June 18, 2017

થેંક્યું પી.કે.


થેંક્યું પી.કે.

                 આ પ્રવેશોત્સવમાં જ્યારે દેવ, નાઝમીન, સેજલ, હિમાલી અને નિકિતા યોગ નિદર્શન કરતા હતા ત્યારે તેમનું વિડીયો શૂટિંગ કરનાર હિતેશ એ આપણી શાળાનો પહેલો વિદ્યાર્થી કે જે જીલ્લા કક્ષા સુધી યોગની સ્પર્ધામાં પહોચ્યો હોય ! – એ વાતને આજે ૧૦ થી વધુ વર્ષ થઇ ગયા. શાળામાં યોગનો પાયો નાખનાર પ્રકાશભાઈ (પી.કે) અત્યારે અન્ય શાળામાં ફરજ બજાવે છે, પરંતુ તેમને ઉભી કરેલી એ ધરોહરથી દર વર્ષે અલગ અલગ વિદ્યાર્થી તાલુકા/જીલ્લા સુધી તો પહોચી જ જાય છે.
        એમણે શાળાના મિજાજને અનુરૂપ યોગનું ડ્રાઈવિંગ પણ બાળકોના હાથમાં આપી દીધું. અને પ્રાર્થના સંમેલનમાં સમય મર્યાદામાં યોગ, પ્રાણાયામ અને મુદ્રા કરાવવાનું લેખિત તૈયાર કર્યું, અને તે લેખિત  બાળકોને આપ્યું.... તે મુજબ પ્રાર્થનામાં દરરોજ યોગાસન, મુદ્રા અને પ્રાણાયામ થવા લાગ્યા. અને તેની અસરમાં જ હવે યોગાસન એ આપણા બાળકો માટે આસન બાબત છે.
         દરરોજના યોગ માટેની સૂચનાઓ અને શાળાના બાળકો વડે તેનું સરળતાથી નીદર્શન કરી શકે તેવા આયોજનના આ ઉમંગને સૌ સુધી વહેચવા માટે પ્રકાશભાઈ – પી.કે. એ તૈયાર કરેલી સામગ્રીને ડીઝીટલ બનાવી તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ. તે માટેની આ રહી એક લીંક... 
આ વિશ્વ યોગ દિવસ “એક દિવસ યોગ ” નહિ “દરેક દિવસ યોગ” બનાવીએ – સ્વસ્થ ભારત માટે પ્રયત્ન કરીએ !

June 09, 2017

નવા ફૂલ ખીલવવાની મોસમ !


નવા ફૂલ ખીલવવાની મોસમ !

