January 26, 2020

રાષ્ટ્રને પ્રજાસત્તાક બનાવવા શાળાઓને બાળસત્તાક બનાવો!



રાષ્ટ્રને પ્રજાસત્તાક બનાવવા શાળાઓને બાળસત્તાક બનાવો !
ગ્રામોત્સવ શરૂ થયા પછી પ્રજાસત્તાકદિન શાળા માટે ધ્વજવંદન અને વાલી મીટીંગનો જ કાર્યક્રમ બની જાય છે. આખા વર્ષ દરમિયાન જે પણ પરફોર્મ કરવા જેવું લાગે એ ગ્રામોત્સવ માટે બૂક કરી દેવાય છે. આ વર્ષે પણ મનમાં એવું જ હતું સાંસ્કૃતિક કાર્યક્રમો ૨૬મી એ નહિ હોય.
કલા મહાકુંભમાં લગ્નગીતો, સમૂહ ગાન અને એકપાત્રી અભિનયમાં તાલુકા કક્ષાએ જઈને આવ્યા પછી એમણે નક્કી કર્યું કે આ ૨૬મી એ આ રજુ કરીશું. ધોરણ આઠના વિદ્યાર્થીઓએ ભારતના ક્રાંતિકારીઓ વિષે તેમના પુસ્તકમાંથી વાંચ્યું હતું. અને શિક્ષકે તેમણે સરળતાથી યાદ રાખવા બધાને એક એક ક્રાંતિકારી વિષે વાંચી તે ક્રાંતિકારી પોતાની વાત કેવી રીતે કરે તે મુજબ વર્ગખંડમાં રજુ કરવાનું આયોજન કર્યું. તે સૌ ક્રાંતિકારીઓએ પણ ૨૬મી એ પોતાની એ વર્ગખંડની વાતો બધા સામે મુકવાનું નક્કી કર્યું.
ધોરણ પહેલા બીજા વાળા ટાબરિયા આ બધું જોઈ જોશમાં આવી ગયા કે જો તેઓ તેમના વર્ગની વાત બધા સામે મંચ પર મુકવાના હોય તો અમે ય વાર્તા અને ગીત કરીશું. (અમારા ભાગે મંજૂર એમ કહેવા સિવાય કઈ હતું નહિ.) ત્રીજા ચોથા ધોરણમાંથી અંગ્રેજીમાં કવિતા નક્કી થઇ. ધોરણ છ એ નક્કી કર્યું કે અમે હસાવીશું.
ધોરણ પાંચમાં ડીયર લીટલ રાની અંગ્રેજી એક્શન સોંગ રજુ કરીશું એમ નક્કી જેવું હતું. ભાષાદીપની પ્રવૃત્તિ જો વહેલી પૂરી થાય તો વાર્તા કહેવાનો ક્રમ છે. એક દિવસ ૪:૫૫ એ ભાષાદીપનું કામ પૂરું થયું. અચાનક શિક્ષક પક્ષે વાર્તાનીડીમાન્ડ આવી. છકો મકોની વાર્તા શરૂ કરી... એમાં આ પ્રસંગ તોસાંભળ્યો છે આ પણ સાંભળ્યો છે...એમ ગાડી નકારમાં દોડવા લાગી. શિક્ષકે પણ બીરબલ સાથે જોડાયેલી ચોરને લાકડી પકડાવી શોધવાવાળી ઘટના છકા અને મકા સાથે જોડી કહી દીધી. તો તેઓ વળી જુદા રંગમાં આવી ગયા કે અમે હવે એક્શન સોંગ નહિ આ છકા અને મકાનું નાટક કરીશું. (ભલે !) એ જ સમયમાં પોષણ અદાલત નાટકની સ્ક્રીપ્ટ મળી એ પણ એમણે જ ઝડપી લીધી.
ધોરણ ૭ હિન્દીમાં બેટી હૂં મૈ બેટી...પર પરફોર્મન્સ નક્કી થયું. એ જ સમયે યુટ્યુબની મદદથી આજ નાચું મેં છમ છમ...” ની કોરિયોગ્રાફી શીખી લીધી. (ઉમેરો ! બીજું શું ?) હવે છોકરીઓ આ વધારાનું પરફોર્મન્સ કરશે તો સાતમાના છોકરાઓએ અમરદીપની મદદથી મીટ્ટી મેં મિલ જાવા...” ની કોરિયોગ્રાફી કરી. આ તો દેશની વાત છે એટલે આ તો રજુ કરીશું જ.
 કાર્યક્રમ નાનો રાખવો હતો કારણકે એ જ દિવસે વાલી મીટીંગઅને આવેલ વાલીઓને વર્ગખંડોની મુલાકાત કરાવી ક્યા વર્ગમાં કયા વિષય શીખવા માટેનું કયું સાહિત્ય છે. જેવી ચર્ચાઓ કરવાની હતી.. પણ જ્યાં સત્તા તેમની હોય ત્યાં નિર્ણય પણ બાળકોએ જ લેવાનો હતો. તેમણે નક્કી કર્યું કે આ બધું જ થઇ જશે. જરૂરી કોસ્ચ્યુમ અને અન્ય સામગ્રી તેમણે જ મેનેજ કરી. ગીતમાં તલવાર જોઈતી હતી તે શાળામાં બે કલાક વધુ બેસી બનાવી. એ પ્રજાસત્તાકદિને એમણે જે જે નક્કી કરેલું એ મુજબ બધું જ થયું. મજાક મજાકમાં બાલાડાંસ પણ અંતે સૌ દેશભક્તિના રીમીક્સ સોંગ અને ટીમલીના તાલે રમી છુટા પડ્યા.પ્રસંગ પૂરો થયા પછી રીફ્લેક્શન કરીએ તો સમજાય છે કે જયારે તમારે સત્તા જોઈતી હોય હક જોઈતા હોય ત્યારે તમારે જવાબદારીઓ ઉપાડવી પડે છે. અને એ જ બાળકો શાળામાં કરી રહ્યા છે.
આમ જ જો શાળાઓ બાળસત્તાક બનતી રહેશે તો જ રાષ્ટ્ર સાચા અર્થમાં પ્રજાસત્તાક બનશે.
 








No comments: