શાળા બાળકો માટે ચાલુ હતી, શાળા બાળકો માટે બંધ છે !!!
પહેલીવાર બન્યું હતું કે ધોરણ પહેલાનાં અને બીજાનાં બાળકો એક સાથે શાળામાં પ્રવેશ્યા હતાં. એ બાળકો માટે શાળા નવી નવી હતી. સૌને સાથે રહેવાનું અને સાથે ભણવાનું પણ પહેલીવાર બન્યું હતું. શાળાઓ શરૂ થતાં કેટલાંક બાળકો જે શેરી શિક્ષણમાં આવવામાં મજા અનુભવતાં તે બાળકોને ત્યાં જ જાણે ગમી ગયું હોય તેમ શાળા ભવનમાં આવતાં ખચકાતાં હતાં. તેવા બાળકોને પણ થોડા જ દિવસમાં સાથે રમવાનું અને સાથે ભણવાનું – જાણે જચી ગયું હતું.
Sop મૂજબ શાળાઓ શરૂ થઈ એટલે બાળકોનું ટોળું થાય અથવા તો એકબીજા સાથે સ્પર્શાસ્પર્શ થાય તેવી રમતો – તેવી શૈક્ષણિક પધ્ધતતિઓથી બાળકોને દૂર રાખી શૈક્ષણિક કાર્ય કરવાનું હતું. આવામાં બાળકોને તો સૌનો સાથ અને સૌનો સંગાથ – એ જ જાણે મજાનો મંત્ર હોય છે. ત્યાં શિક્ષકને sop માં મજા ભેળવતા રાખી બાળકો માટે વર્ગખંડો આનંદમય બનાવી રાખવા એક મોટી ચેલેન્જ હતી.
આવી સ્થિતિમાં ત્રીજી લહેરનું આક્રમણથી ફરીથી શાળાઓને ગ્રહણ લાગ્યું અને બાળકો માટે શાળાઓ બંધ કરવાની ફરજ પડી. ધોરણ પહેલા અને બીજાના શિક્ષિકા બહેનોએ બાળકોને અને વાલીઓ સામે જાહેર કર્યું કે કાલથી શાળા બંધ ! નાના બાળકો માટે વ્યક્તિગત શિક્ષણ માટેની વ્યવસ્થા કરીશું. ધીમેધીમે નજીકના સ્થળોએ કેસ વધતાં શાળાએ બાળકોના વાલીઓ સાથે ચર્ચા કરી ઓનલાઇન ક્લાસ શરૂ કરવાનું આયોજન થયું. પહેલા અને બીજાના બાળકો હોય એટલે વાલી મિત્રોને તેમની સાથે જોડાવાની – શિક્ષક ધ્વારા અપાતી સૂચનાઓ વાલી સમજે અને તે મૂજબ પોતાના નાના બાળકોને ઘર પ્રવૃત્તિ વડે શીખવે તેઓ આગ્રહ રખાયો.
મજાનો કિસ્સો તો ત્યારે બન્યો જ્યારે શિક્ષિકાબેન પહેલા દિવસે સૌ બાળકો સાથે વિડીયો કોન્ફરન્સથી જોડાયા અને શિક્ષિકા બેનને તેમના શાળાના ક્લાસમાં બેઠેલા જોઈ – મૈત્રી બોલી- નિલાબેન, તમે તો શાળામાં પહોંચી ગયાં ? પીકુ બોલી - બેન શાળાઓ ખૂલી ગઈ? બે ત્રણ બાળકો – બેન, હવે તો અમે પણ કાલથી આવીશું !
શિક્ષિકા બેનની આંખમાં ઝળઝળિયા હતાં – મૈત્રીનો જવાબ માંડ આપી શક્યા કે હા અમારા માટે તો શાળાઓ ખુલ્લી છે, તમારા માટે નહીં !
બાળકોને કેવી રીતે સમજાવવા કે “ બચ્ચાઓ, તમારા માટે જ શાળા છે” એવું પહેલાં કહેતા એવું જ અત્યારે પણ છે – બચ્ચાઓ, તમારા [ સ્વાસ્થ્ય ] માટે જ શાળા બંધ છે !
No comments:
Post a Comment