                   .....અને આ વર્ષે શાળા પ્રવેશોત્સવના દિવસે બાળમેળો આયોજિત કરવાનું કહ્યું – ને આપણો વર્ષોથી થીજી ગયેલો કમ્ફર્ટ ઝોન તૂટ્યો ! સોશિયલ મીડિયા પર “આમ તે કઈ ચાલે ?” “આ તો શક્ય જ નથી !” થી લઇ ને “વાહ, શાળામાં પગ મુકતા બાળકોને શાળા વર્ગમાં હાર બંધ ગોઠવાયેલી નહિ પણ ‘મસ્તી’ ના મૂડમાં જોવા મળશે !” જેવા પ્રતિભાવો જોવા મળ્યા !
             આપણી શાળાને તો ભાવતું’તુ ને વૈદે કીધું ! દર વર્ષે આયોજન થઇ જતું એમ આયોજન કર્યું– પણ આ વખત સંગીત અને થીયેટર એવા બે સ્ટોલ રદ્દ કર્યા. પાંચ સ્ટોલ નક્કી થયા. બીજા દિવસે આયોજન મળ્યું એમાં સમય સવારનો હતો એટલે ફરી ફેરફાર થયો કે જો પ્રવેશોત્સવ પછી બાળમેળો હોય તો સાત જૂથના સાત સ્ટોલ જ રાખીએ. સૌએ શક્ય તેટલી બધી શક્યતાઓ ચકાસી લીધી. શિક્ષકો અને જૂથ નેતાઓને એક જ વાતની મીઠી ફિકર કે દર વર્ષે પરફેક્ટ કરીએ ત્યારે કોઈ મુલાકાતી હોતા નથી. હવે જયારે આવતીકાલે જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને અન્ય મહેમાનો આવે ત્યારે જો આપણું પ્રદર્શન દર વર્ષ જેવું ના હોય તો “દશેરાના દિવસે ઘોડું ના દોડ્યું” એ કહેવત આપણને લાગુ પડી જાય.
          પ્રવેશોત્સવમાં બાળકો માટે પીન્ટુભાઈ એનર્જીથી ભરપૂર એવું.. “મેરે દિલ સે આ રહી આવાઝ... સ્વચ્છ ભારત હો જિસ પે હો હમ કો નાઝ” લઈને આવ્યા હતા. અમૃત વચન માટે અઘોષિત હરીફાઈ થઇ ગઈ અને હાર્દિકને ચાન્સ મળ્યો. જગદીશ અને વૈભવ એના હરીફ મટી એનું નામ નક્કી થતા જ સહયોગી બની ગયા ! બીજું કોઈ નૃત્ય રાખવું છે? એના જવાબથી ખબર પડી કે “ચાર ચાર બંગડીનો ફીવર હજુ અકબંધ છે !” (એ અલગ વાત છે કે માત્ર બે દિવસ અને અડધા અડધા કલાકની પ્રેકટીસથી એમના સ્ટેપ્સમાં પરફેક્શન ના આવ્યું અને એ ગીત મહેમાનોના આવતા પહેલા રજુ કરી દેવાનું ઠરાવ્યું. યોગાસન માટે તો એક કહેતા ચાર વિદ્યાર્થીઓ તૈયાર જ હોય.
                બીજી બાજુ ઓફિસમાં કયા કયા વિદ્યાર્થીઓનું સન્માન હોય તેની ચર્ચામાં – પરિપત્ર મુજબ ૩ થી ૮ ના અને એન.એમ.એમ.એસ.માં મેરીટમાં આવેલા પાંચ તો ફાઈનલ હતા જ. સાથે આ વખતની એસ.એસ.સી.ની પરીક્ષામાં નદીસર હાઈસ્કૂલ કે જ્યાં આજુ બાજુના ૧૦-૧૨ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે બધામાં અમારો રવિ ૮૩% સાથે કુમારમાં પ્રથમ અને સોનલ ૭૪% સાથે છોકરીઓમાં પ્રથમ આવ્યા હતા. એ ગામ માટે ગૌરવ જ હતું. વળી, સોનલ તો ભરવાડ સમાજમાંથી દસ પાસ કરનારી પ્રથમ છોકરી હતી. એટલે એમનું સન્માન નક્કી થયું. ઊંડે ઊંડે થતું કે આ બધું જ પરીક્ષાના પ્રદર્શન પર આધારિત હતું તો એમાં “ગત શૈક્ષણિક વર્ષ દરમ્યાન ખેલ મહાકુંભમાં જીલ્લા કક્ષા સુધી પહોચનાર નાયક હંસા અને પરમાર સેજલનું સન્માન નક્કી થયું. હવે બાકી રહેતી કળાઓ - તો કલા ઉત્સવમાં તાલુકામાં વિજેતા થયેલા ત્રણેય વિદ્યાર્થીઓને પણ સાંકળી લેવાયા !
