ્રદર્શન દર વર્ષ જેવું ના હોય તો “દશેરાના દિવસે ઘોડું ના દોડ્યું” એ કહેવત આપણને લાગુ પડી જાય.
          પ્રવેશોત્સવમાં બાળકો માટે પીન્ટુભાઈ એનર્જીથી ભરપૂર એવું.. “મેરે દિલ સે આ રહી આવાઝ... સ્વચ્છ ભારત હો જિસ પે હો હમ કો નાઝ” લઈને આવ્યા હતા. અમૃત વચન માટે અઘોષિત હરીફાઈ થઇ ગઈ અને હાર્દિકને ચાન્સ મળ્યો. જગદીશ અને વૈભવ એના હરીફ મટી એનું નામ નક્કી થતા જ સહયોગી બની ગયા ! બીજું કોઈ નૃત્ય રાખવું છે? એના જવાબથી ખબર પડી કે “ચાર ચાર બંગડીનો ફીવર હજુ અકબંધ છે !” (એ અલગ વાત છે કે માત્ર બે દિવસ અને અડધા અડધા કલાકની પ્રેકટીસથી એમના સ્ટેપ્સમાં પરફેક્શન ના આવ્યું અને એ ગીત મહેમાનોના આવતા પહેલા રજુ કરી દેવાનું ઠરાવ્યું. યોગાસન માટે તો એક કહેતા ચાર વિદ્યાર્થીઓ તૈયાર જ હોય.
                બીજી બાજુ ઓફિસમાં કયા કયા વિદ્યાર્થીઓનું સન્માન હોય તેની ચર્ચામાં – પરિપત્ર મુજબ ૩ થી ૮ ના અને એન.એમ.એમ.એસ.માં મેરીટમાં આવેલા પાંચ તો ફાઈનલ હતા જ. સાથે આ વખતની એસ.એસ.સી.ની પરીક્ષામાં નદીસર હાઈસ્કૂલ કે જ્યાં આજુ બાજુના ૧૦-૧૨ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે બધામાં અમારો રવિ ૮૩% સાથે કુમારમાં પ્રથમ અને સોનલ ૭૪% સાથે છોકરીઓમાં પ્રથમ આવ્યા હતા. એ ગામ માટે ગૌરવ જ હતું. વળી, સોનલ તો ભરવાડ સમાજમાંથી દસ પાસ કરનારી પ્રથમ છોકરી હતી. એટલે એમનું સન્માન નક્કી થયું. ઊંડે ઊંડે થતું કે આ બધું જ પરીક્ષાના પ્રદર્શન પર આધારિત હતું તો એમાં “ગત શૈક્ષણિક વર્ષ દરમ્યાન ખેલ મહાકુંભમાં જીલ્લા કક્ષા સુધી પહોચનાર નાયક હંસા અને પરમાર સેજલનું સન્માન નક્કી થયું. હવે બાકી રહેતી કળાઓ - તો કલા ઉત્સવમાં તાલુકામાં વિજેતા થયેલા ત્રણેય વિદ્યાર્થીઓને પણ સાંકળી લેવાયા !
           આયોજનો પૂરાં થયાં અને – નવમી જુનની સવારથી શાળા એક ઉત્સવ માટે તૈયાર હતી. ધીમે ધીમે ગામમાંથી અને આજુ બાજુના ગામમાંથી માણસોનું આગમન સાથે શાળાના પાડોશી નટુભાઈએ સેટ કરેલી મ્યુઝીકની વ્યવસ્થા ઉત્સાહ વધારતી હતી. નગીનભાઈ સામેથી પૂછીને ખાસ ખુરશી, સ્ટેજની વ્યવસ્થા કરી ચુક્યા હતા. (અને બંને વ્યવસ્થાઓ માટે તેઓએ અમારી પાસેથી વિનંતી છતાં કોઈ આર્થીક વળતર લીધું નહિ. – બસ – એક જ વાત – તમે આટલું કરો છો તો અમારાથી જેટલું થઇ શકે એટલું તો અમે કરીએ !)
                    શ્રી કે.બી.ઝવેરી, જીલ્લા વિકાસ અધિકારી સાહેબ, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ગોપાલભાઈ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભાથીભાઇ, ગામના સરપંચ બહેન રેખાબેન, પોતાનાં કામ પડતાં મૂકી અમારી સાથે જોડાયેલા ગ્રામજનો સાથે અમે અમારા આયોજનને સાકાર કર્યું. નવા ખીલું ખીલું થયેલા ચહેરાઓ સ્ટેજ પર જઈ સરપંચશ્રી તથા ગામલોકો દ્વારા અપાયેલી કીટ લઇ હસતા હસતા – અંદર શું હશે તેના આશ્ચર્ય સાથે એક બીજાના મોં તાકતા – અમારા ભાગે મલકાટ એ જ કે “સેજલ, નાઝમીન,દેવની ટીમના યોગાસન” “સ્વચ્છ ભારતનું નૃત્ય” અને હાર્દિકની ધમાકેદાર સ્પીચ - તમામે ખુબ તાળીઓ ઉઘરાવી !
             ઝવેરી સાહેબનું પ્રાસંગિક ઉદબોધન એ માત્ર પ્રાસંગિક ના રહેતાં જાણે અમારા માટે ઉત્સાહનું ટોનિક બની ગયું. એમના વક્તવ્યને એમણે એ દિવસ પૂરતું મર્યાદિત ના રાખ્યું – એક અધિકારી કેવી રીતે આખી ટીમને મોટીવેટ કરી શકે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમના સ્ટેજ પરથી બોલાયેલા શબ્દો અને તેમણે શાળા જોતાં જોતાં “અમારા બાળકોના આત્મ વિશ્વાસ, નિર્ભયતા અને કાર્યક્રમમાં બાળકોને કેન્દ્રમાં રાખ્યા ! વગેરે ચર્ચા કરી અમને જે ગૌરવ મહેસુસ કરાવ્યું; એ અમને આ નવા ફૂલડાંઓની માવજતમાં પ્રેરણા આપશે જ !
        હા, બાળમેળામાં પહેલા ધોરણના બાળકો માટે મજા હતી પણ બધા બાળકો બધા સ્ટોલ પર દર વર્ષની જેમ જઈ શક્યા નહિ. સમયની મર્યાદા નડી.  જમ્યા પછી બધા જુથે પોતે શું કર્યું તેનો મૌખિક અહેવાલ ટૂંકમાં કહ્યો અને સૌ – ગૌરવ અને આનંદ સાથે – નવા ફૂલને સાચવવાના મુક કોલ સાથે છુટા પડ્યા ! 
 


કાર્યક્રમોના સંચાલક - મનીષા ધોરણ -8
મનુષ્ય તું બડા મહાન હૈ....



 

સ્વછતાં નું મહત્વ
યોગ 


 

સ્વછતાં અને આપણે-: અમારો હાર્દિક 







શ્રી ઝવેરી સાહેબ [IAS]  જીલ્લા વિકાસ અધિકારીશ્રી , પંચમહાલ 




પક્ષીચણ નાખી અક્ષયપાત્રનું ઉદઘાટન કરતાં સાહેબશ્રી  










અમારા ગતવર્ષોના “પ્રવેશોત્સવ”

No comments: