April 30, 2026

21મી સદીના કૌશલ્યોની ચાવી - વાલીઓનો વિશ્વાસ !!

21મી સદીના કૌશલ્યોની ચાવી - વાલીઓનો વિશ્વાસ !!

નજીકના  ગામનો એક છોકરો. જ્ઞાનસેતુ પરીક્ષામાં મેરિટમાં આવ્યો. શિષ્યવૃત્તિ મળી. ખાનગી શાળાના દરવાજા ખૂલ્યા. ઘરમાં ચર્ચા થઈ, "ત્યાં ભણાવો, ભવિષ્ય સુધરશે." ત્રણ મહિના પછી એ છોકરો શિષ્યવૃત્તિ છોડીને આપણી  શાળામાં પાછો આવ્યો. કારણ પૂછ્યું તો તેણે કહ્યું, "ત્યાં માત્ર જવાબ આપવા પડે. અહીં સવાલ પૂછી શકાય છે." આ એક વાક્ય ઘણું કહી જાય છે.

 આપણી શાળા ૨૧મી સદીના કૌશલ્યોમાં માને છે. ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી, ડિસિઝન મેકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ અહીં માત્ર ચાર્ટ પરના શબ્દો નથી. વર્ગખંડ, મેદાન, ખેતીના ક્યારા અને જૂથ ચર્ચામાં આ કૌશલ્યો જીવંત છે. પેન-પેપર વર્ક જરૂર પૂરતું  છે, બાળકનો આત્મવિશ્વાસ વધારે છે. શરૂઆતમાં વાલીઓ ફરિયાદ કરે પણ છે. ગૃહકાર્ય ઓછું લાગે છે. ભણતરની ઓળખ હજી પણ ચોપડી, લેસન અને પરીક્ષા સુધી સીમિત છે. વાલીઓને ત્વરિત પરિણામ જોઈએ છે. જ્યારે શાળા નવી દિશામાં મક્કમ રહે ત્યારે જ પરિવર્તન આવે છે.

૨૧મી સદીના કૌશલ્યો ત્યારે જ ખીલે જ્યારે ભૂલ કરવાની છૂટ મળે. ભૂલ ગુનો નથી. નિર્ણય આપવાને  બદલે નિર્ણય લેવાની તક ઊભી કરવી  પડે. અહીં "ખોટો" જવાબ પણ "રસપ્રદ" ગણાય છે. આ પ્રક્રિયામાં ધૈર્ય જરૂરી છે. વાલીઓ, સમાજ અને શાળાએ ધીરજ રાખવી પડે.આપણી શાળામાં  દર વર્ષે જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધનામાં ૧૫ થી ૨૦ બાળકો મેરિટમાં આવે છે. ખાનગી શાળામાં મફત ભણવાનો વિકલ્પ છે. આર્થિક બોજ નથી. છતાં ગામ ટક્યું છે. વાલીઓ અને બાળકોનો ભરોસો ટક્યો છે. અન્ય ગામથી - શાળામાંથી બહાર ગયેલા બાળકો પરત આપણી શાળામાં આવ્યા છે.

  રીડિંગ રીલ્સ :

વાલીઓ એ શાળા પર ભરોસો કરે છે, જે શાળા બાળકો પર ભરોસો કરે છે !

વાલીઓનો શાળા પર ભરોસો ત્યારે ઊભો થાય જ્યારે શાળા બાળક પર વિશ્વાસ મૂકે. AI અને YouTube ના યુગમાં માહિતી મફત છે. ભરોસો મોંઘો છે. ખાનગી શાળાઓ સુવિધાઓ આપી શકે, ભરોસો ખરીદી શકતી નથી. તે ધીમે ધીમે ઊભો થાય છે. જ્યારે શિક્ષક બાળકને નામથી ઓળખે અને બાળક ડર્યા વગર "મને ખબર નથી" કહી શકે ત્યારે શિક્ષણ સફળ થાય છે.

૨૧મી સદી માટે તૈયાર થતી શાળા ૨૦મી સદીમાં ઘડાયેલા સમાજ સાથે સંવાદ કરતા રહેવું પડશે !

April 26, 2026

બનીએ - બાળકના ટેસ્ટી – વાલીના ટ્રસ્ટી !

બનીએ - બાળકના ટેસ્ટી – વાલીના ટ્રસ્ટી !