           આયોજનો પૂરા થયા અને – નવમી જુનની સવારથી શાળા એક ઉત્સવ માટે તૈયાર હતી. ધીમે ધીમે ગામમાંથી અને આજુ બાજુના ગામમાંથી માણસોનું આગમન સાથે શાળાના પાડોશી નટુભાઈએ સેટ કરેલી મ્યુઝીકની વ્યવસ્થા ઉત્સાહ વધારતી હતી. નગીનભાઈ સામેથી પૂછીને ખાસ ખુરશી, સ્ટેજની વ્યવસ્થા કરી ચુક્યા હતા. (અને બંને વ્યવસ્થાઓ માટે તેઓએ અમારી પાસેથી વિનંતી છતાં કોઈ આર્થીક વળતર લીધ્યું નહિ. – બસ – એક જ વાત – તમે આટલું કરો છો તો અમારાથી જેટલું થઇ શકે એટલું તો અમે કરીએ !)
                    શ્રી કે.બી.ઝવેરી, જીલ્લા વિકાસ અધિકારી સાહેબ, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ગોપાલભાઈ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભાથીભાઇ, ગામના સરપંચ બહેન રેખાબેન, પોતાના કામ પડતા મૂકી અમારી સાથે જોડાયેલા ગ્રામજનો સાથે અમે અમારા આયોજનને સાકાર કર્યું. નવા ખીલું ખીલું થયેલા ચહેરાઓ સ્ટેજ પર જઈ સરપંચશ્રી તથા ગામલોકો દ્વારા અપાયેલી કીટ લઇ હસતા હસતા – અંદર શું હશે તેના આશ્ચર્ય સાથે એક બીજાના મો તાકતા – અમારા ભાગે મલકાટ એ જ કે “સેજલ, નાઝમીન,દેવની ટીમના યોગાસન” “સ્વચ્છ ભારતનું નૃત્ય” અને હાર્દિકની ધમાકેદાર સ્પીચ - તમામે ખુબ તાળીઓ ઉઘરાવી !
             ઝવેરી સાહેબનું પ્રાસંગિક ઉદબોધન એ માત્ર પ્રાસંગિક ના રહેતા જાણે અમારા માટે ઉત્સાહનું ટોનિક બની ગયું. એમના વક્તવ્યને એમણે એ દિવસ પૂરતું માર્યાદિત ના રાખ્યું – એક અધિકારી કેવી રીતે આખી ટીમને મોટીવેટ કરી શકે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમના સ્ટેજ પરથી બોલાયેલા શબ્દો અને તેમને શાળા જોતા જોતા “અમારા બાળકોના આત્મ વિશ્વાસ, નિર્ભયતા અને કાર્યક્રમમાં બાળકોને કેન્દ્રમાં રાખ્યા ! વગેરે ચર્ચા કરી અમને જે ગૌરવ મહેસુસ કરાવ્યું; એ અમને આ નવા ફૂલડાંઓની માવજતમાં પ્રેરણા આપશે જ !
        હા, બાળમેળામાં પહેલા ધોરણના બાળકો માટે મજા હતી પણ બધા બાળકો બધા સ્ટોલ પર દર વર્ષની જેમ જઈ શક્યા નહિ. સમયની મર્યાદા નડી.  જમ્યા પછી બધા જુથે પોતે શું કર્યું તેનો મૌખિક અહેવાલ ટૂંકમાં કહ્યો અને સૌ – ગૌરવ અને આનંદ સાથે – નવા ફૂલને સાચવવાના મુક કોલ સાથે છુટા પડ્યા ! 
 


