પ્રાથમિક કક્ષાએ કઈ ભાષાઓ શીખવવી અને ક્યારથી શીખવવી?


હાલમાં ગુજરાતના ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમનું પુન:ગઠન થઇ રહ્યું છે.
તેમાં એક પેચીદો અથવા વધુ વિચારવા જેવો મુદ્દો છે...
પ્રાથમિક કક્ષાએ કઈ ભાષાઓ શીખવવી અને ક્યારથી શીખવવી?
SSA ના શિક્ષણ સલાહકાર શુબીર શુક્લાએ ચર્ચાનો દોર સાંભાળ્યો..જી.સી.ઈ.આર.ટી.ના નિયામક શ્રી ભાડ સાહેબ, અભ્યાસક્રમ કમીટીના સચિવ શ્રી ટી.એસ.જોશી સાહેબ, શ્રી હરેશભાઈ ચૌધરી અને જી.સી.ઈ.આર.ટી.ના રીસર્ચ એસોસીએટ્સ બધાએ સાથે મળી વિચાર કર્યો ..નિર્ણય લેવાનો તો હજુ બાકી જ છે...એટલે ઘરે આવી કેટલાક સંદર્ભો જોઈ ગયો તેમ મારી જે સમજ તો બની સાથે એક ઉપયોગી બાબત મળી તે વિનોબાજી ભાષાઓના શિક્ષણ વિષે શું માને છે? તે..
શરૂઆત એક રમુજી ટુચકાથી-
એક વખત અકબરના દરબારમાં એક બહુરૂપી આવ્યો હતો. આ બહુરૂપી અત્યંત કમાલનો હતો. તે દરરોજ નવા નવા પહેરવેશ પહેરતો અને નવી નવી ભાષા બોલતો હતો. બહુરૂપીએ દરબારના વિદ્વાનોને પોતાની માતૃભાષા શોધી કાઢવાનો પડકાર ફેંક્યો હતો. તે દરરોજ એટલી સુંદર રીતે અલગ અલગ ભાષા બોલતો કે તેની માતૃભાષા કંઈ તે શોધી કાઢવું મુશ્કેલ બની ગયું હતું. છેવટે બીરબલે(તેના સિવાય કોણ?) આ બીડું ઝડપ્યું. તે રાતે બહુરૂપી જ્યાં સૂતો હતો તે કમરામાં ગયો અને તેના પર જરાક ગરમ પાણી નાંખ્યું. શરીર પર ગરમ પાણી પડતાં જ નિંદ્રાધીન બહુરૂપી ચીસ પાડીને ઝબકી ગયો હતો. બહુરૂપીએ જે ભાષામાં ચીસ પાડી હતી તે તેની માતૃભાષા હતી. માણસ અચેતન અવસ્થામાં જે ભાષાનો ઉપયોગ કરે તે તેની માતૃભાષા.
જન્મ બાદ બાળક માતા પાસેથી જે ભાષા બોલતા શીખે તેને માતૃભાષા કહેવામાં આવે છે. માતૃભાષા જન્મજાત સંસ્કાર સાથે આવેલી હોય છે. ગર્ભનાળ સાથે જોડાયેલી હોય છે. ત્યારબાદ તે અનેક ભાષા શીખે છે પણ જ્યારે તે અત્યંત આનંદિત હોય કે દુઃખી થાય ત્યારે તેના મોઢામાંથી માતૃભાષામાંથી જ ઉદ્ગારો નીકળે છે.
જ્યારે કોઈ વ્યક્તિને પોતાની ભાષા કરતાં અન્ય ભાષા શિક્ષણ, રોજગાર અને જીવનશૈલીની દ્રષ્ટિએ વઘુ લાભદાયી લાગે ત્યારે તે અન્ય ભાષાને અપનાવશે જ. આજે ભારતમાં આ જ થઈ રહ્યું છે. રાષ્ટ્રીયસ્તરે હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન પ્રગતિની અનેક નવી તકો પૂરી પાડે છે. આ જ કારણે મોટાભાગના યુવા ભારતીયો પોતાની માતૃભાષાને પડતી મૂકીને આ ભાષા તરફ વળી રહ્યા છે. તેમાંય અંગ્રેજી ભાષાનું ભૂત તો લગભગ બધાને માથે સવાર થયેલું છે. આ જ કારણે વાલીઓ ભૂલકાંઓને પણ અંગ્રેજીમાં જ વાતચીત કરવાની ફરજ પાડે છે. પોતાના સંતાનો માતૃભાષાને બદલે કડકડાટ અંગ્રેજી ભાષા બોલે છે તે બાબતનો ગર્વ લેતાં શહેરી માતા-પિતા જોવા મળે છે. પરંતુ આ જ કારણે આજે આપણી માતૃભાષાના મૂળ ઢીલાં પડી ગયા છે.
શ્રી વિનોબા ભાવે ભાષાના શિક્ષણ વિષે શું માને છે તે તેમના શિક્ષણ વિચાર નામના પુસ્તકમાંથી તેમના પ્રત્યેના પૂજનીય ભાવ સાથે અહી મુકું છું..


શિક્ષણનું માધ્યમ વિદ્યાર્થીની માતૃભાષા જ હોઈ શકે.
