January 31, 2020

📣 કાર્યમાં લાગણીઓ ભળે ત્યારે !?



 📣કાર્યમાં લાગણીઓ ભળે ત્યારે !?

એક ગામમાં એક ટપાલીની બદલી થઇ. તેને નોકરીના પાંચેક વર્ષનો અનુભવ હતો પણ આ ગામ તેને માટે નવું હતું. રોજેરોજ પોતાની ફરજના ભાગ રૂપે ગામમાં ફળીયે ફળીયે ટપાલ વહેંચવા જતો. એક દિવસ એક ઘરે ટપાલ આપવા ઘરનું બારણું ખખડાવ્યું અને બૂમ પાડી’ “ટપાલ” . અંદરથી અવાજ આવ્યો ટપાલ હોય તો બારણા નીચેના ભાગથી સરકાવી લો હું પછીથી લઇ લઇશ. ટપાલી એ કહ્યું રજીસ્ટર્ડએડી છે એટલે તમારી સહીની જરૂર પડશે. અંદરથી અવાજ આવ્યો તો થોડી વાર લાગશે....ઉભા રહેજો.
એક મિનીટ..બે મિનીટ  ત્રણ...પાંચ.. આઠ...દસ... હવે તો જેમ જેમ સેકંડ વધતી ગઈ એમ ટપાલીનો પારો ચઢતો ગયો. વાત એની પણ સાચી હતી કે આગળ હજુ ટપાલ વહેંચવાની હતી.. હવે તો હદ થઇ એવું વિચારી ફરીથી બારણું ખખડાવવા જતો હતો ત્યાં જ બારણાં ખુલવાની ક્રિયાનો અવાજ સંભળાયો. ટપાલીએ નક્કી જ કર્યું કે બારણાની જગ્યાએ એ વ્યક્તિને જ ખખડાવવો.પણ બારણું ખુલ્યું સામે ઉપરના ભાગે કોઈ ન દેખાયું. સહેજ નીચી નજર કરી ત્યાં તો પગવિહોણી એક વ્યક્તિ ઢસડાઇને થોડી બહારની બાજુ આવી બોલી “માફ કરજો મારી અસહાય સ્થિતિએ તમને રાહ જોવડાવી.”
સ્થિતિ જોતાં જ ટપાલીનો આસમાને પહોંચેલો પારો પાતાળમાં ઘુસી ગયો હતો. હવે ટપાલી કર્મચારી ને બદલે લાગણીઓ સભરનો કર્મ+આચરીમાં ફેરવાઈ ગયો હતો. અને હવે તે જેટલીવાર આ ઘરે આવે ત્યાં બારણું ખખડાવી નિરાંતે બેસી રાહ જોયા કરતો. એવું નહોતું કે આગળ ટપાલ વહેંચવાનું ટાળતો પણ હવે શિડયુલ જ એવું સેટ કરતો કે અહીં તો આટલીવાર થશે જ ! [સોર્સ D.E.O.શ્રી,પંચમહાલ]
મિત્રો ઉપરોક્ત ઘટનાનું ઉદાહરણ લઇ જો આપણે વાત કરીએ એવા બાળકોની કે જેઓ શીખવાની ગતિમાં પગવાળા જેટલું નથી ચાલી કે દોડી શકતા. વાં બાળકોને જયારે આપણે આપણું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરતાં હોઈએ અને ઘણી મહેનત છતાં પણ તે બાળક આપણા ધાર્યા જેટલું જલ્દી નથી શીખતાં અને આપણો પારો ચઢે છે તે સ્થિતિ એ બારણું ખુલ્યા પહેલાંની સ્થિતિ છે. પરંતુ જો તે બાળકને શીખવામાં પડતી મુશ્કેલીઓ ને જાણી તેનું નિવારણ કરતાં કરતાં બાળકની શીખવાની ગતિને ધ્યાનમાં રાખી આપણે તેની સાથે લાગણીઓ સભરનું કામ કરીએ તો સમજવું કે આપણે હવે બારણું ખુલ્યા બાદના ટપાલી છીએ. અને આપણે સૌ જાણીએ  છીએ કે બાળકને સમજ્યા પછી સમજાવવાની શરૂઆત કરીએ તો જ  આપણે આપણું બેસ્ટ તેના સુધી પહોંચાડી શકીએ.અને આજે બીજી વાત એ પણ કે કોઈ વ્યક્તિ પોતાની ફરજમાં લાગણીઓને જોડે છે ત્યારે તે પોતાનું બેસ્ટ આપી શકે છે અને બાળકો પાસેથી બેસ્ટની અપેક્ષા રાખી શકે છે

