December 24, 2011

આપણા બાળકો સાહસિક કેવી રીતે બનશે ????

તો પછી તમે જ કહોને............... 

આપણા બાળકો સાહસિક કેવી રીતે બનશે ????

     ક્યારે ક્યારે નાના-નાના બાળકોને નાની-નાની  રમતમાં ખૂબ જ મજા આવતી હોય છે અને આવી રમતો બાળક વર્ગખંડમાં નહી પણ બહાર મેદાનમાં અને ખાસ તો વર્ગશિક્ષકની ગેરહાજરીમાં જ રમતો હોય છે,તેનું કારણ પણ એ જ કે આપણા તરફથી મળતી વણ જોઈતી સૂચનાઓ રૂપી અત્યાચાર તે સહન કરવા માગતો નથી હોતો અને પરિણામે તે આવી પ્રવૃત્તિઓ માટે શિક્ષકની ગેરહાજરીવાળો સમય અને સ્થાન પસંદ કરે છે,આવી નાની રમતોમાં બાળકોને મળતા આનંદ સામે આંખ આડા કાન કરી આપણે તેમાંના જોખમી પાસનું ગાણું શરૂ કરી દઈએ છીએ..અને "અરે... જો વાગશે તો ...અરે આમ કરતાં-કરતાં પડીશ તો?? જેવા ડાયલોગો વડે આપણે બાળકોને તે રમતના આનંદથી અને આપણી ફરજ રૂપી કામથી અગળા થઇ જઈએ છીએ અને પાછા બાળકોની કાળજી રાખ્યાનો આનંદ માણીએ છીએ,પણ આપણે તે સમયે તે બાળકની રમતના આનંદ માણવાની ભૂખને નથી સમજી શકતા કે નથી તે સંતોષવા માટેનો અન્ય કોઈ ઉપાય કરતા ! જયારે તે જ બાળકોને વર્ગખંડમાં આપણે સાહસિક વાર્તાઓ સંભળાવી સાહસિક બનવાની મફતમાં સલાહ અને ઉપદેશ પણ આપીએ છીએ..અમે એમ પણ નથી કહેતા કે બાળકોને જોખમી રમતો રમવા દેવી જોઈએ, પરંતુ આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે જેનાથી તેવી રમતોમાંના જોખમોની શક્યતાઓ ઓછી થાય. જેમ કે જો તમને જે દિવસે તમે બાળકોને કોઈ એવા બહાદૂરની વાર્તાઓ અથવા એકમ શીખવશો જેમાં આવતું હશે કે તે બહાદુર ઝાડ પરથી છલાંગ મારી તે ડાકુઓ પર તૂટી પડ્યો....! હવે આ તો બાળ-માનસ. વર્ગખંડની બહાર નીકળતાં જ તે પણ બહાદુર બનશે અને અનુકરણ પણ કરશે જ ! અને તે સમયે જો આપણે શાળામાં એક ઝાડ નીચે મોટો રેતી ભરેલો લાંબો પહોળા ખાડાવાળું એવું સ્થાન એવું બનાવેલું હોય કે જ્યાં જોખમની નહીવત જ શક્યતા હોય અથવા તો આપણી હાજરીમાં જ એવી કોઈ રમત રમાડીશું કે જેનાથી બાળકનો બહાદુરી બતાવવા માટેનો આવેશને ન્યાય મળે અને સાથે સાથે બહાદુરીના ગુણોનો પણ વિકાસ થાય..........................................................................................................








December 20, 2011

બાળકોની કલ્પનાશક્તિ....



બાળકોની કલ્પનાશક્તિ રૂપી શબ્દકોશમાં મર્યાદાશબ્દ હોતો નથી...