શિક્ષણની બાબતમાં એક પ્રશ્ન ભારતમાં ભારે વિચિત્ર પુછાય છે. મને લાગે છે કે આવો પ્રશ્ન દુનિયા આખીમાં બીજે ક્યાંય નહીં પુછાતો હોય. આપણે ત્યાં હજીયે પુછાય છે કે શિક્ષણનું માધ્યમ શું હોય ? શિક્ષણ માતૃભાષા દ્વારા અપાય કે અંગ્રેજી માધ્યમ દ્વારા ?
મને આ સવાલ જ વિચિત્ર લાગે છે ! આમાં વળી પૂછવાનું શું છે ? આમાં બે મત હોય જ શી રીતે, તે મારી સમજમાં નથી આવતું. ગધેડાના બચ્ચાને પૂછવામાં આવે કે તને ગધેડાની ભાષામાં જ્ઞાન આપવું જોઈએ કે સિંહની ભાષામાં, તો એ શું કહેશે ? એ કહેશે કે સિંહની ભાષા ગમે તેટલી સારી હોય, મને તો ગધેડાની ભાષા જ સમજાશે, સિંહની નહીં. એ તો દીવા જેવું સ્પષ્ટ છે કે મનુષ્યનું હૃદય ગ્રહણ કરી શકે એવી ભાષા માતૃભાષા જ છે અને તેના દ્વારા જ શિક્ષણ અપાય. આમાં શંકાને કોઈ સ્થાન નથી. દુનિયામાં એવો બીજો કોઈ દેશ નથી કે જ્યાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા નહીં અને બીજી કોઈ ભાષા હોય ! જરા ફ્રાન્સમાં કે જર્મનીમાં કે રશિયામાં જઈને કહો તો ખરા કે તમને તમારી માતૃભાષા દ્વારા નહીં અંગ્રેજી માધ્યમ દ્વારા શિક્ષણ અપાશે ! તમને સાવ મૂર્ખ ગણીને તમારી વાતને હસી કાઢશે !
હું તો ત્યાં સુધી કહીશ કે નાનાં બાળકોને શિક્ષણ એમની પોતાની માતૃભાષામાં આપવાને બદલે પારકી ભાષામાં આપશો, તો એ બાળકો નિર્વીર્ય બનશે, નિર્બોધ બનશે, એમની ગ્રહણશક્તિ બુઠ્ઠી બનતી જશે. તમારે પ્રયોગ કરવો હોય તો ઈંગ્લૅંડમાં જઈને કરી જુઓ ! ત્યાંનાં બાળકોને બધું શિક્ષણ હિંદી કે કન્નડ કે મરાઠી માધ્યમ દ્વારા આપી જુઓ ! ત્યારે તમને ખબર પડશે કે એ બિચારાં બાળકોની બુદ્ધિ પર કેટલો બધો બોજ પડે છે ! એમનાં શરીર ને પ્રાણ જીર્ણ-શીર્ણ થતાં જશે. કૃષ્ણે સાંદીપનિના આશ્રમમાં રહીને વિદ્યા પ્રાપ્ત કરી. પછી ઘરે પાછા ફરતા હતા, ત્યારે ગુરુએ કહ્યું : વર માંગો !કૃષ્ણે માંગ્યું – ‘માતૃ હસ્તેન ભોજનમએટલે કે મરતાં સુધી મને માતાના હાથનું ભોજન મળે. હું વિચાર કરું છું કે તે બાળકોની શી વલે થતી હશે, જેમને ક્યારેય માના હાથનું ભોજન ખાવાનું ભાગ્ય સાંપડતું નથી ! ક્યાંક હોટલમાં ખાય છે કે ક્યાંક ભોજનાલયમાં. માના ભોજનમાં માત્ર રોટલો જ નથી હોતો, પ્રેમ પણ હોય છે. એટલા વાસ્તે જ કૃષ્ણે માતૃહસ્તેન ભોજનમએવો વર માંગ્યો. એવી જ રીતે હું એવું માંગું કે, ‘માતૃમુખેન શિક્ષણમએટલે કે માતાને મુખેથી શિક્ષણ મળે. અને એ જ વાત માતૃભાષાને લાગુ પડે છે. બાળકને પોતાની માતૃભાષામાં જ શિક્ષણ મળવું જોઈએ. શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ હોય. માતૃભાષા દ્વારા જ પહેલેથી છેવટ સુધી બધું શિક્ષણ આપવું જોઈએ. શિક્ષણ માટે અંગ્રેજી માધ્યમની વાત કરવી, એ સો ટકા મૂર્ખામી છે.
મારું તો માનવું છે કે પહેલેથી લઈને છેલ્લે સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવું જોઈએ. હા, વિજ્ઞાનની પરિભાષા બાબતમાં આપણી ભાષાઓમાં થોડી ઘણી મુશ્કેલી જરૂર પડે, પણ પરિભાષા તો જેમ જેમ ખેડાણ થતું જાય તેમ તેમ ધીરેધીરે ઊભી થતી જશે. ત્યાં સુધી અંગ્રેજી શબ્દો ચાલશે. આપણી ભાષાઓ ઘણી વિકસિત ભાષાઓ છે અને હજી આગળ વધુ વિકસિત થતી રહેશે. આજના જમાનાનો બધો વહેવાર ચલાવી શકે તેટલી આપણી ભાષાઓ સમર્થ છે. આ હું આપણી ભાષાઓના અભિમાનને કારણે નથી કહેતો, પણ વાસ્તવમાં આ જ ખરેખર વસ્તુસ્થિતિ છે.