January 26, 2020

વાલીઓને વર્ગખંડમાં વધાવીએ – વાલી સંમેલન !



વાલીઓને વર્ગખંડમાં વધાવીએ – વાલી સંમેલન !

શાળા એ ગામનું ઘરેણું છે. મોટા ભાગના લેખમાં અમે આ વાક્યનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે આ વાંચીને અથવા તો આ બોલીને આપણને અનેરો આનંદ મળે છે. તેનું એક કારણ એ પણ છે કે ગામ માટે શાળા એ અત્યંત કીમતી સ્થળ છે. હવે જ્યારે ગામ ની જેમ શાળાની વાત આવે ત્યારે એવું કહી શકાય કે વર્ગખંડો એ શાળાનું ઘરેણું છે. એ વાત પણ સાચી છે અને તેમાં જો શિક્ષણ ને સારો ઓપ અને ઢાળ આપી સારી રીતે બાળકોને પહેરાવાય તો એ વિદ્યાર્થીને શ્રેષ્ઠ નાગરિક બનાવી શકે છે.
આપણે સૌ આપણી શાળામાં ખૂબ જ મહેનત કરીએ છીએ. બાળકોની કાળજી લેવી - બાળકોને નવું નવું શીખવવું, બાળકો સાથે લાગણીસભર વર્તવું અને બાળકોએ કરેલ પ્રોજેક્ટને બિરદાવવાથી લઇ બાળકો માટે જરૂરીયાત છે તે બધું જ માસ્તર સુધીનું કામ આપણે સૌ કરતાં હોઈએ છીએ. ક્યારેય કોઈ શિક્ષકના મનમાં  સિનીયોરીટી કે બેઝિક પગાર ધોરણના તફાવત આધારે હું શાળામાં બાળકોને વહાલ કરીશ એવો વિચાર આવ્યો હોય તે ન કલ્પી શકાય તેવી બાબત છે અને આ જ આપણા શિક્ષકત્વ ની સાબિતી આપે છે. આપણા બાળકો સાથે આપણે વર્ગખંડમાં નાચીએ, ગાઈએ, રમીએ, વાતો કરી તેમની શિક્ષણ માટેની તમામ જરૂરીયાત નું ધ્યાન રાખી તેને પૂરી કરવા માટેનો સતત પ્રયત્ન કરીએ. પુરા ઉત્સાહથી કામ કર્યા પછી પણ આપણા સૌની એક ફરિયાદ સતત રહેતી હોય છે કે આ બધું જેના માટે કરીએ છીએ તે બાળકના વાલીને ન તો તેના બાળકની ચિંતા છે ન આપણે કરેલા કામની કદર !
ત્યારે પહેલો પ્રશ્ન થાય કે શું આપણે તે વાલીના બાળક માટે વર્ગખંડમાં આખો દિવસ મથામણ કરીએ છીએ તે તેના વાલીને જાણ છે ખરી ? મોટાભાગના બાળકો માટેનો આપણો જવાબ ના હશે કારણ સંવાદનો અભાવ હોઈ શકે તો એ જ રીતે વાલીને બાળકની ફિકર નથી તેવો આપણો અંદાજ કદાચ વહેમ પણ હોય શકે. બની શકે કે મોટાભાગના વાલીઓ પોતાના બાળક માટે સમય ન ફાળવી શકતા હોય પરંતુ ક્યારેય શાળા અથવા તો તે બાળકના શિક્ષક તરીકે બાળકે વાલી સાથે સંવાદ કરવો પડે તેવી અથવા તો વાલીનો શિક્ષક સાથે સંવાદ પ્રસ્થાપિત થાય તેવું કોઈ આયોજન કર્યું છે ખરું ? બની શકે કે જેમ કોઈ બાળક પાછળ આપણી મહેનતની વાલીને ખબર નથી તેમ વાલીની બાળક પ્રત્યેની ચિંતા ની કદાચ આપણા સુધી ન પહોંચી હોય ?
આવી રીતે થતું કાર્ય ને જો કાલ્પનિક રીતે વિચારવામાં આવે તો બાળક વિષુવવૃત્ત છે; વાલી ઉત્તર ધ્રુવ અને શિક્ષક દક્ષિણ ધ્રુવ બની મહેનત અને ચિંતા કરી રહ્યા છે.
પ્રશ્ન એ પણ છે કે વાલી સાથે સંવાદ સાધવાથી શું ? આપણે તો વર્ગખંડમાં કરવાનું છે તે કર્યા કરવાનું ! વાલી સાથે વાત કરી શું ફાયદો ?
ત્યારે ખાનગી શાળાઓની પદ્ધતિને ધ્યાને લેવા જેવી છે. 😚