ક્યારેક ક્યારેક બાળકોના આંતરિક કૌશલ્યોની ક્ષમતા આપણે આંકી શકતા નથી અને કેટલીવાર જો આપણે આંકીએ તો પણ આપણે સાચા પડતા નથી અને પરિણામ આશ્ચર્યચકિત કરી દે તેવું મળે છે, બાળક તો આવું ન કરી શકે , અરે! બાળકને તો આવું આવડતું હશે???, વગેરે અંદાજો રૂપી આપણો ભ્રમ ત્યારે ભાગે છે જયારે આપણે બાળકને તે પ્રવૃત્તિ કરવાની તક અને તે માટેના સાધન-સામગ્રી સાથેનું અનુકુળ વાતાવરણ મળી રહે છે,તમે જો ધ્યાનથી વિચારો તો વર્ગખંડમાં કોઈ એવી એક પ્રવૃત્તિ કરો છો કે જેમાં બાળકને નવું જાણવાની/સમજવાની/નવું ક્રિયાત્મક સર્જન કરવાની તક મળે, તે માટે તમે દરેક બાળકોને સામુહિક માર્ગદર્શન આપો છો, અને પછી ફરીથી તે પ્રવૃત્તિ કરવા માટે કહો છો, જો અમે અમારા અનુભવોને આધારે તમારા વર્ગખંડનું પરિણામ કહીએ તો તમે જેવું ધાર્યું હતું તેવી રીતની પ્રવૃત્તિમાં  દસે ચાર-છ બાળકો પૂરેપૂરા સફળ  રહ્યા હશે, એટલે કે વર્ગખંડમાંના ૪૦% થી ૬૦% બાળકો માટે તમારું માર્ગદર્શન સફળ રહ્યું ગણાય, હવે આપણે બાકીના ૬૦% કે ૪૦% બાળકો માટે ફરીથી પ્રયત્ન કરીશું અને ત્યારે આપણે તેમાંથી પણ સારું પરિણામ મેળવીએ છીએ, પણ ઘણા પ્રયત્નો પછી પણ દસે -૧-૨ બાળકો એવા રહે છે જે તમારા ખૂબ પ્રયત્ન છતાં પ્રવૃત્તિમાં આપણી કલ્પના મુજબનું પરિણામ આપવામાં અસમર્થ રહે છે [અને તે બાળકો અસમર્થ છે તેવું માની ]આપણે આગળ વધી જઈએ છીએ, ત્યારે તે સમયની આપણી વિચારસરણીને બારીકીથી જોઈએ તો આપણને સમજાશે કે તે પ્રવૃત્તિ કરવા અને તેમાં તમારી ધારણા મુજબના પરિણામ આપવા અસમર્થ બાળક નથી હોતો પણ તેને તેની સમર્થ-શક્તિ મુજબનું માર્ગદર્શન આપવામાં આપણે નિષ્ફળ હોઈએ છે. બાળક કહે છે મારે તો જાણવું છે/શીખવું છે/સમજવું છે/દરેક પ્રવૃત્તિઓમાં સારૂ કરવું છે,પણ મારી શરત એટલી જ છે કે ....... 



                     ‘મને મારી સમજણની ક્ષમતા મુજબનું માર્ગદર્શન અને હું જે પર્યાવરણમાં સારી રીતે કામ કરી શકું તેવું અનુકુળ પર્યાવરણ મેળવી આપો અને પછી જ મારી પાસેથી તમારી ધારણા મુજબના કે તેના કરતાં પણ ઘણા સારા પરિણામની આશા રાખો..................”  



દરેક બાળકોને શાળામાં બે વસ્તુઓ ચોક્કસ અને ચોક્કસ ગમતી જ હોય છે....
                 [૧] પ્રવૃત્તિ....
                 [૨] પ્રવૃત્તિ કરાવતા શિક્ષક......

December 13, 2011

બાળવાર્તાઓ અને આપણે.....


જયારે
બાળવાર્તાઓ કહેવાની વાત આવે ત્યારે બાળકો તમને કંજૂસ તો નથી કહેતાને ????



આપણે મન જેનું મૂલ્ય નહિવત છે અને બાળકો માટે જે અમૂલ્ય છે, તે છે “બાળવાર્તાઓ”.