આપણી બધી ભાષાઓ સેંકડો વરસથી ખેડાતી આવી છે અને સેંકડો વરસનું ઉત્તમ સાહિત્ય આપણી ભાષાઓમાં છે. તેમાં જ્ઞાનની કોઈ કમી નથી. એક દાખલો આપું. કેન્ટરબરી ટેઈલ્સઅંગ્રેજીમાં બારમી સદીનો ગ્રંથ છે. એ જ અરસામાં લખાયેલો જ્ઞાનેશ્વર મહારાજનો જ્ઞાનેશ્વરીગ્રંથ મરાઠીમાં છે. આ બંને ગ્રંથો મે વાંચ્યા છે, બંનેનો મેં અભ્યાસ કર્યો છે. હવે, આ બે ગ્રંથોને તુલનાત્મક દષ્ટિએ જોઈએ તો જણાય છે કે જ્ઞાનેશ્વરીપાસે જેટલા શબ્દો છે, તેના ચોથા ભાગના પણ શબ્દો કેન્ટરબરી ટેઈલ્સમાં નથી. અને વળી, ‘જ્ઞાનેશ્વરીકંઈ મરાઠીનો પહેલો ગ્રંથ નથી. તેની પહેલાં પણ મરાઠીમાં અનેક પુસ્તકો લખાયાં છે. માટે મારું કહેવાનું એટલું જ છે કે આપણી બધી ભાષાઓ ઘણી વિકસિત ભાષાઓ છે અને આજનો બધો વહેવાર આ ભાષાઓમાં ચાલી શકે તેટલી પૂરી સમર્થ છે. એટલે શિક્ષણનું માધ્યમ આ બધી ભાષાઓ જરૂર બની શકે તેમ છે.
હા, એ વાત ખરી કે આપણી ભાષાઓમાં જોઈએ તેટલી વિજ્ઞાનની વાતો નથી. પરંતુ એમ જોવા જઈએ તો આ આધુનિક વિજ્ઞાનનું સાહિત્ય કેટલાં વરસનું ? બહુ-બહુ તો સો-બસો વરસનું. અને તે બધું ખેડાણ અત્યાર સુધી આપણી ભાષાઓમાં થયું ન હોવાથી આજને તબક્કે વિજ્ઞાનનું સાહિત્ય અંગ્રેજીમાં વધારે છે. પરંતુ જેમ જેમ આપણી ભાષાઓમાં પણ વિજ્ઞાનનું ખેડાણ થતું જશે, તેમ તેમ વિજ્ઞાનની બાબતમાંયે આપણી બધી ભાષાઓનો અવશ્ય વિકાસ થશે. આમાં કોઈ શક નથી. આ વસ્તુને જ જરા બીજી દષ્ટિએ જોઈએ. આ હકીકત છે કે વિજ્ઞાનનું ખેડાણ અત્યાર સુધી આપણે ત્યાં વિશેષ ન થયું હોવાથી એ શબ્દો અને એ પરિભાષા આપણી ભાષાઓમાં આજે નથી. પરંતુ તેવી જ સ્થિતિ અંગ્રેજી ભાષાની બીજાં ક્ષેત્રોમાં છે. દાખલા તરીકે અધ્યાત્મનું ખેડાણ આપણે ત્યાં થયું છે, તેટલું ત્યાં નથી થયું. એટલે તે અંગેના શબ્દો અંગ્રેજીમાં ઓછા જ મળે છે. જુઓ ને, અંગ્રેજીમાં માઈન્ડશબ્દ છે. તેનો એક સીમિત અર્થ છે. પરંતુ આપણે ત્યાં તો કેટલી વિવિધ અર્થછાયાના શબ્દો છે ! મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંત:કરણ; કેમ કે આપણે ત્યાં અધ્યાત્મનું ક્ષેત્ર ઘણું બધું ખેડાયેલું છે અને દરેક બાબતનો ઘણો સૂક્ષ્મ વિચાર થયેલો છે. એટલે વિવિધ અર્થછાયાના અનેક શબ્દો આપણી ભાષાઓમાં બનેલા છે. તેવા શબ્દો અધ્યાત્મના ક્ષેત્રમાં તમને અંગ્રેજીમાં નહીં જડે.