ઉદાહરણ તરીકે ખાનગી શાળાના શિક્ષક વાલી મીટીંગમાં જે તે બાળકના વાલીને તે બાળકે વર્ગખંડમાં કરેલી પ્રવૃત્તિઓ બતાવે છે. [ જે આપણે સૌ પણ કરતાં હોઈએ છીએ પરંતુ તેનું પ્રદર્શન વર્ગખંડ પુરતું સીમિત બની જાય છે ] સ્વાભાવિકપણે વાલી પોતાના બાળકની પ્રવૃત્તિઓથી આનંદિત થાય જ. સાથે સાથે તે શિક્ષક તેમના બાળકના માટે ધ્યાન રાખવા જેવી બાબતોની સૂચનાઓ પણ કરશે લખવામાં ઉતાવળ કરે છે- અક્ષર સારા કાઢતો નથી વાંચવાનું તૈયાર કરવાનું કહીએ તો કરી લાવતો નથી વગેરે વગેરે હવે વિચારો કે આમાં શાળાએ શું કર્યું બાળક માટે પોતે કરેલા પ્રયત્નોને વાલી સામે મુક્યા વાલીનો શાળા શિક્ષક અને બાળક સામે નો આદરભાવ વધ્યો શાળાએ વાલીને એવી બાબતો સોંપી કે જે દરેક વાલી કરી શકે. તમને થશે કે અમે પણ સુચના કરીએ છીએ પણ વાલી સાંભળતા જ નથી તેનું કારણ આપણે પહેલું પગથીયું છોડી બીજા પગથિયાં થી શરુ કર્યું એટલે કે બાળકે અને તમે કરેલ વર્ગખંડની મહેનત વાલી સામે પ્રસ્તુત કરવાથી જ તે વાલીને પોતાના બાળકના અભ્યાસમાં રસરૂચી કેળવાય છે. ત્યારબાદ જ ખરેખર શિક્ષક તરીકે આપણા કામ હતાં તે વાલી પણ ઉપાડી લે છે જેમકે ઘરે અક્ષરો સુધારવા માટેના પ્રયત્નો વાંચી તૈયાર કરવા માટેની કાળજી હોમવર્ક વગેરે. અને ધીમે ધીમે આપણે ઈચ્છીએ છીએ તેવી ભાગીદારી બનાવી શકીએ છીએ પરંતુ પહેલાં પણ કહ્યું તેમ સંવાદ જ એકમાત્ર ઉપાય છે...
સંવાદ માટે શું કરી શકાય એવો પ્રશ્ન હોય તો તેનો પહેલો સરળ અને હાથવગો ઉપાય છે આજનું સોશિયલ મીડિયા. જેના થકી આપણા વર્ગખંડના પ્રયત્નો તેમના સુધી પહોંચાડી શકીએ.
બીજો ઉપાય છે આપણી શાળામાં રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી વખતે જ્યારે ગામ શાળામાં મહેમાન બનીને આવે છે ત્યારે શાળામાં આવેલા વાલીઓ ફક્ત ધ્વજવંદન કરી કાર્યાલય અને કેમ્પસમાંથી પરત ફરતા હોય છે, અને બીજી બાજુ જોઈએ તો તે સમયમાં આપણે બાળકો માટે કરેલી મહેનત ના ડોક્યુમેન્ટ વર્ગખંડોમાં બંધ પડ્યા હોય છે. જેથી વાલીઓ શાળામાં આવીને તો જાય છે પરંતુ તેના બાળકે કરેલી પ્રવૃતિઓ અથવા તો તેના બાળકની સારી બાબતો જાણ્યા વિના પાછા વળી જાય છે. હવે આવી પળોનો લાભ લઇ આપણે તેમના બાળક માટે કરેલી મહેનતને જો તેમની સામે પ્રદર્શિત કરીએ તો તે ક્યારેય પણ આપણી મહેનત અને તેનાં બાળકોની કાબેલિયતને જાણી શકવાના નથી, અને તે માટે આપણે જવાબદાર કહેવાઈશું. તેની સાથે તેના બાળક વિશેનો સંવાદથી મહેમાન બનીને આવેલા વાલીને આપણી શૈક્ષણિક પ્રક્રિયાના  સહભાગીદાર  બનાવી શકાશે. આવી તક શોધતાં રહેવું અને તક મળે ત્યારે કહેતાં રહેવું સહભાગીદારી વિકસાવવાની પ્રક્રિયા છેજે ખરેખર આપણા વર્ગકાર્યને  સરળ બનાવવામાં પણ ખૂબ કામ લાગશે
વાલી મુલાકાતને આવકારવા વર્ગખંડોની તૈયારીઓની ક્લિક્સ   