હાલ પરીક્ષાના પરિણામોનો માહોલ છે, આમ તો અગાઉ આપણે સૌએ મળીને [ આ અંક ધ્વારા મળ્યા એ ] વાતો કરી જ છે કે આ પરિણામો એ બાળકોના નહીં આપણા સૌના છે ! એટલે કે બાળકોના માર્કસ નહીં એ આપણા માર્કસ - આપણે બાળકોને કેટલા ટકા શીખવી શક્યા - કેટલા ગુણનું સમજાવી શક્યા ! પરિણામોના માહોલમાં આપણા સૌની અપેક્ષાઓ સંતોષાય એ તો શક્ય જ નથી  - તો વાલીઓની અપેક્ષાઓ બાળકો સંતોષી શકે તે અશક્ય જ ! આવા માહોલમાં પરીક્ષાના પરિણામો વાલીઓમાં એક મથામણ ઊભી કરે તે સ્વાભાવિક છે. આવી સ્થિતિ લગભગ તમામ શિક્ષક - માર્ગદર્શક - સંસ્થાઓ અનુભવતા હોય છે. વાલીઓને સંતોષી શકાય તેની ટકાવારી કદાચ અલગ અલગ હોય શકે છે, પરંતુ સૌની સંખ્યાનો અંક આસપાસનો જ હોય છે. આવામાં વાલીઓનો આપણા પ્રત્યેનો ભરોશો સંતોષ અને બાળકોનો શાળા પ્રત્યેનો આત્મવિશ્વાસ જળવાઈ રહેવો  -  આ બંનેનું બેલેન્સ એ દોરડા પર ચાલતા જવા જેવુ છે.

શિક્ષક - માર્ગદર્શક તરીકે આપણે સૌ તો આપણા પ્રયત્નોને  જાણીએ અને સમજીએ. પરંતુ બાળકોનાં પરિણામો માં રહેલ ઉણપ - અને તેના વડે વાલીઓમાં આપણા પ્રત્યે ઊભો થયેલ અસંતોષ એ પણ એક સ્થિતિ છે જ કે જેને નકારી શકાય નહીં. - અને આપણે સૌએ તેને નકારવી પણ ન જોઈએ. કારણકે કેટલીક વાર એવું બનતું પણ આપણે આપણી સંસ્થામાં જોતાં હોઈએ છીએ કે આપણને ખૂબ વહાલથી માન સન્માન આપતાં વાલીઓ પણ ઓચિંતો જ કોઈક બહાના હેઠળ આપણી સાથે છેડો ફાળતાં હોય છે. આપણા પ્રત્યેનું તેને માન એના માટે એટલું ભારરૂપ બની જાય છે કે બાળકને આપણી પાસેથી દૂર લઈ જવા તે કારણો આપી આપણા પ્રત્યેના તેના માનને સંતોષતો હોય છે. અને આપણી જાણ બહાર એક એવું બાળક આપણાથી દૂર થાય છે કે જેના વાલીને આપણા પ્રત્યે અપાર વિશ્વાસ હતો. આવામાં શું કરી શકાય ? એવો જો મનમાં પ્રશ્ન થતો હોય તો ચાલો સૌ સાથે મળી વિચારીએ  -

      શું કરીએ ?

જવાબ - બાળકને પૂરો જાણીએ - અહીં જાણવાની વાત માત્ર ભણવા પૂરતી જ નહીં - તેનું વર્તન - તેનો  શોખ - તેની પસંદ -નાપસંદ વગેરે વગેરે બાબતો - એટલે કે હોલેસ્ટિક - 360 ડિગ્રીથી બાળકને ઓળખીએ ! 

      શું થશે ?

જવાબ - જેમ નવો વ્યવસાય કરતાં પહેલાં તેનો કેટલો અભ્યાસ કરીએ છીએ? જ્યાં વ્યવસાય કરવો છે તે જગ્યાથી માંડીને ગ્રાહકની અપેક્ષાઓ સુધીનો ! - કેમ - કારણ કે આપણે આપણા રોકાણ નું વળતર જોઈએ છે -  એક શબ્દ છે - કેવાયસી - મતલબ કે know your coustermor - ગ્રાહકને સમજવાની/ ઓળખવાની  મથામણ ! તેને જાણવાથી આપણે જે કરવું છે તે તેની રસરૂચીમાં ભેળવી પીરસી શકીશું. બાળકને તો જે સ્વાદિષ્ટ તે ભાવતું તેવો તેનો ટેસ્ટ હોય છે. માટે આપણે તેને સંપૂર્ણ રીતે જાણીશું તો જ તેના ટેસ્ટી બની શકીશું .