મને તો એમ પણ લાગે છે કે માનસશાસ્ત્ર બાબતમાંયે આપણે ત્યાં ઘણું ઊંડું ખેડાણ થયું છે. આપણા શબ્દો જુઓ ! ચિત્તશુદ્ધિઅથવા ચિત્તવૃત્તિ નિરોધઅંગ્રેજીમાં આવા શબ્દો નહીં જડે. તત્વજ્ઞાનના ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પણ આ જ સ્થિતિ છે. એટલે અધ્યાત્મના ક્ષેત્રે, તત્વજ્ઞાનના ક્ષેત્રે, માનસશાસ્ત્રના ક્ષેત્રે, સમાજશાસ્ત્રના ક્ષેત્રે જો આપણે અંગ્રેજી ઉપર અવલંબિત રહીશું તો આપણી વિચાર કરવાની પદ્ધતિ confused રહેશે, અસ્પષ્ટ રહેશે. અંગ્રેજીમાં તે બધી બાબતોના સૂક્ષ્મ વિચાર માટે પૂરતા શબ્દો નથી.
ટૂંકમાં, વિજ્ઞાનના ક્ષેત્રે આપણી ભાષાઓમાં અત્યારે પૂરતા શબ્દો ન હોય, તેટલા માત્રથી આપણી ભાષાઓ પૂરતી સમર્થ નથી, એમ માનવું બિલકુલ અવાસ્તવિક છે. તે નર્યો ભ્રમ છે. આપણે ઉપર જોયું તેમ શબ્દોનું તો એવું છે કે જે ક્ષેત્રમાં ખેડાણ થયું હોય, તે ક્ષેત્રના શબ્દો એ ભાષામાં વધારે હોય. અંગ્રેજીમાં વિજ્ઞાનનું વધારે ખેડાણ થયું છે એટલે તે અંગેના શબ્દો તેમ જ તેની પરિભાષા વગેરે તેમાં વધારે છે. આપણી ભાષાઓ પણ ઘણી બધી વિકસિત છે. એટલે આપણે ત્યાં વિજ્ઞાનનું ખેડાણ જેમ જેમ વધતું જશે તેમ તેમ તે ક્ષેત્રે પણ આપણી ભાષાઓ સમૃદ્ધ બનતી જશે અને ત્યાં સુધી વિજ્ઞાનની બાબતમાં આપણે અંગ્રેજી શબ્દો છૂટથી વાપરીશું. તેમાં કાંઈ ખોટું નથી. પરંતુ શિક્ષણનું માધ્યમ તો આપણી ભાષાઓ જ એટલે વિદ્યાર્થીની માતૃભાષા જ બનશે, અને માતૃભાષા જ બનવી જોઈએ.
સારાંશ કે, આપણી ભાષાઓમાં આજનો બધો વહેવાર થઈ ન શકે, એ વાત જ ખોટી. બલ્કે, બધો જ વ્યવહાર આપણી ભાષાઓમાં જ થવો જોઈએ. વિજ્ઞાન સુદ્ધાં આપણી ભાષાઓ મારફત જ સામાન્યજનો સુધી પહોંચવું જોઈએ. એ વાત નિશ્ચિત સમજી લેજો કે વિજ્ઞાન જ્યાં સુધી માતૃભાષામાં લોકો સમક્ષ નહીં મુકાય, ત્યાં સુધી તે વ્યાપકપણે ફેલાઈ શકશે નહીં. આજ સુધી વિજ્ઞાન બધું અંગ્રેજી ચોપડીઓમાં બંધ રહ્યું, તેને લીધે જ તે આપણા દેશમાં બહુ ઓછું ફેલાયું. વિજ્ઞાન તો ખેતીમાં હોઈ શકે, રસોઈમાં હોઈ શકે, સફાઈમાં હોઈ શકે. જીવનના એકેએક ક્ષેત્રમાં વિજ્ઞાનની જરૂર છે. પરંતુ અંગ્રેજોના રાજમાં પરિસ્થિતિ એવી ઊભી કરવામાં આવી કે વિજ્ઞાનના પરિચય માટે અંગ્રેજીનું જ્ઞાન આવશ્યક હતું. અને સામાન્ય લોકોને, અહીંના બહુજન સમાજને અંગ્રેજીનું જ્ઞાન હતું નહીં, તેથી કરોડો લોકોને વિજ્ઞાનનું જ્ઞાન થઈ શક્યું નહીં. આજે હવે આપણે બૂમો પાડી રહ્યા છીએ કે વિજ્ઞાનનાં પુસ્તકો માતૃભાષામાં નથી ! તો તેમાં માતૃભાષાનો અપરાધ છે કે શિક્ષણનું અને દેશનું આયોજન કરનારાઓનો ? એટલું દીવા જેવું સ્પષ્ટ છે કે હજીયે વિજ્ઞાનનો સંબંધ જો માતૃભાષા સાથે નહીં જોડીએ, તો આ વિજ્ઞાન તેના શીખનારાના પોતાના દિમાગમાં જ પડ્યું રહેશે અને ત્યાં જ તેની ઈતિશ્રી થઈ જશે. એ બહુજન સમાજમાં કદીય ફેલાશે નહીં. આ ભારે મોટી ભૂલ થઈ રહી છે. આપણે ભીંત ભૂલી રહ્યા છીએ. વિજ્ઞાનની વાત કરીએ છીએ, ત્યારે એ પાયાની વાત લગીરે વિચારતા નથી કે વિજ્ઞાન જેવી મહત્વની ચીજ જ્યાં સુધી માતૃભાષામાં નહીં હોય, ત્યાં સુધી તે સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચી શકશે ?