  
   


 વાલીઓ સાથે ચર્ચા VIDEO

 વાલીઓ સાથે વર્ગખંડની મુલાકાત VIDEO

અમે કેવીરીતે ભણીએ છીએ? મુલાકાતી વાલીઓ સામે બાળકોનું પ્રેઝન્ટેશન  


રાષ્ટ્રને પ્રજાસત્તાક બનાવવા શાળાઓને બાળસત્તાક બનાવો!



રાષ્ટ્રને પ્રજાસત્તાક બનાવવા શાળાઓને બાળસત્તાક બનાવો !
ગ્રામોત્સવ શરૂ થયા પછી પ્રજાસત્તાકદિન શાળા માટે ધ્વજવંદન અને વાલી મીટીંગનો જ કાર્યક્રમ બની જાય છે. આખા વર્ષ દરમિયાન જે પણ પરફોર્મ કરવા જેવું લાગે એ ગ્રામોત્સવ માટે બૂક કરી દેવાય છે. આ વર્ષે પણ મનમાં એવું જ હતું સાંસ્કૃતિક કાર્યક્રમો ૨૬મી એ નહિ હોય.
કલા મહાકુંભમાં લગ્નગીતો, સમૂહ ગાન અને એકપાત્રી અભિનયમાં તાલુકા કક્ષાએ જઈને આવ્યા પછી એમણે નક્કી કર્યું કે આ ૨૬મી એ આ રજુ કરીશું. ધોરણ આઠના વિદ્યાર્થીઓએ ભારતના ક્રાંતિકારીઓ વિષે તેમના પુસ્તકમાંથી વાંચ્યું હતું. અને શિક્ષકે તેમણે સરળતાથી યાદ રાખવા બધાને એક એક ક્રાંતિકારી વિષે વાંચી તે ક્રાંતિકારી પોતાની વાત કેવી રીતે કરે તે મુજબ વર્ગખંડમાં રજુ કરવાનું આયોજન કર્યું. તે સૌ ક્રાંતિકારીઓએ પણ ૨૬મી એ પોતાની એ વર્ગખંડની વાતો બધા સામે મુકવાનું નક્કી કર્યું.
ધોરણ પહેલા બીજા વાળા ટાબરિયા આ બધું જોઈ જોશમાં આવી ગયા કે જો તેઓ તેમના વર્ગની વાત બધા સામે મંચ પર મુકવાના હોય તો અમે ય વાર્તા અને ગીત કરીશું. (અમારા ભાગે મંજૂર એમ કહેવા સિવાય કઈ હતું નહિ.) ત્રીજા ચોથા ધોરણમાંથી અંગ્રેજીમાં કવિતા નક્કી થઇ. ધોરણ છ એ નક્કી કર્યું કે અમે હસાવીશું.
ધોરણ પાંચમાં ડીયર લીટલ રાની અંગ્રેજી એક્શન સોંગ રજુ કરીશું એમ નક્કી જેવું હતું. ભાષાદીપની પ્રવૃત્તિ જો વહેલી પૂરી થાય તો વાર્તા કહેવાનો ક્રમ છે. એક દિવસ ૪:૫૫ એ ભાષાદીપનું કામ પૂરું થયું. અચાનક શિક્ષક પક્ષે વાર્તાનીડીમાન્ડ આવી. છકો મકોની વાર્તા શરૂ કરી... એમાં આ પ્રસંગ તોસાંભળ્યો છે આ પણ સાંભળ્યો છે...