કાર્યક્રમોના સંચાલક - મનીષા ધોરણ -8
મનુષ્ય તું બડા મહાન હૈ.... 

સ્વછતાં નું મહત્વ
યોગ 


 

સ્વછતાં અને આપણે-: અમારો હાર્દિક શ્રી ઝવેરી સાહેબ [IAS]  જીલ્લા વિકાસ અધિકારીશ્રી , પંચમહાલ 
પક્ષીચણ નાખી અક્ષયપાત્રનું ઉદઘાટન કરતાં સાહેબશ્રી  


અમારા ગતવર્ષોના “પ્રવેશોત્સવ”

June 01, 2017

તમે “મમ્મી” છો કે “દાદા” ???


T તમે મમ્મી છો કે દાદા” ???

મિત્રો, 5 જૂનથી શરુ થનાર નવીન શૈક્ષણિક સત્રની શુભેચ્છા !

દિપકભાઈ તેરૈયા એ વર્ણવેલી બાળક સાથેના વર્તનની આ સરખામણી સૌ શિક્ષકોએ સમજવા જેવી છે.
                     ઉનાળાના સમયમાં બાળક મમ્મીને કહે છે તું મને બગીચામાં લઇ જઈશ?  મમ્મીનો શરતોરૂપી તીરો યુક્ત  જવાબ  – હા પણ પહેલાં તું બધું જમી લે થાળીમાં કશું છોડીશ નહિ, તો જ ! જમ્યા પછી બાળક “મમ્મી બગીચામાં? – મમ્મી – હા, બપોરે ઊંઘી જા તો જ ! સાંજે પાંચ વાગે જઈશું. બગીચામાં જતા જતા પણ બાળકનો હાથ પકડી રાખે – ન તો આમ કે ન તો તેમ ચાલવા દે – ન તો દોડવા દે કે ન તો કુદવા દે – કે જે બાળકનો સહજ સ્વભાવ છે. જાણે કે બાળકને કોઈ પ્રાણીની જેમ દોરી લાવે. બગીચામાં પેસતાં જ – “જો મારી આંખો સામે જ રમજે, ક્યાંય આડો અવળો ન થાતો કે થતી !” “હું એક બુમ પાડું એટલે તરત જ આવી જવાનું !” એની રમત પુર બહારમાં હોય – હિંચકો ભાગમાં આવ્યો હોય કે ચકડોળે મસ્તી ઘૂમરાવા માંડે કે મમ્મીની બુમ આવે “ચલ જો, આ પાણી પી લે” અને જો બાળક ના પડે તો ધમકી “હવે જો તને બગીચે જ ના લાવું !” એ બગીચાની ધમકી વશ બાળક આવીને પાણી પી જાય – આવી  કેટલીય ટકટક અને કેટલીય શરતો સાથે બાળક બગીચે જઈ આવે...
એ જ બાળક દાદાને – “દાદા, બગીચામાં લઇ જશો?” દાદાનો જવાબ- “હા, જઈએ.” “ક્યારે જઈશું?” “તારે ક્યારે જવું છે?” અને બાળકની પ્રાયોરીટી શરૂ થાય. રસ્તામાં બાળક દાદાનો હાથ પકડે અને રસ્તાની એક સલામત બાજુએ ચાલે, સાથે સાથે ખાડા ટેકરાનું દાદાને ધ્યાન દોરે. બગીચામાં પહોંચતા દાદાને બેંચ પર બેસાડી, પોતે રમવા જવાનું જાહેર કરે અને દિશા પણ બતાવે કે દાદા હું આ બાજુ રમું છું. મમ્મીને બુમો પાડી બોલાવવું પડતું હતું તે જ  બાળક  થોડી થોડી વારે દાદા પાસે આવી પૂછ્યા કરે કે “દાદા ફાવે છે કે નહિ ?”
હવે આપણે જ નક્કી કરવાનું છે કે બાળકનું વર્ગખંડોમાં જતન કરવા અને આપણા સમીપ લાવવા મમ્મી જેવી ટકટક ઉપયોગી બનશે કે પછી દાદાએ ઉભું કરેલું બાળક માટેનું પરોક્ષ અભયારણ્ય ?

May 25, 2017

પૂર્વગ્રહ છોડે, એ જ ઉપગ્રહ છોડી શકે !