માટે હું તો કહું છું કે આ બધા વિદ્વાન ને ભણેલા-ગણેલા લોકો આપણી ભાષાઓમાં વિજ્ઞાન નથી, વિજ્ઞાન નથી એવી બૂમો પાડ્યા કરવાને બદલે એવું કરે કે વિજ્ઞાનને આપણી ભાષાઓમાં ઉતારવામાં કાંઈક યોગદાન આપે. અંગ્રેજીમાં વિજ્ઞાનનાં સારાં-સારાં પુસ્તકો છે. તે બધાં આપણી ભાષાઓમાં લાવવાં છે. તો જેમણે પોતે અંગ્રેજીનું જ્ઞાન મેળવ્યું, તેમણે વ્રત લેવું જોઈએ કે હું મર્યા પહેલાં એક સારા અંગ્રેજી પુસ્તકનો અનુવાદ મારી માતૃભાષામાં કરીશ. એવો અનુવાદ કર્યા વિના મરવાનો મને અધિકાર નથી. આવું કાંઈક કરો ને ! માત્ર વિજ્ઞાન નથી, વિજ્ઞાન નથી’ – એવી બૂમો પાડ્યા કરવાથી શું વળશે ? આટલું થાય તો દસેક વરસની અંદર વિજ્ઞાન અંગેનું અંગ્રેજીમાંનું જ્ઞાન આપણી ભાષાઓમાં આવી જાય, અને તે વિશે પછી કોઈને ફરિયાદ કરવાની રહે નહીં. આ બધું એમનેમ નથી થઈ જતું. તેને માટે પુરુષાર્થ કરવો પડે છે. આજે ઘણાં ક્ષેત્રોમાં અંગ્રેજી વિના ચાલતું નથી, એમ આપણે જ્યારે કહીએ છીએ, ત્યારે સાથે સાથે એટલો વિચાર નથી કરતા કે અંગ્રેજીને આવું સ્થાન મળ્યું શી રીતે ? કાંઈ આપોઆપ તો નથી મળી ગયું. તે માટે અંગ્રેજોએ કેટલો બધો પુરુષાર્થ કર્યો છે ! તેને લીધે આજે તો સ્થિતિ એ છે કે આપણા પોતાના દેશની ભાષાઓ પણ જો આપણે શીખવી હોય, તો તે અંગ્રેજી મારફત જ શીખવી પડે છે ! ધારો કે મારે બાંગ્લા ભાષા શીખવી છે, તો શું હું તેને મરાઠી મારફત કે ગુજરાતી મારફત શીખી શકીશ ? નહીં, કેમ કે મરાઠી-ગુજરાતીમાં મને બાંગ્લા કોષ નહીં મળે. તે અંગ્રેજીમાં મળશે. એટલે પછી મારે અંગ્રેજી મારફત જ બાંગ્લા ભાષા શીખવી પડશે !
એવું જ બહારની ભાષાઓ માટે પણ. વચ્ચે હું ચીની ભાષા શીખતો હતો, તો તેને માટે મારી પાસે જે પુસ્તકો આવ્યાં, તે અંગ્રેજીનાં જ આવ્યાં. એટલે આજે તો અહીંની ને બહારની ભાષાઓ અંગ્રેજી મારફત જ આપણે શીખી શકીએ એવી પરિસ્થિતિ છે, કેમ કે અંગ્રેજી ભાષામાં દરેક ભાષા માટેના કોષ મળી શકે છે. આ કોષ બધા એમનેમ બન્યા હશે ? તેને માટે કેટલી બધી મહેનત એ લોકોએ કરી હશે ! ખૂબ ખૂબ મહેનત કરીને એમણે પોતાની અંગ્રેજી ભાષાને આટલી બધી સંપન્ન બનાવી છે. ત્યારે એમની પાસેથી બોધપાઠ લઈને આપણે પણ ખૂબ મહેનત કરવી જોઈએ અને આપણી ભાષાઓને આ દષ્ટિએ પણ સંપન્ન બનાવવી જોઈએ. આવું કાંઈ કરવાને બદલે બસ, અંગ્રેજી વિના ચાલશે નહીં તેનું જ ગાણું ગાયા કરીશું, તો તે ઉચિત નહીં ગણાય. એ તો આપણા આળસની અને આપણી પુરુષાર્થહીનતાની નિશાની ગણાશે, આપણા ગુલામી માનસની નિશાની ગણાશે.
એટલે મારું કહેવું છે કે આપણી ભાષાઓ પૂરતી સમર્થ છે એટલું જ નહીં, અંગ્રેજીની સરખામણીમાં ઘણી બધી વિકસિત પણ છે. તેમાં વિજ્ઞાન વગેરેની જે કાંઈ કમી છે, તેની પૂર્તિ આપણે કરી લેવી જોઈએ; પરંતુ આપણો બધો વહેવાર આપણી ભાષાઓમાં જ ચાલવો જોઈએ તથા શિક્ષણનું માધ્યમ પણ આપણી બધી ભાષાઓ જ બનવી જોઈએ. માતૃભાષા વિના શિક્ષણ અપાય જ નહીં. શિક્ષણનું માધ્યમ વિદ્યાર્થીની માતૃભાષા જ હોઈ શકે.