બાળવાર્તાઓ કહેવામાં પણ આપણે કંજૂસાઈ કરતાં હોઈએ છીએ,અમારૂ માનવું છે કે ૫ મિનીટની બાળવાર્તા બાળકને પાંચ કલાકના કાર્યનો થાક ઉતારી બાળકોમાં બીજા ૫ કલાક કાર્ય કરવા માટેનો જોમ ભરી દે છે.આવી બાળવાર્તાઓ આપણે આપવાની નથી ફક્ત કહેવાની જ છે, તેમાં પણ જો આપણે બાળકોને મન કંજૂસ સાબિત થતા હોઈએ તો તો.!!!ચાલો આજથી જ નિર્ણય કરીએ કે, હું બાળકોને રોજ ઓછામાં ઓછી એક બાળવાર્તા તો ચોક્કસ કહીશ જ !!!  

December 09, 2011

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ-૨૦૧૧....




આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમ્યાન અમારા બાળ-પહેલવાનોની  તપાસ કરતા મેડીકલ ઓફીસરશ્રી..


બાળકોને તપાસણી બાદ સુચવેલ દવાઓ મેળવતાં બાળકો.. 
 ડોક્ટરનું નામ પડતાં જ જે બાળકોને ઇન્જેકશનનો ડર દેખાવવા લાગે છે તેવા બાળકોના ડરને દૂર કરતાં  શિક્ષિકા બેનશ્રી..
તાવને કારણે વારંવાર ગેરહાજર રહેતી  બાળાની લોહી તપાસણી...
શાળાનું આરોગ્યપ્રદ પર્યાવરણ અને જોમ ભરેલા શિક્ષકો વડે જ શાળાની શૈક્ષણિક તંદુરસ્તી શક્ય છે. 

