બાળકોનો
મેળો – પૂર્વાગ્રહ
સામે પૂર્વાનુભવ
આ વર્ષે મેળો કરતાંય બધાનું એકબીજા સાથે આ રીતે મળવું ખૂબ
જરૂરી હતું. લોકડાઉને બાળકોના પરસ્પર મળવાના વલણને થોડું અલગ કરી દીધું એટલે બાળકો
સાહજિકતાથી મળે અને એકબીજા સાથે પોતાના વિચારોની આપલે કરે તે માટે બાળમેળા જેવો
કોઈક પડાવ શાળાને જરૂરી હતો. કાર્યક્રમોની વ્યસ્તતા સમયે બાળમેળો? – બહુ મજા નહીં આવે તેવું અમારા સૌનું
પૂર્વગ્રહીત મગજ અમને વારંવાર કહેતું. અમેય એના કહ્યામાં આવી થોડા નીરસ અને નિરાશ
હતા. પરંતુ બાળકો તો ખૂબ ઉત્સાહિત હતા. જે સમયે બાળકોના પ્રમુખે ગ્રુપ લીડર સાથે
ચર્ચા કરી પ્રાર્થનામાં જાહેર કર્યું કે આ શનિવારે
મેળો ગોઠવીશું. ત્યારે બાળકોના ચહેરા ખીલેલા જોઈ અમેય
થોડા ઉત્સાહિત થયાં પરંતુ સાચું કહીએ તો એટલાં બધાં
નહીં જેટલાં બાળકોમાં આનંદ દેખાઈ આવતો હતો.
નાગરિક ઘડતર અંતર્ગત શાળામાંના જૂથને અલગ અલગ સ્ટોર ફાળવણી
કરતાં જ શિક્ષક તરીકે અમારા મનમાં સંશય હતા… બાળકો પોતાના સ્ટોર માટે જરૂરી વસ્તુઓ ભેગી કરી શકશે કે નહીં ? ત્યાં બીજી બાજુ બાળકો પણ પોતાના સ્ટોરની તૈયારીમાં લાગ્યા હતા. 'આટલું તો શીખવું જ પડે' એવી વાત હોય કે 'જૂનું કાપી નવું બનાવવાની વાત હોય' 'ગણિત ગમ્મત'
ની વાત હોય કે 'સરગમમાં ગાવાની નાચવાની વાત'
હોય. બધા સ્ટોરના બાળકો શું શું જોઈશે તે પૂર્વાનુભવ આધારે એકબીજા
પાસેથી મેળવી – મંગાવી લેવાનું કહેતાં. આ વખતે બાળકો માટે
નવા બે સ્ટોર હતા જેમાં બાળકો એક સ્ટોર મિત્ર રાજ્ય છત્તીસગઢની મુલાકાત કરાવતું
અને તેને ચિત્ર કે લેખન આધારે વ્યક્ત કરાવતું. બીજો એક નવો સ્ટોર કોરોના સમયે થયેલ
લોકડાઉનમાં ઊભી થયેલી પરિસ્થિતિ આધારિત હતી જેમાં બાળકોનો બાળકો સાથે સંવાદ હતો !
લોક ડાઉન દરમ્યાન તેમણે શું શું કર્યું હતું તે એકબીજા સાથે શેર કરતાં. એમની એ
સમયની સ્થિતિ અને પ્રવૃત્તિઓ શાળાને જાણવા મળી તે બાય પ્રોડક્ટ હતી. માટી સાથે
રમવાનું અને માટીથી શીખવાનું કામ માટીની મજા વાળો સ્ટોર વડે થઈ.
આ બધું તો તમે ફોટોગ્રાફ્સ વડે જોઈ જાણી – માણી શકશો. પરંતુ અમે અનુભવ્યું એ
આપણા સૌ માટે જાણવું જરૂરી છે. જે તમને ફોટોગ્રાફમાં નહીં દેખાય.
અને તે છે – બાળમેળામાં મજા નહીં આવે તેવું લાગતું હતું તે
અમારો પૂર્વાગ્રહ હતો. અને બાળકોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી તેને સફળ બનાવ્યો તે
તેમનો પૂર્વાનુભવ હતો. બાળકોએ ઉજવણી વડે એટલું તો સમજાવ્યું કે પૂર્વાનુભવ આધારે
ભવિષ્યનું આયોજન કરી શકાય પણ પૂર્વાગ્રહ રાખી નહિ..કારણકે તે નિરાશામાં ડુબાડી
દે... બાળકો સાથે અમેય શીખ્યા.. ચાલો ફોટોગ્રાફ્સ વડે માણીએ બાળકોને..
No comments:
Post a Comment