પૂર્વગ્રહ છોડે, એ જ ઉપગ્રહ છોડી શકે !
બાળકો દરેક બાબત વિષે વિચારતા રહે છે. તેમના રમકડાથી લઇ મમ્મીની સાડી કે પપ્પાના પાકીટ સુધી તેમના મગજમાં વિચારો ઘુમરાતા રહે છે. એમણે મોટેરાઓની જેમ વિચારવાથી થાક નથી લાગતો ! તેમણે મન આવા વિચારો કરવા – રમકડાના ઘર/ગાડી માં નવા નવા બદલાવ કરવા એ બધું “કામ” નહિ રમત હોય છે અને તે રમત રમતમાં જ આપણને નવા આઈડીયાઝ ભેટ કરે છે.
   આપણી પાસે કોઇપણ કામનું સરલીકરણ અથવા તો નવીનીકરણ કરવા સીમિત તર્ક હોય છે, અને તેનું સૌથી મોટું કારણ હોય છે આપણા પૂર્વગ્રહો ! આપણે દરેક કામને જોતી વખતે આપણા જ્ઞાનને આધારે તે કેમ ના થાય તે વિચારવા ટેવાઈ જઈએ છીએ. બાળકો તો બસ એમની કલ્પનાની પવન પાવડી લઈને એ ય આખા બ્રહ્માંડની સફરે ઉપાડી જાય તેવા છે. આનું એક ઉદાહરણ જોવા મળ્યું  બાળકોમાં રહેલી આવી સર્જનાત્મકતા અને તર્ક શક્તિને વિકાસવાવમાં મદદ મળે તેવા એક વર્કશોપમાં – જ્યાં ૫ થી ૮ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓએ એન્જીનીઅરીંગ કરતા વિદ્યાર્થીઓ કરતા લોકોની સુખાકારી વધારવા અંગે વધુ આઈડીયાઝ આપ્યા. આ વર્કશોપનું આયોજન  યુનિસેફ-જી.સી.ઈ.આર.ટી. અને સૃષ્ટિ સંસ્થાએ ગ્રામભારતી અમરાપુર ખાતે કર્યું. ગુજરાતમાંથી ૧૦ શાળાઓને આમંત્રણ હતું. આપણી શાળાના ત્રણ વિદ્યાર્થીઓ અને એક શિક્ષકે આ વર્કશોપમાં ભાગીદારી કરી.
  એમણે જુદા જુદા અનુભવોમાંથી પસાર કરવામાં આવ્યા ! એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો, ગ્રાસરૂટ ઇનોવેશન કરનારા વ્યક્તિઓ – હા, આપણે થ્રી ઈડિયટ્સમાં જોયેલી એવી જ શાળા ત્યાં રચાઈ ! એમાં જે સ્કૂટર બતાવ્યું છે તેનો આઈડિયા જેનો હતો એ જહાંગીરભાઈએ પણ ત્યાં બાળકો સાથે સમય વિતાવ્યો ! પ્રોફેસર અનીલ ગુપ્તા સર, ચેતનભાઈ, ભાવેશભાઈ જેવા વ્યક્તિઓ સાથે વિદ્યાર્થીઓએ ત્રણ દિવસ જુદા જુદા સમયે ચર્ચા કરી. જુદા જુદા ગામડામાં જઈ ત્યાંના વ્યક્તિઓને તેમની મુશ્કેલીઓ પૂછી. તે મુશ્કેલીઓની નોંધ કરી આવ્યા બાદ તે નિવારવા શું કરી શકાય તે માટેની ચર્ચા કરી. તે આધારિત પ્લાન લખ્યો, ચિત્રો બનાવ્યા અને તે બધા સમક્ષ રજુ કર્યા ! ઇન શોર્ટ ખરા અર્થમાં જીવનને સ્પર્શતું શિક્ષણ તેમણે ત્યાં મેળવ્યું.
              હવે તો બસ શાળા ખુલે અને તેઓ ત્રણ સૌને પોતાના અનુભવો શેર કરશે અને તે પછી આવતા વર્ષે આવા વર્કશોપમાં કોણ જશે તેની ચર્ચાઓ ચાલશે ! આમ જ તેમને અમે રક્ષીશું કે તેઓ આપણી જેમ જ્ઞાન મેળવી પૂર્વગ્રહો ધરાવતા ના થાય અને સતત દરેક બાબતમાં શું સંભાવના રહેલી છે તે ચકાસતા રહે ! શું ખબર વર્ષો પછી કોઈ વૈજ્ઞાનિક નવા નદીસર પ્રાથમિક શાળાનો ઉલ્લેખ તેની લીડરશીપ હેઠળ અવકાશમાં છોડાયેલા ઉપગ્રહ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહે કે, I want to thank my Nava Nadisar Primary School for helping me to preserve my curiosity !”

May 01, 2017

વેકેશનના સમયમાં “સ્વ-ચિંતન” તરફ એક નજર....