December 06, 2011

આવો,શાળાને અંગ્રેજીમય બનાવીએ...એક પ્રવૃત્તિ






                         શાળામાં કે સમાજમાં આપણે કદાચ અજાણતાં જ અનુભવીએ છીએ કે, બાળકને કોઈ પણ ભાષા શીખવા/શીખવવા માટે તેની આસપાસનું ભાષાકીય વાતાવરણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે,બાળકને કોઈ પણ ભાષા શીખવતાં પહેલાં તેની પાસે તે બાબતનું ઓડિયો અને શબ્દ ઓળખ માટે વિડિયો ઇન-પૂટ કરવું ખૂબ જ મહત્વનું છે,.બાળક તે ભાષા વિશે જે કંઈ પણ અને જેટલું પણ જાણે છે તેનો ઉપયોગ કરી બાળકોમાં તે ભાષાનું ભાથું આપવામાં આવે તો બાળક તે ભાષાને વધારે સારી રીતે શીખવા-જાણવા અને બોલવા તત્પર બને છે,અને આમ કરવાથી જ બાળક તરફથી તે ભાષા શીખવાની જરૂરીયાત વધે છે.અને જયારે શિક્ષણની જરૂરીયાત વધે છે ત્યારે તે શીખવવા માટેની પદ્ધત્તિની અસરકારકતા પણ વધે છે અને માર્ગદર્શક તરીકેની આપણી મહેનત પણ રંગ લાવે છે.  આપણે જોઈએ છીએ કે મોટેભાગે આપણી ખૂબ જ મહેનત/પ્રયત્ન છતાં આપણી પ્રાથમિક શાળાઓમાં વધારે પડતાં બાળકોમાં  અંગ્રેજી વિષયનું પાસુ ઓછું પ્રભાવી જોવા મળે છે.તેના માટેના ઘણા કારણોમાંનું એક કારણ એપણ છે કે બાળકોને શાળામાં કે શાળા બહાર અંગ્રેજી વિષયના તાસ સિવાયના સમયમાં જવલ્લેજ આ ભાષા માટેનું જરૂરી ઇનપૂટ મળી રહે છે.અને તે પણ નહિવત પ્રમાણમાં!! અને આવા તાસ  બહારના સમયમાં પણ જેટલી બાબતોમાં તેને આ ભાષાનો ઉપયોગ કરવો પડતો હોય તેમાં પણ તે અજાણતાં જ ઉપયોગ કરતાં જોવા મળે છે,એટલે કે તે બાળકને ખ્યાલ પણ નથી હોતો કે જે  તે વસ્તુ માટે તે જે શબ્દોનો ઉપયોગ કરે છે તે અંગ્રેજી ભાષાનો જ છે.....
જેમ કે  Pen  Table    Ticket    T.v.    station    packet વગેરે.
                                                                             .........આવા શબ્દો બાળક એટલા માટે જાણતો હોય છે કે આવા શબ્દો તેના રોજિંદા કાર્યમાં વાંરવાર તેના કાને સંભાળતો હોય છે...વારંવાર બોલાતો હોય છે..અથવા તો તેના વાંચન દરમ્યાન તેની આસપાસના પર્યાવરણમાં આવા શબ્દો તેની સામે વારંવાર આવ્યા કરતો હોય છે.પરિણામે વારંવારના પુનરાવર્તનને કારણે જ બાળકો આવા શબ્દોને સરળતાથી ઓળખી શકે છે-જાણી શકે છે અને ભાષામાં સરળતાથી તેનો ઉપયોગ પણ કરી શકે છે.   બસ આ જ રીતે જો આપણે આપણી શાળામાં અને આપણી આસપાસના પર્યાવરણમાંથી એવી વસ્તુઓ કે જે શાળામાં બાળકની નજરમાં વારંવાર આવતી હોય તેવી તમામ વસ્તુઓને અંગ્રેજી ભાષામાં શું કહેવાય/લખાય તે સાથેનું એક લેબલ લગાવીએ તો બાળકને જે તે ભાષાના શબ્દોનું પુનરાવર્તન સાથેનું વધારે ઇનપૂટ મળશે તે ચોક્કસ બાબત  છે.જે અંતર્ગત શાળામાંની મોટાભાગની તમામ ચીજ વસ્તુઓને બાળક અંગ્રેજી ભાષામાં જાણે,આમ કરવાથી તેની અંગ્રેજી ભાષાને જાણવા/શીખવા માટેની તત્પરતામાં વધારો થશે અને તે બાબતનું માર્ગદર્શન આપવા માટેનું આપણુંય કામ સરળ બનશે.
અમારી શાળાએ પણ આવો,શાળાને અંગ્રેજીમય બનાવીએ નામે આવી જ એક પ્રવૃત્તિ હમણાં બીજા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ શરૂ કરી છે; તે અંતર્ગત  વિદ્યાર્થીઓને આપણે કઈ કઈ વસ્તુઓ ટેગ કરવી જોઈએ તે નક્કી કરવા કહ્યું. તેમને ગુજરાતીમાં એક લાંબી યાદી બનાવી. એમાંથી મહત્વની કેટલીક વસ્તુઓ શોર્ટ આઉટ કરી. તેમના માટેના અંગ્રેજી શબ્દો ડીક્ષનરીમાંથી શોધવાનું કામ  ધોરણ આઠના વિદ્યાર્થીઓને સોપ્યું. પછી ના દ્રશ્યો તો હવે તમારી સામે છે. જો કે આ એક નાનકડો પ્રયાસ છે. તે માટેના સુધારા-વધારા માટે આપ સૌના સુચનો પણ આવકાર્ય છે.આ પ્રવૃત્તિથી  બાળકોને અંગ્રેજી ભાષાના શિક્ષણમાં કેટલો લાભ કરશે તે તો સમયાંતરે જ જાણી શકાશે અને તે અમે આપને પણ ચોક્કસ જણાવીશું. 
[લાભ એટલા માટે કે ખોટ તો નહી જ થાય તેની અમને ખાત્રી છે]









November 27, 2011

39મુ રાજ્ય કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2011



કપડવંજ મુકામે આયોજિત રાજ્ય કક્ષાનું ૩૯મું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૦૧૧ ની અમારી શાળાએ લીધેલ મુલાકાતના ફોટોગ્રાફ્સ...

November 01, 2011

બાળકોને તાજા શાકભાજી અને શિક્ષણ પણ !!!!


એક એવી પ્રવૃત્તિ જેમાં બાળકને તાજા શાકભાજીની સાથે-સાથે શિક્ષણ મળશે!!!!

