October 31, 2018

“પરીક્ષા” > માર્ગદર્શક માટે આત્મમંથનનો માઈલ સ્ટોન!!



“પરીક્ષા” > માર્ગદર્શક માટે આત્મમંથનનો માઈલ સ્ટોન!!
       પ્રથમ સત્ર પૂર્ણતાને આરે છે અને માહોલ છે સત્રાંત કસોટી નો ! હંમેશાં બનતું આવ્યું છે કે વર્ગખંડોમાં પરીક્ષાનો માહોલ રૂટીન દિવસો જેવો  “હળવો" રહેતો નથી. જાણે અજાણે માહોલ થોડો ભારેખમ થઈ જાય છે. બાળકો રોજીંદા સમય પત્રક કરતાં થોડી વધારે મહેનત કરે તે માટે  આપણે સૌ પરીક્ષાનો માહોલ બનાવવા લાગી જઈએ છીએ ! અને બાળકો  આપણા થોડી વધુ મહેનતના ઉદ્દેશ્ય તરફ ઢળવા ને બદલે "પરીક્ષાના હાઉ" તરફ નમી જાય છેઅધૂરામાં પૂરું કરે છે કેટલાંક વાલીઓ; જેઓ બાળકો માટે ઘરના વાતાવરણને પણ પરીક્ષાખંડના વાતાવરણ જેવું બનાવી દે છે. આમ ઘર થી વર્ગ સુધી માહોલ પર પરીક્ષાવરણ [પર્યાવરણ ની જેમ ] લાગી જાય છેઆપણને સૌને ખબર છે કે દબાણવાળા વાતાવરણમાં  પરફોમન્સ ઘટતું હોય છે. જે ખરેખર તો ચિંતા ઉપજાવે તેવી વાત છે. માટે હવે વિચારવું રહ્યું કે "ભારાંશ" ને હળવાશમાં  કેવીરીતે  રૂપાંતરિત કરી શકાય ! જો એકવાર શિક્ષક અને સમાજ ભેગા મળી પરીક્ષાના પરિણામને ફક્ત બાળક સાથે જોડવાનું  છોડી તેના માર્ગદર્શક સાથે જોડી દે તો પરીક્ષામાં હળવાશ દેખાઈ આવે. પરિણામનું વિશ્લેષણ બાળકનું નહિ માર્ગદર્શક તરીકે  આપણું એ રીતે કરતાં થઇ કેમારા વિષયમાં સારું પરફોર્મન્સ કરનાર બાળકો માટે મારી શીખવવાની પદ્ધતિ અનુકુળ છે અને જે બાળકો હજુ સારું પરફોર્મ નથી કરી શકતાં તે માટે મારે મારા શિક્ષણ કાર્યમાં બદલાવ કરવો પડશે અને તેમના માટે તે શીખી શકે તેવી બીજી પદ્ધતિઓ અપનાવવી પડશે. વાળ ના પ્રકાર મુજબ હેર કટીંગ સલુન પણ જો અલગ અલગ કાતર રાખતા હોય તો, તો આપણા બાળકોના ઘડતરનો સવાલ છે !  વિચારો કે આમાં સમાજ અને આપણે સાથે મળી દૃષ્ટિકોણ માટે શું કરી શકીએ ? જોઈએ કેટલીક પરીક્ષાખંડની કેટલીક ક્લિક...  















October 02, 2018

“વૈશ્વિક જન તો તેને રે કહીએ...”



“વૈશ્વિક જન તો તેને રે કહીએ...”
       આજે ફરી બીજી ઓક્ટોબર હતી. અને સૌના હાથવગા એવા સોશિયલ મીડિયા પર ગાંધી છવાયેલો હતો. જન્મના ૧૫૦ વર્ષ પછી ય તેનો જાદૂ એવો જ છે એના ઘણા ઉદાહરણો શાળાએ અનુભવ્યા છે. ચોરી કરનારને બીજાની પીડા સ્પર્શે અને તે વસ્તુ પાછી મૂકી જાય એવી વાતો જીવિત (શરીરથી જીવિત, બાકી આ ડોસો અમરત્વ લઈને જન્મ્યો પછી મુન્નાભાઈની જેમ ઘણા લોકોમાં કેમિકલ લોચો કરતો જ રહે છે. ) ગાંધીના સમયની વાતોમાં આવતું. એ જ અમે જાતે અનુભવ્યું છે. જુઓ > મુલ્યોની શક્તિ હજુ જીવંત છે અને પ્રેમની પરીક્ષા કરાવતું લેપટોપ  
ગાંધીએ શું કર્યું એ કહ્યા કરતાં, બાળકો સાથે અમારા પ્રયત્ન રહ્યા કે એ ગાંધી ગુણને બહાર લાવવાની કોશિશ કરે. સ્વચ્છતાથી શરૂ કરી. મુશ્કેલીઓનો ચર્ચા વડે ઉકેલ, પોતાની જાત પહેલા બીજાનો વિચાર કરવો, સંપથી જીવવું, ફોર્માલીટીને બદલે નૈસર્ગિક રીતે જીવન જીવવું... જેવા પ્રયાસો કરતા રહ્યા. ગામમાં ય ગાંધી ફૂટતો જ રહ્યો છે. વેરવિખેર ગામ માત્ર અમારાથી એક ના થયું હોત. 
       બાપુનું પ્રિય ભજન જે નરસિંહ મહેતાએ પંદરમી સદીમાં લખેલું...હજુ ય વાંચીએ તો થાય કે આ આધુનિક સમયમાં “વૈશ્વિક જન તો તેને કહીએ...” એમ કરી ગાઈએ તોય સુખી સંસારની ચાવીઓ એમાં સમાયેલી છે.
વૈષ્ણવ જન તો તેને કહિએ, જે પીડ પરાઈ જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે..
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જીહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે
 મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે
વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યાં રે....
એક એક કડીમાં જાણે શાંતિથી જીવન જીવવાની ચાવીઓ છે...
           જયારે દરેકને બીજાની પીડાનો અહેસાસ થાય પછી જગતમાં પીડા રહેશે જ નહિ... અને ઉપકાર કેવો ? જે થઇ શક્યું તે કર્યું..બસ એટલું જ..એમાં મેં કર્યું એવું કર્તુત્વ પણ નકામું થઇ જાય. નાના મોટા એવા ભેદ ભૂલી જઈ, સૌને માન આપે. નિંદા કરવાને બદલે જે તે ની ખામી તેના મો પર કહે અને વ્યક્તિ દ્વેષ રાખવાને બદલે તેની ખામી સુધારવા મથે. જે પોતાના લોભ માટે અસત્યનો સહારો ના લે. બીજાની વસ્તુ ઝુંટવી ના લે અને આવી સ્થિતિમાં બીજાને કેવું લાગશે તે વિચારે. અર્થવિહીન ગુસ્સો કરવાને બદલે, સમસ્યાઓને શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરતો રહે. આવો માણસ વૈશ્વિક માનવ છે.
આવો માણસ કોઈ બની શકે ? હા, એવો જન્મ્યો છે, મોહનદાસ થઇ...જીવ્યો છે આ જ ધરતી પર અને હજુ ય જીવતો રહેશે આપણા સૌમાં જેમ માતાજી પંડમાં આવે એમ આપણા પૈકી કોઈક કોઈકના પંડમાં એ આવશે.
"સૌના પંડે ગાંધી આવે" - એવી ગાંધી જયંતીએ શુભકામનાઓ !