 વેકેશનના સમયમાં “સ્વ-ચિંતન” તરફ એક નજર....
                શાળામાં વેકેશન પડવાનો અર્થ છે કે પાઠ્યપુસ્તકને વિરામ આપવો – બાળકો માટે વેકશન એટલે પરમાનંદ ! બાળકોને ગમે તે કહો તો જવાબ એટલો જ હોય છે કે ભણવા સિવાયનું તમે જે કહેશો તે બધું જ કરીશું ! ત્યારે થાય છે કે આપણે બાળકોના મનમાં વર્ગખંડોમાંની પ્રક્રિયાઓને ફકતને ફક્ત ચોક અને ટોક પુરતી સીમિત કરી બોરીંગ બનાવી દીધી છે. પરિણામે બાળકના મનમાં ઘર કરી ગયું છે કે વેકેશન એટલે ન ભણવા દિવસો. કેટલીક જગ્યાએ તો શિક્ષકો તરફથી પણ આવો જ પ્રતિભાવ મળતો હોય છે – ત્યારે પ્રશ્ન થાય કે વર્ગખંડોમાંની પ્રક્રિયા શીખનાર બાળકને નથી ગમતી  – શીખવનાર શિક્ષકને નથી ગમતી  તો પછી તેમાં બદલાવ લાવી રસિક બનાવવાની જવાબદારી કોની ? બાળકને શીખતો કરવો એ આપણો મુખ્ય ધ્યેય છે પરંતુ તેને શીખવાની પ્રક્રિયાઓમાં રસિકતા ઉભી થાય તેની જવાબદારી પણ આપણી છે – બાળકો અલગ અલગ છે – તેમ તેમનો રસ અને રસ્તો અગલ અલગ હોઈ શકે છે – આપણે શિક્ષક તરીકે જેટલા બાળકો એટલા જ પ્રકારના લેન્સનું નિર્માણ કરવું પડશે કે જે બાળકની જરૂરિયાત મુજબની ક્ષમતા ધરાવતાં હોઈ –અગલ અલગ બાળકના પસંદગી મુજબના આકારના હોય – પરંતુ તેમાંથી બધા બાળકને  સરળ રીતે એ જ સમજાઈ જતું હોય જે આપણે તેને સમજાવવા માંગતા હોઈએ ! બાળકોની શીખવાની ક્ષમતાનો સીધો આધાર પ્રક્રિયા પર રહેલો છે- માટે જ શિક્ષક પૂર્ણ ત્યારે જ કહી શકાય જયારે એક જ એકમ માટે જેટલાં પ્રકારના બાળકો તેટલી પદ્ધતિઓથી શીખવવા માટેની ક્ષમતા ધરાવતો હોય !  જે શિક્ષકો આવી ક્ષમતા ન ધરાવતાં હોય તે શિક્ષક માટે સ્લો લર્નર ચાઈલ્ડ ની જેમ સ્લો ટીચર નું લેબલ લાગતું હોય છે.  શું આપણે ‘આ’ કેટેગરીમાં તો નથીને ! તે જાણવા આપણે આપણે આ વેકેશનમાં એ બાળકોને નજર સામે રાખી ચિંતન કરવું રહ્યું જે બાળકો આ વર્ષના તમામ એકમો અભ્યાસક્રમની સંકલ્પનાઓ સમજી શક્યા નથી !! ચિંતન એ વાતનું કે શું આપણી પાસે તે શીખવી શકવાની અન્ય કોઈ આવડત હતી ? હતી તો શું કામ ન કરી શક્યા ? અને નથી તો વેકેશનમાં વિદ્યાર્થી બની ક્યાંથી શીખી લઈએ ? તમે જોયું હશે કે મોનોટોનસ બની કરેલ વર્ગખંડોમાંની મહેનત સપ્લીમેન્ટરી સુધી નથી પહોંચતી અને પરીક્ષાના પરિણામ આપણી ચિંતાઓમાં વધારો કરતાં હોય છે – ત્યારે ચિંતાને તિલાંજલી આપી ચિંતન તરફ વધી આ વેકેશનમાં સજ્જ બનીએ હવે નવા વર્ષના બાળકો માટે – સૌ શિક્ષકોનું વેકેશન ચિંતનમય બની રહે તેવી શુભેચ્છાઓ  !!!

April 29, 2017

યુ વિલ બી મિસ્ડ !


યુ વિલ બી મિસ્ડ !