જો આપણે એમ માનીએ કે બાળકો પણ શાળાને પોતાનું ઘર માની શાળાએ આવે અને શાળાની તમામ પ્રવૃત્તિમાં રસ તે માટેનો જો આપણો પ્રયત્ન હોય તો તે માટેની ખૂબ જ ફળદાયી અને બાળકો અને શિક્ષકમિત્રો વચ્ચે લાગણીનો તાંતણો બાંધતી તેમજ ગ્રામજનોની નજરોમાં શિક્ષકના સ્થાનને વધુ ઉંચાઈએ લઈ જતી એક પ્રવૃત્તિ છે, ''શાળા-કિચન ગાર્ડન” જે અંતર્ગત શાળાની વધારાની જમીનનો ઉપયોગ બાળકોની મધ્યાહન ભોજનમાં તાજા શાકભાજી મળી રહે તે માટે કરી શકાય,જેમાં શાળાની થોડીક જમીનનો ઉપયોગ શાકભાજીના વાવેતર માટે કરવામાં આવે છે,જો શાળા પાસે પોતાની જમીનની વધારે છૂટછાટ હોય તો રીંગણ, ભીંડા, મરચાં, ટામેટાં, ફ્લાવર વગેરે અને જો જમીનની છૂટછાટ ખૂબ ઓછી અથવા ન હોય તો વેલા રૂપે થતી શાકભાજી જેમ કે દૂધી, વાલોળપાપડી, ગલકાં વગેરે ધ્વારા બાળકોને પોષણક્ષમ તાજા શાકભાજી પૂરા પાડી શકાય છે, આ પ્રવૃત્તિનો મુખ્ય ધ્યેય બાળકોને શાળામાં મધ્યાહન ભોજનમાં તાજા શાકભાજી મળી રહે તે માટેનો છે પરંતુ તેની સાથે સાથે બાળકોને બીજા પરોક્ષ ઘણા જ ફાયદા થાય છે જેવા કે શાકભાજીની ખેતીનો અનુભવ, ક્ષુપ-વેલા વગેરેના પ્રત્યક્ષ નિરિક્ષણ અને શિક્ષણ, શાકભાજીની કાળજી માટેની જરૂરી પ્રક્રિયા ધ્વારા શિક્ષણ જેમ કે નિંદામણ, દવા છંટકાવ ધ્વારા તેની કાળજી જેવા ઘણા એકમોમાં T.L.M. તરીકે આપણો આ “કિચન-ગાર્ડન” ઘણો જ ઉપયોગી સાબિત થાય છે.

મસ્તી કી પાઠશાલાના આ કિચન ગાર્ડનને વિકસવાની કેટલીક ક્ષણો અહી કેમેરામાં ઝડપાઈ છે તે જોઈએ.. 
(એવી કેટલીક પળો તો ચુકી ગયા - જેવી કે- આ જગ્યાએ એક ઊંડો ખાડો હતો..અને તેને સમથળ કરવા શાળા પરિવારે કરેલ આયોજનો અને પરિશ્રમ .)

 


થોડા દિવસ પછીના ફોટોગ્રાફ્સ એટલે કે “શાળાની મહેનત બાળકો માટે રંગ[શાકભાજી] લાવી” એવું પણ કહી શકીએ..

મદદનીશ રસોઈયાશ્રી જુગાબેન 
રસોઇયાશ્રી રાજેશભાઈ મહેરા 
અમારા વડીલ અને મ.ભો.યોજનાના સંચાલકશ્રી બાબુકાકા 
સાચું કહીએ તો અમે તો ફક્ત મદદ કરી છે બાકી સારસંભાળથી માંડી તેના માટેની દરેક પ્રકારની કાળજીનો શ્રેય શાળા પરિવારના જ સભ્ય એવા મધ્યાહન ભોજનના સંચાલકશ્રી બાબુકાકા તથા રસોઇયાશ્રી રાજેશભાઈ તેમજ મદદનીશ રસોઇયાબેનશ્રી જુગાબેનને ફાળે જાય છે.
અમારા આ કિચન ગાર્ડન વિશે તમારે શું કહેવું છે? આ પ્રવૃત્તિ સાથે હજુ શું વધુ જોડી શકાય? કોમેન્ટ સ્વરૂપે જરૂર જણાવો...