શિક્ષણમાં અંગ્રેજીને સ્થાન હોય, પણ તે પ્રમાણસરનું જ.
આપણે ત્યાં નિશાળોમાં અંગ્રેજી ક્યારથી શીખવવું જોઈએ, તે વિશેયે ચર્ચા ચાલે છે. મારું માનવું છે કે પહેલાં સાત વરસનો જે અનિવાર્ય શિક્ષણનો ગાળો સમસ્ત પ્રજા માટે માનવામાં આવ્યો છે, તેમાં અંગ્રેજીને સ્થાન આપવું એ શિક્ષણની દષ્ટિએ તથા લોકમાનસના વિકાસની દષ્ટિએ મોટી ભૂલ થશે. તેનાથી અંગ્રેજીના ભાષાજ્ઞાનને વિશેષ લાભ નહીં થાય. ઊલટાની માતૃભાષા તથા બીજા વિષયોના અધ્યયનને હાનિ પહોંચશે. જેને એક વાર માતૃભાષાનું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે પાછળથી અન્ય ભાષા થોડા વખતમાં સારી રીતે શીખી શકે છે. અનેક પ્રયોગો કરીને મેં આ જોઈ લીધું છે.
નાની ઉંમરથી અંગ્રેજી શીખવીશું તો બાળક અંગ્રેજી સારું શીખશે, એ તદ્દન ખોટો ખ્યાલ છે. જ્યાં સમાજમાં આબોહવા અંગ્રેજીની હોય, ત્યાં નાનપણથી અંગ્રેજી શીખવી શકાય; પરંતુ જ્યાં સુધી વ્યાકરણ મારફત ભાષા શીખવવાની પ્રણાલી છે, ત્યાં સુધી માતૃભાષાના વ્યાકરણ અને સાહિત્યની સારી જાણકારી થયા વિના બીજી ભાષાઓ સરળતાથી પકડી શકાતી નથી. માતૃભાષાનું વ્યાકરણ ને સાહિત્ય ન જાણનારો બીજી ભાષાઓનું વ્યાકરણ ને સાહિત્ય કઈ રીતે શીખશે ? માટે શિક્ષણનાં પહેલાં સાત વરસ અંગ્રેજી ન જોઈએ. આ દરમ્યાન તો માતૃભાષાનું જ શિક્ષણ પાયામાંથી પાકું થવું જોઈએ.
વળી, આમાં સમસ્ત સમાજની દષ્ટિએ પણ વિચાર થવો જોઈએ. આપણે એ ભૂલવું ન જોઈએ કે મોટા ભાગનાં બાળકો તો સાત વરસનું જ શિક્ષણ લેતાં હોય છે. તેઓ સાત વરસથી આગળ વધતાં જ નથી. આટલું શિક્ષણ લઈને તેઓ ખેતીમાં જશે કે બીજા-ત્રીજા-નોકરી-ધંધામાં જશે. એમને અંગ્રેજીનો શો ઉપયોગ ? તો એમના ઉપર નિશાળમાં અંગ્રેજી શું કામ લાદવું ? થોડાંક વરસોમાં એમને અંગ્રેજી તો આવડવાનું છે નહીં. પણ એમના બીજા વિષયોના અધ્યયનમાં આનાથી ધક્કો પહોંચશે. એટલે એમને આ નાહકના બોજમાંથી મુક્ત રાખવાં જોઈએ. આમ, પહેલાં સાત વરસના શિક્ષણમાં અંગ્રેજીને સ્થાન ન હોવું ઘટે. આ બાબત મારા મનમાં કોઈ દ્વિધા નથી.
ઘણી વાર અંગ્રેજીનું ઉચ્ચ ધોરણ જળવાવું જોઈએ, એ બાબત બહુ ભાર મૂકવામાં આવે છે. એમ પણ કહેવાય છે કે હમણાં અંગ્રેજીનું ધોરણ બહુ બગડી ગયું છે. હવે, આ ફરિયાદમાં જો તથ્ય હોય, તો જે કાંઈ સુધારા-વધારા કરવા જેવા હોય તે જરૂર કરવા જોઈએ. કોઈ પણ ભાષા શીખવીએ, તે સારામાં સારી રીતે શીખવાડવી જોઈએ. પરંતુ સાથોસાથ હું એટલું કહું કે અગાઉ અંગ્રેજી વિશેની આપણી જે કલ્પના હતી, તેની તે કલ્પના આજે હવે નહીં ચાલે. ત્યારે જે અંગ્રેજીનું વાતાવરણ હતું, તે આજે ક્યાં છે ? અને ખરું જોતાં, આજે એવું અંગ્રેજીનું વાતાવરણ ફરી આવવું પણ ન જોઈએ. એવું વાતાવરણ જો પાછું લાવવું હોય, તો જે અંગ્રેજોને તમે ક્વિટ ઈન્ડિયા’ (ભારત છોડો) કહ્યું હતું, તેને ફરી રિટર્ન ટુ ઈન્ડિયા’ (ભારત પાછા પધારો) કહેવું પડે. પરંતુ એવું વાતાવરણ ફરી લાદવાની અને અંગ્રેજીને એવું સ્થાન પાછું આપવાની જરૂર શી છે ? તે વખતે પણ અંગ્રેજીને અઘટિત સ્થાન જ અપાયેલું.