      શું કરીએ ?

જવાબ - વાલી સાથે સતત સંવાદ રાખીએ - તેના વાલી  બાળક વિશેનો આપણને  સંતોષ -અસંતોષ - બાળક વિશેના વખાણ - કે તેની ફરિયાદો ગમે તે અને હા, ગમે ત્યારે કહી શકે તેવો સંવાદ બનાવી રાખીએ. યાદ રાખજો અહીં સંબંધ બનાવી રાખવાની નહીં સંવાદ બનાવી રાખવાની વાત કહી છે. બાળક વિશેની વાલીની ફરિયાદોનો સંતોષકારક પણ બાળકને પણ ગમે તેવો ઉકેલ આપીએ. ઉકેલ સમયે દર બે ત્રણ વાક્યમાં એક વાક્ય આ બોલીએ કે તોફાન , મસ્તી, કઇંક ન આવડવું એ બધા માટે ચિંતા ન કરો. એ નોર્મલ છે. એના ઉકેલ છે. મારી ભાષામાં કહું તો સમયાંતરે બાળક વિશેની ફરિયાદોની વાલીના મનની સિટી [ કૂકરની ની જેમ ] વાગવા દો . અને હા વધારે કહું તો સીટી વગાડવા માટેના પ્લેટફોર્મ આપો.

રીડિંગ રીલ્સ :

જો બાળકોનો ટેસ્ટ ઓળખી કાઢીશું, તો વાલીઓ આપણા ટ્રસ્ટી બનશે.




      શું થશે ?

જવાબ - પહેલો ફાયદો કે બાળકના વર્તન અંગેનો વાલીનો અસંતોષ સમયસર જાણી શકાશે. જેથી સિટી ન વાગવાથી જેમ કુકર ફાટે તેવી ઘટનાઓ ટાળી શકાશે. તેની ચિંતા જો સાચી દિશામાં હશે તો બાળક પ્રત્યેનું આપણું ધ્યાન વધુ દોરાશે. જેથી સમય રહેતાં તેમાં સારું કરી શકાશે. કોઈપણ વ્યવસાય હોય - તેમાં ગ્રાહક ભગવાન છે. -  એ રીતે જોઈએ તો અહીં બાળકના વાલી - આપણા ભગવાનના પાલનહાર છે. જ્યાં સુધી એમનો ટ્રસ્ટ આપણા ઉપર બનેલો રહેશે ત્યાં સુધી ગ્રાહક રૂપી ભગવાન - એટલે કે એ બાળક આપણી પાસે - સંસ્થા પાસે છે. એ સીધી લીટીની વાત છે. - અને ટ્રસ્ટ તો ટોકથી જ વધે છે.

 

આ બધું જે વાંચ્યું તે અમારા અનુભવોનો નિચોડ છે, બની શકે કે કદાચ ક્યાંક અનુભવમાં ખોટ પણ રહી ગઈ હોય. પરંતુ એક વાત તો શિક્ષક - સંસ્થા તરીકે આપણે સૌએ સ્વીકારવી જ રહી કે બાળકના “ટેસ્ટી” અને તેના વાલીના “ટ્રસ્ટી” બનીશું તો જ આપણે તે બાળક માટે ઈચ્છીએ છીએ તે બધું જ કરી શકીશું.


April 01, 2026

બાળકોની કુલિંગ સિસ્ટમ: ચંચળતાથી એકાગ્રતા સુધીની સફર !!

બાળકોની કુલિંગ સિસ્ટમ: ચંચળતાથી એકાગ્રતા સુધીની સફર !!