એમ ગાડી નકારમાં દોડવા લાગી. શિક્ષકે પણ બીરબલ સાથે જોડાયેલી ચોરને લાકડી પકડાવી શોધવાવાળી ઘટના છકા અને મકા સાથે જોડી કહી દીધી. તો તેઓ વળી જુદા રંગમાં આવી ગયા કે અમે હવે એક્શન સોંગ નહિ આ છકા અને મકાનું નાટક કરીશું. (ભલે !) એ જ સમયમાં પોષણ અદાલત નાટકની સ્ક્રીપ્ટ મળી એ પણ એમણે જ ઝડપી લીધી.
ધોરણ ૭ હિન્દીમાં બેટી હૂં મૈ બેટી...પર પરફોર્મન્સ નક્કી થયું. એ જ સમયે યુટ્યુબની મદદથી આજ નાચું મેં છમ છમ...” ની કોરિયોગ્રાફી શીખી લીધી. (ઉમેરો ! બીજું શું ?) હવે છોકરીઓ આ વધારાનું પરફોર્મન્સ કરશે તો સાતમાના છોકરાઓએ અમરદીપની મદદથી મીટ્ટી મેં મિલ જાવા...” ની કોરિયોગ્રાફી કરી. આ તો દેશની વાત છે એટલે આ તો રજુ કરીશું જ.
 કાર્યક્રમ નાનો રાખવો હતો કારણકે એ જ દિવસે વાલી મીટીંગઅને આવેલ વાલીઓને વર્ગખંડોની મુલાકાત કરાવી ક્યા વર્ગમાં કયા વિષય શીખવા માટેનું કયું સાહિત્ય છે. જેવી ચર્ચાઓ કરવાની હતી.. પણ જ્યાં સત્તા તેમની હોય ત્યાં નિર્ણય પણ બાળકોએ જ લેવાનો હતો. તેમણે નક્કી કર્યું કે આ બધું જ થઇ જશે. જરૂરી કોસ્ચ્યુમ અને અન્ય સામગ્રી તેમણે જ મેનેજ કરી. ગીતમાં તલવાર જોઈતી હતી તે શાળામાં બે કલાક વધુ બેસી બનાવી. એ પ્રજાસત્તાકદિને એમણે જે જે નક્કી કરેલું એ મુજબ બધું જ થયું. મજાક મજાકમાં બાલાડાંસ પણ અંતે સૌ દેશભક્તિના રીમીક્સ સોંગ અને ટીમલીના તાલે રમી છુટા પડ્યા.પ્રસંગ પૂરો થયા પછી રીફ્લેક્શન કરીએ તો સમજાય છે કે જયારે તમારે સત્તા જોઈતી હોય હક જોઈતા હોય ત્યારે તમારે જવાબદારીઓ ઉપાડવી પડે છે. અને એ જ બાળકો શાળામાં કરી રહ્યા છે.
આમ જ જો શાળાઓ બાળસત્તાક બનતી રહેશે તો જ રાષ્ટ્ર સાચા અર્થમાં પ્રજાસત્તાક બનશે.