લગભગ દોઢસો વરસ સુધી આપણે ત્યાં અંગ્રેજી-અંગ્રેજી ચાલ્યું. પરંતુ તે દરમ્યાન એવા કેટલા ભારતીય લેખકો નીકળ્યા, જેમનું અંગ્રેજી સાહિત્ય દુનિયામાં ચાલ્યું ? સરોજિની નાયડુ નીકળ્યાં, જેમણે અંગ્રેજીમાં કવિતા લખી. પંડિત નહેરુ નીકળ્યા, જેમને ઉર્દૂ ને હિંદી કરતાં અંગ્રેજી ઘણું સારું આવડતું હતું. રવીન્દ્રનાથ ઠાકુરનું સાહિત્ય દુનિયામાં ગયું. શ્રી અરવિંદનું ગયું. કદાચ બે-પાંચ બીજા હશે. જ્યારે હવેના વાતાવરણમાં તો બહુ ઊંચી કક્ષાનું અંગ્રેજી લખનારા બોલનારા ઓછા જ નીકળે છે. અને તેમાં કશી નવાઈ નથી. હું તો એમ પૂછું કે એવી જરૂર પણ શી છે ? આ દોઢસો વરસમાં કોઈ અંગ્રેજ લેખકે ભારતીય ભાષામાં કોઈ ગ્રંથ લખીને ભારતીય સાહિત્યની શોભા વધારી ? તો પછી આપણા ઉપર એવી કોઈ જવાબદારી શું કામ આવે કે આપણે અંગ્રેજીમાં લખીને મિલ્ટન ને ટેનિસન સાથે હરીફાઈ માંડીએ?
એટલે મૂળમાં તો આપણો દષ્ટિકોણ બદલાવો જોઈએ. આપણે શા માટે અંગ્રેજી શીખવું છે ? શું અંગ્રેજીમાં કવિતા કરવી છે ? અંગ્રેજીમાં સાહિત્ય રચવું છે ? કે થોડી માહિતી મેળવવી છે ? થોડું જ્ઞાન મેળવવું છે ? થોડો વહેવાર ચલાવવો છે ? એક વાર આપણા મનમાં જો આટલી સ્પષ્ટતા થઈ જશે, તો અંગ્રેજી શિક્ષણ વિશેની આપણી અપેક્ષા પણ વિવેકપૂર્વકની રહેશે. ઘણા લોકોને એમ લાગે છે કે અંગ્રેજી વગર શિક્ષણ અધૂરું રહી જશે, કારણ કે દુનિયાને માટે તે એક વિન્ડોછે, બારી છે. આ વાતમાં કાંઈક તથ્ય છે, તેની ના નહીં. પરંતુ મારું કહેવું એમ છે કે તે એકબારી છે. બુદ્ધિશાળી લોકો પોતાના ઘરમાં માત્ર એક બારી નથી રાખતા, ચારે દિશામાં અલગ અલગ બારી રાખે છે. તો જ ચારેય બાજુનું દર્શન થાય છે. એક જ બારી હમેશાં એક જ બાજુનું દર્શન કરાવશે. અને તે એકાંગી દર્શન હશે. એવી રીતે તમે જો માત્ર અંગ્રેજીની એક જ બારી રાખશો, તો સર્વાંગી દર્શન નહીં થાય, એક જ અંગનું દર્શન થશે. માત્ર અંગ્રેજી ભાષા દ્વારા જ આપણે દુનિયાને જોઈશું, તો આપણને તદ્દન એકાંગી દર્શન થશે; તે સમ્યક ને સાચું દર્શન નહીં હોય, ખોટું ને અધૂરું દર્શન હશે. આપણે અંગ્રેજી ભાષાને આધીન થઈ જઈશું અને સ્વતંત્ર બુદ્ધિથી વિચારવાનો મોકો આપણને નહીં મળે.
તેથી હું તો એમ કહીશ કે આપણે ઓછામાં ઓછી આઠ બારી રાખવી પડશે. માત્ર અંગ્રેજી જ નહીં, દુનિયાની ઓછામાં ઓછી આઠ ભાષા આપણે શીખવી પડશે. અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને રશિયન એ પાંચ યુરોપની, ચીની અને જાપાની એ બે દૂર પૂર્વની અને એક અરબી ઈરાનથી સીરિયા સુધીના વિસ્તાર માટે. ત્યારે દુનિયાનું સમ્યક દર્શન થશે. એ વાત સાચી કે આપણે ત્યાં અંગ્રેજીના શિક્ષણની સગવડ ઘણી સારી છે. એટલે અંગ્રેજી શીખનારા વધારે નીકળશે, બીજી ભાષાના ઓછા નીકળશે. પરંતુ આ આઠ ભાષાના ઉત્તમ જાણકાર આપણે ત્યાં હોવા જોઈએ. તો જ ઠીક ચાલશે. નહીં તો જાણ્યે-અજાણ્યે આપણે ઈંગ્લૅન્ડ, અમેરિકા તરફ ઢળી જઈશું. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, તોય આપણું ચિંતન એકાંગી બનશે.