બાળકો ચંચળ હોય છે. વાક્ય પ્રાથમિક કક્ષાએ બાળકો સાથે કામ કરનાર સૌએ સાંભળેલું, બોલેલું અને અનુભવેલું હોય છે. એક જગ્યાએ સ્થિર ઊભા રહેવું કે એક સ્થાન પર એકાગ્ર થઈ બેસવું તેમના માટે मुश्किल ही नहीं, नामुमकिन હોય છે. શિક્ષણ અંગેના સંવાદમાં બોલાતી ચંચળતાને આપણે સૌ અનૌપચારિક વાતોમાં તોફાની કે મસ્તીખોર જેવા શબ્દોથી નવાજતા હોઈએ છીએ. જો બારીકાઈથી આપણે બાળકોની ચંચળતા, એટલે કે ઔપચારિક વાતો, અને બાળકોના તોફાન-મસ્તી, એટલે કે અનૌપચારિક વાતોના સંદર્ભને જોઈએ તો પેલા દુર્યોધન જેવી સ્થિતિ આપણા સૌની થાય છે કે जानामि धर्मं... ચંચળતાને જાણીએ છીએ ખરા, પરંતુ વર્ગખંડમાં બાળકોના વર્તનમાં સામે દેખાઈ આવે ત્યારે ઓળખવામાં ભૂલ કરીએ છીએ. પરિણામે?

 ફાઉન્ડેશનલ લેવલ એટલે કે બાલવાટિકાથી શરૂ થઈ બીજા ધોરણના બાળકો સુધીમાં અંદર રહેલી ચંચળતા અને બહારથી દેખાતી મસ્તીને આપણે સૌ કેવી રીતે હેન્ડલ કરતા હોઈએ છીએ? આમાં આપણા સૌના અલગ અલગ જવાબ હોઈ શકે છે. પરંતુ મોટાભાગે આપણે સૌ બાળકોને હાથ ઊંચે-નીચે કરવા કહીએ છીએ, અથવા તો ચાલો ધ્યાનમાં બેસો એમ કહીએ છીએ. અમારા ચંદુભાઈની જેમ કેટલીકવાર બૂમ પાડીને કહીએ છીએ કે, "અલ્યા , બેસીને સાંભળને લ્યો!" અથવા તો કોઈ પ્રવૃત્તિમાં જોડીએ છીએ. આપણા સૌના રસ્તા અલગ અલગ ભલે હોય, પરંતુ ધ્યેય સૌનો એક સરખો હોય છે - બાળકની આંતરિક ચંચળતાને શાંત એકાગ્રતા તરફ વાળવી. પરંતુ મોટાભાગના રસ્તાઓ પરિણામલક્ષી હોતા નથી, કારણ કે તેમાં પરિણામો પરપોટાની જેમ અલ્પજીવી હોય છે. જેવી પ્રવૃત્તિ પૂરી થઈ કે તરત ચંચળતા અને તોફાનો શરૂ. તેથી જો આપણે કાયમી ઉપાયોને ઉકેલ તરીકે વાપરતા હોઈએ તો મુશ્કેલી વધારે છે. થોડા સમય બાદ બાળકો આપણી પેટર્ન પણ જાણી જતા હોય છે - હમણાં બૂમ પાડશે, પણ પછી તેમનું ધ્યાન નહીં હોય, એટલે મસ્તી કરી શકાશે! આવા રોજેરોજના એકના એક પ્રયત્નો અને બાળકોના રોજના નવા નવા તોફાનોથી શાળા પર્યાવરણમાં કહેવત બની છે કે, મોટા ૧૦૦ને ભણાવવા આસાન પણ નાના ૧૦ને સાચવવા (હા, ફક્ત સાચવવા) ખૂબ અઘરા! એટલે તો નીલા, શાંતા અને ચંદુભાઈનો શાળા છૂટ્યા પછીની વાતોમાં સતત સંવાદ હોય છે કે બાલવાટિકાથી ધોરણ સુધીના વર્ગખંડમાં બેસો તો ખબર પડે! હા... હા... હા...