જો કે એવું જ લખાયેલું છે શિક્ષકના લલાટે ! વૃક્ષ પર તેના જીવનકાળ દરમ્યાન લાગતા દરેક ફળને તે મિસ કરતુ જ હશે. પણ એનું “વૃક્ષત્વ” એમાં જ છે કે એ ફળને પોતાનાથી વિખૂટું પાડે ! એમ આપણું “શિક્ષકત્વ” એમાં જ છે કે આપણે એક બાળકને કિશોર અવસ્થા સુધી જવામાં તેના સાથી બનીએ અને પછી હળવેકથી તેની આંગળી છોડી-તેના નવા આયામો તરફ પ્રેરિત કરીએ.
મુશ્કેલ તો હોય છે (કદાચ એટલે અમે એક પણ વખત આઠમાં ધોરણના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ નથી યોજ્યો) હા, અભ્યર્થના માટે મળીએ – પણ એમાં તો વાલીઓ હોય – બીજા બધા ધોરણના વિદ્યાર્થીઓનો કલબલાટ હોય – અને અમે સહજતાથી છુટા પડી જઈએ – કોઈકવાર એવો વિચાર આવે કે જો વિધિસર – હવે આપણે નહિ મળીએ એવું કહેવું – કાલે શાળાનો દરવાજો ખુલશે અને તમે અહી દરવાજે નહી હો- એવું વિચારવું – આંખો ભીંજવી જાત !
આ વખત શાળામાંથી આવા ૨૧ વિદ્યાર્થીઓ પોતાનો આગામી પંથ કાપવા અમને વણબોલાયેલી રીતે “અલવિદા” કહી ગયા ! રવિ કે જે એના મામાને ત્યાં રહી ભણ્યો એ તો વિધિસર રીતે બધા શિક્ષકોને કહી આવ્યો કે હવે મળીએ ના મળીએ ! અને એને જોઈ લાગ્યું કે જીવનમાં કોઈ “એક દિવસ” આપણને અચાનક મોટા કરી નાખે છે –
એમની સાથે પસાર કરેલા વર્ષો એક પછી એક પસાર થઇ રહ્યા છે.....
પોતાનામાં જ રમમાણ રહેતો અલદીપ કેવી સહજતાથી હવે બીજાને મદદ કરતો થયો – વિશાલ તો જાણે શાળાનો પર્યાય – પોતાના ધોરણની હાજરી પૂરવાથી માંડી – એ ધોરણમાં સરાસરી કાઢવી-આખી શાળાની કુલ હાજરી શોધવી – ક્વીઝ તૈયાર કરવી- જાણે એ શિક્ષક બનવા જ જન્મ્યો હોય (એ જુદી વાત છે કે એને કેમિકલ એન્જીનીઅર બનવું છે !) શાળાને તાલુકા કક્ષાએ વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ વખત ગજવનાર સંજય – જીલ્લામાં ગોળાફેંક જીતનાર હંસા – અને જેને સમગ્ર વર્ષ દરમિયાન આખી શાળાને વાંચતી કરવામાં અમુલ્ય ફાળો આપ્યો એવી મનીષા ! પોતાની આગવી છટાથી શાળાના વિવિધ કાર્યક્રમોમાં સંચાલન કરતો જયપાલ ! તો વિજ્ઞાનમાં કૈક શીખે/ક્યાંક વાંચે/જુએ ને તરત જ તેના આધારે તેવું રમકડું બનાવવા મથતા અતુલ અને ફૈઝાન ! માંડ કૈક બોલે એવી અસ્મિતા – ને ક્રિકેટનું બેટ પકડે તો રોજ ધોકો લઇ નીકળી પડતા છોકારાઓની બોલીંગના છોતરા કાઢી નાખે એવી શીતલ ! પોતાની વિષમ (બધાના સાપેક્ષમાં) સ્થિતિમાં ય પોતાની અંદરનું હીર જાળવી રાખનાર હરેશ અને ધવલ ! જેને પોતાની કોઠાસૂઝથી નાગરિક ઘડતરની બાળ સંસદ પોતાનો સિક્કો જમ્વ્યો એવો પ્રિન્સ અને દરેક બાબતને દિલથી સ્વીકારી મચી પડતો ધવલપુરી ! પોતાના અભ્યાસ સાથે જેમણે પોતાના ઘરને પણ સાચવ્યું એવા દિનેશ અને સચિન ! મધ્યપ્રદેશથી અહી રહેવાનું અને તેમાંય ઘણા અઠવાડિયા બીજા ગામમાં તેમ છતાં શાળામાં શક્ય તેટલા દિવસ ભણવાનું રાખ્યું એવો અજય ! ઘેટાં બકરાં અને ગાયો- ઘરે જઈ લેશન કરવાનો તો ઠીક પણ - ચોપડી ઘેર ના લઇ જવાય એવા કેટલાય મહિના હોય – તેમ છતાં આ શાળાકીય શિક્ષણમાં તાલમેલ કરતો હરેશ ભરવાડ ! આ બધાએ અમને ઘણા અનુભવો આપ્યા છે – અમારાથી રીસાયા છે – અમને લડ્યા છે – અમે એમના પર ગુસ્સે થયા છીએ. એમની બેદરકારીને ઝાટકી છે – એમની આંખો દડદડ કરતી દડી પડી છે. પ્રેમથી પસવાર્યા છે-  એવા આ એકવીસ પૂર્જાઓ અમને સતત ઉર્જા આપશે જ –
અને એટલા જ અમે એમને મિસ પણ કરીશું ! 
 અગાઉના વર્ષની અભ્યર્થના સભા માટે માણવા માટે ક્લિક કરો >>>  અભ્યર્થના