સ્ક્રીનની પે’લે પાર !!!
મૂઓ ફાટીય પડતો નથી – એક માણસ તરીકે એવી ગાળો બોલવાનું મન થાય, પણ એક શિક્ષક તરીકે થાય કે ન બોલાય ! ન બોલાય એટલા માટે કે એક શિક્ષક તરીકે એટલું તો આપણને સમજાય જ છે કે કોરોના આવતો નથી, આપણા સૌ પ્રજાજનોની sop પાડવામાં રહી જતી ચૂક તેને આમંત્રે છે. બાકી તો શાળાથી બાળકોને વારેવારે વિખૂટા પાડનાર કોરોના માટે તો બહુ ગાળો દેવાનું મન થયા કરે છે.
બાળકો શાળારૂપી સ્વર્ગમાં વેલ સેટ થયાં હતાં, બે અલગ અલગ ગામનાં એક વર્ગખંડમાં ભણતાં બાળકો વચ્ચે હજુ હમણાં તો થોડી ઓળખાણ થઈ હતી ત્યાં તો ફરી આપણે સૌએ તેને વિલન બનાવી ટપકાવી દીધો. શાળા એટલે ફક્ત શૈક્ષણિક કાર્ય જ નહીં, પરંતુ શાળા એટલે સમૂહ જીવન ! અને સમૂહ જીવનમાં સાથે રમવું , સાથે જમવું, સાથે જીવવું, સાથે ઉધ્ધરવું ! બાળકોને સામુહિકતાનો પાઠ શીખવવા પર કોરોના મોટું ગ્રહણ લગાવી રહ્યો છે. આમ જોઈએ તો આ ફક્ત બાળકોનું પ્રાથમિક શિક્ષણ અથવા બાળકોની સામૂહિક પ્રવૃત્તિઓની મજા જ બગાડી રહ્યો છે એવું ભલે ટૂંકી નજરે લાગતું હોય, પરંતુ દીર્ઘ દ્રષ્ટિ એવું કહે છે કે આપણી જીવન શૈલીમાં મોટું નુકશાન કરનાર સાબિત થઈ શકે છે. સંયુક્ત કુટુંબ , વારતહેવારમાં સૌ ભેગાં થવું - ભેગાંરહેવું, સંસ્કૃત્તિને યાદમાં મેળાઓ અને મેળાવડાઓ – આ બધો આપણા જીવનનો એક ભાગ રહ્યો છે. આ બધુ જીવંત રાખવામાં પ્રાથમિક કક્ષાએ બાળકે શીખેલ સામૂહિકતાનો પાઠ મહત્વનો ભાગ ભજવતા હોય છે. માટે જ સૌ બાળકો એકબીજા સાથે ધમાલ – મસ્તી કરતાં કરતાં મોટાં થાય તે જરૂરી છે. કારણ કે તે જ તો ભવિષ્યનો સમાજ છે.
કોરોનાની સૌથી વધુ પીડા શિક્ષક ભોગવી રહ્યો છે. ઓનલાઇન ક્લાસ સમયે સ્કીનમાં દેખાતાં બાળકો જોઈને વિદેશમાં વસતા સ્વજન સાથેના મિલાપ જેવુ ભાસે છે. રોજ મળીએ – વાતો પણ કરીએ, છતાં તૃપ્તતાનો અભાવ. એ જ બાળકોને ફળિયામાં રૂબરૂ મળીએ તો પણ sop મુજબનું વર્તન જીવ બળી રહ્યો છે. અરે ! શિક્ષક તરીકેનો જીવ તો ત્યારે હૈયાફાટ કરે છે જ્યારે રૂબરૂમાં ઓફલાઇન શિક્ષણ વખતે પણ બે ભાઈબંધોને એકબીજાના ખભાપરના હાથ હટાવી સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું કહેવું પડે છે !
ખેર મુશ્કેલીઓ બદલાય ત્યારે ઉકેલ પણ બદલાતા હોય છે, અને એવા જ ઉકેલ ઉપરના ફોટોગ્રાફમાં સ્ક્રીનની આ બાજુ અમે અને પેલી બાજુ નિર્દોષ બાળકો શોધી રહ્યાં છે.
No comments:
Post a Comment