આપણે સૌ જાણીએ છીએ કે બાળકો જેમ જેમ મોટા થતા જાય તેમ તેમ શાંત થતા જાય છે. તેનું ચોક્કસ કારણ તો અમને પણ ખબર નથી, પરંતુ અંદાજ છે કે આપણા સૌની ટકોર અને શાળાકીય સમૂહ જીવનના ત્રણ વર્ષના અનુભવો તેમાં વધુ ભાગ ભજવતા હોય છે. બની શકે કે તેની ચંચળતાનું સ્થાન કદાચ કુતૂહલ લેતું હશે. જ્યાં નાનપણમાં ફક્ત ધ્યેય વગરનું કર્યા કરવું, તેની સાથે ધ્યેય સાથેનું નવું નવું જાણવું વગેરે ઉમેરાતું જતું હશે. પરંતુ ઉચ્ચ પ્રાથમિક કક્ષા સુધીના આપણા સૌના અનુભવો હજુ પણ કહે છે કે તેનામાં થોડી વધુ ચંચળતા હોય છે, જે આપણી માન્યતાઓ મુજબ એકાગ્રતામાં અડચણ બને છે. મતલબ કે ફાઉન્ડેશનલ સ્ટેજ ઉપર આપણે જે જે પ્રયત્નો કરીએ છીએ તે તેની ચંચળતાને ઓછી કરી એકાગ્રતા વધારવાને બદલે ચંચળતાને દબાવી રાખે છે. જે ફરી પાછી મસ્તી સ્વરૂપે સમયાંતરે દેખાયા કરે છે. ઉપાય?

વર્ષોના અનુભવો કહે છે કે બાળકોની ચંચળતાને દબાવી રાખવી આપણો અજાણતા થતો ગુનો કહી શકાય. તેના બે કારણો છે. એક, આપણી પેલી સ્પ્રિંગ વાળી કહેવત - જેટલી દબાવો, તેટલી વધુ જોરથી ઉછળે! બીજું કારણ, આપણે તેની મસ્તી અને તોફાન વગેરેને બંધ કરાવવા માટેના ઉપાયોની આડઅસરમાં બાળકોની એકાગ્રતા પેદા થવાને બદલે તેનામાં વર્ગકાર્ય પ્રત્યેનો ડર કે નિરાશા પેદા થવાની સંભાવના વધારે છે. પરિણામે આપણી દવા તેના માટે દર્દ બની જતી જોવા મળે છે. આવી સ્થિતિમાં બાળકોની ચંચળતા અને તોફાનોને દબાવવાને બદલે વાળવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. એટલે કે તેની ચંચળતાને જાણવી પડે.

જો ઊંડાણમાં જઈએ અને સરળ ભાષામાં સમજીએ તો બાળકોમાં રોજ ઉત્પન્ન થતી ઊર્જાને બાળકે કોઈને કોઈ પ્રકારે વાપરવી પડતી હોય છે. તે માટે તે સતત પ્રવૃત્તિમય રહેવા મથતો રહે છે. એટલે તો વગર કારણે મેદાનમાં દોડાદોડ કરતા બાળકો તમને જોવા મળતા હશે. ઉકેલ તરીકે જો આપણે શાળામાં એક એવી જગ્યા ફાળવીએ જ્યાં બાળકને દોડવું પડે, ચડવું પડે, એકબીજાને પાડવા કૂદવું પડે, લપસીને ડર અનુભવવો પડે, હીંચકાના નામે હવામાં ઊડવું પડે. જેમ આપણે અંદર રહેલા શિક્ષકપણાને રોકી નથી શકતા, તેમ બાળકોની ઊર્જાને રોકી શકાતી નથી. હા, પણ તેને યોગ્ય રીતે વાળી શકાય છે. તે કામ અત્યારે કરી રહી છે અમારી ખેલવાટિકા! જ્યાં બાળકોની વાત છોડો, તમને પણ કૂદવું, દોડવું, લપસવું, ચડવું અને ઉછળવું ગમશે. ચાલો માણીએ  > ફોટો અને વીડિયો દ્વારા

રીડિંગ રીલ્સ :

બાળકની ચંચળતા એ સમસ્યા નથી, પણ અખૂટ ઉર્જા છે. તેને 'દબાવવા' ને બદલે 'ખેલવાટિકા' જેવી પ્રવૃત્તિઓ દ્વારા યોગ્ય દિશામાં 'વાળવી' જરૂરી છે.

તોફાનને પરાણે શાંત કરવાનો પ્રયાસ ડર પેદા કરે છે અને સ્પ્રિંગની જેમ તે વધુ જોરથી ઉછળે છે. શારીરિક કૂદકા અને રમત બાળકના મનને કુદરતી રીતે એકાગ્રતા તરફ લઈ જાય છે.

જ્યારે બાળક મેદાનમાં દોડીને પોતાની શારીરિક ઉર્જા વાપરી નાખે છે, ત્યારે જ તે વર્ગખંડમાં સ્થિર બેસીને શીખવા માટે માનસિક રીતે તૈયાર થાય છે.