એક વાત બરાબર સમજી લેવાની જરૂર છે કે આપણે જો હમેશાં અંગ્રેજી ભાષામાં જ વાંચતાં રહીશું, તો એમની માહિતી, ખબરો વગેરે આપણા ઉપર આક્રમણ કરતી રહેશે અને રશિયામાં, જર્મનીમાં, જાપાનમાં શું ચાલી રહ્યું છે, તેની આપણને ઝાઝી ખબર જ નહીં પડે; અને પડશે તોયે અંગ્રેજી ભાષા દ્વારા જ પડશે, એટલે તે વન સાઈડેડ’ (એક બાજુની) અથવા પ્રીજ્યુડાઈસ્ડ’ (પૂર્વગ્રહ ને પક્ષપાતભરી) હશે. તેથી આવડા મોટા દેશ માટે એક જ બારી રાખવામાં હું જોખમ જોઉં છું. એ ખોટું છે. એક બારીથી કામ નહીં ચાલે, અનેક બારી જોઈશે. દુનિયાનું સમ્યક દર્શન કરવા બીજી બારીઓ પણ આપણને જોઈશે. અન્ય દેશોને આપણે માત્ર અંગ્રેજોની નજરે જ જોઈએ છીએ, તો એમને અન્યાય કરીએ છીએ. બીજું એ પણ સમજવાનું છે કે અંગ્રેજી આવડ્યું એટલે દુનિયાભરમાં સહેલાઈથી ફરી શકાશે, એવો ખ્યાલ પણ સાવ ખોટો છે. અંગ્રેજી દુનિયા આખીની ભાષા છે, તે નર્યો ભ્રમ છે. દુનિયા અંગ્રેજી કરતાં ઘણી મોટી છે. અંગ્રેજી જાણનારાઓની સંખ્યા દુનિયામાં અમુક અબજ હશે અને દુનિયાની વસ્તી અબજોમાં છે. આના પરથી ખ્યાલમાં આવશે કે દુનિયામાં એવા ઘણા પ્રદેશો છે, જ્યાં અંગ્રેજીના આધારે કામ નહીં ચાલે.
તેથી દુનિયા સાથેના સંબંધ માટે આપણને સરસ અંગ્રેજી આવડવું જોઈએ, એવા ખ્યાલમાંથીયે હવે છૂટી જવું જોઈએ. તે તદ્દન ખોટો ખ્યાલ છે, નર્યો ભ્રમ છે. બીજા દેશો કોઈ આવા ભ્રમમાં નથી. આ તો ગુલામીના માનસનું જ સૂચક છે. પરદેશીઓ સાથે એમની ભાષામાં વાત કરવાની અપેક્ષા રાખવી, એ પોતાની શક્તિને કુંઠિત કરવા બરાબર છે. યુનોમાં જઈનેયે આપણે હિંદીમાં બોલી શકીએ, એવું થવું જોઈએ. રશિયા, ચીન, જાપાન વગેરે દેશો શું વિદેશો સાથે અંગ્રેજીમાં વહેવાર કરે છે ? ચાઉ-એન-લાઈ અહીં આવ્યા હતા. તેઓ એક શબ્દ પણ અંગ્રેજીમાં ન બોલ્યા. બધું ચીની ભાષામાં જ બોલ્યા. ત્યાં સુધી કે એમણે ભારતને જે સંદેશો આપ્યો, તે પણ ચીની ભાષામાં જ આપ્યો. રશિયાના બુલ્ગાનિને પણ અહીં અંગ્રેજીમાં વ્યાખ્યાન નહોતું આપ્યું. એ બધા આપણે ત્યાં આવેલા, ત્યારે પોતપોતાની માતૃભાષામાં જ બોલેલા. તો પછી આપણે પણ દુનિયા સાથે આપણી ભાષામાં વહેવાર શું કામ ન કરી શકીએ ? વિદેશમાં ફટાફટ અંગ્રેજી બોલવાથી તમને પ્રતિષ્ઠા મળશે ? કે પછી એમની નજરમાં તમે હીણા ઊતરશો ? એ તમને હજી ગુલામી માનસના જ સમજશે. આ શાંતિથી વિચારવાની વાત છે.


       ટૂંકમાં, સમજવું જોઈએ કે અંગ્રેજીનું સ્થાન ભલે દુનિયામાં મોટું હોય, પરંતુ દુનિયા અંગ્રેજી કરતાંયે ઘણી મોટી છે. માટે આપણે શિક્ષણમાં અંગ્રેજીના ઉચિત સ્થાન વિશે સ્વસ્થતાથી વિવેકપૂર્વક વિચાર કરવો જોઈએ. અંગ્રેજીને વધુ પડતું મહત્વ આપી દઈને શિક્ષણના આપણા સમગ્ર આયોજનમાં ખલેલ પડવા દેવી જોઈએ નહીં. અંગ્રેજીને સ્થાન હોય, પણ તે પ્રમાણસરનું જ.

તમારા આ બાબતે શું મંતવ્યો અમને જરૂર લખો. -- nvndsr1975@gmail.com
 કદાચ તમારો એ નાનકડો અવાજ આગામી ગુજરાતના ઘડતરમાં મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે